યોગ સંયોગ - ભાગ 9 in Gujarati Novel Episodes by Bhumi Joshi "સ્પંદન" books and stories Free | યોગ સંયોગ - ભાગ 9

યોગ સંયોગ - ભાગ 9

અભિનવ,  સ્નેહભીની નજરે અદ્વિકાને નિહાળતો હતો. તેણે મનોમન ભગવાન શિવના ચરણોમાં ધન્યવાદ કર્યા. થોડા સમય પહેલા પોતે જે પ્રાર્થના કરી હતી તે આટલી જલ્દી પુરી થશે તેવું તો તેણે સ્વપ્નમાં પણ નહોતું વિચાર્યું. તે ગદ ગદ થઈ ગયો. તેનું દિલ કહેતું હતું કે જલ્દીથી પોતાના દિલની ધડકન એવી અદ્વિકાને ભેટી પડે. પણ અદ્વિકા એ તો હજુ ખુદને જોયો પણ નહોતો. તે હજુ આગળ કાંઈ વિચારે તે પહેલાં જ તેના કાન પર એક વ્હાલભર્યો સ્વર અથડાયો,

"અદ્વિકા બેટા, તારી પૂજા થઈ ગઈ ? તું આવ એટલે આપણે અહીંયા બાજુના પરિસરમાં બેઠેલ પૂજારીને દાન દક્ષિણા આપી દઈએ."

અદ્વિકાના નામથી સાદ સાંભળી અભિનવે પાછળ જોયું.
પોતાનાથી થોડે દુર મંદિરના પ્રાંગણમાં બેન્ચ પર બેઠેલા એક વડીલ દંપતિને જોઈ અભિનવ સ્તબ્ધ થઈ ગયો. હજુ અદ્વિકાએ પોતાને જોયો ન હતો. અદ્વિકા પોતાને જુએ તે પહેલા, ઝડપથી તે ત્યાંથી ખસી દૂર જતો રહ્યો. તે ઉતાવળે પગલે મંદિરના પાછળ ભાગમાં જતો રહ્યો.

આ બાજુ અદ્વિકા, નિશાબેનનો અવાજ સાંભળી ચમકી. તેણે પોતાની આંખો ખોલી. ખબર નહીં કેમ પણ તેના મનને અજીબ બેચેની થતી હતી. પોતાનું કોઈ સ્વજન એકદમ નજીક આવી અચાનક જતું રહ્યું હોય તેવું મહેસુસ થતું હતું. તેણે આમતેમ જોયું. પણ પછી પોતાનો વહેમ માની મન મનાવી લીધું.

થોડીવારમાં અદ્વિકા અને તેનો પરિવાર ત્યાંથી ઘરે જવા નીકળ્યા. તેના ગયાની ખાતરી થયા બાદ અભિનવ બહાર આવ્યો. 

અભિનવની આંખો ફરી છલકાઈ ઉઠી. તે સમજી ગયો હતો કે પોતાની પ્રિયતમા અદ્વિકા હવે કોઈની પરણેતર બની ચુકી હતી. તે વિચારવા લાગ્યો કે પ્રિયતમા કહેવાનો હક તો તે ક્યારનો ખોઈ  ચુક્યો હતો. અદ્વિકાના ઘરના લોકોને જોઈ તેની મર્યાદા રાખવા તે તેની સામે ન આવ્યો.

તે બરાડી ઉઠ્યો, "હે પ્રભુ ! શા માટે ખેલ ખેલે છે મારી સાથે !"
અભિનવ મંદિરમાંથી મહામુસીબતે હોટેલ જવા નીકળ્યો. જાણે તેના કદમો તેને સાથ જ નહોતા દેતા.

થોડીવાર બાદ હોટેલ પહોંચી તે બેડ પર ફસડાઈ પડ્યો. બેડની બાજુના ડ્રોવરમાં મુકેલ બોક્સ કાઢ્યું. તેમાંથી તેણે કઈંક કાઢ્યું. આ તે જ ચીજ હતી જેને તે કેનેડાથી પોતાની સાથે લાવ્યો હતો. તે બીજું કંઈ નહીં પણ અદ્વિકાના કાનનું એક લટકણ હતું. જેને વર્ષોથી પોતે ખૂબ સંભાળીને રાખ્યું હતું.

પોતાના હાથમાં તેણે એ લટકણને રાખી તેને નિરખતો હતો.
આજે પણ અદ્વિકાના કાનમાં તે રીતના જ ખૂબ લાંબા લટકણ હતા.

અભિનવ પોતાના હાથના લટકણને છાતી સરસા ચાંપી ભૂતકાળમાં સરી પડ્યો..

****************

અદ્વિકા અને અભિનવની પ્રથમ મુલાકાત કોલેજમાં થઈ હતી. પહેલી જ નજરે બંને એકબીજાને દિલ દઈ બેઠા હતા. અદ્વિકા એક સુખી પરિવારની એકની એક દીકરી હતી. જ્યારે અભિનવની મમ્મી કેનેડિયન હતી. અને પિતા ઇન્ડિયન.

અભિનવન પિતા ખૂબ મોટા બિઝનેસ મેન હતા.અને તેના માટે દેશ વિદેશ જતા. એવામાં કેનેડિયન યુવતી તરફ કૂણી લાગણી જન્મતા બંનેએ લગ્ન કરી લીધા હતા. થોડા સમય ત્યાં રહ્યા બાદ તેઓ ઇન્ડિયા શિફ્ટ થઈ ગયા હતા. અભિનવનો જન્મ ઇન્ડિયામાં જ થયો હતો. અભિનવ વિસ વર્ષનો હતો ત્યારે એક બીમારીમાં તેના પિતાનું અવસાન થયું. થોડા સમય બાદ તેની મમ્મીને ફરી હમેંશ માટે કેનેડા જવું હતું. પણ અભિનવને પોતાના દેશમાં જ રહેવાની ઈચ્છા હતી. એટલે તેણે એકલા રહીને પણ આગળ વધવાનું નક્કી કર્યું. અભિનવની મમ્મી થોડા સમયમાં હમેંશ માટે કેનેડા જતી રહી. એમ પણ નાનપણથી તેને મા નો જોઈએ તેવો કોઈ પ્રેમ મળ્યો ન હતો.એટલે તેને તેમના જવાનો કોઈ વસવસો ન હતો.

અભિનવ, એકલો રહી કોલેજ કરતો. પ્રેમના નામે તેની દુનિયા સાવ ખાલી હતી. તે ખૂબ રમુજી સ્વભાવનો હતો. હસી મજાકમાં પોતાનું ખાલીપન ભરવાની કોશિશ કરતો.

પણ જ્યારથી અદ્વિકાને જોઈ ત્યારથી તેના સુના જીવનમાં જાણે વસંત ખીલી ઉઠી. કેટલાય વર્ષથી તડપતી ધરતી પર વરસાદના અમી છાંટણા થતા જેમ ધરતી ખીલી ઉઠે તેમ અભિનવના હૃદયમાં પણ લાગણીની કૂંપળો ખીલી ઉઠી.

પહેલી નજરમાં એકબીજાને પસંદ કરતાં અભિનવ અને અદ્વિકા ખૂબ સારા દોસ્ત બની ગયા. ધીમે ધીમે દિલની કૂણી લાગણીઓ એકબીજાના મનના બાગને ખીલવવા લાગી.

કોલેજના ત્રણ વર્ષમાં તો બન્ને એકબીજાને ગળાડૂબ ચાહવા લાગ્યા. બંને એકબીજાને અનહદ ચાહતા પણ કદી કોઈ લિમિટ ક્રોસ નહોતી કરી. બંને માટે તન કરતા મનનું મિલન વધુ હતું. બંનેનો પ્રેમ નિર્મળ ઝરણાની માફક વહેતો રહેતો.

બંને લગ્ન કરી જીવનસાથી બનવા ઇચ્છતા હતા. અભિનવ જલ્દીથી અદ્વિકાને પોતાની દુલહન બનાવવા બેતાબ હતો. પપ્પાનો બિઝનેસ ખૂબ મોટો હોવાથી પૈસાની કોઈ ચિંતા ન હતી. અભિનવને ઘરમાં કોઈને પૂછવાની પણ કોઈ રાહ  નહોતી. અભિનવ અને અદ્વિકાના સંબંધોની જાણ અદ્વિકાના પરિવારને પણ હતી. અદ્વિકાના પિતા પણ આ સંબંધથી ખુશ હતા.

અભિનવ ઘણી વાર અદ્વિકાના ઘરે આવી ગયો હતો. અદ્વિકા અને અભિનવનો પ્રેમ પરવાન ચડ્યો હતો. બસ, હવે લગ્નના બંધનમાં બાંધવાની જ વાર હતી. અદ્વિકા ખૂબ ખુશ હતી.

એક દિવસ અદ્વિકાના પિતાએ અદ્વિકાને કહ્યું,  "બેટા, અભિનવને કહેજે આવતા રવિવારે ઘરે આવે. હું તેની સાથે બેસી સગાઈ અને લગ્નની વાત કરી લઉં. મારી ઇચ્છા છે કે આ તમારી ફાઈનલ એક્ઝામ બાદ બંનેના લગ્ન કરી દઉં. પણ તે પહેલાં સગાઈની વિધિ કરી દઈએ. અને તે માટે મારે અભિનવને વાત કરવી છે. તું તેને રવિવારે ઘરે બોલાવજે."

પોતાના પિતાની વાત સાંભળી અદ્વિકા ખુશીથી ઉછળી પડી. તે પોતાના પિતાને અને મમ્મીને ભેટી પડી.

બીજા દિવસે સવારે કોલેજમાં અદ્વિકા , અભિનવનો બેસબરીથી ઇન્તઝાર કરતી હતી. અભિનવ અને તેની સ્પેશિયલ જગ્યા પર અદ્વિકા ઉભી હતી. દરરોજ બંને આવતાની સાથે ત્યાં જ મળતા.

અચાનક પાછળથી અભિનવે આવી અદ્વિકાની આંખો પર પોતાનો હાથ રાખી દીધો. અદ્વિકા ખુશીથી ઉછળી આગળ ફરી અભિનવને ભેટી પડી. બંને થોડીવાર બેઠા. અદ્વિકાએ પોતાના પિતાએ કરેલ વાત કરી. અભિનવ પણ લગ્નની વાત સાંભળી ખુશીથી પાગલ થવા લાગ્યો. તેના અવાજ અને તેના હૃદયમાં અદ્વિકાના પ્રેમની ભીનાશ છવાઈ ગઈ.

આખરે તેની સુની જિંદગીમાં અદ્વિકાના પ્રેમના પગલાં પડવાના હતા. રવિવાર આવવાને હજુ બે દિવસની વાર હતી. અદ્વિકાની વાત સાંભળી અભિનવ બોલ્યો,  "અદ્વિકા, જે દિવસનો આપણે ઇન્તઝાર કરતા હતા તે ધીરે ધીરે દસ્તક દઈ રહ્યો છે. આજે દિલ કહે છે લેક્ચર નથી ભરવા. બે દિવસ બાદ મળનાર ખુશીને આજે ઉજવીએ."

બંને અભિનવની ગાડીમાં લોન્ગ ડ્રાઈવ પર ગયા. આખો દિવસ એકબીજાનો સાથ અને પ્રેમમાં વિતાવ્યો. બીજા દિવસે અદ્વિકા, રોજની જેમ અભિનવનો ઇન્તઝાર કરતી હતી.  આખો દિવસ પસાર થયો પણ અભિનવ કોલેજમાં ક્યાંય ન દેખાયો. અદ્વિકા તેને ફોન લગાવીને થાકી પણ અભિનવનો ફોન સતત નોટ રિચેબલ આવતો હતો.

ત્રણ વર્ષના સંબંધમાં પહેલી વાર એવું થયું હતું કે અદ્વિકાને ખબર ન હોય કે અભિનવ ક્યાં છે ! તેને, તેની ચિંતા થવા લાગી. આખો દિવસ તેના ઇન્તઝાર અને ચિંતામાં પસાર થઈ ગયો.

બીજા દિવસે રવિવાર હતો. અદ્વિકાને પૂરો વિશ્વાસ હતો કે આજે તો અભિનવ જરૂર આવશે. આવવાના સમય ઉપર ચાર કલાક વીતી ગઈ તો પણ અભિનવ ન આવ્યો. અદ્વિકાની ધીરજ હવે ખૂટી હતી. તેણે અભિનવની વાત તેના મમ્મી પપ્પાને કહી. હવે તેના પપ્પા પણ ચિંતિત હતા. બધાને અભિનવ પર પૂરો ભરોસો હતો. પણ આખરે દિવસો, મહિના, વર્ષ વીતી ગયું. ન તો અભિનવના કોઈ સમાચાર આવ્યા કે ન અભિનવ પોતે !

અદ્વિકા સાવ ભાંગી પડી.  તેની માનસિક હાલત બગડતી જતી હતી. આખરે તેના પિતા તે શહેર છોડી બીજે રહેવા જતા રહ્યા. અદ્વિકા પોતાના માતાપિતાની ખુશી ખાતર બધુ ભૂલવાની કોશિશ કરતી હતી. ધીમે ધીમે તેના દિલમાં અભિનવ માટે પ્રેમનું સ્થાન નફરતે લઈ લીધું.તેને એવું લાગવા લાગ્યું કે અભિનવે પોતાનો વિશ્વાસ ઘાત કર્યો.

પોતાના મોબાઈલ ની રીંગ વાગતી જોઈ અભિનવ ભૂતકાળના સંસ્મરણોમાંથી બહાર આવ્યો.

***************

તેણે જોયું તો તેના અહીંયાના પાર્ટનર રવી મલ્હોત્રાનો ફોન હતો. અભિનવની કંપનીની બરોડાની બ્રાન્ચ તે સંભાળતો હતો.

અભિનવે ફોન ઉપાડ્યો સામે છેડેથી રવિ બોલ્યો, " સર !  આજે સાંજે વેબલોજી સ્ફેર કંપનીની એક મહત્વના પ્રોજેકટ લોન્ચિંગની શાનદાર ઈવેન્ટ છે. જેમાં મોટા મોટા બિઝનેસમેન ને આમંત્રણ મળ્યું છે. જેમાં આપડી બ્રાન્ચને પણ આમંત્રણ મળ્યું છે. બ્રાન્ચના સી.ઇ.ઓ. તરીકે તમારે જવાનું છે. જેની જાણ તમને હશે જ. મેં જસ્ટ રિમાઇન્ડ કરાવ્યું. આ આમંત્રણ આપણા માટે ખૂબ મહત્વનું છે. અને ફાયદાકારક."

"મેં સાંભળ્યું છે કે, આ પ્રોજેકટ લોન્ચ થયા બાદ તેને સફળતાથી પૂરું કરવા કોઈ મલ્ટીનેશનલ કંપની સાથે ટાયપ કરવાના છે. તે માટે તે દરેક કંપનીઓના અલગ અલગ પ્રેઝન્ટેશન મંગાવ્યા છે. મેં એક પ્રેઝન્ટેશન બનાવ્યું છે. તમે જસ્ટ ચેક કરી લો. જો આ ડીલ થઈ જાય તો કામ થઈ જાય."

અભિનવે , રવિની બધી વાત સાંભળી તે વિચારવા લાગ્યો. તેને રવિની વાત વ્યાજબી લાગી. પોતે આ ઈવેન્ટમાં જવું જોઈએ. પણ આજે તેને જે કામથી આવ્યો હતો તે માટે જવું જરૂરી હતું. પોતાના કામની નવી ડીલ માટે તે એક મોટી કંપનીને મળવા માંગતો હતો. જેની માંડ માંડ મિટિંગ ફિક્સ થઈ હતી. જેના માટે તેણે આટલો મોટો ધક્કો ખાધો હતો.

આખરે તેણે પોતાની મિટિંગને મહત્વ આપ્યું. અને પેલી ઈવેન્ટમાં રવીને જવા કહ્યું. તે એ વાતથી બેખબર હતો કે જે વેબલોજી સ્ફેર કંપનીની ઈવેન્ટ હતી તેની માલિક અદ્વિકા સક્સેના હતી. એટલે કે પોતાની અદ્વિકા !

તેણે ઝડપથી રવિએ મોકલેલ પ્રેઝન્ટેશન ચેક કરી તેમાં સુધારા, વધારા કરી રવિને મોકલી દીધું. અને પોતે પોતાની મિટિંગમાં જવા રવાના થયો.

***********

આ બાજુ અદ્વિકાએ સવારથી લઈ સાંજ સુધીમાં ઈવેન્ટની બધી તૈયારી કરી લીધી હતી. અડધો કલાક બાદ ઈવેન્ટ ચાલુ થવાની હતી. કંપનીના બોર્ડ ઓફ ડાયરેકટરો પણ આવી ગયા હતા. જે અદ્વિકા સાથે મળી આ પ્રોજેક્ટનું ટાયપ કઈ કંપની સાથે કરવું તે નક્કી કરવાના હતા.

કંપનીના મોટા કોન્ફરન્સ હોલમાં આ ઈવેન્ટ હતી. એક પછી એક મોટા મોટા બિઝનેસમેન પોતાનું પ્રેઝન્ટેશન લઈને આવી રહ્યા હતા. દરેક આ કંપની સાથે કામ કરવા તલપાપડ હતા.
કોન્ફરન્સ રૂમમાં આવેલ વીશાળ ટેબલ પર બધા ગોઠવાયા હતા. દરેકના ટેબલ પર જ્યુસ અને પાણીની બોટલો પડી હતી. ટેબલની મુખ્ય ચેર પર અદ્વિકા ચેરમેનનું પદ શોભાવતી હતી.

એક પછી એક પ્રેઝન્ટેશન હોલની વિશાળ સ્કિન પર રન થઈ રહ્યા હતા. એક બ્રેક હતો. ત્યાર બાદ છેલ્લું એક પ્રેઝન્ટેશન બાકી હતું તે રન થવાનું હતું. અને તેના પછી નાસ્તાનો એક બ્રેક હતો. ત્યાર બાદ નિર્ણય લેવાનો હતો. ત્યાં જ હોલના મુખ્ય ડોર પર એક અતિ પ્રતિભાશાળી વ્યક્તિત્વ ધરાવનાર વ્યક્તિ એટલે કે અભિનવ પારેખ ઉભો હતો. તે પોતાના નમ્ર સ્વરમાં બોલ્યો,

"એક્સ્ક્યુજમી લેડીઝ એન્ડ જેન્ટલ મેન ! "
"સોરી ફોર લેટ કમિંગ."

એક ચિર પરિચિત અવાજ સાંભળતા જ અદ્વિકાએ પાછળ ફરી જોયું. અદ્વિકા અને અભિનવની નજરો એક થઈ. દરવાજા પર અભિનવને જોતા જ અદ્વિકા એક ધડકન ચુકી ગઈ. અભિનવ પણ ત્યાં જ સ્તબ્ધ થઈ ગયો.

ક્રમશઃ
Bhumi joshi "સ્પંદન"
અદ્વિકા અને અભિનવની આટલા વર્ષો બાદની મુલાકાત કેવી હશે ?
શું થશે ડ્રિમ પ્રોજેક્ટનું ?
જાણવા માટે વાંચતા રહો.


Rate & Review

Pradyumn

Pradyumn 1 day ago

Bijal Patel

Bijal Patel 1 week ago

Bhakti

Bhakti 1 week ago

Indu Talati

Indu Talati 2 weeks ago

Vijay

Vijay 2 weeks ago