Philosophy of love books and stories free download online pdf in Gujarati

પ્રેમની ફિલોસોફી

જ્યારે આપણે બીમાર પડીએ છીએ ત્યારે અમુક વખત જે દવા આપી હોય એ અસર ન કરે ત્યારે ડોક્ટર કદાચ તેનો ડોઝ વધારી દેતા હશે.

પ્રેમનું પણ એવું જ છે, ગમતી વ્યક્તિ સાથે મીઠા ઝઘડા થાય,મીઠી લડાઈ થાય,એમાં સંબંધ પર પૂર્ણવિરામ મૂકવાને બદલે પ્રેમનો ડોઝ વધારી દઈએ.

સુખ-દુખ જેવા કંઈક સંબંધ છે પ્રેમ અને વિરહ વચ્ચે પણ. સુખ-દુખની જેમ પ્રેમ અને વિરહ પણ એકબીજાના પૂરક છે અને જાગવાનું બંને વખતે હોય છે. પ્રેમમાં અનંત વાતો કરવા માટે જાગતા હોઈએ છીએ તો કોઈનો વિરહ આપણને ક્યારે નિરાંતે સૂવા દે છે??

આંખો પર જ્યારે પ્રેમ નામના વાદળો ઘેરાયેલા હોય છે ત્યારે આપણને કશું જ દેખાતું નથી હોતું. માત્રને માત્ર આપણે એ વ્યક્તિના ગળાડૂબ પ્રેમમાં હોઈએ છીએ.

આંખો પરથી વાદળો તો એના ગયા પછી હટે છે અને ત્યારે સમજાય છે કે એ વ્યક્તિનો ઈરાદો નેક હતો કે ફક્ત પછી એમ જ.... જ્યારે આપણને સમજાય છે કે જેને આપણે આટલું મહત્વ, આટલો પ્રેમ આપી રહ્યા હતા, એ વ્યક્તિ હકીકતમાં આને યોગ્ય ન હતી અને ત્યારે આપણી પાસે રંજ અને અનુભવ સિવાય કશું જ હોતું નથી.

પ્રેમમાં પ્રથમ બધું રંગીન લાગતું હોય છે,
અને પછી દુનિયા બેરંગી બની જાય છે,
પ્રેમમાં પહેલા ખૂબ અજવાળું લાગતું હોય છે,
પછી સર્વે અંધકાર ફેલાતો જાય છે,
પણ, વિરહમાં પણ તમારી અંદર રંગીનતા લાવે,
એ પ્રેમ સાચા અર્થમાં છે,
એમના વગર પણ જ્યારે અંધારામાથી અજવાસ સુધી પહોંચાડે છે આપણને,
એ પ્રેમ સાચા અર્થમાં છે!

પ્રેમ આપણને મજબૂત કે વિકલાંગ બનાવે છે ખરો? જ્યારે પ્રેમ હોય છે ત્યારે વ્યક્તિ ખૂબ જ મજબૂતાઈથી દરેક મુસીબતનો સામનો કરતો હોય છે, પણ જ્યારે બે પ્રેમી વચ્ચે નારાજગી હોય, અબોલા હોય ત્યારે બેમાંથી કોઈ એકને તો એકબીજા વગર નબળાઈ લાગતી હશે ને? કોઈ એકને તો એવું થતું હશે ને કે આ વ્યક્તિ જે દિવસે મારી સાથે નહીં હોય ત્યારે શું? આટલું બધું સાથે ચાલ્યા પછી જ્યારે અચાનક એકલા પાછા વળવાનું થાય ત્યારે એ વ્યક્તિને એવી અનુભૂતિ થતી હશે કે હવે પગ લકવાગ્રસ્ત થઈ ગયો છે ત્યારે વિકલાંગતાની અનુભૂતિ થતી હશે.

પ્રેમ એવો હોવો જોઈએ જે વ્યક્તિને એની સાથે અને એના વગર જીવતા શીખવાડે. ખરેખર તો જ્યારે કોઈ નકારાત્મકતાવાળી વ્યક્તિને કોઈ પ્રેમ કરનાર પાત્ર મળી જાય તો એનામાં હકારાત્મકતા આવી શકે છે અને વ્યક્તિ પર નિર્ભર કરે છે કે એ એને કેટલો ગુણવત્તાસભર પ્રેમ અને સમય આપી શકે છે, બાકી પ્રેમ એવો હોય જ ન શકે જેના વગર આપણામાં ફરીથી નકારાત્મકતા આવી જાય. જો એણે ગુણવત્તા ભર્યો પ્રેમ આપ્યો હશે તો વ્યક્તિને એના ગયા પછી પણ જીવવાની ઈચ્છા થશે. મરવાની વાત તો ત્યાં આવે છે જ્યાં એમના વગર જીવવું અઘરું લાગે અને ગુણવત્તાસભર પ્રેમને મોતનો અવકાશ નથી.

અત્યારના યુવાનોમાં એવો ચીલો ચાલુ થયો છે કે બ્રેક‌અપ થાય એટલે કોઈ આત્મહત્યા કરી લે, કે કોઈ હાથની નસ કાપી બેસે,આવા કિસ્સાઓ જ્યારે આપણી નજર સામે આવે ત્યારે એક જ પ્રશ્ન થાય કે શું આવું કરતા પહેલા તમને તમારા પરિવારનો વિચાર બિલકુલ ન આવ્યો? શું તમારા માટે પરિવાર કરતા પ્રેમી એટલો બધો મહત્વનો થ‌ઈ ગયો કે તમને એના વિરહમાં મોત વહાલું લાગ્યું? જ્યારે તમે તમારા બ્રેક‌અપની જાણ તમારા પરિવારને કરો છો ત્યારે એ જ લોકો હોય છે જે તમને આ દુઃખમાંથી બહાર લાવી શકે. જો તમને એવું હોય કે એ લોકો તમારી આ વાત નહિ સમજી શકે તો તમારા કોઈક તો મિત્ર એવા હાથવગા હશે ને જેને તમારા પ્રેમ સંબંધની જાણ હોય અને હવે તમે એને તમારા બ્રેક‌અપ વિશે કહી શકો.

બહુ જૂજ લોકો એવા હોય છે કે જેને પોતાનો પ્રેમ પ્રાપ્ત થાય છે અને એવા લોકો ખુદ વિધાતા પાસેથી નસીબ લખાવીને આવ્યા હોય એવું લાગે. જો પ્રેમ છે તો પછી વિરહ પણ આવશે આ વાત હીર-રાઝા કે લૈલા-મજનુની વાતો વાંચીએ કે સાંભળીએ તો ખ્યાલ આવે. વિરહના દુઃખમાંથી મુક્ત થવા બધું જ કરાય, બસ ફક્ત મોત સાથે બાથ ન ભીડાય.