College Campus (A Heartwarming Love Story) - 41 books and stories free download online pdf in Gujarati

કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 41

" કૉલેજ કેમ્પસ "ભાગ-41

પરીના હાથના સ્પર્શ માત્રથી આકાશના શરીરમાં રોમાંચ ફેલાઈ ગયો અને તે બોલ્યો પણ ખરો કે, " બરાબર પકડીને બેસજે મને ધીમે ધીમે ચલાવવાની આદત નથી. "

પરીનો ગુસ્સો સમાય તે પહેલાં તો આકાશ કંઈ નવું ને નવું તોફાન કરી બેસતો અને કંઈનું કંઈ આડુંઅવળું બોલી બેસતો એટલે પરીની સમજમાં એટલી વાત તો આવી જ ગઈ હતી કે, આ ખોપડી સુધરે તેમ નથી. અને તે પણ આકાશને ચેલેન્જ આપતી હોય તેમ તરત જ બોલી પડી કે, " તારામાં તાકાત હોય તેટલું ફાસ્ટ ચલાવજેને આપણને કોઈ વાતનો ડર નથી લાગતો " અને આકાશે તો ફૂલ સ્પીડમાં પોતાનું બુલેટ હંકારી મૂક્યું. પરી તો બરાબર આકાશને પકડીને જ બેઠી હતી.

આકાશનું બુલેટ સીધું મંદિર પાસે પહોંચીને જ ઉભુ રહ્યું. પરી આકાશને પકડીને જ નીચે ઉતરી અને પોતાના વાળ સરખા કરતાં કરતાં બોલવા લાગી કે, " વાંદરાને સીડી આપવા જેવું કામ છે, તને તો ફાસ્ટ ચલાવવાની છૂટ આપી એટલે તે તો જાણે આકાશમાં ઉડાડતો હોય તેમ ફૂલ સ્પીડ કરી દીધી. "

આકાશ: આપણને તો ફૂલ સ્પીડમાં જ ચલાવવાની આદત છે અને એમાં પાછી તે છૂટ આપી હતી પછી તો બંદા આકાશમાં જ ઉડેને..? બોલ કેવું લાગ્યું આપણું ડ્રાઈવીંગ ?

પરીને આકાશના વખાણ તો નહતા કરવા પરંતુ કર્યા વગર છૂટકો પણ નહતો એટલે આકાશની સામે જોઈને જ બોલી કે, " હા, ડ્રાઇવીંગ કરવામાં તો તું એક્કો લાગે છે બાકી બીજા બધામાં ખબર નહીં. "

આકાશ પણ પોતાની આંખો ઉલાળતાં ઉલાળતાં બોલ્યો કે, " ખાલી ડ્રાઈવીંગમાં જ નહીં બીજા ઘણાંબધામાં એક્કો છું પહેલા અજમાવી જોજે પછી કહેજે. "

પરી પણ, એમ હાર માને તેમ ન હતી. તે પણ આકાશને ચેલેન્જ ઉપર ચેલેન્જ આપતી જતી હતી અચ્છા એવું છે બીજા શેમાં તું એક્કો છે તે કહીશ મને ? "

આકાશને તો પરીની સાથે ચર્ચામાં ઉતરવાની ખૂબ મજા આવતી હતી. પરંતુ મંદિર આવી ગયું હતું એટલે તે બોલ્યો કે, " બાય ધ વે મેડમ આપણે મંદિર પાસે પહોંચી ગયા છીએ તો આ બધી વાત પછી કરીશું અને પહેલા દર્શન કરી લઈએ અને તું જગ્યા પણ જોઈ લે અને તને ગમે તો ઠીક છે નહીંતો પછી આપણે બીજી કોઈ જગ્યા પસંદ કરવાનું વિચારીએ. "

ઝાડની છાંય, અનેરી ઠંડક અને મનને લોભાવનારી શાંતિ કોઈને પણ લલચાવી દે તેવીતી. સાંજનો સમય હતો. પરી તેમજ આકાશ મંદિરના પરિસરમાં પ્રવેશ્યા, મંદિરનું પરિસર ખૂબજ વિશાળ હતું. મનને સુખ અને શાંતિ બંને સાથે મળે તેવી જગ્યા હતી એટલે પરીના મનને તો જોતાંવેંત જ જગ્યા લોભાવી ગઈ. બંને સાથે મંદિરમાં પ્રવેશ્યા તો માતાજીની આકર્ષક ચમત્કારિક પ્રતિમાજી જોઈને પરી વધુ ખુશ થઈ ગઈ. બંનેએ શાંતિથી દર્શન કર્યા.

પરીને માતાજીની મૂર્તિ, મંદિર અને જગ્યા બધું ખૂબ જ ગમ્યું એટલે હવન માટેની જગ્યા હવે નક્કી થઈ ગઈ હતી.

બંને જણાં દર્શન કરીને પરિસરમાં ઝાડ નીચે ગોઠવેલા બાંકડા ઉપર બેઠાં એટલે આકાશે તીવ્રતાથી અને ખૂબજ આતુરતાથી પરીને પૂછ્યું કે, " શું માંગ્યું તે માતાજી પાસે ? "

જેટલી તીવ્રતાથી અને આતુરતાથી આકાશે પ્રશ્ન કર્યો હતો તેટલી જ શાંતિથી અને પ્રેમથી પરીએ જવાબ આપ્યો કે, " કંઈ નહીં શું માંગવાનું હોય. મને માતાજીએ પહેલેથીજ બધું જ આપી દીધું છે મારે એમની પાસે કશું માંગવું પડે તેવું તેમણે રાખ્યું જ નથી. " પરીને શાંત થયેલી જોઈને આકાશને આનંદ થયો કે, હાંશ ચલો માતાજીની એટલી તો કૃપા થઈ કે, આ મેડમ થોડા શાંત પડ્યા. અને તેના જવાબથી સંતોષ ન થયો હોય તેમ આકાશે પરીને એની એ વાત ફરીથી ફેરવીને પૂછી કે, " કેમ એટલે તે માતાજી પાસે કંઈ ન માંગ્યું ? "

પરી જરા હસી પડી અને બોલી, " કેમ મેં ના ન પાડી, તને શુધ્ધ ગુજરાતીમાં સમજ નથી પડતી, ઉર્દુમાં સમજાવું ? "

આકાશ પણ હવે તો બરાબર મસ્તીના મૂડમાં આવી ગયો હતો તેણે જમીન ઉપર પડેલું એક પાંદડું હાથમાં લીધું અને પરીના ગોરા લીસા ગાલ ઉપર પ્રેમથી ફેરવ્યું અને પરીને હેરાન કરવાના ઈરાદાથી બોલ્યો કે, " ના, નથી ખબર પડતી ગુજરાતીમાં તને આવડે છે ને ઉર્દુ. ચલ, સમજાવ ઉર્દુમાં. " અને બંને એકબીજાની સામે જોઈને હસી પડ્યા.

અને પછી આકાશે ખૂબજ પ્રેમથી પરીની સામે જોયું અને બોલ્યો કે, " મેં શું માંગ્યું તે નહીં પૂછે ? "

" અરે હા, એ તો રહી જ ગયું ? હં બોલ, શું નથી તારી પાસે તે શું માંગ્યું ? "

આકાશે જવાબ આપ્યો કે, " બસ તારા જેવી એક સુંદર, સરળ અને સમજુ ફ્રેન્ડનો સાથ માંગ્યો છે. મળશેને ? " અને પરીની સામે ફ્રેન્ડશીપ માટે હાથ લંબાવ્યો.

પરીએ પણ આકાશની ફ્રેન્ડશીપનો સ્વિકાર કર્યો અને તેના હાથમાં પોતાનો નાજુક નમણો હાથ મૂક્યો અને હસી પડી.

આકાશ પરીને આમ હસતાં જોઈને ખુશ થઈ ગયો અને મનમાં વિચારી રહ્યો કે, " હૅંસી તો ફૅંસી " અને પરીને પૂછવા લાગ્યો કે, " મેડમ હવે ઘરે પણ જવાનું છે કે, રાત અહીં જ પસાર કરવાની છે ? "

પરી તરત જ ઉભી થઈ ગઈ અને બોલવા લાગી કે, " હા, ચલ નીકળીએ નાનીમા આપણી રાહ જોતાં હશે. "

આકાશે પોતાનું બુલેટ સ્ટાર્ટ કર્યું અને પરી તેને પકડીને તેની પાછળ ગોઠવાઈ ગઈ અને હસતું ખેલતુ એક બ્યુટીફુલ કપલ ત્યાંથી પસાર થઈ રહ્યું.

આકાશને તો પરી સાથે આજે ઘણીબધી વાતો કરી લેવી હતી એટલે બુલેટ ઉપર બેઠા પછી પણ તેણે બોલવાનું ચાલુ જ રાખ્યું કે, " બીજી એક વાત પણ મારે તને પૂછવાની છે. "
પરીએ ઈંતેજારી બતાવી અને તે બોલી કે, " હા બોલ શું છે ? "

આકાશે વાત અધુરી જ છોડી દીધી કે, " ના અત્યારે નહીં પછી ક્યારેક "

હવે આકાશનું ફરી "ક્યારેક" ક્યારે આવે છે ? તે આપણે આગળના ભાગમાં જોઈશું...

~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
12/9/ 22


Share

NEW REALESED