યોગ સંયોગ - ભાગ 11 in Gujarati Novel Episodes by Bhumi Joshi "સ્પંદન" books and stories Free | યોગ સંયોગ - ભાગ 11

યોગ સંયોગ - ભાગ 11ભાગ 11

ઈવેન્ટ પૂર્ણ થતાં ધીરે ધીરે બધા જવા લાગ્યા. ન ચાહવા છતાં અભિનવની નજરો અદ્વિકાની સુની માંગ પર આવીને અટકી જતી હતી. તેના આંખના ખુણે ભીનાશ બાઝવા લાગી હતી. હૃદયનો ખૂણે ખૂણો અદ્વિકાના નામથી રડી રહ્યો હતો. અને હૃદયની એ ભીનાશ ગળે ડુમા સ્વરૂપે બાઝી હતી. ખુદને કેટલુંય રોકવા છતાં ઝાકળ સમું એ બિંદુ અભિનવની આંખના ખૂણે સરી પડ્યું. અભિનવે કોઈને પણ ખબર ન પડે તેમ તે બિંદુને સિફતથી લૂછી નાખ્યું.

શ્રી પાટીલ અને અદ્વિકા બંને અભિનવ પાસે આવ્યા. તેઓ એક બીજા મોટા ટેબલ પર બેઠા. પ્રોજેકટ ડીલ માટેના જરૂરી એગ્રીમેન્ટ સાઈન કર્યા. અને પ્રોજેકટને લગતી ફાઇલ્સ તેમજ વિઝીટિંગ કાર્ડની આપ લે થઈ.

બધી ફોર્મલિટી પતાવી અભિનવ ત્યાંથી રવાના થયો. થોડીવાર બાદ અદ્વિકા પણ ઘરે ગઈ. વિજય કાકાએ ફોન દ્વારા આજની ઇવેન્ટના મોટાભાગના સમાચાર આકાશભાઈને આપી દીધા હતા.

********************

અભિનવ હોટેલ પહોંચી ખૂબ રડ્યો. તેને થતું હતું કે અદ્વિકાની આજની હાલત માટે પોતે જવાબદાર છે. જો એ સમયે અદ્વિકાના લગ્ન પોતાની સાથે થયા હોત તો અદ્વિકા ની આજે આ હાલત ન હોત. તે અદ્વિકાને મળી તેનું દુઃખ વહેંચવા માંગતો હતી. પોતે શા માટે એ સમયે ન આવી શક્યો તે બધી વાત જણાવવા માંગતો હતો. આજે પણ પોતાના દિલમાં માત્રને માત્ર અદ્વિકા છે. એટલે જ ત્રણ વર્ષથી આધ્યા પોતાને અનહદ  ચાહવા છતાં પોતે તેના પ્રેમને સ્વીકારી ન શક્યો.

તેને અદ્વિકાની માફી  માંગવી હતી. તેણેફાઈલ માંથી વિઝીટિંગ કાર્ડ કાઢ્યું. તેમાં અદ્વિકાનો નંબર હતો. ફોન કરવો કે નહીં તે વાતે તે અસમંજસમાં હતો. તે વિચારોમાં ખોવાયેલ હતો કે ત્યાં જ તેના ફોનમાં આધ્યા કોલિંગ જોયું.

અભિનવે ફોન રિસીવ કર્યો.

સામા છેડેથી આધ્યા ગુસ્સે થતા બોલી, "અભિનવ  ક્યાં છો તું? કેમ છો ? પહોંચીને ફોન પણ ન કર્યો. હું કેટલી પરેશાન છું તારા માટે ! "

જવાબમાં આધ્યાને માત્ર અભિનવના ડુસકા સંભળાયા..
અભિનવની આ હાલત જોઈ આધ્યા ડરી ગઈ.  તેણે અભિનવને પૂછ્યું. અભિનવે થોડું સ્વસ્થ થઈ પોતે આવ્યો ત્યારથી તો અદ્વિકા સાથેની મુલાકાતોની બધી વાત કરી. અદ્વિકા એ જ છોકરી છે જેને તે અત્યાર સુધી ખુદથી વધુ ચાહતો હતો. તેણે અન્વય વિશે પણ આધ્યાને જણાવ્યું.

આધ્યા તો આ બધું સાંભળી શોકડ હતી. તેને સમજાય ગયું કે શા માટે અભિનવ પોતાને પ્રેમ નહોતો કરતો. 

બધું સાંભળ્યા બાદ આધ્યાના દિલમાં અભિનવ માટે પ્રેમ અને સન્માન વધી ગયું. તેને અભિનવ જેવા દોસ્ત માટે માન થયું. પણ પોતાનો દોસ્ત આમ મુંજાય તે તેને મંજુર ન હતું.  તેણે કઈંક નક્કી કર્યું.

આધ્યા બોલી, "લુક અભિનવ, તારે એક વાર અદ્વિકાને મળી લેવું જોઈએ. તે તારાથી નારાઝ છે. પણ તારે તેને ગમે તેમ મનાવવી જોઈએ તેનો સહારો બનવો જોઈએ. તું એક વાર તેને રૂબરૂ મળી વાત કરી લે. ક્યાં સુધી આમ ચૂપ  રહીશ ?"

આધ્યા સાથે વાત કરી અભિનવ થોડો રિલેક્સ થયો. તેણે ફોન મુક્યો.

બધું સાંભળ્યા બાદ આધ્યાને ફરી એક વાર અભિનવનો સ્વભાવ દિલને સ્પર્શી ગયો. તે વિચારવા લાગી કે પોતાને અભિનવ ન મળે તો કંઈ નહીં પણ ઈશ્વર અદ્વિકાને તેની જિંદગીમાં પરત લઈ આવે. તે માટે પોતે જ કશુંક કરવું જોશે.

આધ્યાની વાત સાંભળી અભિનવે અદ્વિકાને મળવા જવાનું વિચાર્યું. પણ દર વખતે અદ્વિકાના ઘરના લોકો શુ વિચારશે? પોતાના લીધે અદ્વિકાને કોઈ મુશ્કેલી ન થવી જોઈએ.  આમ વિચારી છેલ્લા  એક કલાકથી તે ફોન હાથમાં લઈને બેઠો હતો.

***********

ઈવેન્ટ પતાવી અદ્વિકા ઘરે ગઈ. ઘરે જઈ તેણે આજની ઈવેન્ટની બધી વાતો કરી. અને પ્રોજેકટની ડીલ જે કંપની સાથે થઈ તેના ઓનર અભિનવ પારેખની પણ વાત કરી. ઈવેન્ટની સફળતા જોઈ  આકાશભાઈ અને નિશાબેન ખૂબ જ ખુશ હતા. ડોકટર મહેરા થોડી વાર પહેલા જ નિશાબેનને ચેક કરીને ગયા હતા. દવા અને દુવાની અસર નિશબેન પર થઈ રહી હતી.  ડોકટર મહેરા પણ તેની તબિયતમાં  સુધારો જોઈ ખુશ હતા. આવું જ રહ્યું તો નિશાબેનનું ઓપરેશન નહીં કરવું  પડે તેમ પણ કહ્યું. આ વાત સાંભળી અદ્વિકા ખૂબ ખુશ થઈ.

આકાશભાઈ બોલ્યા , "બેટા.. અદી , આજનો દિવસ ખરેખર ખૂબ ખુશીનો છે. એક તરફ અન્વયનું ડ્રિમ પ્રોજેક્ટ પૂરો થવા જઈ રહ્યો છે.  અને બીજી તરફ તારી મમ્મીની તબિયત સારી થઈ રહી છે. આ દરેકનો શ્રેય તને જાય છે. મારી દીકરી તું સાચા અર્થમાં અમારી દીકરી સાબિત થઈ છે.  કુદરત તને તારા હિસ્સાની ખુશીઓ  આપે હું દરરોજ એ જ માંગુ છું."

આ સાંભળી અદ્વિકાની આંખો ભીની થઈ ગઈ. તે બોલી , "મમ્મી, પપ્પા મારે તમને એક વાત કરવી છે. તમારી અને મારી વચ્ચે વિશ્વાસ અને સમજણનો અતૂટ નાતો છે." 

"પપ્પા, મારા પપ્પા તમારા ખાસ મિત્ર હતા. અને એટલે તમારા કહેવાથી અમે અહીં વડોદરા શિફ્ટ થયા હતા. એ સમયે મારી માનસિક હાલત ખૂબ ખરાબ હતી. તમારા અન્ય એક ડોકટર મિત્રની મદદથી મારી સારવાર થઈ હતી. એ સમયે મારી જિંદગીમાં અભિનવ નામનું જે તુફાન આવ્યું હતું  તે તમે અને અન્વય બંને જાણો છો. એ તુફાનમાંથી તમારા વાત્સલ્ય અને અન્વયની હુંફના કારણે જ હું બહાર આવી શકી. "

"તમે અને અન્વયે મારા અને અભિનવના સંબંધો વિશે બધું જાણવા છતાં મને અપનાવી. અઢળક પ્રેમ આપ્યો. અન્વયે મારો ભૂતકાળ ભૂલવામાં મને મદદ કરી અને એ જુના ઓછાયામાંથી કાઢી નવો ઉજાસ આપ્યો. અન્વયે પત્નીના રૂપમાં અઢળક પ્રેમ, માન, સન્માન આપ્યું. એટલો પ્રેમ આપ્યો કે અભિનવનું નામ મારા દિલમાંથી સાવ ભૂંસાઈ ગયું. પણ હા તેણે જે રીતે મારો વિશ્વાસ ઘાત કર્યો તેનાથી મને તેના તરફ અનહદ નફરત છે."

અદ્વિકાની વાત સાંભળી આકાશભાઈ બોલ્યા, "બેટા આટલા વર્ષો પછી આજે અચાનક અભિનવની વાત કેમ કરે છે?  શું થયું ?  તું તારા દિલ પર કોઈ બોઝ ન રાખ. બોલ શુ કહેવા માંગે છે ? બેટા અમે તારા પર કોઈ ઉપકાર નથી કર્યો. મેં બધી ઘટનાને બસ એક બાપના નજરથી જોઈ હતી. જો ખરેખર તું મારી દીકરી હોત તો ...  તારો નિર્દોશ ચહેરો અને નિર્દોષ આંખો તારી નિખાલસતાની સાબિતી આપતા હતા."

"પ્રેમ કરવો કોઈ ગુનો નથી. નિર્મળ હૃદયે કોઈને ચાહવું એ તો ઈશ્વરની ઈબાદત છે.  તું તો મારું કોહિનૂર છે. તારું હૃદય સ્નેહ અને મમતાનો ભંડાર છે. અને જે થયું તે સારું થયું . નહી તો તું મારી અદી દીકરી કેમ બનત ?  તારા સ્નેહના દરિયામાં તું અમને સહુને નિરંતર ભીંજવી રહી છે.  એનાથી મોટી ખુશી બીજી કઈ હોય ?"

આકશભાઈના શબ્દો સાંભળી અદ્વિકાની મૂંઝવણ દૂર થઈ ગઈ તે બોલી, "પપ્પા ! આપણાં બિઝનેસના નવા પાર્ટનર અભિનવ પારેખ એ બીજું કોઈ નહી પણ એ જ અભિનવ છે. જે મારા ભૂતકાળનો ...."

આટલું બોલતા બોલતા અદ્વિકા ધ્રુસકે ધ્રુસકે રડી પડી.

તેને રડતી જોઈ નિશાબેન બોલ્યા , "મારી અદી ક્યારથી આટલી કમજોર થવા લાગી. જિંદગીમાં આવનાર તુફાનો સામે ચટ્ટાન બનીને ઉભી રહેતી અદી આજે એક નાનકડા ઝંઝાવાત થી ડરી ગઈ. "

"બેટા, અભિનવ અને તું આટલા વર્ષો પછી મળ્યા છો તેમાં પણ કુદરતે કોઈ સંયોગ ગોઠવ્યા હશે. બાકી તું જ વિચાર અન્વયનો ડ્રિમ પ્રોજેકટ લોન્ચ કરવા કેટલી વાર પ્રયત્ન કર્યો. પણ દર વખતે કોઈ કમી રહી જતી. આમ અચાનક અભિનવનું કેનેડાથી અહીંયા આવવું અને તેના અને તારા હાથે અન્વયનું સપનું પૂરું થવું આવા યોગ તો કોઈ નવા સંયોગની નિશાની છે. "

"આ યોગ સંયોગ જ છે. જેણે આમ અચાનક તારી જિંદગીમાં અભિનવની રીતસરની એન્ટ્રી કરાવી છે. અન્વયનું ડ્રિમ પૂરું કરવા ઈશ્વરે તેને નિમિત્ત બનાવ્યો છે. "

આકશભાઈ અને નિશાબેનની વાત સાંભળી અદ્વિકાનું મન એકદમ હળવું થઈ ગયું. તેણે નિશાબેનના ખોળામાં પોતાનું મસ્તક મૂકી દીધું. નિશાબેન પણ અદ્વિકાના માથા પર સ્નેહ ભર્યો હાથ પસવારતા રહ્યા.

આકાશભાઈ બોલ્યા, "બેટા અદી, આપણે અભિનવને કાલે લંચ પર બોલાવીએ જેથી અમે તેને મળી પણ લઈએ અને તું તારા મનના પ્રશ્નો પણ પૂછી લે. એમ પણ હવે સાથે કામ કરવાનું છે તો મન સાફ થઈ જવા જોઈએ. તું તેને કાલનું ઈનવીટેશન આપી દેજે."

અદ્વિકા એ ત્યાં હૉલમાંથી જ અભિનવને કોલ કર્યો.

અભિનવે થોડી વાર પહેલા જ કાર્ડમાંથી અદ્વિકાનો નંબર સેવ કર્યો હતો. મોબાઇલની રિંગ સાંભળી અભિનવે ફોન હાથમાં લીધો. અદ્વિકા કોલીંગ જોઈ અભિનવનું દિલ જોરજોરથી ધડકવા લાગ્યું. તેના મનમાં સ્નેહના સ્પંદનો ગુંજવા લાગ્યા. તેણે ધડકતા હૃદયે ફોન ઉપાડ્યો.

અભિનવે ફોન ઉપાડ્યો. સામાં છેડેથી અદ્વિકા બોલી, "અભિનવ, હું અદ્વિકા બોલું છું. આવતી કાલે તમને લંચ માટે પપ્પાએ ઈનવાઈટ કર્યા છે. આવશોને ?"

અદ્વિકાનો અવાજ સાંભળી અભિનવ મન્ત્રમુગ્ધ થઈ ગયો.  તેનું મન કહેતું હતું કે અદ્વિકા સાથે કેટલીય વાતો કરી લે. તે માત્ર એટલું જ બોલી શક્યો. "જી જરૂર આવીશ. "

ફોન મુક્યા બાદ અભિનવ વિચારી રહ્યો આ લંચનું કારણ શું હશે ? શું તેના ઘરના લોકો મારા અને અદ્વિકાના સંબંધોને જાણતા હશે ?

*********************

બીજા દિવસે બપોરે અભિનવ, અદ્વિકાના ઘરે પહોંચ્યો.
આકાશભાઈ અને નિશાબેન તો તેને જોતા જ રહી ગયા. અન્વય જેવો જ સોહામણો દેખાતો અભિનવને જોઈ નિશાબેનને એવું લાગ્યું જાણે પોતાનો દીકરો અન્વય આવી ગયો.

બધાએ અભિનવનું ભાવ ભીનું સ્વાગત  કર્યું.

અભિનવ બંગલો જોઈ અદ્વિકા માટે ખૂબ ખુશ થઈ ગયો. થોડીવાર બધી બિઝનેસની અને કેનેડાના અભિનવના બિઝનેસની વાતો થઈ. બધા એ સાથે મળી લંચ કર્યું.

લંચ બાદ બધા બેઠા હતા આકાશભાઈ અને અભિનવ હોલમાં રહેલ સોફા પર બેઠા હતા. જ્યારે નિશાબેન અને અદ્વિકા તેના સામેના સોફા પર બેઠા હતા.

અદ્વિકાના ચહેરા પર એકદમ સ્વસ્થતા હતી. અદ્વિકા પ્રત્યે ઘરના લોકોનો અત્યંત સ્નેહાળ વ્યવહાર જોઈ અભિનવ પણ દંગ રહી ગયો હતો.  દીકરી કરતા પણ વધુ સ્નેહ અને વિશ્વાસ એક પુત્રવધુ માટે જોઈ અભિનવે તે લોકોને મનોમન વંદન કર્યું. તેના દિલમાં અદ્વિકા પ્રત્યેની જે ચિંતા હતી તે બિલકુલ ન રહી. 

સબંધ કોઈ પણ હોય પુત્રી કે પુત્રવધુ. જરૂર હોય છે  સંબંધોમાં સાચા સ્નેહ અને વિશ્વાસની. સંબંધોને તેના નામ પરથી નહીં પણ તેની આત્મા સાથે નિભાવવામાં આવે તો  દરેક સંબંધ ઉપવન સમો મહેંકી ઉઠે છે.

આકાશ ભાઈએ અદ્વિકાના, અન્વય સાથેના લગ્નની અને અકસ્માતમાં થયેલ અન્વયની મોતની બધી વાતો કરી.
અન્વયની મોતની વાત સાંભળી અભિનવનું મન ફરી દ્રવી ઉઠ્યું.

અભિનવ બધી વાત સાંભળી એટલું તો સમજી ગયો કે બધા તેના અને અદ્વિકાનો પાસ્ટ જાણે છે. તેણે બધા વચ્ચે જ પોતે શા માટે અદ્વિકા સાથે લગ્ન ન કરી શક્યો તે વાત કરવાનું અને અદ્વિકાની માફી મંગવાનું નક્કી કર્યું.

તેણે પોતાની વાતની શરૂઆત કરી.

ક્રમશઃ
Bhumi  joshi "સ્પંદન"
આખરે શા માટે અભિનવ અને અદ્વિકાના લગ્ન ન થયા ?
શું અદ્વિકા ,અભિનવને માફ કરશે ?
આખરે શુ છે અદ્વિકા અને અભિનવનો સંયોગ ?
શું આકાશ ભાઈ અદ્વિકા,અને અભિનવની કડીઓ મેળવી કોઈ મોટો નિર્ણય લેશે ?
જાણવા માટે વાંચતા રહો..


Rate & Review

Pradyumn

Pradyumn 11 hours ago

Bijal Patel

Bijal Patel 1 week ago

Indu Talati

Indu Talati 2 weeks ago

Vijay

Vijay 2 weeks ago

Parash Dhulia

Parash Dhulia 2 months ago