Vyatha - 2 in Gujarati Anything by Hitesh Vaghela books and stories PDF | વ્યથા - પ્રકરણ - 2

વ્યથા - પ્રકરણ - 2


મનોરમાબેને આવી પરિસ્થિતિ વચ્ચે પણ અઠવાડિયું કાઢી નાખ્યું,પરંતું પરિસ્થિતિમાં કોઈ ફરક દેખાયો નહીં.બીજા સોમવારે કિશોરભાઈ આવ્યા ત્યારે રાત્રે ધીરે ધીરે બધી ઘટના, હકીકતો મનોરમાબેને કહી સંભળાવી.
અંતમાં બોલ્યાં,'તમે કોઈ ચિંતા ના કરતા.હું હજી અડીખમ બેઠી છું.હજી દશ વરસ સુધી તો બધું જ કામકાજ કરી શકીશ અને પછીએ થઈ પડશે.ગામમાં ઘણીય જરૂરીયાતમંદ મહિલાઓ છે.ઘરકામ અને થોડી સેવા ચાકરી જરૂર કરી દેશે.પાંચ પચ્ચીસ વધારે આપશું તો એવા લોકોનીય આંતરડી ઠરશે.
પેન્શન તો આવે જ છે અને હિતેનેય પૈસા બાબતે ક્યાં ના પાડે એવો છે?દિકરો નવા જમાનાની વહુ આગળ સાવ ભોળો પડે છે ને લક્ષ્મી લુટાવી રહ્યો છે.બસ,આટલી જ ચિંતા છે.આખરે એના સંસ્કાર તો માબાપ જેવા જ હોય ને! બસ, અહીંથી જીવ ઉઠી ગયો છે હવે.હૈયું પોકારી રહ્યું છે કે, "હાલો ને આપણા મલકમાં."
'જેણે પોતાની જીંદગીમાં હજારો બાળકોને ઓળખ્યાં છે.જીંદગીના પાઠ ભણાવ્યા છે એના મોં પર હતાશા ક્યારેય ના હોય હિતેનની બા. સંસાર છે! ચાલ્યા કરે બધું. પરંતુ અહીંથી જવા બાબતે હિતેનને કોઈ વાતનો અણસાર ના આવવો જોઈએ.'-કિશોરભાઈ થોડા વિષાદ સાથે બોલ્યા.
સાંજે જમી લીધા પછી મનોરમાબેને વાત કરી.'દિકરા હિતેન! ખબરેય ના પડે તેમ સાત સાત મહિના વીતી ગયા અમને અહીં આવ્યા ને. હવે વતનની બહુ યાદ આવે છે એટલે પાંચ છ મહિના વતનનો આનંદ લઈ આવીએ. છ મહિના પછી વળી પાછાં આવી જઈશું.અમને ખબર છે કે, મારો દિકરો આ ઈચ્છા જરૂર પુરી કરશે.'
મમ્મી તમારી ઈચ્છા તો બરાબર છે પરંતુ જેમ બને તેમ જલ્દી પરત આવજો.બીજુ,તમે આ નિર્ણય અચાનક કેમ લીધો? વૈશાલીએ કઈ કહ્યું નથી ને? -હિતેન થોડો ચિંતાગ્રસ્ત ચહેરે બોલ્યો.
મનોરમાબેને વૈશાલીના ખભા પર હાથ મુકીને કહ્યું,'મારી વહુ તો લાખોમાં એક છે દિકરા.એનું બિચારીનું શું કરવા નામ લે છે? તું કોઈ ચિંતા કરીશ નહીં.જેમ બને તેમ જલ્દી આવી જઈશું અમે.'
બીજા દિવસે સપ્રેમ વિદાય લઈ લીધી કિશોરભાઈ અને મનોરમાબેને.હિતેન બસસ્ટેન્ડ સુધી મુકી આવ્યો.આમ તો હિતેને છેક વતન સુધી મુકી જવાની વાત કરી પરંતુ કિશોરભાઈએ શું કામ એક દિવસની રજા બગાડવી છે? કહીને બસમાં જવાનું જ યોગ્ય માન્યું.
છ ના બદલે આઠ મહિના વીતી ગયા પરંતુ મનોરમાબેન અને કિશોરભાઈ પરત ના આવ્યાં.હિતેન સતત આગ્રહ કરી રહ્યો હતો.વધારાના બે મહિના તો મનોરમાબેને જે તે અર્ધસત્ય જેવાં બહાનાં બતાવીને વિતાવી દીધા ત્યાં........
રવિવારનો દિવસ હતો.હિતેનનો કિશોરભાઈ પર ફોન આવ્યો, 'પપ્પા તમે અને મારી મમ્મી જલ્દી આવી જાઓ.વૈશાલી અકસ્માતમાં ગંભીર રીતે ઘવાઈ છે.શોપીંગ મોલમાંથી બહાર નિકળી રસ્તો ઓળંગતાં કારની અડફેટે આવી ગયેલ છે.'
પ્રાઈવેટ વાહન કરીને બન્ને જણ તાબડતોબ પહોંચી ગયાં.વૈશાલી કોમામાં હતી.નસીબજોગે પંદર દિવસે વૈશાલી ભાનમાં આવી.શરીરનું એકબાજુનું અંગ લકવાગ્રસ્ત બની ગયું હતું.ડોકટરોના અથાગ પ્રયત્નોથી બીજા પંદર દિવસે લકવામાંથી પણ મુક્ત બની ગઈ વૈશાલી.પાંત્રીસ દિવસે હોસ્પિટલમાંથી રજા મળી.હવે વૈશાલી ભયમુક્ત હતી પરંતુ હજી એક મહિનો ડોક્ટરના નિર્દેશ મૂજબ ઘેર રહેવાનું હતું.
વૈશાલીને નવી જીંદગી મળી હતી પરંતુ એની અસલિયત એ જ રહી.ઘેર આવ્યાના ચોથા જ દિવસે વૈશાલીએ મનોરમાબેનને ચોખ્ખું સંભળાવી દીધું કે, 'મમ્મી તમારા લોકોનો કદાચ મને શ્રાપ લાગ્યો એટલે જ મને આવું થયું હોવું જોઈએ.હવે તમે વતનમાં જઈ શકો છો.'
મનોરમાબેન પાસે હવે બોલવા જેવું કશું જ નહોંતું રહ્યું.એ વિષાદગ્રસ્ત ચહેરે વિચારી રહ્યાં હતાં કે, હિતેન આગળ શું બ્હાનું બતાવીને અહીંથી જલ્દીથી નિકળવું?
પુરો અડધો કલાક પણ નહોતો થયો ત્યાં કિશોરભાઈ બેડરૂમમાંથી આવીને બોલ્યા,' હિતેનની બા. પ્રતાપભાઈનું નિધન થયું છે.આપણે તાત્કાલિક ઘેર જવું પડશે.'
પ્રતાપભાઈ કિશોરભાઈને કુટુંબમાં પિતરાઈ ભાઈ થતા હતા.ઓફિસે ગયેલ હિતેનને ફોન કરીને કિશોરભાઈએ હકીકત જણાવીને કહ્યું કે, 'અમે અત્યારે જ નિકળીએ છીએ.તારે તો આમેય ઘણીબધી રજાઓ મુકવી પડી છે એટલે તારે આવવાની જરૂર નથી બેટા! વૈશાલી વહુનો ખ્યાલ રાખજે.અમે જેમ બને તેમ જલ્દી આવી જઈશું.'
બન્ને જણ તાબડતોબ ટેક્સી ભાડે કરીને નિકળી ગયાં.મોતનો પ્રસંગ હોવા છતાંય વૈશાલીએ કહેલ વાક્યોની વેદના મનોરમાબેનના મોંઢે છતી થઈ. સાંભળીને કિશોરભાઈ પણ નર્વસ થઈ ગયા.
વૈશાલી તો જાણે જંગ જીતી ગઈ હતી.એણે મનોરમાબેન સામે છેલ્લો વાક્ પ્રહાર કરી દીધો હતો.હવે એને ખાત્રી હતી કે, સાસુ સસરા આ ઘેર ક્યારેય પગ નહીં મુકે.
વૈશાલી હોસ્પિટલથી ઘેર આવી એ દિવસે જ તેની મમ્મીએ તેને કહ્યું હતું કે, આ માસ્તર, માસ્તરાણીને જલ્દીથી વિદાય કરી દેજે.તારી સેવાને બહાને કાયમી ઉપાધી રહી જશે.જો કે કિશોરભાઈ અને મનોરમાબેનને જલ્દીથી રવાના કરાવવા પાછળનું કારણ તો માત્ર વૈશાલીની મમ્મી જ જાણતી હતી.વૈશાલીને તો ખબર જ ક્યાં હતી!
કે. કે. હોસ્પિટલમાં વૈશાલીનું ઓપરેશન થયું તે હોસ્પિટલના માલીક ગુપ્તા સાહેબ હિતેનના સહાધ્યાયી અને પરમ મિત્ર કેયુરના પપ્પા હતા.એટલે વૈશાલીને રજા મળ્યા પછી સાત દિવસે બીપી વગેરેના સામાન્ય ચેક અપ માટે તેમણે વિશ્વાસુ નર્સ મૌલિકાને વૈશાલીના ઘેર મોકલી.
મૌલિકા બપોરે બે વાગ્યે વૈશાલીના ઘેર આવી. સામાન્ય ચેક અપ પછી મૌલિકા બોલી.'વૈશાલીબેન,તમારાં સાસુ સસરા કેમ નથી દેખાતાં? '
'એક મોત થયેલ હોવાથી વતન ગયાં છે અને આમેય એમને અહીના વાતાવરણમાં નથી ફાવતું.'-વૈશાલી બેફિકર થઈને બોલી.
મૌલિકાએ કહ્યું, 'અહીં ફાવવા ના ફાવવાની વાત તો તેમને ખબર! પરંતુ તમે ખુબ નસીબદાર છો વૈશાલીબેન. આવાં માબાપતુલ્ય સાસુ સસરા ખુબ ભાગ્યશાળી વહુનેજ મળે.કુદરતે મારાં માબાપ બાળપણમાં જ છીનવી લીધાં પરંતુ એ પાંત્રીસ દિવસની હોસ્પિટલમાં તમારાં સાસુ સસરાની હયાતીએ મને મારાં સગાં માબાપનો અહેસાસ કરાવી દીધો.તમે કોમામાં પંદર દિવસ હતાં તે વખતે એમણે આંખનું મટકું પણ માર્યું નથી.બન્ને જણ વારાફરતી ખડે પગે હાજર રહ્યાં છે.પંદર દિવસ તમે લકવાગ્રસ્ત રહ્યાં ત્યારે પણ એ બન્ને પગ વાળીને બેઠાં નથી.હિતેનભાઈનો આખો દિવસ તો દવાઓ લાવવામાં તેમજ ઘર અને હોસ્પિટલના ધક્કાઓમાં જ પુરો થઈ જતો હતો.કોમા દરમિયાન તમારી શારિરીક સાહજિક ક્રિયાઓ તો બધી મનોરમા આન્ટીએ સંભાળી લીધી હતી.કદીય એમના મોં પર મેં લગીરેય છોછ ના જોયો.
પંદર પંદર દિવસ એ દંપતીને નાવા, ધોવા કે ખાવા પીવાની પણ પરવા કરી નથી.પંદર દિવસ તો બન્ને જણ જીવતાં ભૂત જોઈ લ્યો એવા ડોળ કરી મુક્યા હતા એમણે.કોમાના એ પંદર દિવસોમાં તમારાં સાસુ સસરાએ આખો દિવસ ચા સિવાય મોંમાં કંઈ નાખ્યું નથી.પંદર પંદર દિવસ ઉપવાસ કરીને ભોળાનાથને પ્રાર્થના કરી છે.મનોરમા આન્ટી સવારે તો કિશોર અંકલ સાંજે નિયમિત રીતે શિવાલયે પ્રાર્થના કરવા જતાં.સોળમા દિવસે તમે ભાનમાં આવ્યાં તે દિવસે એમણે ઉપવાસ પૂર્ણ કર્યા.એ દિવસે એમના મોં પર અનેરો આનંદ હતો.એ આનંદની મને પણ સહભાગી બનાવીને મને સાડી ભેટમાં આપી.એ ભેટમાં મને મારાં માબાપનો તાદ્રશ્ય અનુભવ થયો. -આટલું બોલતાં તો મૌલિકાની આંખમાંથી અનાયાસે આંસું સરી પડ્યાં.
વૈશાલી તો અત્યારે જડવત હતી છતાંય બોલી, 'બધી હકીકત કહી સંભળાઓને મૌલિકાબેન!
'તમારા ઘેરથી વહેલા મોડા આવતા ટીફીનના ઠંડા સ્વાદમાં જ સંતોષ માણી લેતાં તમારાં સાસુ સસરાએ હોસ્પિટલ નજીક આવેલ ભોજનાલયમાં ગરમાગરમ ભોજનની પણ ક્યારેય પરવા કરી નથી.હું અહીં ચેક અપ માટે તો જરૂર આવી છું પરંતુ સાથે સાથે એ આદરણીય દંપતીની લાગણીમય નજરમાં ભીંજાવા પણ આવી છું.વતનમાંથી એ લોકો ક્યારે આવશે વૈશાલીબેન.?-મૌલિકાએ વાત પૂર્ણ કરતાં કહ્યું.
મારી બિમારી દરમિયાન મારાં માબાપ, ભાઈ, બહેનોએ કંઈ ના કર્યું મૌલિકાબેન? -વૈશાલીએ કુતુહલવશ પુછ્યું.
સોરી! વૈશાલીબેન.હું કોઈના પારિવારિક જીવનમાં ચંચૂપાત કરવા માંગતી નથી.એ વાત તો તમે તમારાં માબાપને પુછી લેજો.હું જાઉં છું વૈશાલીબેન. આવતા અઠવાડિયે તમારે બધા રીપોર્ટ કરાવવાના .તમારાં સાસુ સસરા ત્યાં સુધી આવી ગયેલ હશે તો સૌ સાથે બેસીને બે ઘડી વાતો જરૂર કરીશું.' -મૌલિકા ઝડપભેર આટલું બોલી.
'તમને તમારા સૌથી વહાલા વ્યક્તિના સોગંદ દઈને કહું છું કે મારા માબાપની સાચી હકીકતને પ્રગટ કરીને જાઓ મૌલિકાબેન.મારે એ સાચી હકીકત જાણવી છે.તમને વિનંતી કરુ છું મૌલિકાબેન.' -વૈશાલી આજીજીભર્યા સ્વરે બોલી.
'તમને ખોટું તો નહીં લાગે ને વૈશાલીબેન!'
ના, બિલકુલ નહીં. સાચું શું છે એ જરૂર જાણવા મળશે.
તો સાંભળો વૈશાલીબેન.હું પાંત્રીસ દિવસમાં તો તમારા પરિવારના દરેક સભ્યને ઓળખતી થઈ ગઈ છું.પાંત્રીસેય દિવસ તમારા પરિવારની હાજરી વારાફરતી જરૂર રહી છે.તમારાં મમ્મી પપ્પા તો સવારે દરરોજ હાજર હોય.સવારનો નાસ્તો એ લોકોનો હોસ્પિટલમાં જ હોય.નાસ્તો પુરો થતાં તમારાં મમ્મી પપ્પા તમારા ખાટલા પાસે ઘડીભર ઉભાં રહે, તમારા સમાચાર પુછે ને પછી તમારા પપ્પા હિતેનભાઈને કહે,'કુમાર! કોઈ ચિંતા કરશો નહીં. વૈશાલી જલ્દી સાજી થઈ જશે.હવે તમે મને મારી ઓફિસ સુધી મુકી જાઓ.
તમારા પપ્પાને મુકીને હિરેનભાઈ આવ્યા હોય ત્યાં વળી તમારાં મમ્મી કહે,'કુમાર! તમારે તમારૂ ઘર નોકરાણીના હવાલે ના મુકાય! ચાલો! મને મુકવા આવો.હું તો હજી સવારની નાહ્યીએ નથી વૈશાલીની ચિંતામાં.
વળી બપોરે હિરેનભાઈ તમારાં મમ્મીને લઈ આવે ને સાથે ટીફીન પણ.બપોર પછી ચાર વાગ્યા આજુબાજુ તમારાં ભાઈ બહેન આવે.એમનેય સ્કુલેથી લેવા પણ હિતેનભાઈ જાય. અહીં આવીનેય એમને તો નાસ્તા પાણી અને આઈસક્રીમ જ ખાવાનાં.
છ વાગ્યા આજુબાજુ તમારાં મમ્મી અને ભાઈબહેનોને હિતેનભાઈ ઘેર મુકવા જાય.
આ સૌનો પાંત્રીસ પાંત્રીસ દિવસ સુધીનો લગભગ કાયમનો નિત્યક્રમ.
હા, વૈશાલીબેન! એ પાંત્રીસ દિવસ દરમિયાન તમારાં સાસુ કે સસરાએ ક્યારેય એમ નથી કહ્યું કે, 'દિકરા હિતેન! બે દિવસથી ધોયા વગરનાં કપડાં પહેરીને ફરીએ છીએ તો એકાદ કલાક ઘેર જઈ આવીએ.
વૈશાલીબેન! સવારે ઠપકો આપી આપીને હું તમારાં સાસુ સસરાને હોસ્પિટલના બાથરૂમમાં પરાણે ન્હાવા મોકલતી.બસ, એમનો તો એક જ પ્રશ્ન હોય! અમે અમારી વહુને પળવારેય એકલી ના મૂકીએ.કોઈ આકસ્મિક જરૂરીયાત ઉભી થઈ જાય તો?
માફ કરશો વૈશાલીબેન! તમે હજી અમારી સારવાર હેઠળ છો, ખરેખર આવી વાતો મારે તમારી આગળ ના કરવી જોઈએ.-મૌલિકા લાગણીભાવે બોલી.
છેલ્લે મૌલિકાએ તેના મોબાઈલમાં પાંત્રીસ દિવસ સુધી મનોરમાબેન અને કિશોરભાઈએ દરરોજ વૈશાલીની કરેલ સેવા ચાકરીના ફોટા બતાવ્યા.જેમાં રવિવારના દિવસે શીવમંદિરે કરેલ પુજાના ફોટા પણ સામેલ હતા. મૌલિકાનો ફોટા પાડવાનો ભાવ માત્ર એ હતો કે, સાસુ સસરા પણ પોતાના દિકરાની વહુની આવી અવર્ણનીય સેવા કરવાવાળાં હોય છે તે લોકોને ઉદાહરણ સહિત સમજાવવા માટે.......
હવે મને કંઈજ નહીં થાય મૌલિકાબેન.કારણ કે હું ખુદ લાગણીહીન બની ચુકી છું.તમે કોઈ ચિંતા ના કરશો.તમારુ ઋણ હું જીંદગીભર નહીં ભુલું.હું આજે ખરેખર ભાનમાં આવી છું મૌલિકાબેન.' -વૈશાલી નિસ્તેજ ચહેરે બોલી.
મૌલિકાએ વિદાય લીધી........
અઠવાડિયા દરમ્યાન નિયમિત આવતા મમ્મીના ફોન વખતે વૈશાલી સાહજિક રીતે વાતો કરતી રહી.એણે હકીકતનો કોઈ અણસાર પણ આવવા ના દીધો.અરે!એની મમ્મીને ગમે એવી મીઠી મીઠી વાતો પણ કરી લેતી. 'હેં મમ્મી! તું અને પપ્પા ના હોત તો હોસ્પીટલે મારુ કોણ રણી ધણી હતુંં? મારા ગામડીયણ અને અનુભવહીન સાસુ સસરાને શું ખબર પડે હોસ્પિટલમાં કાળજી રાખવાની.તમે જ મને બચાવી લીધી.'
'અરે દિકરી !એ તો અમારી ફરજ કહેવાય. તું કોમામાં હતી ત્યારે તારી પાસેથી રાત દિવસ અમે ખસ્યાં નથી.તું ભાનમાં આવી એના પછી તારા પપ્પાને ઓફિસના કામમાં ઘણો ભરાવો હતો એટલે થોડું ઓછું રહેવાયું પરંતુ સવાર સાંજ ખબર લીધા વગર તો કેમ ચાલે!અને અમેય પૈસા તો પાણીની જેમ ખરચ્યા છે. -વૈશાલીનાં મમ્મી હોંશભેર બોલ્યાં.
વૈશાલીને મોડે મોડેય જીંદગીનું ગણિત સમજાઈ ગયું હતું.
બીજા અઠવાડિયે બધા જ રીપોર્ટો નોર્મલ આવતાં અઠવાડિયાથી શરીરમાં ભરાઈ રહેલ ડૂમો આંસુઓ વાટે સતત વહી રહ્યો હતો વૈશાલીના હ્રદયમાંથી અને એટલે જ તો હિતેન ઘેર આવતાંની સાથે વૈશાલી એને વતનમાં લઈને ઉપડી.
બરાબર રાત્રીના પોણા બાર વાગ્યે વતનમાં પહોંચી ગયાં.કિશોરભાઈના ઘરનો દરવાજો ખખડ્યો.મનોરમાબેને ઉભાં થઈને દરવાજો ખોલ્યો.સામે પુત્ર પુત્રવધૂને જોઈ થોડાં ખચકાયાં, મનમાં ઉચાટેય થયો પરંતુ વૈશાલીએ પહેરેલ સાડી જોઈને ઉચાટ દૂર થઈ ગયો.ના,કંઈ અજુગતું તો નથી જ બન્યું,છતાંય મોંઢેથી આપોઆપ શબ્દો બહાર નિકળ્યા, 'દિકરા હિતેન! બેટા વૈશાલી! આટલાં મોડાં? '
વૈશાલી પહેલાં તો પગે પડી ને પછી બાથ ભરીને ચોટી ગઈ.ચોધાર આંસુએ રડતાં રડતાં બોલી, 'બેટા વૈશાલી નહીં, મને વૈશાલી વહુ કહો મા! '
'તમે લોકો પહેલાં અંદર આવો.'-મનોરમાબેન ધીરેથી બોલ્યાં.
કિશોરભાઈ પણ જાગી ગયા હતા.હિતેન અને વૈશાલી અંદર આવી ગયાં હતાં પરંતુ વૈશાલીનો અવિરત આંસુ પ્રવાહ અટકવાનું નામ નહોતો લેતો. કિશોરભાઈ, મનોરમાબેનની સાથે હિતેન પણ હકીકતથી અજાણ હતો એટલે તો મમ્મી પપ્પાએ વૈશાલીના રડવા વિષે પુછ્યું તો હિતેને નકારમાં માથું હલાવ્યું.
છેવટે મનોરમાબેને વૈશાલીને ખોળામાં લઈને અડધો કલાક પંપાળી ત્યારે માંડ શાંત થઈ.
પુરા અડધા કલાકે વૈશાલીએ શાંત થઈને પાણીનો ઘુંટડો ગળે ઉતાર્યો,પછી ઉભી થઈને કિશોરભાઈને પગે પડીને બોલી, 'બાપુજી મને માફ કરો.તમારી સામે અત્યારે નવા અવતારમાં નવા સ્વરૂપે તમારા દિકરાની વહુ ઉભી છે.જેની સામે હવે તમારો કોઈ પ્રશ્ન નહીં હોય તેની ખાતરી આપું છું.'
આટલું કહીને વૈશાલીએ આરંભથી અંત સુધીની હકીકત કહી સંભળાવી.
રાતના દોઢ વાગ્યે સાંજે વાળુ કરતાં વધેલ શાક રોટલી હોશે હોશે જમી વૈશાલી.
સવારે નાહી ધોઈને લગ્નની સાડી પહેરીને કુળદેવીના મંદિરે દર્શન કરી કુળદેવીની સાક્ષીએ વૈશાલીએ સાસુ સસરાના આશિર્વાદ લીધા અને હિતેન સામે હાથ જોડીને બોલી,'મને માફ કરો હિતેન. મેં મારા માબાપ પત્યેના આંધળા અને માત્ર સ્વાર્થભર્યાં મોહમાયાને કારણે પત્નિત્વ ધર્મ નિભાવ્યો નથી.હવેથી જીંદગીમાં ફરીવાર ભૂલ નહીં થાય એની માતાજીની સાક્ષીએ ખાત્રી આપું છું.'
'ખાત્રી તો તમારે મને પણ આપવી પડશે વૈશાલી વહુ.'-કિશોરભાઈ મર્મભેદી સ્વરે બોલ્યા.
'બોલો બાપુજી! આપ કહો તે બધી જ ખાતરી હું આપીશ'-વૈશાલી બોલી.
કિશોરભાઈ બોલ્યા, 'તમે તમારા માબાપને, એટલે કે મારા વેવાઈ વેવાણને તરછોડશો નહીં .મને વિશ્વાસ છે કે બનેલ બધી હકીકત તમે એકવાર કહેશો તો તેઓ ફરીથી ક્યારેય ભૂલ નહીં કરે.એટલું કર્યા પછીય ભવિષ્યમાં તમને એવું લાગે તો તમે તમારી રીતે સ્વતંત્ર છો.'
વૈશાલી એટલું જ બોલી શકી, 'બાપુજી! '
મનોરમાબેન સાથે વૈશાલી સાડી પહેરીને નિયમિત શીવમંદિરે જાય છે.એ સાડી પહેરેલો ફોટો હિતેને એના ફેસબુક પર શેર કર્યો છે."મલ્ટીનેશન કંપનીમાં ઉંચા પગારે સર્વિસ કરતી મહિલા અને તેની સાદગી.'
આધુનિક લાઈફસ્ટાઈલ ધરાવતી હજારો યુવતીઓના "લાઈક" આ પોસ્ટને મળી રહ્યા છે..............

..........વાર્તા પૂર્ણ..........


BY ~ HITESH VAGHELA

Rate & Review

Chapara Bhavna

Chapara Bhavna 3 weeks ago

Jalpa

Jalpa 3 months ago

MHP

MHP 4 months ago

Sunita joshi

Sunita joshi 4 months ago

Purvi Desai

Purvi Desai 4 months ago