યોગ સંયોગ - ભાગ 5 in Gujarati Novel Episodes by Bhumi Joshi "સ્પંદન" books and stories Free | યોગ સંયોગ - ભાગ 5

યોગ સંયોગ - ભાગ 5

  


અદ્વિકા, અન્વયનો ખૂબ જ બેતાબીથી ઇન્તઝાર કરતી હતી. દર બે કલાકે આવેલ લગભગ દસ જેટલા બુકે, કાર્ડસ, ચોકલેટ જેવા અલગ અલગ સરપ્રાઈઝ ગિફ્ટને તેણે હોલના એક કોર્નરમાં ખૂબ સુંદર રીતે ગોઠવ્યા હતા.

અન્વય, અદ્વિકાને દરેક વખતે અલગ અલગ સરપ્રાઈઝ આપી. તેના સ્પેશિયલ દિવસને વધુ સ્પેશિયલ બનવતો આ તેની ખાસિયત અને અદ્વિકાને પ્રેમ કરવાની તેની આગવી  અદા હતી. અન્વય દરેક વખતે નિતનવા અંદાજથી અદ્વિકાને પોતાના પ્રેમમાં તરબોળ કરતો.

અદ્વિકા પણ અન્વયના પ્રેમથી તરબોળ થઈ ખુદને નસીબદાર સમજતી હતી. જિંદગીની પ્રત્યેક પળોને તે અન્વયની પ્રેમનગરીમાં ખિલખિલાટ હસતી ખેલતી જોઈ પૂરેપૂરી તૃપ્ત હતી. પોતાનું સમગ્ર અસ્તિત્વ તે અન્વયની બાહોમાં એકાકાર કરતી.

આજે પણ અદ્વિકા આંખોમાં કૈંક નવા જ અરમાનોને લઈને, અન્વયની એક નવી જ પ્રેમભરી અદામાં તરબતર થવા આતુર હતી. હવે તો એક એક પળ અન્વય વગર વિતાવવો જાણે તેના માટે મુશ્કેલ બન્યો હતો.

અન્વય પણ પ્રથમ વાર પોતાના દીલની ધડકન એવી અદ્વિકાની પાસે શક્ય એટલી ઝડપે પહોંચવા માંગતો હતો. તેણે ઘડિયાળમાં જોયું, સાંજના ચાર વાગ્યા હતા. અને હજું ઘરે પહોંચવમાં દોઢેક કલાક બાકી હતો. તેને ખૂબ ભૂખ લાગી હતી. પણ હાઇવે પર હોલ્ટ કરી બીજો અડધો કલાક બગાડવાનું તેનું મન ન હતું. કેમ કે તેની નજરો સમક્ષ તો પોતાના સુંદર વાળને લહેરાવતી અદ્વિકા જ દેખાતી હતી.

તે આજના દિવસને યાદગાર બનવવા માટે અગાઉથી જ એક હોટેલમાં અદ્વિકા માટે ગ્રાન્ડ પાર્ટીની તૈયારીઓ કરવાનું કહ્યું હતું. એક નવા સરપ્રાઈઝ સાથે તે અદ્વિકાની જીંદગીમાં પ્રેમના નવા રંગો રંગવા બેચેન હતો.

અન્વયે, અદ્વિકા ને ફોન લગાવ્યો, અદ્વિકા ફોન હાથમાં લઈને જ બેઠી હતી.તે ફોનની સ્ક્રિન પર અન્વયનું નામ જોઈ  ચહેકી ઉઠી.તેણે ફોન રિસીવ કર્યો , "હેલી અદ્વિ શુ કરે ?"

અદ્વિકા ધડકતા હૈયે બોલી,  "હેલો અન્વય ક્યારે પહોંચશો ? " લાગે છે પલકો બિછાવી મારો ઇન્તઝાર થઈ રહ્યો છે. હું બસ પહોંચવા આવ્યો છું. દોઢેક કલાક જેટલુ થશે. અન્વયે કહ્યું.

"ઓકે જાન ! હું ફોન મુકું કદાચ આગળ  ટ્રાફિક હોય . સીયુ સુન " અન્વયે ફોન મુકતા કહ્યું.

બંને એક બીજાનો અવાજ સાંભળી એકબીજાને મળવા તત્પર હતા. વિરહની અગ્નિ બન્નેને દજાડતી હતી. એ વાતથી બેખબર કે આ વિરહ જિંદગી ભરનો બની જવાનો છે. અત્યારે થયેલ વાત આખરી વાત હતી. આજના શબ્દો  આખરી શબ્દો બની જીવનપર્યંત એક યાદ બનીને રહી જવાના હતા. અન્વયે પોતાની ગાડીને પુરપાટ ભગાવી.

જેમ માણસ પોતાની જિંદગીની ઘટમાળને બદલવા નતનવા આયોજન કરી જિંદગીની રૂખને બદલવાનો પ્રયાસ કરી તેને વધુ ખુશહાલ બનાવવાનો પ્રયાસ કરે છે. તેમ ઈશ્વર પણ માણસના કરેલ આયોજન પર પોતાનું એક નવું આયોજન ગોઠવે છે. પછી તે સારું હોય કે ખરાબ કદી પોતે તેમાં  નિમિત્ત બનતો નથી. નિમિત્ત બને છે સંજોગો અને કિસ્મત !

જેનાથી રચાય છે એક અદભુત તારા મૈત્રક "યોગ સંયોગ"!

આવા જ "યોગ સંયોગ" અદ્વિકા અને અન્વયની જીંદગીની કાયા પલટ કરવા તત્પર હતા. આસમાનમાં અચાનક કાળા કાળા વાદળો જાણે પકડમ પકડી રમવા લાગ્યા. વીજળીનો ગડગડાટ રૂપી આસમાનમાં ભયાનક સંગીતની ધૂન ગુંજવા લાગી.  આટલું ઓછું હોય તેમ વાયુદેવતા પણ પોતાની તમામ શક્તિઓ લઈને કાયનાતને સાથ દેવા આવ્યા હોય તેમ પુરવેગે પવન ફૂંકાવવા લાગ્યો. આષાઢી મેઘ જાણે ખાંગા થવા તત્પર બન્યા હોય તેમ ધોધમાર વરસાદ વરસવા લાગ્યો.

એક તો રસ્તા પર પુર ઝડપે દોડતા વાહનો અને ઉપરથી વાવાઝોડા જેવા પવન સાથે અનરાધાર વરસાદ !  અન્વયને ગાડી ચલાવવામાં તકલીફ થતી હતી. રસ્તા પર જાણે કશું દેખાતું ન હતું. પણ તેને જાણે પોતાની બાહો ફેલાવેલી અદ્વિકા દેખાતી હતી. અને તે બાહોમાં સમાવવા તે બેતાબ હોય તેમ, આટલા વરસાદમાં પુર ઝડપે ગાડી દોડાવી રહ્યો હતો. અચાનક એક ટર્ન આગળ એવી જ ઝડપે આવતા ટ્રક સાથે તેની ગાડી અથડાઈ. અન્વય પોતાની ગાડીને કન્ટ્રોલ ન કરી શક્યો. તેની ગાડી ફંગોળાઈ સાંકડા રસ્તાની નીચે આવેલ ખાઈમાં પડી. અને એક બ્લાસ્ટ થયો.

*************

સાંજથી રાત પડી ગઈ  પણ હજુ અન્વય આવ્યો ન હતો. અદ્વિકા અને ઘરના લોકોની ધીરજ હવે ખૂટી રહી હતી.  દોઢ કલાકમાં પહોંચવાનું કહેતો અન્વય મોડીરાત થઈ તો પણ હજુ આવ્યો ન હતો. અદ્વિકા વિચારી વિચારીને થાકી હતી. હવે તેનો જીવ મુંજાતો હતો. વારંવાર અમંગળ વીચારો તેને ઘેરી રહ્યાં હતાં.

આખી રાત તેણે અન્વયના ઈન્તઝારમાં વિતાવી. બીજા દિવસે સવારે આકાશભાઈ એ તેના મિત્ર એ.સી.પી. રજતને ફોન કરી કમ્પ્લેન લખાવી. ઘરમાં દરેકના જીવ તાળવે ચોંટેલ હતા. અન્વયનો ફોન પણ બંધ આવતો હતો. બીજો દિવસ આખો બધાએ બેચેની અને ચિંતામાં કાઢ્યો.

બીજા દિવસે સાંજે એ.સી.પી. રજત અદ્વિકાના ઘરે આવ્યા. તે બોલ્યા, " આકાશ! મેં બધી તપાસ કરી. અન્વયની ગાડીનું ભયાનક એક્સિડન્ટ થયું છે." એક્સિડન્ટની બધી વિગતે વાત કરી. તે બોલ્યા, "આ એક્સિડન્ટ એટલું ભયંકર હતું કે અન્વય ના બચવાના કોઈ ચાન્સ નથી. "

તેમણે આપેલ પુરાવા મુજબ ગાડી અન્વયની જ હતી તે ખાતરી અદ્વિકાને અને આકાશભાઈને થઈ ગઈ હતી.

આ સમાચાર સંભળતાં જ અદ્વિકાની માથે જાણે આભ તૂટી પડ્યું. તે તો ત્યાં જ બેહોંશ થઈ ઢળી પડી. નિશાબેન પણ પોતાના એકના એક દીકરાના સમાચાર સાંભળી આઘાતમાં સરી પડ્યા.

બે  કલાક બાદ અદ્વિકાને હોંશ આવ્યો. આંખ ખુલતા જ જોયું કે તેના હાથ સાવ ખાલી ખમ હતા.  તેનું સર્વસ્વ લૂંટાઈ ગયું હતું. જન્મો જન્મ સાથ આપવાનું કહેનાર આ જન્મમાં જ  સાથ છોડી હંમેશ માટે જતો રહ્યો હતો. તેના માટે આ દર્દ જીરવવું અઘરું હતું. પણ નિશાબેનની હાલત તેનાથી વધુ ખરાબ હતી. તેને સંભાળવા પોતાની જવાબદારી છે. તેમ વિચારી અદ્વિકાએ આંસુઓના સૈલાબને પોતાની અંદર જ દબાવી દીધો. તેનું મન માનવા તૈયાર ન હતું કે અન્વય હવે આ દુનિયામાં નથી. અન્વય માટેના અઢળક પ્રેમ અને  વિશ્વાસ આ હકીકતને માનવા તૈયાર ન હતું.

પોતાની બધી પીડા, વ્યથા, સપના બધું જ પોતાની અંદર ધરબી તે અન્વયની ધરોહર એવો તેનો પરિવાર અને બિઝનેસને સાચવવા મનને તૈયાર કરી રહી. છેલ્લા એક વર્ષથી તે અન્વયની યાદોમાં ભીંજાતી, આંખોના આંસુઓને સુકવી, અન્વયના પ્રેમને દિલમાં અકબંધ રાખી તેના પરિવાર માટે જીવી રહી હતી.

******************

એક વર્ષમાં અદ્વિકાએ, અન્વયના બિઝનેસને એક નવો  આયામ આપ્યો હતો. અદ્વિકાની નજરો સમક્ષ આખો ભૂતકાળ સચિત્ર તરવરી ગયો. તે ભૂતકાળની યાદોમાંથી બહાર આવી. તેની આંખો આંસુઓથી છલકાઈ ઉઠી. તેણે લેપટોપ બંધ કર્યું. તે ઉભી થઈ પોતાના રૂમની બાલ્કનીમાં આવી. કેટલાય દિવસો બાદ આજે તે મન મૂકી પોતાના આંસુઓને વ્હેડાવતી આસમાનને તાકી રહી. જાણે આસમનના ચમકતા સિતારા સમક્ષ તે પોતાની વેદના ઠાલવી રહી.

***********

અભિનવ ઇન્ડિયા જવા માટેની ફ્લાઈટનું ચેકીંગ કરતો હતો.
બીજા દિવસ સાંજની ડાયરેકટ નહીં પણ કનેક્ટેડ ફ્લાઈટ અવેલેબલ હતી. તેણે બીજા દિવસની સાંજે કેનેડાથી બોમ્બે ત્યાંથી 3 કલાક બાદ બોમ્બેથી બરોડાની ફ્લાઈટની ટિકિટ અવેલેબલ હતી. તેણે પોતાની બે દિવસ બાદની ટિકિટ હતી તે  કેન્સલ કરી .અને બીજા દિવસ સાંજની કનેક્ટેડ ફ્લાઈટમાં એક ટીકીટ બુક કરી.

સાંજથી સ્નોફોલ બંધ થતાં તેને ખાતરી હતી કે સવાર થતા બધાં રસ્તા ખુલી જશે. તેણે રાત્રે જ પોતાનો સમાન પેક કર્યો. તે વિચારતો હતો કે સવારે આધ્યાને શુ કહેશે ?

તેનું દિલ તો ઇન્ડિયાનું નામ સાંભળતાં જ જોરજોરથી ધડકવા લાગ્યું. કોઈની ચાહતથી રંગાયેલું તેનું મન તેની યાદમાં તડપવા લાગ્યું.

શું છે આ હલચલ..
દિલ કેમ આમ ધડકવા લાગ્યું..
ચાહતના રંગોથી રંગાયેલું દિલ..
તેની યાદમાં કેવું તડપવા લાગ્યું...!

ક્રમશઃ
Bhumi joshi. "સ્પંદન"


Rate & Review

Pradyumn

Pradyumn 4 days ago

Indu Talati

Indu Talati 2 weeks ago

Vishwa

Vishwa 2 weeks ago

Vijay

Vijay 2 weeks ago

Bhavika Pandya

Bhavika Pandya 3 weeks ago