Chandani - 50 in Gujarati Love Stories by Bhumi Joshi "સ્પંદન" books and stories PDF | ચાંદની - પાર્ટ 50

ચાંદની - પાર્ટ 50અનુરાગ અવાજની દિશામાં આગળ વધતો ગયો તે ઘણો આગળ ગયો પણ કોઈ દેખાતું ન હતું. લગભગ તે ચાલીસેક ફૂટ દૂર ગયો હશે કે તેને એક મોટા બ્લાસ્ટનો અવાજ આવ્યો.

અનુરાગ ત્યાંથી દોડતો, દોડતો બ્લાસ્ટની અવાજની દિશામાં ગયો. તે ગાડીથી ત્રીસેક ફૂટ દૂર હતો કે તેણે ત્યાંથી પોતાની ગાડીને આગમાં ભડભડ બળતી જોઈ. તેની ચીસ નીકળી ગઈ. તેને સમજતા વાર ન લાગી કે ગાડીમાં કોઈએ બૉમ્બ મુક્યો હશે. જે ફાટતા આખી ગાડી સળગી રહી હતી. અનુરાગે બૂમ મારી ચાંદની... તે પોતાની પરવાહ કર્યા વગર દોડતો દોડતો આગમાં આગળને આગળ જઈ રહ્યો હતો.

હવે આગળ....

ચાંદનીની ડાયરી વાંચતાં વાંચતા ચાંદનીના ભૂતકાળમાં ખોવાઈ ગયેલ રાજ, ગાડીનો બોમ્બ વિસ્ફોટ શબ્દ વાંચતા જ પરસેવે રેબઝેબ થઇ ગયો. તેનું મગજ સુન્ન થઈ ગયું હતું. જાણે શરીરની બધી તાકાત સુકાઈ ગઈ હતી.

ફુલ એ.સી. માં પણ તેનો શ્વાસ રૂંધાતા તો હતો. તેને એટલી હદે બેચેની થવા લાગી. તેના મોઢામાંથી એક તીણી ચીસ નીકળી ગઈ "ચાંદની..." મોઢામાંથી ચીસ નીકળતા જ ભયનું લખલખું એક મિનિટ માટે પસાર થઈ સમગ્ર વ્યક્તિત્વને હચમચાવી ગયું.

તેનો એક હાથ બેડની બાજુમાં રહેલ ટેબલ પર અથડાતા ટેબલ પરનો ફ્લાવર વાઝ તૂટી નીચે પડ્યો. તેના ધબ કરતા અવાજે રાજની તંદ્રા તોડી. તે જાણે ભયાનક સ્વપ્નમાંથી સફાળો ઊઠ્યો હોય તેમ બેઠો થયો.

તેના ચેતના વિહીન શરીરમાં ફરી નવી ચેતનાનો સંચાર થયો. તેણે આમ તેમ બેબાકળા થતાં જોયું. તેને ખ્યાલ આવ્યો કે પોતે જે વાંચતો, વિચારતો અને અનુભવતો હતો તે ચાંદનીનો ભૂતકાળ હતો. જે ડાયરીમાં વાંચી રહ્યો હતો. વર્તમાનમાં તો ચાંદની તેની સાથે જ છે.

વાંચતા-વાંચતા તે એ ઘટનામાં એટલો ડૂબી ગયો હતો કે, તેને જાણે અત્યારે તેની સમક્ષ સમગ્ર ઘટના બની રહી છે, તે આભાસ થવા લાગ્યો હતો. પરિણામે તેને એક પળ માટે એવું લાગ્યું કે ચાંદની તે બ્લાસ્ટમા...

તે ઊભો થયો બાજુમાં પડેલ પાણીના જગને મોઢે માંડી એક સાથે કેટલુંય પાણી ગટગટાવી જાણે તેને રાહતનો દમ મળ્યો. માથા પર બાજેલા પ્રસ્વેદ બિંદુઓ ને તેણે લૂંછ્યા. એ.સી. ને ફૂલ કરી તતેણે બેડ પર લંબાવ્યું. અને એક ઊંડો શ્વાસ લીધો.

તે વિચારતો હતો કે પોતે ચાંદનીને કેટલી હદે ચાહવા લાગ્યો છે. પણ ચાંદની....

એક બે મિનિટ પહેલાં થયેલા અનુભવોને ખંખેરતા તેણે મગજને સતેજ કર્યું. તે વિચારવા લાગ્યો વિસ્ફોટ થયો પણ પછી શું..? તેને ફરી ડાયરી હાથમાં લઇ આગળની ઘટના વાંચવાનું વિચાર્યું પણ આ શું..?

અનુરાગની ગાડીનો બોમ્બ બ્લાસ્ટ થયો, ત્યાર બાદની એક પણ ઘટના ડાયરીમાં લખેલ ન હતી. તે ડાયરીના પાના ખૂંદી વળ્યો. પણ દરેક પાના કોરા જ હતા.

તેણે ડાયરીને હાથમાં લઇ લગભગ પાંચથી છ વખત દરેકે દરેક પાના ચેક કર્યા પણ વ્યર્થ..? દરેક પાનામાં કશું જ હતું નહીં. અચાનક તેનું ધ્યાન ગયું કે થોડા પેજ છોડ્યા બાદ કોઈએ વચ્ચેથી પેજ પાડેલા હોય તેવું લાગ્યું.

રાજે ડાયરીને લગભગ દસેક વાર આમતેમ ફેરવીને જોઈ લીધી. પણ તેના હાથમાં કશું જ ન લાગ્યું. તેણે સાચવીને ડાયરીને પોતાના કબાટમાં મૂકી.

ચાંદનીનો જે ભૂતકાળ જાણવા તે બેતાબ હતો, તે ભૂતકાળ પ્રેમના બદલે નફરત અને દાવપેચથી, આટલો ખરડાયેલ હશે એવી તો તેણે કલ્પના પણ નહોતી કરી.

અત્યાર સુધીની ચાંદનીની માનસિક હાલતના ચિત્રો તેની સામે તરવરી રહ્યા. કેમ ચાંદની વારંવાર ક્યાંક વિચારોમાં ખોવાઈ જાય છે..?

ઘણીવાર કેમ કોઈને કશું પૂછ્યા વગર જ ચાલી નીકળે છે..? આ બધી બાબતો અને ચાંદનીના મગજમાં ચાલતા ભૂતકાળના ઓળા તેમજ તેના દ્વંદને તે હવે સારી રીતે સમજી રહ્યો હતો.

હસતી ખેલતી ચાંદની કેમ અચાનક ખામોશીના અંધકારમાં, ગરકાવ થઈ જાય છે તે બધા જ ચિત્રો, એક સાથે તેના મગજમાં ઉપસી રહ્યા હતા.

આટલી નાની ઉંમરમાં ચાંદની જે દર્દ અને ઝખ્મને પોતાના દિલમાં ધરબીને, જીવનના નવા પ્રવાહમાં ચાલવાની કોશિશ કરતી હતી, તે માટે રાજને ખરેખર તેના પર માન થયું.

રાજ આમતેમ આંટા મારતો અચાનક ઉભો રહી ગયો. તેના મગજમાં જાણે કે એક ચમકારો થયો હોય તેમ તે બોલ્યો, અનુરાગનું એ ગાડીનું એક્સિડન્ટ થયું તો ચાંદની બચી કેવી રીતે..? અનુરાગ તો ગાડીમાં ન હતો. તો અત્યારે ક્યાં છે..? અને ચાંદીના માતા-પિતા..?

એક સાથે કેટલાય સવાલોનું એક ભયંકર તોફાન તેના મગજમાં ઘૂમરાવા લાગ્યું. જાણે વિચારોનું એક તુમુલ યુદ્ધ તેના મનમાં ફાટી નીકળ્યું. તેને મન થતું હતું કે અત્યારે જ જઈને ચાંદનીને બધું જ પૂછી લે. પણ ફરીથી કઈંક બીજા વિચારે તેને આશ્ચર્યમાં મૂકી દીધો.

તેણે પોતાની ઘડિયાળમાં જોયું રાતનો એક વાગી ગયો હતો. આ સમયે મિસ્ટર વાગલેને ફોન તો ન કરાય તેણે મસેજ કરવાનું વિચાર્યું.

આવતી કાલ સવારે શક્ય હોય તેટલા વહેલા તમને મળવું છે. એટલે કાલની કોઈ અન્ય મિટિંગ ન ફિક્સ કરતા. આટલો ટેક્સ્ટ મેસેજ રાજે મિસ્ટર વાગલેને મોકલ્યો.

ઊંઘ તો રાજની ક્યાંય ઉડી ગઈ હતી. તેને હવે સવાર પડવાની ચિંતા હતી. તે પોતાના રૂમની બાલ્કનીમાં આમતેમ આંટા મારી રહ્યો હતો.

તેને ચાંદનીના રૂમમાં કઈંક અવાજ આવ્યો હોય તેવું લાગ્યું. પોતે તો ક્યારનો ચાંદનીને મળવા બેતાબ હતો. ડાયરી વાંચ્યા બાદ તો તેનું દિલ કહેતું હતું. દોડીને ચાંદનીને વળગી પડે. તે હેમખેમ છે તે તસલ્લી દિલને આપી દે. પણ પોતાની લાગણીઓને તેણે દિલમાં જ ધરબી દીધી હતી.

*********************

માસીબા આશ્રમમાં બનેલી ઘટના બાદ ખૂબ વ્યથિત હતા. કોઈને ન કહેવાય કે ન સહેવાય તેવી તેમની હાલત હતી. તે ધીમા પગલે ચાંદનીના રૂમમાં ગયા. તેણે વિચાર્યું હતું કે હવે ચાંદની સુઈ ગઈ હશે. એટલે પોતે એક વાર તેનું પર્સ ચેક કરી તસ્વીર છે કે નહીં તે ચેક કરી લેશે.

માસીબા ચાંદનીના રૂમનો દરવાજો અધખુલ્લો હતો. તેણે દરવાજા પાસે ઉભા રહી ખાતરી કરી કે ચાંદની ઊંઘે છે.
તે દબાતા પગલે ચાંદનીના રૂમમાં ગયા. તેનું ઝમીર આ વાત માટે તેને ઇજાજત નહોતું આપતું. પણ આજે તે મજબુર હતા. એક તસ્વીર પાછળ ઘણું દફન હતું. જે બહાર આવે તેવું તે ઇચ્છતા ન હતા.

માસીબા એ અસમતેમ જોયું. તેનું ધ્યાન ડ્રેસિંગ ટેબલ પર પડેલ ચાંદનીના પર્સ પર પડી. આ તે જ પર્સ હતું જે આજે ચાંદની આશ્રમ લઈને ગઈ હતી.

માસીબા ડ્રેસિંગ ટેબલ નજીક ગયા. તેણે ચાંદનીનું પર્સ ખોલ્યું. તેને અચરજ થયું કેમ કે પર્સમાં કોઈ તસ્વીર ન હતી.
તે વિચારવા લાગ્યા આવું કેમ ?

"માસીબા! તમે જે શોધો છો તે પર્સમાં નથી પણ મારા હાથમાં છે." હાથમાં રહેલ તસ્વીર બતાવતા ચાંદની બૉલી.
અચાનક પાછળથી ચાંદનીનો અવાજ સાંભળી માસીબના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેનું શરીર ધ્રુજી રહ્યું હતું. તેને લાગ્યું પોતે હમણાં બેહોંશ થઈ ઢળી પડશે.

ચાંદની માસીબાની હાલત સમજી જતા ઝડપથી તેને પોતાના બેડ પર બેસાડી પાણી પીવરાવ્યું.
ચાંદની બોલી, "માસીબા એવું તો શું છે? જેની જાણ મને થશે એ વિચાર માત્રથી તમારી આ હાલત થવા લાગી. તમે ગમે તેટલું છુપાવો પણ હું જાણીને જ રહીશ. "

ચાંદનીની વાત સાંભળી માસીબનો ચહેરો સાવ ઉતરી ગયો. તે કઈંક બોલવા જતા હતા ત્યાં દરવાજા પર રાજને ઉભેલો જોયો.

રાજનો ચહેરો જોતા જ માસીબના દિલને ધ્રાસકો પડ્યો. તે હજુ તો ચાંદનીને કેમ સંભાળવી તે વિચારતા હતા એવામાં રાજને જોતા તેનું મગજ સુન્ન થવા લાગ્યું.

પણ રાજને કોઈ ખ્યાલ ન આવે એટલે તેણે મહા મુસીબતે ખુદને સંભળતાં બોલ્યા, "રાજ બેટા તું હજુ જાગે છે ? કેમ કોઈ ચિંતા છે ?"

રાજને જોતા જ ચાંદની પણ સહજ બનવાની કોશિશ કરવા લાગી. તેણે પિતાના હાથમાં રહેલ તસ્વીર ઝડપથી બેડના તકિયા નીચે છુપાવી દીધી.

ચાંદનીની આ હરકત જોઈ માસીબના મનને રાહત થઈ. તેણે નજરોથી આ બાબતે ચાંદનીનો આભાર માન્યો.

તે બંનેને સાથે જોતા રાજ બોલ્યો, "હું તો એક બુક વાંચતો હતો એટલે જાગતો હતો. હજું સુવાનું વિચારતો હતો ત્યાં ચાંદનીના રૂમમાંથી કોઈ અવાજ આવ્યો એટલે આ બાજું આવ્યો પણ મોમ તું અત્યારે અહીં ચાંદનીના રૂમમાં ? "

માસીબાને બચાવતા ચાંદની બોલી, "રાજ એ તો મને ઊંઘ નહોતી આવતી એટલે હું નીચે જઈ માસીબાને મારા રૂમમાં સુવા લઈ આવી. પણ પછી બંને વાતોએ ચડી ગયા."

માળીબાએ પણ સસ્મિત હા ભણી. રાજ થોડીવાર ત્યાં બેઠો અને બોલ્યો, "હવે બન્ને ઊંઘી જાઓ નહીતો બીમાર પડી જશો. ગુડનાઈટ"

રાજના દિલમાં તો અત્યારે એક સાથે કેટલાય અહેસાસ ઉમટ્યા હતા. તેને ચાંદની સાથે કેટલીય વાતો કરવી હતી. પણ માસીબાની હાજરી જોઈ તે ત્યાંથી પોતાના રૂમ તરફ ગયો.

રાજના જતા જ માસીબા એ એક ઊંડો શ્વાસ લીધો તેના મનમાં હાશકારો થયો. પણ હજુ ચાંદનીના વેધક સવાલોનો શું જવાબ આપવો તે વિચારે તે ફરી વ્યથિત થવા લાગ્યા.

ચાંદની માસીબાના ચહેરાના બદલતા રંગોને એકીટશે જોઈ રહી. તેણે ફરી તકિયા નીચેથી પેલી તસ્વીર કાઢી માસીબના હાથમાં મૂકી.

માસીબા એકીટશે તે તસ્વીરને નીરખી રહ્યા. તેની આંખોના ખૂણે એક અશ્રુબિંદુ ઝાકળના બિંદુ સમું ચમકી રહ્યું. તે વિચારતા હતા, જે વાતને આટલા વર્ષો દબાવી રાખી, તે આજે બહાર આવવા ઉધામા મચાવી રહી.

ક્રમશઃ
Bhumi joshi "સ્પંદન"
3/7/2021

શું છે આખરે તસ્વીરનું રાઝ ?
શું રાજ પોતાના મનના સવાલોનો જવાબ મેળવી શકશે ?
શું વાગલેની મદદથી રાજ ચાંદનીનાં ભૂતકાળની બાકીની કડીઓ મેળવી શકશે ?
જાણવા માટે વાંચતા રહો.


Rate & Review

Heena Suchak

Heena Suchak 6 months ago

Amritlal Patel

Amritlal Patel 6 months ago

Anish Padhiyar

Anish Padhiyar 7 months ago

Reena

Reena 7 months ago

narendra

narendra 7 months ago