Feeling of love - 4 books and stories free download online pdf in Gujarati

પ્રેમનો અહેસાસ - 4

અગાઉ તમે જોયું કે શરદનું ઓપરેશન પુરાં બે કલાક સુધી ચાલ્યું..હવે આગળ...

ઓપીડીની બહાર લાઈટ બંધ થતાં જ માનસીબેન ડૉક્ટરને મળવા માટે તૈયાર થઈ ગયાં. ડૉક્ટર બહાર આવતાં જ માનસીબેન આવીને પૂછવાં લાગ્યાં,

"ડૉક્ટર સાહેબ હવે કેમ છે મારો દીકરો?"

"મિસિસ શાહ શરદનું ઓપરેશન તો સકસેસ થયું છે પણ....."

"પણ શું ડૉક્ટર?"

ડૉક્ટર પરીખ બોલ્યાં આપ બંને મારી કેબિનમાં આવો.ત્યાં આપણે વાત કરીએ.

"જી ડૉક્ટર "

શરદને ઓપીડીમાંથી આઈસીયુમાં શિફટ કરવામાં આવ્યો.મિસ્ટર શાહ અને માનસીબેન ડૉક્ટરની કેબિનમાં ગયા.ડૉક્ટર પરીખ બોલ્યાં,

"બેસો આપ બંને.જુઓ મેં પહેલાં પણ કીધું છે કે શરદની હાલત બહું નાજુક છે. એનું ઓપરેશન તો સફળ થયું છે પણ હજી એ કોમામાં છે.જો આવતાં 16 કલાકમાં એ ભાનમાં નહિ આવે તો પછી એ કયારે ભાનમાં આવે એનું કોઈ નકકી નહિ..દવા તો મેં કરી દીધી હવે દુવા કરવાનો વારો તમારો. હું તો ઈચ્છું છું કે શરદ જલ્દી ભાનમાં આવી જાય.બસ હવે 16 કલાક તમારી પરીક્ષાનાં છે.હું મારી બનતી દરેક કોશિશ કરીશ."

"ડૉક્ટર સાહેબ અમે શરદને મળી શકીએ?"

"હા,તમે જોઈ શકો છો એને.."

"આભાર ડૉક્ટર.."

માનસીબેનની હાલત તો ચીરે તો લોહી ના નીકળે એવી થઈ ગઈ હતી.મિસ્ટર શાહ અને માનસીબેન આઈસીયુમાં ગયા.શરદનાં માથે પાટો મારેલો હતો.એની દેખરેખ માટે ડૉક્ટર પરીખે નર્સ પાયલને રાખી હતી. શરદ જાણે જીવતી લાશ હોય એમ લાગી રહયું હતું. માનસીબેન તો શરદને આવી દશામાં જોઈ ચોધાર આંસુએ રડી પડ્યા. માનું હૈયું કેમ કરી ઝાલ્યુ રહે?શરદના બેડ પાસે રાખેલ ટેબલ પર માનસીબેન બેઠાં. શરદના વાળમાં હાથ ફેરવવાં માંડયા. આંસુ તો નોંધારા વહી રહ્યા હતા. શરદનો હાથ એમના હાથમાં લઈ પંપાળવા લાગ્યાં અને બોલ્યાં,

"શરદ દીકરા...મેં તને સવારે કહયું તું ને બેટા કે ડ્રાઈવ ધીમે કરજે.તોય તે મારી વાત ના માનીને?તને મારી જરા પણ ચિંતા ના થઈ બેટા..આમ થોડું ચાલે મારાં લાલ..?ચાલ હવે ઊઠી જા. જો તને કંઈ થઈ ગયું તો આ અભાગણી માનું શું થશે?અમારાં ઘડપણનો તું સહારો છે. તને ખબર છે તને મેળવવાં અમે શું શું કર્યું છે?તું અમારાં કુળનો કૂળદિપક છે બેટા.આમ અમને એકલાં મુકીને તું કેવી રીતે જઈ શકે?અને આગળ માનસીબેન કંઈ બોલી ના શકયાં. શરદનાં હાથ પર માથું ઢાળી રડી પડ્યા.

બધાં કહે છે કે પિતા કયારેય ના રડે.પણ મિસ્ટર શાહની હાલત આજે જુદી જ હતી.બિઝનેસની દુનિયાનાં બેતાજ બાદશાહ હતાં મિસ્ટર શાહ. પણ એમનામાં પણ એક પિતા જીવતો હતો. શરદને જોઈ એ પણ પોતાની જાતને રોકી ના શકયાં. એક બાજુ જઈને ભીંતે હાથ ટેકવી એ પણ ડહકે ડહકે રડી પડ્યા. માનસીબેન અને મિસ્ટર શાહને રડતાં જોઈ નર્સ પાયલની આંખો પણ ભીની થઇ ગઇ. નર્સ પાયલ માનસીબેન પાસે જઈને બોલી,

"મેમ તમે હિંમત રાખો.તમારાં દીકરાને સારું થઈ જશે. અને ઈશ્વરને પ્રાર્થના કરો એ જલ્દી હોંશમાં આવી જાય. "

16 કલાક કાઢવા માનસીબેન અને મિસ્ટર શાહ માટે કપરાં થઈ પડયાં હતાં. માનસીબેન સતત કાનાને વિનવી રહયાં હતાં. 10 કલાક જેમ તેમ પસાર કર્યાં અને જાણે ચમત્કાર થયો.શરદને હોંશ આવી ગયો.પણ તેનાથી બોલાતું નહતું. હોંશ આવતાં ડૉક્ટર પરીખને બોલાવવામાં આવ્યાં.

"નર્સ પેશન્ટનાં દરેક રિપોર્ટ કઢાવો અને મને બતાવો."

એક પછી એક શરદનાં રિપોર્ટ કઢાવવામાં આવ્યાં. બધાં નોર્મલ આવ્યાં હતાં. ડૉક્ટર પરીખે મિસ્ટર શાહને કહયું કે,

"તમારો દીકરો હવે ખતરાથી દુર છે.પણ કમ્પલેટ રીકવરી આવતાં વાર લાગશે "

"હમણાં 15 દિવસ તો એને અહીં રાખવો જ પડશે."

"હા ડૉક્ટર સાહેબ તમે કહો એટલાં દિવસ અમે એને અહીં રાખશું. બસ એને કંઈ તકલીફ ના રહેવી જોઈએ.

માનસીબેન અને મિસ્ટર શાહને જોઈ શરદનું હૈયું પણ ભારે થઈ ગયું. એ બોલવા ગયો પણ બોલાયું નહિં.માનસીબેન એની પાસે આવ્યાં અને એની બાજુમાં બેસતાં બોલ્યાં,

"બસ બેટા ! રડ નહી. તું જલ્દી સાજો થઈ જઈશ.પછી તારાં માટે છોકરી પણ ખોરવાની છે નઈ?"

મિસ્ટર શાહ પણ એની પાસે આવી એનાં માથાને પંપાળવા લાગ્યાં. એમની આંખો પણ ભરાઈ આવી,

"આપણે જલ્દી રજા લઈને ઘરે જતાં રહીશું હો..તું ચિંતા ના કર બેટા.."

એટલામાં નર્સ આવી અને બોલી,

"આ દવા લઈ આવોને તમે પ્લીઝ."

"હા હા સિસ્ટર લાવો.હું હમણાં જ લઈ આવું છું. "

મિસ્ટર શાહ દવા લઈ આવ્યા એટલે શરદને ઈંજેક્શન સાથે દવા આપીને આરામ કરવા કહેવામાં આવ્યું.

શું શરદ કયારેય બોલી નહી શકે?શું શરદ પહેલાની જેમ જિંદગી જીવી શકશે?કાવ્યાને પોતાનાં દિલની વાત કહેશે કે એને મનમાં જ દફનાવી દેશે?

જાણવાં માટે બન્યાં રહો મારી સાથે.. આ શાનદાર સફરમાં...