યોગ સંયોગ - ભાગ 6 in Gujarati Novel Episodes by Bhumi Joshi "સ્પંદન" books and stories Free | યોગ સંયોગ - ભાગ 6

યોગ સંયોગ - ભાગ 6

   
 
અદ્વિકા રોજ સવારે વહેલી ઉઠી, બધાનો નાસ્તો બનાવી, સૌ પ્રથમ રોજ નિશાબેનને મંદિરે લઈ જતી. ત્યાંથી આવ્યા બાદ  તુરંત તે ઓફિસે પહોંચી જતી. સવારે દસ વાગ્યે તે અચૂક ઓફીસ પહોંચી જતી. આજે તે ઓફીસ નીકળી એટલે રસ્તામાંથી જ સૌપ્રથમ તેણે ડો. મહેરાને ફોન કર્યો.

"હેલ્લો અંકલ.. "ફોન રિસીવ થતા અદ્વિકા બોલી.

"હેલ્લો બેટા!  આજે સવાર સવારમાં ?" ડો.મહેરા બોલ્યા.

"અંકલ મમ્મીનો રિપોર્ટ આવી ગયો ? "અદ્વિકા ગંભીર સ્વરે બોલી.

"બેટા, તું એક કામ કર આજે સાંજે તું રિપોર્ટ કલેક્ટ કરતી જજે. એમ પણ મારે તારી સાથે વાત કરવી છે." ડો.મહેરાએ કહ્યું.

ડો.મહેરાની વાત સાંભળી અદ્વિકા  ચિંતિત થઈ ગઈ. તે બોલી, "અંકલ કંઈ ચિંતા જેવું તો નથી ને ?"

અદ્વિકાની વાત સાંભળી ડો.મહેરા હસવા લાગ્યા તે બોલ્યા, જે ઘરમાં તારા જેવી દીકરી હોય ત્યાં શુ ચિંતા ! તું કંઈ ટેંશન ન લે. સાંજે ક્લિનિક આવી જજે. "

અદ્વિકા નિશાબેનના વિચારોમાં ઓફીસ ક્યારે પહોંચી ગઈ તેનો તેને ખ્યાલ જ ન રહ્યો. તે ઓફિસમાં આવતા જ વિજય કાકા તેને મળવા આવ્યા. તે બોલ્યા,  "બેટા, આવતી કાલે પ્રોજેકટ લોન્ચની ઈવેન્ટ હતી. તે ત્રણ દિવસ  બાદ થશે. અને આ લોન્ચિંગના રિહર્સલ અને ફાઈનલ ચેકીંગ માટે આજે સાંજે આપણે  પ્રોજેકટ ટિમ સાથે ઈવેન્ટ રાખેલી. પણ મુખ્ય લોન્ચિંગ ઈવેન્ટ ડીલે થઈ !  બેટા આ બીજી વાર થયું. જે પ્રોજેકટ એક વિક પહેલા લોન્ચ થવાનો હતો તે હજુ પણ કોઈને કોઈ કારણોસર અટકી રહ્યો છે.  ખબર નહિ આ ઈવેન્ટનો યોગ ક્યારે થશે ?  "

વિજય કાકાની વાત સાંભળી અદ્વિકાને ધ્રાસકો પડ્યો.
અદ્વિકાને પણ કશું સમજાયું નહીં કે આ શું થઈ રહ્યું છે !  ખરેખર કોઈને કોઈ બહાને આ પ્રોજેકટ લોન્ચિંગ ડીલે થઈ રહ્યો હતો.  તે જાણતી હતી વારંવાર આવું થવાથી ટેકનીકલ ટીમનો અંદરનો વિશ્વાસ તૂટી જાય. પ્રોજેકટ સાથે સંકળાયેલ ડેવલોપર અને ડિઝાઈનર પણ હતાશ થઈ જાય.
આ બધું વિચાર્યા બાદ તે બોલી, "

"કાકા, આપણી ઈવેન્ટ કેન્સલ ન કરશો. આજની રિહર્સલ ઈવેન્ટ કન્ટીન્યુ રાખો. હું કોઈ ચાન્સ લેવા નથી માંગતી. હું હમણાં પ્રોજેકટ ડેવલપર સાથે મિટિંગ કરું છું. "

"કાકા, આ ફક્ત પ્રોજેકટ નહીં પણ અન્વયનું સપનું છે. જે હું પૂરું કરીશ. આ પ્રોજેકટની સફળતા માટે તેણે દિવસ રાત  મહેનત કરી હતી. તેને સફળ કરવા જ તે એક અન્ય ડીલ કરવા ગયા હતા. જે અધૂરી રહી ગઈ. " અદ્વિકાનો સ્વર ભીનો થઈ ગયો હતો.

"હા બેટા, હું બધું જાણું છું અન્વયના તે સપનાને પૂરું કરવા તું ઝઝૂમી રહી છે." વિજય કાકા બોલ્યા.

કાકા , "આ કોઈ સામન્ય પ્રોજેકટ નથી. આ એક એવો પ્રોજેકટ છે, જે ઇન્ડિયામાં પ્રથમ વાર  લોન્ચ થઈ રહ્યો છે. આ પહેલા કોઈ ઇન્ડિયન કંપનીએ આ કામ કર્યું નથી.એટલે વિદેશી કંપનીની નજર પણ આના પર છે.  આ પ્રોજેકટ  લોન્ચ થતા જ વિદેશી કંપનીઓ આપણી સાથે ટાયપ કરવા તલપાપડ થશે." અદ્વિકાના ચહેરા પર તરવરતા જુસ્સાને વિજય કાકા જોઈ રહ્યા.

આ પ્રોજેકટને લોન્ચ કરવાનું સાહસ અદ્વિકા અને તેની ડિઝાઈનર તેમજ ડેવલોપર ટીમે કર્યું હતું. લગભગ છેલ્લા છ માસથી તેઓ આ પ્રોજેકટને સફળ બનાવવા ભગીરથ  પ્રયાસ કરતા હતા.

વિજય કાકા બોલ્યા , "બેટા, ઈશ્વરે જરૂર કોઈ સંયોગ રચ્યા છે. જે આ પ્રોજેકટ સાથે સંલગ્ન છે. જે થશે તે સારું થશે તારી મહેનત વ્યર્થ નહીં જાય. તારા ચહેરાનો જૂસ્સો આખી કંપનીના માણસોને પ્રેરક બળ આપે છે."

અદ્વિકાએ પ્રોજેકટ ટિમ બોલાવી, પ્રોજેકટની રિહર્સલ ઈવેન્ટ યોજી અને બધાં પ્રેઝન્ટેશન  રિલે કર્યા. ક્યાંય કશું બાકી નથી રહેતું તે ચેક કરાવ્યું.  પ્રોજેકટ ટીમનું અભિવાદન કરી તેમને એપ્રિશીએટ કર્યા.

તે બધું કામ પતાવી રહી ત્યાં સાંજ પડી ગઈ. તે ઘરે જવા નીકળી ત્યાં જ તેને ડો.મહેરાને મળવાનું યાદ આવ્યું. તે હોસ્પિટલથી સીધી ક્લિનિક પહોંચી.
તે ડો.મહેરાની કેબિનમાં ગઈ.

"આવ બેટા, પહેલા તો તારા ચહેરાની આ ચિંતાની લકીરોને  મુક્ત કર."  ડો.મહેરા બોલ્યા.

"અંકલ, મમ્મીના રિપોર્ટ કેવા છે ? શું છે રિપોર્ટમાં ?"
અદ્વિકા બોલી.

"બેટા, રિપોર્ટ  સારા છે હમણાં સર્જરીની જરૂર નથી. બસ તેને કોઈ ટેંશન થવું ન જોઈએ.  ખુશ રહે. સમય સર દવા લેતા રહે તો વધુ કોઈ તકલીફ નહીં થાય." ડો.મહેરાએ રિપોર્ટ બતાવતા કહ્યું.

ડો. મહેરાની વાત સાંભળી અદ્વિકાના ચહેરા પર ખુશી  છવાઈ ગઈ. તે રિપોર્ટ કલેક્ટ કરી ઘરે જવા નીકળી.

****************

અભિનવ  સવારે ઉઠતા જ બહાર બાલ્કનીમાં આવ્યો.  બહાર એકદમ સાફ રસ્તા અને વાતાવરણ જોઈ  તે ખુશ થઈ ગયો. અત્યારે  દસ વાગ્યા હતા. સાંજે ચાર વાગ્યાની ફ્લાઈટ હતી.  બે વાગ્યે તેને એરપોર્ટ જવાનું હતું.

તેની પાસે ત્રણ ચાર કલાક હતી . તેણે આજ બપોરનું લંચ આધ્યા સાથે લેવાનું નક્કી કર્યું. પોતાની દોસ્તી ખાતર , જતા પહેલા તે આધ્યાને મળવા માંગતો હતો. તેણે આધ્યાને સરપ્રાઈઝ  આપવાનું નક્કી કર્યું. તેણે જલ્દીથી પોતાનો બધો સામાન પેક કર્યો.

એક ખાસ ચીજને તે આટલા વર્ષોથી દિલને ચાંપી બેઠો હતો તે મૂકી.તે વસ્તુ હાથમાં લેતા જ તેના દિલની ધડકનો તેજ થવા લાગી. કેટલાય સ્પંદનો એક સાથે દિલના દ્વારે દસ્તક દેવા લાગ્યા. વર્ષોથી દબાવેલી લાગણીઓ  બહાર આવવા ઝંખી રહી. તેની આંખમાંથી એક અશ્રુ ગાલ પર ટપકતું હાથમાં રહેલ તે વસ્તુ પર પડ્યું. મહા મુસીબતે તેણે તડપતી યાદોનું એ પોટલું દિલના કોઈ ખૂણે ફરીથી ધરબી દીધું.

તે થોડો સ્વસ્થ થયો અને આધ્યાના ઘરે જવા રવાના થયો. આખા રસ્તે તે એ જ વિચારતો હતો કે  પોતે આધ્યાને કેવી રીતે મનાવશે. કેમ કે તે જાણતો હતો કે આધ્યા તેના પ્રેમમાં પાગલ  છે.  પોતાના દિલમાં તો આધ્યા ફક્ત એક સારી દોસ્ત હતી.  આ જ વાત તે આધ્યાને સમજાવી સમજાવીને થાક્યો હતો. વિચારતા વિચારતા તે આધ્યાના ઘરે પહોંચ્યો. તેણે ડોર બેલ મારી.

આધ્યાએ દરવાજો ખોલ્યો,  સવાર સવારમાં અભિનવને જોતા જ તે તેને વળગી પડી.  આ સરપ્રાઈઝથી આધ્યા  ખુશીથી ઉછળી પડી હતી. પર્પલ કલરના બેકલેસ શોર્ટ્સમાં તે  અત્યંત મનમોહક લાગતી હતી. ખરેખર તે એટલી સુંદર હતી કે કોઈ પણ તેનો પ્રેમ પામી ખુદને ધન્ય માને. પણ અભિનવ કઈંક અલગ હતો. તેને  આધ્યાની સુંદરતાથી કોઇ ફર્ક નહોતો પડતો. અને આજ વાત આધ્યાને તેની તરફ વધુ આકર્ષિત કરતી.

સુંદરતા એટલે શું ફક્ત તન ઉજળું હોય તે જ ? ના, બિલકુલ નહીં. એટલે જ કહેવાય છે કે ઉજળું એટલું દૂધ નથી હોતું. સાચી સુંદરતા તો જોનારની આંખોમાં હોય છે. કેમ કે ચામડીનો વર્ણ ગોરો હોય કે  કાળો. પણ જોનારની આંખોમાં તેના સ્વભાવને, તેના વિચારોને તેના સમગ્ર વ્યક્તિત્વને ઓળખવાની ક્ષમતા હશે તો તેને સાચી સુંદરતાના દર્શન અવશ્ય થશે.  બાકી તો બાહ્ય આકર્ષણમાં ખેંચાઈ જાય છે પણ મનથી કોસો દૂર રહી જાય છે.

અભિનવ , આધ્યાના ચહેરાને તાકી રહ્યો. તેના માસુમ ચહેરા પર આખીરાતનો ઉજાગરો સાફ દેખાતો હતો. 

અભિનવ તેની પાસે બેસ્યો તેની સાથે નજરો મિલાવતા બોલ્યો, "કેમ  આધ્યા ? શા માટે ખુદને  આટલી તકલીફ આપે છે.  જેનો તને ઇન્ટઝાર છે તે હું કદી નહીં આપી શકું. ખુદને આમ તકલીફ દેવાનું બંધ કર."

અભિનવની વાત સાંભળી આધ્યા ઉભી થઈ ગઈ તે બોલી, "સવાર સવારમાં તું મને અહીં લેક્ચર  આપવા આવ્યો છે ?
આજે હું કશું સાંભળવા નથી માંગતી. પહેલી વાર તું આમ સામેથી મને મળવા આવ્યો છે હું આ પળને મારા દિલમાં કેદ કરી લેવા માંગુ છું. શું ખબર ફરી આ દિન આવે ન આવે ! "

"તું બેસ હું કોફી બનાવી લાવુ છું." આધ્યા ઉભી થઈ  કિચનમાં ગઈ. અભિનવની જેમ આધ્યા પણ એકલી જ રહેતી હતી. બંનેની દોસ્તી કેનેડા આવ્યા બાદ એક બિઝનેસ મિટિંગથી થઈ.  બંને એ મળી બિઝનેસ સ્ટાર્ટ કર્યો.

થોડીવારમાં આધ્યા કોફી લઈને આવી. બંનેએ કોફી પીધી થોડીવાર બિઝબેસની વાતો કરી. એકાદ કલાક બેઠા બાદ અભિનવે લંચ માટે જવા કહ્યું.

આધ્યા માટે તો આ પણ સરપ્રાઈઝ જ હતી. આવી રીતે બંને એકલા ઓફિસના કામ સિવાય પ્રથમ  વાર બહાર નીકળ્યા હતા.  આધ્યા જાણે આ બધા પળોને જીવી લેવા  માંગતી હતી. લંચ પણ પતી ગયું. અભિનવ વિચારતો હતો કે આધ્યાને કેમ જણાવું ?

અભિનવના ચહેરાના બદલાતા ભાવ જોઈ આધ્યા બોલી, અભિનવ ! આજે ક્યારની ફ્લાઈટ છે ? ઈવનિંગ ? "
આધ્યાનું આ વાક્ય સાંભળી અભિનવ સ્તબ્ધ થઈ ગયો. તેને વિચારતો હતો કે આધ્યાને ખબર  કેમ પડી ?

શું અભિનવ ઇન્ડિયા પહોંચી શકશે ?
શું અદ્વિકા અને અભિનવના સંયોગ મળશે ?
જાણવા માટે વાંચતા રહો.
ક્રમશઃ
Bhumi joshi "સ્પંદન"


Rate & Review

Pradyumn

Pradyumn 4 days ago

Bhakti

Bhakti 1 week ago

Indu Talati

Indu Talati 2 weeks ago

Krupa Dave

Krupa Dave 2 weeks ago

Vijay

Vijay 2 weeks ago