યોગ સંયોગ - ભાગ 7 in Gujarati Novel Episodes by Bhumi Joshi "સ્પંદન" books and stories Free | યોગ સંયોગ - ભાગ 7

યોગ સંયોગ - ભાગ 7

  
અભિનવનો ચહેરો જોઈ આધ્યા હસવા લાગી. તે બોલી, "ચિલ... તારી જાસૂસી નથી કરતી. પણ તારું આમ આખો દિવસ મારી સાથે રહેવું મને બધું સમજાવી ગયું. હું તારી નસનસને જાણું છું. તારા મનને વાંચી શકું છું. આજ  વાત કરવા તું મને અહીં લાવ્યો ? જે તું નથી બોલતો તે તારી આંખો બોલે છે. "

આધ્યાની વાત સાંભળી અભિનવ બોલ્યો, "સોરી ડિયર ! હવે હું નહીં રોકાઈ શકું. મેં બે દિવસ બાદની ટિકિટ પોસ્ટપોન કરી આજ સાંજની કનેક્ટેડ ફ્લાઈટ અવેલેબલ હતી તે કરી છે. તું જ વિચાર કે,  જે ફ્લાઈટમાં બે દિવસ પહેલા વેઇટિંગ હતું. તેમાં આજે અચાનક મળી ગઈ. સ્નો ફોલ પણ બંધ થઈ ગયો. બાકી આ સીઝનમાં આટલી જલ્દી થાય ? જે પ્રોજેકટ માટે હું ઇન્ડિયા જવા મથતો હતો તે કોઈને કોઈ કારણસર ડીલે થતો. અને અત્યારે અચાનક તે પ્રોજેક્ટના ઇન્ડિયન ડિલરનો સામેથી ફોન આવ્યો.  "

"આટલું ઓછું હોય તેમ બીજી એક વેબલોજી સ્ફેર નામની કોઈ ખૂબ જ મોટી મલ્ટીનૅશનલ કંપની છે તેઓ એક ખૂબ મોટો પ્રોજેકટ લોન્ચ કરી રહ્યા છે. જે ઇન્ડિયામાં ફર્સ્ટ ટાઈમ થઈ રહ્યો છે. તેની લોન્ચિંગ ઈવેન્ટમાં પણ આપણી કંપની તરફથી મારે જવાનું છે.  તે મેઈલ પણ આપણા સી.ઈ. ઓ. એ આજે જ કર્યો.  એટલે  વિશ્વાસ દ્રઢ થયો કે કિસ્મત બોલાવી રહી છે."

"એટલે જતા પહેલા આજનો આખો દિવસ તારી સાથે સ્પેન્ડ કરવાનું નક્કી કર્યું. આધ્યા જ્યારથી આપણી દોસ્તી થઈ ત્યારથી દરેક  વખતે તે મારા નિર્ણયમાં સાથ આપ્યો છે તો આજે પણ આપીશને ?"

અભિનવે, આધ્યાનો હાથ પોતાના હાથમાં લેતા કહ્યું. 

આધ્યા બોલી, "તારી આ નિખાલસતા જ મને સ્પર્શી જાય છે. તું નિઃ સંકોચ જા. બસ ત્યાં જઈ મને ભૂલું ન જતો. હમેશ એટલું યાદ રાખજે કે દૂર...કોઈ ફક્ત તારા માટે જીવે છે. જેના હર શ્વાસ તારા નામથી ચાલે છે. ગમે ત્યારે કોઈ પણ મદદ હોય નિઃસંકોચ બસ એક વાર યાદ કરજો. તારી આ દોસ્ત તારી સામે હાજર હશે. આ સાત સમુદ્રની દુરી પણ મને તારી પાસે આવતા રોકી નહિ શકે. "

"ચાલ, હવે જમી લઈએ. હું તને એરપોર્ટ પર ડ્રોપ કરવા આવું છું. હવે હું તને ડ્રોપ કરી પછી જ ઘરે જઈશ. એમ પણ આખા કેનેડામાં તારા સિવાય મારુ છે પણ કોણ ?  એટલે કોઈને મળવાનો તો સવાલ જ નથી ! "આધ્યા એ ચહેરાની નિરાશને ખંખેરતા હસતા ચહેરે કહ્યું.

આધ્યાની વાત સાંભળી અભિનવના દિલનો બોજ ઉતરી ગયો.  અભિનવે ઉભા થઈ આધ્યાને એક હૂંફાળું આલિંગન  આપ્યું.

બન્ને જમીને અભિનવને ઘરે જઈ બધો સામાન લીધો. અને બન્ને એરપોર્ટ જવા રવાના થયા.  એરપોર્ટ પહોંચી અભિનવ લગેજ ચેકીંગમાં જતા પહેલા બોલ્યો, "આધ્યા , આ નાનકડી ગિફ્ટ તારા માટે છે. ઘરે જઈ ખોલજે. " અભિનવે પોતાના બેગમાંથી એક બોક્સ કાઢી આધ્યાને આપ્યું.

આધ્યા તે બોક્સ લઈ ભીના સ્વરે બોલી, જલ્દી પાછો આવજે હું તારી રાહ જોઈશ. પહોંચી કોલ કરી દેજે. અને ત્યાંનું તારું એડ્રેસ પણ મોકલી દેજે.

ભીના સ્વરે અને ભીની આંખે અભિનવને સી ઓફ કરી આધ્યા ત્યાંથી ઘરે જવા નીકળી.  તેના લથડાતા કદમો માંડ માંડ ગાડી સુધી પહોંચ્યા. તે ગાડી પાસે આવી ચોધાર આંસુએ રડી. તેનું દિલતો શું જાણે તેનું સર્વસ્વ અભિનવ લઈ ગયો હોય તેવા અહેસાસ તેને ઘેરી વળ્યાં.  ખુદને માંડ માંડ સમેટતી તે ગાડી લઈ ત્યાંથી રવાના થઈ.

એકતરફી પ્રેમનું દર્દ જીરવવું ખરેખર દુષ્કર હોય છે. વ્યક્તિ જીવી પણ નથી શકતી અને મરી પણ નથી શકતી. લાગણીઓનું એક ઘોડાપુર આવે છે અને વ્યક્તિ તેમાં તણાતી જાય છે. ઘણું બધું સમજવા, વિચારવા છતાં તેમાંથી બહાર  નીકળી નથી શકતી. દિલ પર કેટલાય ઉઝરડા હોય તો પણ તેની એક ઝલક માટે ખુદને સમર્પિત કર્યે જાય. બહું ઓછા એવા લોકો હોય છે જેના પ્રેમનું ઝરણું બન્ને તરફથી વહેતુ હોય ! 

આધ્યા પણ એકતરફી પ્રેમના પુરમાં તણાતી હતી. એ આશામાં કે એકદિવસ તેના પ્રેમને મનગમતો કિનારો મળશે !

*********************

અભિનવે લગેજ ચેકીંગ, સિક્યોરિટી ચેકિંગ, અને છેલ્લે ઈમિગ્રેશન પતાવી ફ્લાઈટની વેઈટિંગ લોન્જમાં બેઠો હતો. થોડીવારમાં ફ્લાઈટ આવી એટલે તે તેમાં બેઠો. પુરા ત્રણ વર્ષ પછી તે ઇન્ડિયા જઈ રહ્યો હતો. કેટલાય અહેસાસ તેના મનમાં હિલોળા લઈ રહ્યા હતા.

બીજા દિવસે સાંજે તે બરોડા પહોંચવાનો હતો. તેણે પોતાની હેન્ડ બેગમાંથી એક ડાયરી કાઢી અને તેમાં લખવાનું શરૂ કર્યું.
થોડીવારમાં ફ્લાઈટ ટેક ઓફ થઈ.

*********************

અદ્વિકા રિપોર્ટ લઈ ઘરે આવી .તેણે તે રિપોર્ટ નિશાબેનને ખબર ન પડે તેમ તેણે તે રિપોર્ટ આકાશ ભાઈને બતાવ્યા.
રિપોર્ટ જોઈ  આકાશભાઈને પણ રાહત થઈ. જેટલી ચિંતા હતી તેના કરતાં રિપોર્ટ સારા હતા.

જમીને બધા હોલમાં બેઠા હતા. અદ્વિકાએ પાણીનો ગ્લાસ અને દવા આપતા કહ્યું ," મમ્મી આ દવા લઈ લો. હું આજે મહેરા અંકલને મળીને આવી તમારા રિપોર્ટ નોર્મલ છે.  બસ આ તમને થાક લાગે છે એની દવા છે. એટલે કંઈ ચિંતા ન કરતા."

નિશાબેન સ્નેહ ભરી નજરે તેને જોઈ રહ્યા. તે મનોમન બોલ્યા,  'હે પ્રભુ !  મારી આ દિકરીની જિંદગીમાં ખુશીઓ  પાછી લાવ. તારી બગડેલી બાજીને તું જ સુધાર.'

અદ્વિકાએ આજની આખા દિવસની ઓફિસની બધી વાત કરી.  પોતાનો પ્રોજેકટ લોન્ચિંગ ડીલે થયો તે પણ કહ્યું.

અદ્વિકાની વાત સાંભળી આકાશભાઈ બોલ્યા , "બેટા, નિરાશ ન થા. એમાં પણ  કોઈ ઈશ્વરીય સંકેત છુપાયેલ હશે.
જે થશે તે સારું જ થશે.  તું થાકી ગઈ હોઈશ આરામ કર."

અદ્વિકા પોતાના રૂમમાં આવી. બેડની સામેની દિવાલ પર પોતાની અને અન્વયની વિશાલ તસ્વીરને તાકી રહી.

*****************

બીજા દિવસે સાંજે અદ્વિકા ઓફિસનું કામ કરતી હતી.  આજે સવારથી વાતાવરણ વરસાદમય હતું. એટલે તે વહેલી ઘરે જવા માંગતી હતી. તે વિચારતી હતી ત્યાં જ તેના મોબાઈલમાં ફોન વાગ્યો.

તેણે જોયું તો આકાશ ભાઈ હતો. તેણે ફોન ઉપાડ્યો, હેલો ! "પપ્પા ,  બોલો હું હમણાં જ ઘરે આવવા નીકળું છું."

"અરે બેટા,  મારા એક દોસ્ત અને વર્ષો જુના આપણા ક્લાયન્ટ તેના કોઈ જરૂરી કામથી કેનેડાથી ઇન્ડિયા આવી રહ્યા છે. મારે આજે તેને પિક અપ કરવા જવાનું હતું પણ આજે મોસમ ખરાબ છે અને વળી તારી મમ્મીને એકલા છોડવાનું મન નથી. બેટા તું તેને એરપોર્ટ પીકઅપ કરી આવીશ?  તેતો બિચારા ટેક્સી કરવાનું કહેતા હતા. પણ આપણા ઘરનું કોઈ જશે તો તે ખુશ થઈ જશે. તેને આપણા કંપનીના ગેસ્ટ હાઉસ પર ડ્રોપ કરી દેજે. કાલે  સવારે હું તેને મળી લઈશ." આકાશભાઈએ કહ્યું.

આકાશભાઈની વાત સાંભળી અદ્વિકા બોલી, "અરે પપ્પા, એમાં શું ચિંતા કરો છો . તમે  ઘરે જ રહો. આવા  વાતાવરણમાં તમારે બહાર નથી નીકળવું. હું હમણાં જ એરપોર્ટ જવા નીકળું છું. "

"હા બેટા ધ્યાન રાખજે." આટલું કહી આકાશભાઈએ ફોન મૂકી દીધો.

અદ્વિકા પોતાનું પર્સ લઈ  ગાડી બહાર કાઢી એરપોર્ટ જવા રવાના થઈ.  તેણે આકાશભાઈએ મોકલેલ ફ્લાઈટ ડિટેલ પરથી તેનું સ્ટેટ્સ ચેક કર્યું. કેનેડાથી અત્યારે એક જ ફ્લાઈટ વડોદરા આવતી હતી. અને તે લેન્ડ થઈ ચુકી હતી.
અદ્વિકાએ સ્પીડમાં ગાડી એરપોર્ટ તરફ વાળી.
તે વિચારતી હતી કે સુમન અંકલ ઈમિગ્રેશન પતાવી બહાર આવે ત્યાં સુધીમાં પોતે એરપોર્ટ પહોંચી જશે.

થોડીવારમાં તે વડોદરા ઇન્ટરનેશનલ એરપોર્ટની બહાર વેઇટિંગ  એરિયામાં સુમન અંકલની રાહ જોતી ઉભી હતી.

અભિનવની ફ્લાઈટ પણ એજ ફ્લાઈટથી વડોદરા એરપોર્ટ પર પહોંચ્યો હતો. તે ઈમિગ્રેશન પતાવી બહાર  આવ્યો.

ક્રમશઃ
Bhumi joshi "સ્પંદન"

અદ્વિકાની આમ અચાનક એરપોર્ટ પર આવવું કોઈ  સંયોગ છે ?
શું અભિનવ અને અદ્વિકાના મિલનના કોઈ યોગ છે ?
જાણવા માટે વાંચતા રહો.


Rate & Review

Pradyumn

Pradyumn 1 day ago

Indu Talati

Indu Talati 2 weeks ago

Vijay

Vijay 2 weeks ago

Yogesh Raval

Yogesh Raval 2 months ago

Daksha Dineshchadra