Apparent story of Shri Melady Mataji books and stories free download online pdf in Gujarati

શ્રી મેલડી માતાજીની પ્રાગટ્ય કથા

શ્રી મેલડી માતાજીની પ્રાગટય કથા -

        શ્રી મેલડી માતાજીની ઘણી લોકકથાઓ છે એ પ્રમાણે તેની ઉત્પત્તિની પણ અલગ-અલગ કથાઓ જોવા મળે છે. જયારે શ્રી મેલડી માતાજી પ્રગટ થયા ત્યારે તેમનું કોઇ નામ ન હતું. ત્યારે તેઓ નનામી નામથી જાણીતા હતા.

        ઘણા વર્ષો પહેલાની વાત આ વાત છે. જયારે દાનવો દ્વારા દેવોની અપાર પૂજા અને ભક્તિ તેમજ તપ કરીને ભગવાન જોડે વરદાન મેળવી બહુ શક્તિશાળી બની જતા અને દેવતાઓને પરેશાન કરી દેતા. તે સમયે દેવતાઓએ મા આદ્યશક્તિ સામે વિનંતી કરેલ કે, આ દુષ્ટ રાક્ષસોથી અમારી રક્ષા કરો. તમારા વગર અમારો કોઇ ઉધ્ધાર નથી. જગતમાં તમારાથી મોટું કોઇ જ નથી. આથી રાક્ષસોનો સંહાર કરવા માટે બધી નવ દુર્ગા દેવીઓ ભેગી થઇને દેવતાઓના કહેવા મુજબ પુથ્વી લોકના મનુષ્યોનો રાક્ષસોના ત્રાસથી રક્ષા કરવા લાગ્યા. જેમાં એક અમરૈયા નામનો રાક્ષસ હતો તે બહુ શક્તિશાળી હતો. મા નવદુર્ગા તે રાક્ષસનો સંહાર કરવા ગયા ને તેમની વચ્ચે વર્ષો સુધી યુધ્ધ ચાલ્યું. છેવટે તે રાક્ષસ થાકીને પૃથ્વીલોક પર સાયલા ગામના સરોવરમાં દેવીઓથી છુપાઇને બેસી ગયો. આથી મા નવ દુર્ગા અમરૈયા રાક્ષસને બહાર લાવવા માટે સરોવરનું બધું પાણી પી ગયા. આથી અમરૈયા એક મરી ગયેલી ગાયના પેટમાં છુપાઇ ગયો. છેવટે આ નવ દુર્ગાએ અમરૈયા દૈત્યને મારવા માટે એક યુક્તિ વિચારીને એક શક્તિ સ્વરૂપ દેવીને પ્રગટ કરવાનું વિચાર્યુ.

        દંતકથા મુજબ, નવદુર્ગાાએ પોતાના શરીર પરથી મેલ ઉતારી તેમાંથી એક પુતળીની રચના કરી અને તેમાં પ્રાણ પૂર્યા. દરેકે તેમની શક્તિ આપીને રાક્ષસને મારવા તેમને હુકમ કરેલ. આથી તે નવી શક્તિ અમરૈયા રાક્ષસને જે ગાયના શબમાં છુપાઇને બેઠો હતો ત્યાં તેને પોતાની શક્તિથી તેને બહાર કાઢી તેનો વધ કરીને આવ્યા. તેથી બધા દેવોએ રાહતનો શ્વાસ લીધો.

        ત્યાર પછી તે નવ શક્તિ પાછા નવ દુર્ગા સમક્ષ હાજર થયા અને તેમને પૂછ્યું કે, હવે મારે કયું કાર્ય કરવાનું છે. ત્યારે આવા પાપી રાક્ષસને મારીને આવેલ નવી શક્તિને જોઇને નવદુર્ગાને તેમનો પ્રભાવ જાણવા મળેલો કે તેઓ કેટલા શક્તિશાળી છે. આથી તેઓ તે નવશક્તિને અવગણવા લાગ્યા અને તેમને દૂર જતા રહેવા જણાવેલ. તે સાંભળીને નવ શક્તિને બહુ ખોટું લાગ્યું. આથી તેઓ પોતાને શુધ્ધ કરવા માટે ભગવાન ભોલેનાથ પાસે ગયા અને તેમને વિનંતી કરીને જણાવેલ કે, તેઓ એક પાપી રાક્ષસનો વધ કરીને આવ્યા છે. આથી પોતાના શરીરને તેઓને શુધ્ધ કરવા જણાવેલ. ભોલેનાથ તો બહુ ભોળા દેવ અને પાછા દયાળુ. તેમણે તેમની જટામાંથી ગંગાજીને પ્રગટ કરીને તેની જળની ધારા નવ શક્તિની ઉપર વહેવરાવી અને તેમને પવિત્ર કરી દીધા.

        તે પછી નવ શક્તિએ ભોલેનાથને પૂછ્યું કે, હવે મારું નામ શું? ભોલેનાથે નવદુર્ગાને પૂછવા જણાવેલ. ત્યારે નવશક્તિએ જણાવેલ કે, નગદુર્ગાએ તેમને છોડી દીધા છે અને તેઓ મને અડવાની પણ ના પાડે છે. તેથી મારે શું કરવું. ત્યારે ભોલેનાથે તેમને જણાવેલ કે, તમારે તમારા હકક માટે નવદુર્ગા સાથે યુધ્ધ કરવું પડશે. આથી ત્રણેય દેવતાઓમાં બ્રહ્મા એ તેમને ગદા આપી, વિષ્ણુ એ તેમને ચક્ર આપ્યું અને મહેશે તેમને પોતાનું ત્રિશૂલ આપ્યું. આમ,  ત્રણેય દેવતાઓએ નવશક્તિને આશીર્વાદ આપી નવદુર્ગા સામે લડવા મોકલ્યા. તેઓ પોતાના નામ અને હકક માટે નવદુર્ગા સામે લડ્યા અને તેઓ અંતે વિજયી પણ બન્યા. તેમની શક્તિઓ સામે નવદુર્ગાએ પણ ઝુકવું પડેલ. આમ નવદુર્ગાનો પરાજય થયો. તેથી તેમના પિતાજી ભોલેનાથે નવશક્તિને કહ્યું કે, તમે તમારા માટે લડયા આથી તમારું નામ ‘‘મેલડી’’. મેલડી એટલે ‘‘મે’’ અને ‘‘લડી’’પોતાના માટે લડી. આથી તેમનું નામ શ્રી મેલડી માતાજી રાખવામાં આવેલ.

        આમ, મેલડીમાંની ઉત્પત્તિ થઇ જેથી ‘‘શ્રી મેલડી મા’’ સ્વયં ભોલેનાથના પુત્રી તરીકે ઓળખાય છે. ભોલેનાથે તેમને આશીર્વાદ આપીને જણાવ્યું કે, કળીયુગમાં તમારી પૂજા આખો સંસાર કરશે. તેમણે વાહન તરીકે બોકડાને પસંદ કર્યો. તેના પર સવાર થઇને તમે આખા જગતનો ઉધ્ધાર કરવા પ્રગટ થયા છો.

આમ, કળીયુગમાં શ્રી મેલડી મા ઉગતાની મેલડી તરીકે પૂજાતા થયા.   

 

સૌજન્ય : (ઇન્ટરનેટ માધ્યમથી)

 

                   -  પાયલ ચાવડા પાલોદરા