Chandani - 51 in Gujarati Love Stories by Bhumi Joshi "સ્પંદન" books and stories PDF | ચાંદની - પાર્ટ 51

ચાંદની - પાર્ટ 51


રાજના દિલમાં તો અત્યારે એક સાથે કેટલાય અહેસાસ ઉમટ્યા હતા. તેને ચાંદની સાથે કેટલીય વાતો કરવી હતી. પણ માસીબાની હાજરી જોઈ તે ત્યાંથી પોતાના રૂમ તરફ ગયો.

રાજના જતા જ માસીબા એ એક ઊંડો શ્વાસ લીધો તેના મનમાં હાશકારો થયો. પણ હજુ ચાંદનીના વેધક સવાલોનો શું જવાબ આપવો તે વિચારે તે ફરી વ્યથિત થવા લાગ્યા.

ચાંદની માસીબાના ચહેરાના બદલતા રંગોને એકીટશે જોઈ રહી. તેણે ફરી તકિયા નીચેથી પેલી તસ્વીર કાઢી માસીબના હાથમાં મૂકી.

માસીબા એકીટશે તે તસ્વીરને નીરખી રહ્યા. તેની આંખોના ખૂણે એક અશ્રુબિંદુ ઝાકળના બિંદુ સમું ચમકી રહ્યું. તે વિચારતા હતા, જે વાતને આટલા વર્ષો દબાવી રાખી, તે આજે બહાર આવવા ઉધામા મચાવી રહી.

હવે આગળ....

માસીબા તસ્વીરને નિરખતા હતા. જ્યારે ચાંદની માસીબાના ચહેરાને નીરખી તેના ચહેરાના ભાવ સમજવા કોશિશ કરતી હતી. માસીબા જાણે ક્યાંક અતીતના ઓછાયા હેઠળ ઉભા હોય તેવું ચાંદનીને લાગી રહ્યું હતું.

"ચાંદની, તારો શક સાચો છે. હું અનુરાગને ઓળખું છું. આ તસ્વીર આ બાબતની ગવાહી આપે છે." માસીબા બોલ્યા.

જે તસ્વીર જોઈ ચાંદનીના મનમાં અસંખ્ય પ્રશ્નો ઘુમરાવા લાગ્યા હતા. તે તસ્વીરમાં માસીબા અને અનુરાગની મમ્મી અનુરાગને તેડીને ઉભા હતા.

આ એજ તસ્વીર હતી જે અનુરાગે તેને તેના વોલેટમાથી કાઢી એક વાર બતાવી હતી. જેમાં અનુરાગ અને તેની મમ્મી હતા. એટલે તે આ તસ્વીરમાં અનુરાગનો બાળપણનો ચહેરો ચાંદની ઓળખી ગઈ.

અનુરાગ અને તેની મમ્મીને માસીબા ઓળખે છે. તે વાત જાણી ચાંદનીને ખૂબ આશ્ચર્ય થયું.ચાંદની આટલા સમયથી માસીબા સાથે રહે છે, પણ કદી માસીબા એ તેના વિશે કેમ કશું કહ્યું નહી! તે વાત થી ચાંદનીના મનમાં એક ઝંઝાવાત ઉભું થયું હતું.

ચાંદની બોલી, "માસીબા, છેલ્લા 5 વર્ષથી હું તમારી સાથે રહું છું. તમે અનુરાગને અને તેની મમ્મીને ઓળખો છો. આ વાત તમે મારાથી કેમ છુપાવી ? એ તો હું આજે અનાથ આશ્રમ ગઈ અને ત્યાં અનુરાગ ત્યાં ગયો હોય તેવા અસંખ્ય પુરાવા મળ્યા. વર્ષો પહેલા પ્રથમવાર અનુરાગ મને આવા જ એક અન્ય અનાથ આશ્રમ માં લઈ ગયો હતો. જ્યાં તેણે બાળકોને જે ભેટ આપી હતી. તે અને આજે આ અનાથ આશ્રમના બાળકો પાસે રહેલી ભેટ જોઈ હું સ્તબ્ધ થઈ ગઈ. "

"મારા મનમાં એક શક ગયો કે અનુરાગ અહીં અમદાવાદમાં ? તે અહીં કેમ? મારો શક સાચો છે કે ખોટો તે જાણવા મેં એક બે છોકરાને તે ભેટ આપેલ વ્યક્તિ વિશે પૂછ્યું. એક બાળકીના જવાબથી મને શોક લાગ્યો. મારો શક વધુ દૃઢ થવા લાગ્યો. તે બાળકીના કહેવા મુજબ ભેટ આપનાર વ્યક્તિ બે ત્રણ વાર આશ્રમ માં આવી ગયેલ છે. અને દરેક બાળકોને ખૂબ વ્હાલ કરી તેની સાથે ફોટો પણ પડાવ્યો હતો. "

"તે બાળકીની આ વાત સાંભળી મને આશ્રમનું આલ્બમ જોવાનું મન થયું. કદાચ મારા શકને યકીનમાં બદલતો પુરાવો મળી જાય. એમ વિચારી હું ત્યાંની ઓફિસમાં ગઈ. મારા સદ નસીબે ત્યાંની મેનેજર બહાર ગઈ હતી. અને ઓફીસ ખુલ્લી હતી. એટલે મેં તે ઓફિસમાંથી બે આલ્બમ કાઢ્યા. એક આલ્બમમાં તસ્વીર જોતા તેમાંથી આ તસ્વીર કાઢી લીધી."

"હું બધું લઈ ગાર્ડનમાં દૂર બેઠી હતી. જ્યાં આસપાસ કોઈ ન હતું. પણ દૂરથી તમને જ્યારે મેં આશ્રમ માં આવતા જોયા ત્યારે મેં મારી બેન્ચની નીચે આલ્બમને ફેંકી પગથી થોડો દૂર હડસેલી દીધો. અને તસ્વીર તો ક્યારની મારા પર્સમાં જ હતી."

ચાંદનીની આ બધી વાતો માસીબા અશ્રુભીની આંખે સાંભળી રહ્યા હતા. માસીબા બોલ્યા, "ચાંદની મને જ્યારે ખ્યાલ આવ્યો કે તને ખબર પડી ગઈ છે કે આ આશ્રમ હું ચલાવું છું. ત્યારે મને ધ્રાસકો પડ્યો. હું તને ત્યાંથી લઈને ઘરે આવી પછી મેનેજરનો ફોન આવ્યો કે આલ્બમ ગાર્ડનમાંથી મળ્યો છે અને એક તસ્વીર ગાયબ છે. ત્યારે જ મને ખ્યાલ આવી ગયો કે, તારા હાથમાં એ તસ્વીર આવી ગઈ છે. અને તું બધું જાણી ગઈ છે."

માસીબાની વાત સાંભળી ચાંદની બોલી, " માસીબા, તમને ખબર પડી ગઈ હતી કે હું બધું જાણી ગઈ છો તો પછી આ તસવીર આમ અડધી રાતે ચોરી છુપીથી લેવા કેમ આવ્યા ?"

માસીબા બોલ્યા, "ચાંદની મને તારો ડર કરતા વધુ રાજનો ડર હતો. તે કોઈ બાબત જાણતો નથી. જો તું રાજને આ તસ્વીર બતાવી દે તો રાજની નજરમાં ઉઠતા સવાલોનો હું સામનો ન કરી શકત. તેની નારાજગી મારાથી એક પળ પણ સહન ન થાય."

માસીબાની વાત સાંભળી ચાંદની બોલી, "પણ ક્યાં સુધી બધું છુપાવશો ? રાજ મારા અતીતને જાણવા જમીન આસમાન એક કરી રહ્યો છે. જ્યારે તે જાણશે કે જે અનુરાગ વિશે જાણવા તે આટલો બેચેન થઈ રહ્યો છે તે અનુરાગને તમે ખૂબ નજીકથી ઓળખો છો ! આ વાત જાણી તેના મન પર શું ગુજરશે ? "

ચાંદનીના વેધક સવાલો સાંભળી માસીબા ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા. ચાંદનીએ તેને પાણી પીવરાવી આશ્વસ્ત કર્યા.

પાણી પીધા બાદ માસીબા થોડા સ્વસ્થ થયા. તે બોલ્યા, "ચાંદની, હું કશું પણ છુપાવવા નહોતી માંગતી પણ હું મજબુર હતી. અને અત્યારે પણ હું મજબુર છું. પણ મારો વિશ્વાસ કર મેં જે કંઈ પણ કર્યું તે ફક્ત તારી ભલાઈ માટે કર્યું."

"જે અતિતના ઓછાયાથી તું માંડ માંડ બહાર આવી તેમાં હું તને ફરી ડૂબવા નહોતી દેવા માંગતી. તું બધું ભૂલી જા. તું હવે એક સફળ ગાયક કલાકાર છે. જેની એક ઝલક માટે લાખો ફેન્સ કતારમાં ઉભા છે."

માસીબા ની વાત સાંભળી ચાંદની બોલી, "માસીબા, હું શું ભૂલી જાવ ? મારી સાથે જે થયું તે કે પછી અનુરાગને ? મારા માસુમ પરિવારનો શો દોષ હતો ? રાત દિવસ તેમના ચહેરા મારી નજરો સમક્ષ તરવર્યા કરે છે. તમારા મારા પર ખૂબ ઉપકાર છે. તમે મને નવી જિંદગી આપી છે. એક ઉપકાર હજી કરી દયો. તમારી અને અનુરાગની એવી કઈ કડી છે જે જોડાયેલી છે ? પ્લીઝ મને કહો. "

ચાંદનીની વાત સાંભળી માસીબા બોલ્યા, "બેટા, તું તારી માસીબા પ્રત્યે ભરોસો રાખ. સમયનું ચક્ર ફરી એક વાર ફરી રહ્યું છે. બહું જલ્દી હર રાઝ બેપરદા થવાનું છે. તું બસ મને થોડો સમય આપ."

"તને તો શું! રાજને પણ હું બધું જ જણાવી દઈશ. પછી તમે જે સજા આપશો તે મને મંજુર હશે. બસ એક આખરી વાર તારી માસીબાની વાત પર ભરોસો કરી અત્યારે કોઈ સવાલ ન પૂછ. બસ મને એક સપ્તાહ નો સમય દે. એક સપ્તાહ બાદ તું જે જાણવા માંગે છે તે બધું જ કહીશ. અને સમયના ચોકઠામાં જો બધું બંધ બેસી ગયું તો આપોઆપ તારી સમક્ષ બધું આવી જશે."

માસીબાની ભીની આંખ અને ભીના અવાજમાં બધી વાત સાંભળી ચાંદની માની ગઈ. તેની પોતાની પાસે રહેલ તસ્વીર માસીબાને આપી દીધી. અને પોતે રાજને આ વિશે કશું નહીં જણાવે તેવું કહ્યું. ચાંદનીની વાત સાંભળી માસીબાના હૈયે ધરપત થઈ.

*******************

બીજા દિવસે સવારે પોતાને એક જરૂરી કામ છે તેવુ જણાવી રાજ ઘરેથી નીકળી ગયો.

આશ્રમ રોડ પરના એક વિશાળ કોફી હાઉસમાં રાજ મિસ્ટર વાગલેનો ઈન્ટતઝાર કરતો હતો.

થોડીવારમાં ત્યાં બ્લેક ડેનિમ જીન્સ અને લાઈટ લેમન શર્ટ પહેરીને મિસ્ટર વાગલેને આવતા જોયા. 45 વર્ષે પણ ખડતલ શરીર અને એક અનોખો રુઆબ તેનામાં જોવા મળતો હતો. પોતાનું કામ ગોપનીય રીતે કરવા તે પોતાનો ગેટપ બદલતા રહેતા. આજે પણ તે કઈંક અલગ જ લાગતા હતા. ખૂબ લાંબા વાળ અને લાંબી દાઢીમાં તે ઓળખાતા ન હતા.

રાજ એક પલ તો તેને ઓળખી ન શક્યો. મિસ્ટર વાગલે રાજના ટેબલ પર આવીને બેઠા ત્યારે તેને ખ્યાલ આવ્યો.

રાજ તેમને જોઈ શેકહેન્ડ કરતા બોલ્યો, " મોર્નિંગ સર. કાલે તમને અડધી રાતે મસેજ કર્યો તે માટે દિલગીર છું. પણ હવે મારાથી ધીરજ નહીં રહે. ચાંદની કેસમાં શુ અપડેટ છે? કોઈ નક્કર માહિતી મળી?"

રાજની બેકરારી જોઈ મિસ્ટર વાગલે મંદમંદ હસવા લાગ્યા. તે બોલ્યા, "રાજ, ચાંદની માટે આટલી બેકરારી ? તારા મમ્મી પપ્પા સાથે વર્ષોથી જોડાયેલ છું. નાનપણથી તને ઓળખું છું. પણ ખેર છોડ એ બાબત. અત્યારે કામની વાત કરીએ. હું છેલ્લા એક વિકથી રાજકોટ ગયો હતો. જ્યાં ચાંદનીનું ઘર હતું. કણસાગરા કોલેજ પણ જઈ આવ્યો જ્યાં અનુરાગ અને ચાંદની કોલેજ કરતા. મેં શક્ય તેટલી માહિતી એકઠી કરી છે. પણ હજુ થોડું કામ બાકી છે. "

આ ફાઈલ અને ફોલ્ડર માં મેં કરેલ તપાસના રિપોર્ટ અને તે સમયે ચાંદની સાથે જોડાયેલ વ્યક્તિના ફોટો છે. બસ એક વાર અનુરાગની ભાળ મળી જાય તો બધી કડીઓ જોડાઈ જાય. મેં બધી તપાસ કરી પણ અનુરાગના કોઈ સમાચાર હું જાણી ન શક્યો." વાગલે એ ફાઈલ અને ફોલ્ડર રાજને આપતા કહ્યું.

રાજે મિસ્ટર વાગલેના હાથમાંથી ફાઈલ અને ફોલ્ડર લઈ ઓપન કર્યું. તેમાં રહેલ રિપોર્ટ અને ફોટા જોઈ તે સ્તબ્ધ થઈ ગયો.

ક્રમશઃ
Bhumi joshi "સ્પંદન "
ક્યાં છે અનુરાગ ?
શું છે વાગલેના રિપોર્ટમાં ?
આખરે માસીબા શું જાણે છે ?
જાણવા માટે વાંચતા રહો..


Rate & Review

Pinkal Shah

Pinkal Shah 4 months ago

Heena Suchak

Heena Suchak 7 months ago

Amritlal Patel

Amritlal Patel 7 months ago

Neepa

Neepa 7 months ago

Anish Padhiyar

Anish Padhiyar 8 months ago