Banas flood of 1973 books and stories free download online pdf in Gujarati

સને.1973 નું બનાસનું પૂર

બનાસનો વિનાસ(તોતેરનું પૂર)
તા.31/08/1973
******
આ કોઈ કથા વાર્તા નથી.જાતે જોયેલો અનુભવજન્ય વિનાસ મને આજે પણ પૂરનો સમય યાદ આવે છે.મારી ઉંમરના કે મારાથી વધુ ઉંમરના લોકોને જ્ઞાત હશે.હું પણ આ પૂરનો સાક્ષી છું.રાજસ્થાનના ઉપરવાસ વિસ્તારમાં અતિભારે વરસાદ થતાં ઢેબર સરોવરમાંથી પાણી ઓવરફ્લો થઇ દાંતીવાડા ડેમમાં ઠલવાયું અને દાંતીવાડા તેમજ સમગ્ર ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદ થવાથી આખું ગુજરાત તરબતર હતું.કદાચ આ સમયે મારી ઉંમર છ વરસની હશે.સાત સાત દિવસ સુધી નદીના ભયજનક પાણી રહ્યાં હતાં.અનેક માણસો આ પ્રચંડ પૂરથી તણાઈ ગયાં,જમીન ધોવાઈ ગઈ,બાજરી, કપાસ,દિવેલા,તુવર,તલ તો ઉભાં સડીગયાં હતાં.મારા દાદા રાજા ભગતની* રાધનપુર પંથકમાં એકજ ફ્ળઝાડની વાડી હતી.શેરડી,મગફળી,શક્કરટેટી,તરબૂચ અને શાકભાજીનો સોથ વળી ગયો હતો.આ વાડી જોવા તાલુકાની શાળાઓ પ્રવાસ ગોઠવતી.મારા ગામ કમાલપુર(સા) તા.રાધનપુરની ખારી નદી ઉપર માટીનો બંધ હતો તે પણ નામશેષ થઇ ગયો.હાલ એ બંધનો થોડોક અવશેષ જોવા મળે છે.હનુમાનજી મંદિર થી "પૂર્વમાં સવેળા માતાના મંદિરથી વાડિયું નામના ખેતર સુધી" ખૂબ ઊંચો માટીનો સંવત 2025 માં દુષ્કાળ વખતે આ બંધ બાંધ્યો હતો.તે આ સાત દિવસના પૂરમાં તબાહ થઇ ગયો.લોકોના ઢોર નો કોઈ પતો ન્હોતો.મારા ગામની અંદર પંચાયત સુધી ગોઠણ સુધી પાણી હતું.એ પછી આજ સુધી આવી પ્રચંડ પૂર વાળી નદી નથી આવી.ખેતીમાં પારાવાર નુકશાન થયું.1973ની 31 ઓગસ્ટ પછી અમારા ગામ નજીક વહેતી નદી ત્યારથી ખારી થઇ ગઈ.આ નદીમાં તે પહેલાં બારેમાસ મીઠું પાણી વહેતું હતું.આજે પણ આ નદી પર ગમે તેટલા નાના બંધ બાંધ્યાં પરંતુ પાણી બારેમાસ ખારું જ વહે છે.હું મારા જુના ઘર (ગોઢ ઉપર)હજુ ભણવા સ્કૂલે ગયો ન્હોતો.ત્યારે ઘરની નજીક ઉકરડા ઉપર મીઠી અને ખારી પીલુડીના વૃક્ષ ઉપર નદીનો પ્રચંડ પ્રવાહ, પશ્ચિમ દિશા તરફથી રાત્રે દેલાણા અને ગુલાબપુરા ગામના લોકોનો રડવાનો અને બૂમો પાડવાનો અવાજ સાંભળતો સાથે નદીનો બિહામણો ખળખળ પાણીનો પ્રવાહ જોઈ રાત્રે મને ખૂબ બીક લાગતી.સાત સાત દિવસ સુધી એકબીજાને ઘેર પણ ના જવાય.શું ખાવું તે ખૂબ મોટો પડકાર હતો.એ વરસે ચોમાસુ પાક મારી નજરે જોયો તેવો પાક આજે આટલા વરસો પછી હું જોતો નથી.બનાસ નદીની આ તારાજીથી પારાવાર નુકશાન સાથે જમીન,રસ્તા,ખેતીની ઉપજ બધું જ સાફ!
માણસ કંગાળ થઇ ગયો આ કુદરતી હોનારતથી.(તેવે વખતે રેડીઓ પર સમાચાર મળતા એટલે રેડીઓ ભાગ્યેજ કોઈકની પાસે હતો.રેડીઓ રાખવા માટે મામલતદાર કે પોલીસ ખાતાની પરવાનગી લેવી પડતી.)ગામમાં ઢોલ વગાડી જાણ કરવામાં આવતી પરંતુ દૂર સીમમાં ગયેલા ખેડૂત માટે ઢોલ ક્યાંથી સંભળાય?
અમારો સીમાડો મારા ગામેથી 6 કિલોમીટરનો ઘેરાવો ધરાવે છે.જે લોકો ખેતરે હતા તે લોકો ને બચાવવા ચૂનંદા ગામના સાત તરવૈયા નદી પાર જતાં નદીનો પ્રચંડ પ્રવાહ અચાનક વધી જતાં તે લોકો પૂરના પાણીમાં ઘેરાઈ ગયા.તે બધા સાત દિવસ સુધી ભૂખ્યા તરસ્યા,કપડાં પણ ફાટી ગયાં,સાવ કપડાં વગરના નગ્ન હાલતમાં આ તરવૈયાઓ સાતમા દિવસે સાવ નખાઈ ગયેલાં હાડપિંજર જેવા જીવતા આવ્યા.ગામ લોકોએ નજીકના ખેતર પાસે જઈ બધાંને આબરૂ ઢાંકવા પૂરતાં કપડાં આપી અમારા ઘરની પાછળ એટલે કે ગામની આથમણી દીસા તરફ બધાંને હાથ પકડીને લાવવામાં આવ્યા.કેડ સમા પાણી તો હજુ ખેતરોમાં વહેતાં હતાં.આવી ભયાનક તબાહી વચ્ચે જીવતા પાછા આવ્યા માટે આ લોકોનાં સામૈયા થયાં.પરિવારજનોના હર્ષનાં આંસુ વચ્ચે ગામે તેમના ઘર સુધી ઢોલ વગાડી સામૈયા કર્યાં.અને તેમના મોઢે આ તારાજીની કથની સાંભળી.હજુ પણ આ સાત તરવૈયા પૈકીના માણસો ગામમાં હયાત છે.તે વખતનો જમાનો મોબાઈલ કે તાર ટેલિફોનનો ન્હોતો.પત્ર અને ઢોલ આ બે જ સિગ્નલ હતા.મારે આટલી લાંબી વાત કહેવાનો મતલબ એટલોજ કે ભૂકંપથી,આગથી બચવાના ચાન્સ ખરા પરંતુ પૂર પ્રકોપથી ભગવાન કૃપાથી ભાગ્યેજ બચાય.માટે નદીનો પ્રવાહ જોઈ ન્હાવા કે નદીના પ્રવાહમાં ભુસ્કા મારવાનું દુસાહસ કોઈ દિ ન કરાય.
-સવદાનજી મકવાણા (વાત્ત્સલ્ય )