Tyag - Bhagwan Mahavirni Drastie books and stories free download online pdf in Gujarati

ત્યાગ – ભગવાન મહાવીરની દ્રષ્ટીએ

એક શેઠ દરરોજ સત્સંગ કરતા. એમની બીડી પીવાની ટેવ પડેલી. એક દહાડો બે ઈંચની બીડીને બદલે બાર ઈંચનો બીડો ઓટલે બેસીને પીતા હતા ! એમના સત્સંગી મિત્રે પૂછ્યું ? ‘ અલ્યા, આ શું ? અઆવડો મોટો બીડો કેમ ?’ ત્યારે શેઠે કહ્યું , ‘મહારાજે મને આજ્ઞા કરી કે બાધા લે કે રોજ ચાર જ બીડી પીશ. મે ઘણી ના કહી  પણ એમણે જબરજસ્તીથી  મારી પાસે બાધા લેવડાવી.’ તે આ શેઠે બાધા પાળે છે !(?) થોડીવારમાં બીડી પીતા હતા, તે અડધી થઇ ગઈ. એટલે  એ શેઠે શું કર્યું કે બે પાંદડા લઇ નીચેથી ચઢાવવા માંડ્યા !! ‘શેઠ આ તમે શું કરો છો ?’ શેઠ કહે, ‘ ચાર બીડીએ પૂરૂ ના થાય એટલે.’

કહેવું પડે શેઠ તમારી અક્કલને ! ધન્ય છે તમને ! આવું જ્ઞાન તો ભગવાન મહાવીરને ય કેવળજ્ઞાનમાં ના આવ્યું , તે ‘જ્ઞાન’ (?) તમને છે !!! તમે કઈ જાતના છો ? આવી ય બુદ્ધિ હોઈ શકે ?! આશ્ચર્ય ના થાય તો શું થાય ? આ ત્યાગને કેવા પ્રકારનો ત્યાગ કહેવો ? જો ત્યાગ ના થઇ શકે એમ હોય તો ના કરવો ? કોઈએ આપણને  કંઈ તોપને બારે ચઢાવ્યા છે કે બસ એ કહે તેમ કરવું જ  ? ત્યાં ચોખ્ખું કહીને આવી ઘોર અપરાધમાંથી શું ના બચી શકાય ?

ત્યાગ તો કોનું નામ કહેવાય કે જે વર્તે તે. જેની ફરીથી યાદ જ ના આવે , એને ત્યાગ ભગવાને કહેલો છે. ઘર-બાર , બૈરી-છોકરા , મોટર-બંગલા બધું ત્યાગ્યું હોય પણ તેને તે કયારેય ફરી લક્ષમાં ના આવે કે મેં આ ત્યાગ્યું! એની વિસ્મુતી જ વર્તે , તેનું નામ ખરો ત્યાગ કહેવાય. ખરેખર તો તે ખરી પડ્યું  જ કહેવાય . ખરી પડે  તે જ સાચા મોક્ષમાર્ગે પ્રગતિ કરાવે છે.

લોકો ઢગલેબંધ વસ્તુઓનો , વ્યક્તિઓનો ત્યાગ કરે છે. વિશ્વમાં વસ્તુઓ તો અનંત છે. કઈ ત્યાગવી ને કઈ નહીં ? બધું જ ત્યાગ્યું, જંગલમાં દિગંબર થઈને ગયા. પણ ત્યાં ય શરદી થઈ ને તુલસી રોપી. ઉંદરડા તુલસી ખાઈ ગયા, તેના માટે બિલાડી પાળી . બિલાડીને દૂધ પાવા ગાય બાંધી ને ગાય સાચવવા શિષ્ય રાખ્યો ને એમ સંસાર મોટો થયો ! ઘેર એક પત્ની ને બે છોકરા છોડ્યાં ને ત્યાં ૧૦૮ શિષ્યોના ઘંટ વળગાળ્યા !  પાર વગરના કષાયો કર્યા ! ભગવાનની ભાષાનો આ ત્યાગ હોઈ શકે ?

મહાવીર ભગવાને  તો ત્યાગની  વૈજ્ઞાનિક વ્યાખ્યા આપી છે. ભગવાને કહ્યું કે ‘ વસ્તુના ત્યાગને ત્યાગ નથી કહેવાતો પણ વસ્તુ પ્રત્યેના મૂર્છાના ત્યાગને ત્યાગ કહેવાય !’ આવી વ્યાખ્યા તો તીર્થંકરો જ આપી શકે અને તે સમજી શકે કોઈ વિરલ જ્ઞાની જ ! બાકી અજ્ઞાનદશામાં ગમે  તેટલા ત્યાગ કર્યા હશે ને મૂર્છા મહીં અકબંધ હશે, તેનાથી શું ફાયદો ? એવું ત્યાગે તે આગે આવે જ !

ત્યારે પેલા વ્યાખ્યાનમાં સાંભળેલું  વાક્ય યાદ આવ્યું, ‘મેરુ પર્વત જેટલા ઢગલા થાય ઓઘાના કે મુંહપત્તીના તો ય મોક્ષ ના મળ્યો ?’ સાહેબ , જો તમારા આ હાલ તો સાંભળીને  અમારા હાલમાં શુ ફરક પડશે ? એવો કંઈક બોધ આપો કે અમને ય અંદરથી વસ્તુ પ્રત્યેની મૂર્છાઓ ખરી પડે ! અને ભગવાનના સાચા મોક્ષમાર્ગને  પામીએ  ! માટે ત્યાગ વર્તાય તે સાચો ત્યાગ મોક્ષને લાયક કહેવાય ! એવો ત્યાગ પછી ગ્રહસ્થી હો કે સાધુ હો , સ્ત્રી  હો કે પુરુષ હો, જેને પણ વર્તે તેનો અવશ્ય મોક્ષ થાય !

શ્રીમદ રાજચંદ્રે  કહ્યું છે, ‘ જ્ઞાનીને ત્યાગાત્યાગ સંભવે નહી.’  ત્યાગે ય નહી ને અત્યાગે (ગ્રહણ) ય નહી ! બધું ખરી પડે સ્હેજે ! ત્યાગ અહંકાર વિના ના થાય ને ગ્રહણે ય અહંકાર વિના ના થાય.  કોઈને ત્યાગનો અહંકાર વર્તે , કોઈને ગ્રહણ કર્યાનો અહંકાર વર્તે ! મોક્ષને માટે તો ભગવાને બંનેને નાપાસ ગણ્યા છે !

મોટી રકમવાળું પાકીટ પડી ગયું પણ મહીં કઈ પરમાણું  પણ ના હાલ્યું, તો તે પૈસાનો ત્યાગ વર્ત્યો કહેવાય અને જરાક શિષ્યથી પાત્ર તૂટી ગયું ને ગુરુને  ક્રોધ આવ્યો કે સમજવું કે ખરા ત્યાગી નથી. ત્યાગમાં સમતા હોય તો જ તેને ભગવાને કહેલો ત્યાગ કહેવાય. ત્યાગમાં વિષમતા ના ચાલે. ત્યાગમાં વિષમતા એટલે  કંદમુળનો ત્યાગ હોય ને ભૂલથી બટાકો દાળમાં આવી ગયો ને કષાય થઈ ગયા તો તે ત્યાગમાં વિષમતા થઈ કહેવાય. ત્યાં જ્ઞાનીને કેવું હોય ? માંસનો  ટુકડો ય દાળમાં આવી જાય તો ધીમે રહીને ટુકડો કાઢીને ઓટીમાં કે ખીસામાં સંતાડી દે ! યજમાન જાણે તો તેને દુઃખ થાય માટે ! કષાય કાઢવા માટે ત્યાગ છે. જે ત્યાગ કષાય કરાવે, તેને ત્યાગ કેવી રીતે કહેવાય ?

   એટલે ત્યાગ બે પ્રકારનાં  (૧) અહંકારે કરીને કરેલો ત્યાગ (૨) સહજ વર્તનમાં  વર્તાય તે ત્યાગ !

જ્ઞાનીઓ પાસે ધોરીમુળની જ દવા હોય, ડાળl-પાંદડની નહીં ! તેથી જ્ઞાનીઓએ ત્યાગ શેનો કરવાનો કહ્યો ? અહંકાર અને મમતા ‘ હુંપણું  અને મારું ‘ બે ત્યાગ્ય પછી સંસારમાં કશું જ ત્યાગવાનું બાકી રહેતું જ નથી !

ઉદયકર્મ  ત્યાગ કરાવડાવે, તપ કરાવે, એ ત્યાગ વીતરાગનો ના કહેવાય. પ્રકૃતિ પરાણે કરાવે, તે બધું જ ઉદયકર્મ કહેવાય ! તેનાથી આત્મા પર શો ઉપકાર ? ઉદયકર્મથી ત્યાગ થાય ને પોતે માને કે મેં ત્યાગ્યું. તેને કેફ કહ્યો, મેં ત્યાગ્યું એવું બોલે નહીં પણ મહીં વર્તે. મહીં વર્તે તે સુક્ષ્મ કેફ કહેવાય ! મનમાં વિચારો આવે, વાણીના પરમાણુઓ ઉડે ત્યારે તેમાં તન્મયાકાર ના થાય, આત્મ સ્વભાવમાં રહી તેને જુદું જુએ અને જાણે તેને સર્વસ્વ શુદ્ધ ત્યાગ કહ્યો. એનું ફળ મોક્ષ આપે. આત્મજ્ઞાની વિના આ શુદ્ધપદની પ્રાપ્તિ કોઇથી કરાવી ના શકાય.

ઘણાં ગાય છે ‘ ત્યાગ ન ટકે વૈરાગ્ય વિના.’ તો પછી વૈરાગ્ય શેના વિના ના ટકે ? એનો જવાબ જ્ઞાની જ આપી શકે, વૈરાગ્ય ન ટકે વિચાર વિના. ત્યાગથી જ મોક્ષ નથી,આત્મજ્ઞાનથી જ મોક્ષ છે. અજ્ઞાન દશાના ત્યાગથી પાછું આગે આવે ભૌતિક સુખો મળે !

  સંસારીઓને સર્વ દુઃખો પોતાને હો ને પોતાના સર્વ સુખો સંસારીઓને હો. એવી દિન-રાત ભાવના જેને વર્તે છે એ ખરો ત્યાગી કહેવાય. પોતે જ પીડાતો હોય , તે બીજાને શું સુખ આપી શકે ? ખરો ત્યાગી હોય, તેનું મોઢું જોતા જ ભયંકર દુઃખો ય વિસ્મૃત થઇ જાય ને આનંદ આનંદ વર્તાય ! દીલ ઠરી જાય !

મૂળ આત્મ એક ક્ષણ  પણ અનાત્મા થયો નથી, જે થઈ શકે તેમ પણ નથી. મૂળ આત્માને ત્યાગ નથી, જપ-તપ કશું ય નથી. આત્માને ગ્રહણ કે ત્યાગ છે એ માન્યતા એ જ ભ્રાંતિ છે !

જ્ઞાની મળે તેને તો એમની આજ્ઞા એ જ ધર્મ ને એ જ તપ એનાથી જ મોક્ષ ! જ્ઞાની અહંકાર અને મમતાનો જ ત્યાગ કરાવે ને નિજ સ્વરુપનું ગ્રહણ કરાવે, પછી સ્હેજે મન-વચન-કયા છુટા વર્તે,ત્યારે ખરો મહાવીરનો ત્યાગ થયો ગણાય. જે નિશ્રય મોક્ષ પ્રાપ્ત કરાવે જ !