My fifth daughter my daughter in law..... in Gujarati Short Stories by Monika books and stories PDF | મારી પાંચમી દીકરી મારી વહુ....

મારી પાંચમી દીકરી મારી વહુ....

ભણેલા ગણેલા ચાર પુત્રી અને એક પુત્ર વાળા ઘરમાં પુત્રીને પરણાવીને શિવાનીના માં-બાપ ખુબ ખુશ હતા. પુત્રી શિવાની પણ ખુબ ખુશ હતી કારણકે સગાઇ થઇ ત્યારે ઉંમર ૧૯ વર્ષ અને સાસરીમાં જાય ત્યારે બેનો તેને મળવા આવતી. ઘરની સુવિધામાં કોઈ ઉણપ નહિ. સાસુ સસરા માતાજીની ભક્તિ કરતા અને દેખાવે સાદગી અને નરમ સ્વભાવ. તેમણે તો એમ કહેલું કે,” શિવાની તો અમારી પાંચમી દીકરી છે.
પુત્રીઓના બધા લાડકોડ પૂરા કરતા હોવાથી શિવાનીને થતું કે,” મારી માંની જગ્યાએ બીજી માં અને બાપથી વિશેષ રાખે તેવા પિતા મળ્યા છે.” શિવાનીના પરિવારમાં એક ભાઈ હોવાથી ચાર બેનો જોઈ એમ થતું કે , નણંદની જગ્યાએ બહેનો મળી.” શિવ સાથેની અનહદ લાગણીને કારણે શિવાની શિવની હર એક વાત માનતી અને તેની ખુશીનું ખુબ ધ્યાન રાખતી. શિવ એના પરિવારની લાગણી માટે ખુબ ગંભીર હતો.
વાર તહેવારે વતનમાં જતાં અને બહેનો અને તેના છોકરાઓને ખુબ રાખતાં અને ઉપહાર આપતાં. સમય જતાં સમય બદલાય એમ શિવાનીની તબીયત નરમ ગરમ રહેવા લાગી નિદાન કરતાં જણાયું કે,” જીવલેણ રોગ છે.” તે જ દિવસે કદાચ શિવાનીના સસરાના આદેશથી શિવે જણાવ્યું કે,”અમારે શિવાનીને અમારા ઘરે રાખવી છે,” અને શિવાનીના સાસુ અને શિવ તેને તેડી ગયા. માં-બાપનો જીવ અધ્ધર હતો પરંતુ લગ્ન પછીનો હક ત્યાં લાગે તેમ માની એ તો રોજ શિવાનીના સુખી સમાચારની વાટ જોતાં.
દિવસે દિવસે તબિયત ખરાબ થતી ગઈ. ઘર અજાણ્યું અને વાતાવરણ પણ. દવા ઉલટી થઇ જતી જેથી સારવાર સરખી થતી નહિ શિવાનીના ભાવનગર જવાથી ચેપ લાગવાના ડરથી ભાણેજ અને બહેનો જે રોજ ત્યાં રહેતાં તે પોતપોતાના ઘરે જતાં રહ્યા. શિવાનીને એકલું લાગતું. કોઈ બોલતું નહિ, ખાવાનું ભાવતું નહિ, દવા પીવે તો ઉલ્ટી થાય શરમ આવે, દવાની ગરમી હોય કે પછી રોગના લક્ષણ પણ ખુબ ગરમી લાગતી અને કપડાં ઢીલા પહેરવા ગમે પરંતુ સાસરીમાં એ પહેરી શકાય નહિ. શિવાની રોગથી ડરતી જીવશે કે નહિ એ ચિંતા પણ સતત રહેતી.
તેણે શિવને કીધું કે,” બહેનો અને છોકરા મારા ચેપથી ડરે છે મને અહિયાં નથી ગમતું મારે પિયરમાં રહેવું છે સાજી થઇ જઈશ એટલે આવી જઈશ.” શિવને શિવાની માટે લાગણી હોવાથી બહેનો અને સાસુ-સસરાને કીધું કે, “ શિવાનીની સાથે રહેજો, આમ ઘર ખાલી કરી નાખો તો એને ના ગમે હું રજા મળે એટલે આવી જઈશ.” એક દિવસ સવારે શિવાની જાગી તો સાસુએ આવીને કીધું કે, ” તારા સસરાને તો આજ સપનું આવ્યું ખરાબ ચિંતા વધુ કરે ને એટલે.” શિવાનીએ પૂછ્યું, “ શું આવ્યું સપનું બા?” બા કહે,” એમને સપનું આવ્યું કે શિવાનીની સાથે સાથે શિવને પણ રોગ થઇ ગયો અને તે સુકાઈ ગયો.”શિવાનીની પગ નીચેથી જમીન સરકી ગયી, તેને થયું કે, “ આવા વિચારો આવે છે અને ન કરે નારાયણ કઈ થાય તો મારે તો શું કરવું.?” એટલે શિવને કીધું કે,” તમે હમણાં ઘરે ન આવતા મને થોડું સારું થઇ જવા દો અને મને પિયર જવા દો મારે ડોક્ટરને બતાવાનો સમય થઇ ગયો છે, અને શિવ તમે એક વાત માનો તમે પણ એક રીપોર્ટ કરાવી લો.” એમ કરી શિવાનીએ તે સમયે જે યોગ્ય લાગ્યું તે કીધું. પણ શિવને રીપોર્ટ કરાવા કીધું એમાંથી એમ લાગ્યું કે,” શિવાનીને એવું છે કે ચેપ તેનાથી શિવાનીને લાગ્યો છે.” હવે એ શિવના વિચારો હતા કે એના પરિવારના એ નથી ખબર.
પણ શિવાની પિયરમાં ગઈ પછી તેની એક નણંદનો ફોન આવ્યો કે,” ભાગી ગઈ? ના ગમ્યું?” શિવાની કહે ના, પણ દવા લેવાની હતી અને થોડી ગરમી પણ લાગતી. ત્યારે નણંદએ કહ્યું,” કેમ તારા પપ્પાના ઘરે AC છે?” શિવાની ઘડીક શાંત થઇ ગઈ. શિવાનીએ ત્યારબાદ તેની લાગણી દુભાય નહિ અને દુઃખના લાગે તે માટે સાસરી પક્ષના ફોન બને તો નહિ ઉપાડવા તેમ નક્કી કર્યું. સાસુ સસરા અને નણંદોએ તે પછી શિવાનીની તબિયતનું ભાળ લેવાનું બંધ કરી દીધું. શિવ પણ વાત કરતો પણ મળવા આવતા નહિ. લગ્નને માત્ર ૫-૬ મહિના થયા હતા સાસરી પક્ષનો આવો સ્વભાવ જોઈ શિવાની અને તેનો પરિવાર દુઃખી હતો.
આટલો આધ્યાત્મિક અને માતાજીના ઉપાસક તથા ચાર પુત્રીના માં-બાપ પાસે આવી અપેક્ષા ન હતી. શિવના પરિવારે ક્યારેય એવી ચિંતા કરી નહી કે,” શિવાની જીવે છે કે કેમ?” શિવાનીએ ઘણી કાકલુદી કરી ઘણા ફોન મેસેજ કર્યા પરંતુ શિવ એમ જ કહેતો કે તુ ત્યાંથી અહિયાં પિયર આવી જ કેમ? અને મારી બેન તથા પિતા પાસે પાસે માફી માંગ. ના તો શિવના માં-બાપએ શિવને સમજાવ્યો. અને ના તો શિવના માં-બાપ પોતે સમજીને શિવાનીની સાથે ઉભા રહ્યા. શિવાની રોજ ભગવાન પાસે માંગતી કે,” જો મારી પાસે હવે સારા કામ કરાવવાના હોય તો જ મને જીવતી રાખજે.” રોજ સવાર સાંજ શિવની રાહ જોતી. અંતે એમ વિચાર્યું કે,” શિવને જ જોડે નથી રહેવું તો હું એને મુક્ત કરી દઉં અને એ બીજા લગ્ન કરી લે કારણકે આ બીમારી તો સારી થશે કે નહિ અને ક્યારે થશે એ નક્કી ન હતું આમ ને આમ શિવ ને તેના પરિવારની વાટ જોવી અને જીવ મુંજાયા કરે તે યોગ્ય ન હતું. પાડોશી પણ પૂછતાં કે ,”શિવ કેમ આવતા નથી મળવા? પહેલા તો ઘણું આવતા.અંતે શિવાનીએ રાહ જોવાનું બંધ કર્યું અને મનને પ્રવૃત્તિમય બનાવ્યું.
આમ ને આમ મહીનાઓ પછી શિવ મળવા આવ્યો. શિવાનીની બીમારીને ૫ મહિના થઈ ગયા હતા તેને ઘણું સારું હતું. શિવાની શિવને જોઈ ખુશ થઇ પણ મનમાં એક જ સવાલ રહેતો કે, ” શિવ ખરેખર કોઈપણ પરિસ્થિતિમાં સાથે રહેશે?, તેના પરિવારમાં તેનો સમાવેશ થશે?, બધાં તેને અછૂતની જેમ તો નહિ રાખેને?, શરીર સુકાઈ ગયું હતું તેથી લોકો શું કહેશે? શિવને હું ગમીશ કે નહિ? ઘણાં સવાલો સાથે હતા છતાય લગ્ન બાદ દીકરી સાસરે સારી એમ સમજી પોતે શિવ સાથે ચાલી ગઈ.
શિવની નોકરી જામનગર હોવાથી શિવાની જામનગર રહેવા ગઈ. ત્યાં ગયા એને ૫ દિવસ થયા હતા, શિવના પિતા જામનગર ભગવાનના પુસ્તકમેળાના કામથી ૧૦ ૧૨ મહેમાનોને લઈને ત્યાં પહોચ્યાં. શિવાની હજી સારવાર હેઠળ જ હતી, દવા લીધા પછી સુન્ન થઇ જતી, પગ સોજી જતાં, શ્વાસ ચઢતો. પરંતુ મહેમાન આવશે તેમ સાંભળી બધી જ તૈયારી કરી જમવાનું બનાવ્યું. બધાને જમાડ્યા જમણવાર પત્યા પછી બધું કામ કર્યું પણ કામ વધી જતાં પગ સોજી ગયા હોવાથી એંઠવાડ નાખવાનો રહી ગયો અને શિવને ઘણી સહજતાથી સવારે નાખી આવજો એમ કહી દીધું. અને બીજા દિવસે કોલેજના T.Y. B.sc.ની પરીક્ષા હોવાથી પિયરમાં રવાના થઇ. સસરા બીજા દિવસે જાગીને સવારે એઠવાડ જોયો હશે. અને વાત તેમેણે સાસુને કરી અને નણંદનો શિવાની પર ફોન આવ્યો કે,” પપ્પા એમ કહેતાં હતા કે, વહુને કહી દેજોકે મારા પુત્રના લગ્ન મે કામ કરવા માટે નથી કર્યા હવે તું ધ્યાન રાખજે.” શિવાની એતો હા કહી અને દુઃખતા હૃદય સાથે ફોન મૂકી દીધો. થોડા સમય પછી ભાવનગર ગઈ ત્યારે ઘઉં દળાવા સાથે જઈએ એમ કરી નણંદ સાથે લઇ ગઈ. શિવાની નિખાલસ સ્વભાવથી હોંશે હોંશે સાથે ગઈ. ત્યાં રસ્તામાં નણંદએ કહ્યું કે, “ એક વાત કહું? શિવાણી કહે, બોલોને બહેન. નણંદએ કહ્યું કે શિવાની તે પેલા દિવસે પપ્પા આવ્યા ત્યારે તે જે કપડાં પહેર્યા હતા એમાં શરીર દેખાતું હતું, આગળનો(છાતી)થોડો ભાગ દેખાતો હતો..આવા કપડાં નહી પહેરવાના અને શિવને તો ક્યારેય કોઈ કામ નહિ સોપવાનું.” શિવાની હેબતાઈ ગઈ કે આ શું ? જ્યારે મહેમાન ત્યાં આવ્યા ત્યારે મારા સસરા જ ત્યાં હતા, તેમણે આવી વાત મારા સાસુ અને બેનોને શું કામ કરી હશે? એંઠવાડની વાત તો કરી જ હતી પણ આવી વાત શું કામ કરી? આટલું પશ્ચિમી સંસ્કૃતિમાં માનવાવાળું ઘર કે જ્યાં એમની દીકરી SHORTS પહેરે. તો મને જો પાંચમી દીકરી જ માનતા હોય તો આવી નજર કેમ? ત્યારે મેં સ્લીવલેસ ડ્રેસ પહેર્યો હતો કારણકે દવાથી ગરમી લાગતી અને મેં ઓઢણી તો નાખી જ હતી. શિવાની શરમથી ઢીલી થઇ ગઈ. ઘરે જવા માટે પણ હિંમત કરવી પડે તેવો સમય આવ્યો. તેને એમ થતું કે, બધા ઘરે મારા વિષે આવું વિચારતા હશે? બધાને આ વાતની ખબર છે. હું તેમનો સામનો કેવી રીતે કરીશ?” શિવાનીએ એકલામાં રડી લીધું. બીમારીના કારણે આમ પણ જીવન અઘરું લાગતું એમાં આ બધું જોઈ એમ થતું કે હજી આગળ શુ જોવાનું બાકી હશે?”
શું શિવાનીની જિંદગીના ખરાબ સમયમાં પરિવાર સાથે ન રહ્યો તે યોગ્ય છે?, તેમનું વર્તન વડીલ તરીકે બરાબર હતું? શિવાનીથી નાની ભૂલ થાય તો તે સાસુ સસરા અને ચાર નણંદો વચ્ચે ચર્ચાનો વિષય બનાવવો તે જરૂરી છે? શું શિવાનીની એટલી મોટી ભૂલ હતી કે તેને તે બીમારીના સમય સંજોગો પ્રમાણે ભૂલી ન શકાય? શું દરેક દીકરી સાથે આજ વ્યવ્હાર કરશે ? કે વહુને પાંચમી દીકરી કહેવી એ શાબ્દિક વિચાર હતો?


Rate & Review

દક્ષાબેન રાજુભાઈ વસાવા
bhojkar prashant

bhojkar prashant 3 months ago

Ayaan Kapadia

Ayaan Kapadia 4 months ago

Shai Joshi

Shai Joshi 4 months ago

દેખીતા સારા લગતા સમાજને અરીસો દેખાડતી વાત કરીને ખુબ જ સારો પ્રયાસ કર્યો... keep it up

Hinal Shah

Hinal Shah 4 months ago

Heart touching story Monika.....