યોગ સંયોગ - ભાગ 8 in Gujarati Novel Episodes by Bhumi Joshi "સ્પંદન" books and stories Free | યોગ સંયોગ - ભાગ 8

યોગ સંયોગ - ભાગ 8

  
અદ્વિકા એરપોર્ટની બહાર અરાઇવલ લોન્જમાં આવી. તેણે જોયું તો લોન્જ પોતાના સગા સંબંધીઓને લેવા આવનાર વ્યક્તિઓથી ખીચોખીચ ભરેલ હતી. પિકઅ કરવા આવનાર દરેક વ્યક્તિઓના ચહેરા પર ખુશી અને ઈન્તઝાર જોવા મળતો હતો. આટલા વરસાદમય વાતાવરણમાં પણ લોકોના ટોળા હતા. સિક્યોરિટી ગાર્ડ વ્યવસ્થા મેનેજ કરતા હતા. પણ એ વ્યવસ્થામાં પણ પોતાની વ્યવસ્થા શોધી કાઢે તે આપણો ગુજરાતી !

ખરેખર એરપોર્ટ પર પોતાના સ્નેહીજનને લેવા આવીએ ત્યારે મનમાં ખુશીની અલગ જ લહેર દોડતી હોય. અદ્વિકાને એ દિવસ યાદ આવી ગયો જ્યારે અન્વય ત્રણ દિવસ માટે બોમ્બે ગયો હતો અને પોતે તેને લેવા અહીં આવી હતી. કેટલી આતુરતા તેના તન મનમાં હતી. ત્યારે પોતે અન્વયને કીધેલું કે હવે કદી પોતે એરપોર્ટ પર રિસીવ કરવા નહી આવે .અહીંયા ઉભા રહી ઇન્તઝાર કરવો ખૂબ અઘરો હોય છે. પણ આજે......

ના તો મનમાં કોઈ ખુશી હતી ના કોઈ ઈન્તઝાર !  હતી તો માત્ર ફરજ !  પોતે વરસાદની બૂંદોને નિરખતી વિચારતી ઉભી હતી કે સાઈડમાંથી કોઈની લગેજ ટ્રોલી તેની એકદમ પાસેથી પસાર થઈ. ડાબી બાજુ પસાર થયેલ તે ટ્રોલીનો એક સાઈડનો કિનારો અદ્વિકાના ડાબા હાથમાં પહેરેલ બ્રેસલેટની નીચે લટકતા લટકણમાં ભરાયો. બ્રેસલેટ તૂટીને તે ટ્રોલીની અંદર પડ્યું. આસપાસ ભીડ ખૂબ હતી વળી તેનું ધ્યાન સામેથી આવતા કોઈ મોટી ઉંમરના વ્યક્તિ પર હતું. એટલે બ્રેસલેટની તેને ખબર જ ન રહી.

અચાનક તેને ખ્યાલ આવ્યો કે સુમન અંકલ તેને ઓળખશે કેમ? તેને યાદ આવ્યું કે ઓફિસનું બેનર તો ગાડીમાં જ રહી ગયું. તે એકદમથી ભીડને ચીરતી ગાડી પાસે પહોંચી. એક તો વરસાદ ખૂબ હતો એટલે તે અડધી પલળી રહી હતી. 

આ બાજુ અભિનવ પોતાનો લગેજ ભરેલ ટ્રોલી લઈ ભીડથી બહાર આવતો હતો કે, એક મનમોહક ખુશ્બુએ તેના મનમાં અજીબ સંવેદનો ઉતપન્ન કર્યા. વર્ષો પહેલાની આ મહેંક આજે પણ તેના દિલમાં અકબંધ હતી. તે બોલ્યો, "શુ તું અહીં ક્યાંય આસપાસ છો ? " તે પાગલની જેમ આમતેમ જોવા લાગ્યો. આસપાસની ભીડની પરવાહ વગર તેણે ટ્રોલી સાઈડમાં કરી એટલામાં બધે ફરી વળ્યો. પણ ફરી એ મહેંક તેને મહેસુસ ન થઈ.  ઘણી વાર આમતેમ ફર્યા બાદ તે નિરાશ થઈ પોતાની ટ્રોલી પાસે આવ્યો.  તે ઉપર આસમાનમાં નજર કરતા બબડયો ," આખરે શું છે તારો ઈરાદો !  હવે હું તારા ખેલમાં નહીં ફસાવ "

"હું પણ પાગલ છું તે અહીંયા ક્યાંથી હોય ! " ફરી મનને મનાવતા તે બોલ્યો . આમતેમ ફરી તે પણ સાવ ભીંજાઈ ગયો હતો.  તેણે ટેક્સી બોલાવી. ટેક્સીમાં લગેજ મુકતા તેનું ધ્યાન ટ્રોલીના એક કિનારે લટકતા બ્રેસલેટ પર ગઈ. તેણે યાદ કર્યું જ્યારે પોતે ખાલી ટ્રોલી લાવ્યો ત્યારે તો કશું ન હતું. આ બ્રેસલેટ ? તેણે હળવેકથી એ કિનારા પરથી બ્રેસલેટ કાઢ્યું અને પોતાના હાથમાં લીધું. કેટલીય વાર સુધી તે તેને જોઈ રહ્યો. તેણે તેને પોતાના પોકેટમાં મૂક્યું. અને ગાડીમાં બેઠો.

અહીં અદ્વિકા ગાડી પાસે આવી કે તેના મોબાઈલમાં આકાશભાઈનો ફોન આવ્યો. તે બોલ્યા, "બેટા અદી, તું ઘરે આવી જા . તેમનો હમણાં જ ફોન આવ્યો કે તેઓ ટેક્સી કરી હોટેલ જવા નીકળી ગયા. કદાચ તે તને ઓળખી નહીં શક્યા હોય. "

અદ્વિકા બોલી, "પપ્પા હું બેનર ભૂલી ગઈ હતી એટલે ગાડીમાં લેવા આવી. અને ભીડ પણ બહુ  છે. હું અહી આવી એટલી વારમાં કદાચ તેઓ નીકળી ગયા. સોરી પપ્પા !"

અદ્વિકાની વાત સાંભળી આકાશભાઈ બોલ્યા , "અરે બેટા, ઈટ્સ ઓકે. તેમને ટેક્સી મળી ગઈ. હું કાલે તેમને મળી લઈશ તું ચિંતા ન કર. "

પોતે મદદ રૂપ ન થઈ તે માટે અદ્વિકાને થોડું દુઃખ થયું. તે ફોન મૂકી થોડીવાર એમ જ ગાડી પાસે ઉભી રહી. કઈંક પોતાને ખેંચતુ હોય તેવું લાગ્યું. પોતે વિચારતી હતી. વરસતા વરસાદમાં આમ હવે શા માટે ઉભી છે ! હવે પોતાનું કોઈ કામ તો નથી. હવે જલ્દી ઘરે જવું જોઈએ.

અહીં અભિનવ જ્યારે ટેક્સીમાં બેસવા જતો હતો ત્યારે  તેણે પોતાનાથી થોડે દુર એક ગાડી પાસે ઉભેલ કોઈ યુવતીને જોઈ તેનો લહેરાતો દુપટ્ટો જોઈ તેને ફરી એ જ અહેસાસ થયા. તે યુવતી પાછળ ફરીને ઉભી હતી. એટલે તેને ફક્ત તેની પીઠ અને પીઠ પર લહેરાતા સુંદર કેશ જ દેખાતા હતા.  વરસાદના ફોરાં સાથે પવનની લહેરો તેના વાળ અને દુપટ્ટા સાથે રમી રહી હતી. અભિનવનું મન તે ચહેરાને જોવા બેતાબ બન્યું. પણ તે વધુ કંઈ વિચારે તે પહેલાં તે યુવતી ગાડીમાં બેસી ત્યાંથી નીકળી ગઈ.

અભિનવ ફરી એક નિરાશા સાથે ટેક્સીમાં બેસી ગયો.
ટેક્સી હાઈવેને ક્રોસ કરતી આગળ વધી રહી હતી. આ બાજુ અદ્વિકા પણ થોડીવાર ઉભી રહી પોતાની ગાડી લઈ ત્યાંથી નીકળી. ધીમે ધીમે વરસાદ વધી રહ્યો હતો. અભિનવનું મન બેચેન હતું. તેણે પોતાના પોકેટમાંથી તે બ્રેસલેટ કાઢી હાથમાં લીધું ફરી તે તેને નીરખી રહ્યો. તેનું મન કહેતું હતું કે આ બ્રેસલેટ તેનું જ છે. અને તે ક્યાંક આસપાસ જ છે.

અચાનક ગાડીમાં જોરદાર બ્રેક લાગી કે તે પોતાની તંદ્રાવસ્થા માંથી બહાર નીકળ્યો. તેણે ઝબકીને જોયું તો આગળ સિગ્નલ બંધ હોવાને લીધે ટ્રાફિક થયો હતો. દરેક ગાડીવાળા જાણે એકબીજાથી આગળ નીકળવાની હોડમાં હતા. બહાર સખત વરસાદ હતો. એટલે કાચમાંથી દરેક દ્રશ્યો ધૂંધળા દેખાતા હતા.  તે આસપાસ ગાડીની ભીડ જોઈ વિચારતો હતો ઇન્ડિયન સિસ્ટમ ગમે તેટલી અપડેટ થાય પણ લોકો અપડેટ ન થાય ત્યાં સુધી બધું નકામું. એક પળ માટે કેનેડા અને ઇન્ડિયાના ટ્રાફિકનું કમ્પેરિજન થઈ ગયું.

આસપાસનું ચિત્ર જોતાજોતા તેની નજર એક ગાડી પર સ્થિર થઈ ગઈ. પોતાની ટેક્સીની લાઈનમાં બે ગાડી છોડી તે ગાડી ઉભી હતી. તેના મનમાં ફ્લેશ થયું આ તો તે જ ગાડી છે જે તેણે એરપોર્ટ પર જોઈ હતી. જ્યાં પેલી યુવતી ઉભી હતી. તેની નજરો બેકરાર થઈ ગઈ તેને એક નજર પામવા ! પણ વરસાદ અને બહારનું ધૂંધળું વાતાવરણના કારણે કાચમાંથી કશું સાફ દેખાતું ન હતું. તે ગમે તે ભોગે તેને જોવા માંગતો હતો. ફૂલ વરસાદમાં તેણે પોતાની વિન્ડો ખોલી. પણ તે વધુ કોશિશ કરે તે પહેલાં સિગ્નલ ખુલી ગયું. ફરી એકવાર તેના હાથ ખાલી રહી ગયા. 

આખા રસ્તે તેણે આસપાસ જોયું પણ ફરી તેને તે ગાડી ક્યાંય ન દેખાઈ.  તે હોટેલ સૂર્યા પેલેસ પહોંચ્યો. ફાઈવ સ્ટાર હોટેલના એક્સકલુજીવ રૂમના બેડ પર તે આડો પડ્યો.  જમવાનું મન તો બિલકુલ ન હતું. પણ જમવું જરૂરી હતું.  તેણે એક સાઉથ ઇન્ડિયન પ્લેટનો ઓર્ડર આપ્યો.

અભિનવ પોતાની બેગમાંથી ડાયરી અને આજની બધી ઘટનાઓ લખી. તે જાણતો હતો ઊંઘ તો આજે તેનાથી કોસો દૂર હતી. પણ પોતે જે કામ માટે આવ્યો હતો તે ઈવેન્ટ આવતી કાલે સાંજે હતી. એટલે ફ્રેશ રહેવું જરૂરી હતું. એટલે જમીને તેણે વ્યર્થ વિચારો છોડીને સુવાનું વિચાર્યું. પણ વારંવાર એરપોર્ટ પર થયેલી ઘટનાઓ નજર સમક્ષ તરવરી ઉઠતી. તે મીઠી મહેંક અને સુંદર લહેરાતા કેશ તેના મનને પજવી રહ્યા હતા.

********

અદ્વિકા એરપોર્ટથી ઘરે પહોંચી. નિશાબેન અને આકાશભાઈ તેની રાહ જોતા બેઠા હતા. પોતે લગભગ સાવ ભીની થઈ ગઈ  હોવાથી સીધી પોતાના રૂમમાં ગઈ. કપડાં બદલતી વખતે તેનું ધ્યાન પોતાના હાથ પર પડ્યું. તેને ખ્યાલ આવ્યો કે પોતાના હાથનું બ્રેસલેટ ગાયબ છે. તે વિચારતી હતી ક્યાં પડ્યું હશે ?.  તે આ બ્રેડલેટને પોતાના જીવથી વધુ   સાચવતી હતી.  તેને ખૂબ દુઃખ થયું. પોતાના સુના હાથ પર નજર જતા તેની આંખો ભરાઈ આવી.  બ્રેસલેટની યાદોને વાગોળતી તે બેડમાં આડી પડી.

**************

સૂરજદાદા ધરાને પોતાના સુંદર રંગોથી રંગવા આવી પસહોંચ્યાં હતા. પંખીઓ અસલ્સ5 મરડીને બેઠા થતા પોતાના મધુર કલરવથી સુરજદાદાના આગમનને વધાવી રહ્યા હતા.

અદ્વિકા પોતાના સુંદર અવાજથી કાન્હાને મનાવી રહી હતી.
તેણે આજે સાડી પહેરી હતી. પર્પલ કલરની સાડીમાં તે ખૂબ સુંદર લાગતી હતી. છુટ્ટા પલ્લું સાથે ,છુટા લહેરાતા વાળનો સંગમ ખૂબ દીપી રહ્યો હતો. તેણે આરતી કરી સૂર્ય નારાયણને જળની અર્ધી આપી. નતમસ્તકે તેની સાથે રહેવા આહવાન કર્યું.

પૃથ્વી પરના સાક્ષાત દેવ એટલે પ્રભુ સૂર્ય નારાયણ જેને આપણે પ્રત્યક્ષ નિહાળી પોતાના કામોની મંગલ કામના કરી શકીએ.  પોતાના સત્કાર્યોમાં તેને પોતાના સાક્ષી બનાવી શકીએ.

અદ્વિકા પણ આજ સાંજની ઈવેન્ટમાં સફળતા મળે તે માટે પ્રભુ પાસે શક્તિ માંગી રહીં હતી. ત્યાં જ નિશાબેને મંદિરે જવાનું કહ્યું.  તેને ભોળાનાથના મંદિરે જઈ અન્વયના ડ્રિમ પ્રોજેકટને સફળતા મળે તે માટે પ્રાર્થના કરવી હતી. ત્રણેય જણ મંદિર જવા નીકળ્યા.

*******************

અભિનવ ફ્રેશ થઈ હોટેલની ગાડી લઈ શહેરની તાજગીને પોતાની અંદર  ભરવા નીકળી પડ્યો.  લગભગ અડધો કલાક ફર્યા બાદ તે એક રસ્તા પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તેણે એક મંદિરનો ઘન્ટનાદ સાંભળ્યો. અચાનક તેની ગાડીની રફતાર ઓછી થઈ ગઈ.  મંદિર થોડું ઊંચું હતું. લગભગ પંદરેક પગથિયાં ચડી ઉપર જવાનું હતું.  બે પળ અભિનવ નીચે ઉભો રહી મંદિરની લહેરાતી ધજાને નિહાળી રહ્યો. તેના મનમાં કેટલાક ભક્તિના સ્પંદનો જાગ્રત થયા.

જે યાદો તેની જિંદગી હતી તે મધુર યાદોમાં આવાજ કોઈ મંદિરની  સ્મૃતિઓ હતી. તે મંદીર તરફ જોઈ બબડયો, "તેને તારામાં ખૂબ  આસ્થા છે. ચાલ આજે હું તેની આસ્થાને વંદન કરું. કદાચ તને મારા પર દયા આવી જાય. કદાચ તું સત્ય કે ભ્રમના આ અહેસાસ માંથી મુક્ત કરે !"

અભિનવે નીચે જ ગાડી પાર્ક કરી. તેના કદમો મંદીર તરફ આગળ વધી રહ્યા. આ તેજ મંદિર હતું જ્યાં અદ્વિકા પોતાના પરિવાર સાથે આવી હતી.

અદ્વિકા પોતાની આંખો બંધ કરી, બે હાથ જોડી ભગવાન શિવને અન્વયનું સપનું પૂરું થાય તે માટે  પ્રાર્થના કરી રહી હતી. જ્યારે જ્યારે તે મંદીર માં આવતી તેનામાં અનોખી શ્રદ્ધા પાંગરતી. 

અભિનવ મંદીરમાં પ્રવેશ્યો. તેણે  પોતાના હાથે ઘન્ટ વગાડ્યો.  મંદિરમાં પ્રવેશતા જ ફરીથી કાલ વાળી મહેંક તેના મનને તરબતર કરી રહી.  તેણે આગળ જોયું પણ આગળ થોડી મહિલાઓ દર્શન કરી રહી હતી. તે ધીમે ધીમે આગળ વધ્યો. પણ હજુ બે ત્રણ મહિલા તેની આગળ હતી. તેણે આંખો બંધ કરી પ્રભુમાં મન પરોવવાની કોશિશ કરી.

અભિનવે ભગવાન શિવની વિશાળ શિવલિંગ સમક્ષ પોતાની આંખો બંધ કરીને, પોતાના મનના અજંપાને પ્રભુના ચરણોમાં અર્પણ કરી , પોતાના બોજને થોડો હળવો કરવાની કોશિશ કરી રહ્યો.

તે ભગવાન શિવને મનાવતા બોલ્યો,  "હે પ્રભુ ! ગઈ કાલથી હું સતત મારી આસપાસ તેને મહેસૂસ કરી રહ્યો છું. તે હકીકત છે કે પછી આભાસ..

છે મારા રોમરોમમાં ફક્ત તારો જ અહેસાસ...
છે આ સુંદર હકીકત કે પછી નર્યો આભાસ...!

હે પ્રભુ મને આ દ્વિધામાંથી કોઈ રાહ દેખાડ ! જો ખરેખર તે મારી આસપાસ હોય તો મને તેની સાથે મિલાપ કરાવ. આ સુંદર આભાસને હકીકતની ચાદર ઓઢાડ ! મારી ઉર્મિઓના પ્રવાહને તું મનગમતો કિનારો આપ !  તું છે ભાગ્યવિધાતા !તું જ છે યોગનો સર્જક ! બસ આજે એની દિવ્ય અનુભૂતિ કરાવ ! તારા દરેક સંજોગોને મારી કિસ્મત સમજી સ્વીકાર્યા છે.  મેં કોઈ વાતે તને કોઈ ફરિયાદ નથી કરી. તારા સર્જિત સંયોગોને નતમસ્તકે વધાવી જીવનને જીવતો આવ્યો છું. પણ હવે બસ.....

અભિનવની બંધ આંખોએ ફરી એ મીઠી મધુરી ફોરમ તેની નસનસમાં  પ્રસરી ગઈ. આજ ખુશ્બુને  પોતાની અંદર ભરીને અત્યાર સુધી જીવી રહ્યો હતો.  અત્યારે એ જ  ખુશ્બુ તેને ખૂબ જ તીવ્રતાથી મહેસુસ  થઈ રહી હતી.

તે આંખો બંધ કરી બધી પ્રાર્થના કરી રહ્યો હતો ત્યાં જ એક સાડીનો પલ્લું હવામાં ઉડતા ઉડતા અભિનવના ચહેરા પર  લહેરાઈ ઉઠ્યો.

અભિનવે એ જ મહેંક ભર્યો પલ્લું પોતાના ચહેરા પરથી હટાવતા જોયું તો મંદિરમાં પોતાની આગળની બધી મહિલાઓ જતી રહી હતી. તેની આગળ ફક્ત એક લેડી ઉભી હતી. તેની પર્પલ સાડીનો પલ્લું હવા સાથે ઝૂલતો હતો. તે ધડકતા હૈયે આગળ આવ્યો.  તે લેડીની નજીક જઈ ઉભો રહ્યો.  તેનું દિલ જોરજોરથી ધડકી રહ્યું હતું. તેના આખા શરીરમાં એક અલગ કંપન અનુભવાઈ રહ્યું હતું. તે તેની વધુ નજીક ગયો. તેની સાવ નજીક જઈ તેના ચહેરા પર એક નજર નાખી.

તેનો ચહેરો જોતા જ અભિનવનું દિલ એક ધડકન ચુકી ગયું. 
તેને પોતાની નજર સમક્ષ અદ્વિકાને જોતા પોતાની નજર પર વિશ્વાસ નહોતો આવતો. અભિનવની બંને આંખોમાં અશ્રુધારા વહેવા લાગી. તેના દિલમાં વર્ષો જુના સંવેદનાના સુરો ગુંજવા લાગ્યા. પોતાના દિલની ધડકન એવી અદ્વિકાને વર્ષો પછી જોઈ તે ભાવવિભોર બની ગયો. તેના શરીરનું કણકણ અદ્વિકાના પ્રેમના પ્રવાહમાં વહેવા લાગ્યું. તે ભીની આંખે અને ભીના હૃદયે અદ્વિકાને નિહાળી રહ્યો.

આ બધી બાબતોથી બે ખબર અદ્વિકા હજુ પોતાની આંખો બંધ કરી પ્રભુ શિવની પ્રાર્થનામાં લીન  હતી.

ક્રમશઃ
Bhumi joshi "સ્પંદન"

શું છે અભિનવ અને અદ્વિકાની કહાની ?
આટલા વર્ષો પછી અભિનવને પોતાની સમક્ષ જોઈ અદ્વિકા  શુ મહેસુસ કરશે?
શું અન્વયનો ડ્રિમ પ્રોજેકટ લોન્ચ સકસેસ થશે કે  પછી તેમાં  રચાશે કોઈ નવો સંયોગ ?
જાણવા વાંચતા રહો..


Rate & Review

Pradyumn

Pradyumn 1 day ago

Indu Talati

Indu Talati 2 weeks ago

Krupa Dave

Krupa Dave 2 weeks ago

Vijay

Vijay 2 weeks ago

Hetal Prajapati

Hetal Prajapati 4 weeks ago