Music of Ravanhaththo in Gujarati Short Stories by Alpa Bhatt Purohit books and stories PDF | રાવણહથ્થાનું સંગીત

રાવણહથ્થાનું સંગીત

તારીખ : 15-11-2022
સર્જક : અલ્પા ભટ્ટ પુરોહિત

અવની મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસે પહોંચવામાં પંદર મિનિટ મોડી પડી હતી. તેણે ગાડીમાંથી બહાર નીકળતાં પહેલાં પાણીની બોટલ ઉઠાવી અને તેનું ઢાંકણું ખોલી બે ઘૂંટડાં પાણી પીને ગળું ભીનું કર્યું અને ઢાંકણ બંધ કરી બોટલ ગાડીનાં દરવાજામાં બનેલ કેઈસમાં પાછી મૂકી દીધી. રીઅર વ્યુ મિરરમાં જોઈ હાથરૂમાલ વડે હળવેકથી દબાવીને ચહેરાનો પરસેવો લૂછ્યો. સહજપણે એક વખત પોતાનાં ચહેરાનું અવલોકન કરી, બાજુની સીટ ઉપર પડેલી ફાઈલ હાથમાં ઊઠાવી અને બીજાં હાથે મોબાઈલ ફોન અને પર્સ ઉઠાવ્યાં. ઈગ્નીશનમાંથી ચાવી કાઢી ગાડીમાંથી બહાર નીકળી. બહાર નીકળી ગાડીને લોક કરી સાડીની પાટલીને એક હળવા ઝટકાથી સીધી કરી. કોર્પોરેશન ઓફિસની લિફ્ટ તરફ ચાલતાં-ચાલતાં ડાબા હાથમાં ફાઈલ અને મોબાઈલ ફોન પકડી રાખી જમણા ખભે ભેરવેલાં પર્સમાં સાવચેતીથી ગાડીની ચાવી મૂકી. ખુલ્લાં, કાળાં, લાંબાં વાળને જમણા હાથથી ભેગાં કરી જમણાં ખભા ઉપરથી આગળ લઈ લીધાં જેનાથી તેની લાલચટક સાડીની બોર્ડર કમર સુધી ઢંકાઈ ગઈ. આટલાં રઘવાટમાં પણ તેનાં મગજમાં પોતાનાં પ્રોજેક્ટ વિશેની ગણતરીઓ ચાલી રહી હતી.

અવની લિફ્ટ બહાર આવીને થોભી. તેની સાથે રાહ જોનાર બીજી પાંચ વ્યક્તિઓ હતી જેમાં બે સ્ત્રીઓ હતી. તેઓની વાતચીત ઉપરથી લાગ્યું કે તેઓ અહીંની જ કર્મચારી છે. વધુ નિરીક્ષણ કરે તે પહેલાં તો લીફ્ટ નીચે આવીને ઊભી રહી. દરવાજો ખોલતાં જ અંદરની વ્યક્તિઓ બહાર નીકળી અને તેમને ઘસાતાં જ બંને સ્ત્રીઓ લગભગ લીફ્ટમાં ધસી જ ગઈ. તેમાંની સાડી પહેરેલ સ્ત્રીએ બીજીને સંબોધીને કહેતી હતી, 'આ નવા સાહેબ તો એક મિનિટેય મોડું નથી ચલાવતાં.' અવની અને ત્રણ પુરૂષો પણ ઝડપભેર લીફ્ટમાં પ્રવેશ્યાં અને લીફ્ટમેનને પોતપોતાનો ફ્લોર જણાવ્યો. લીફ્ટ ઉર્ધ્વગમન કરવા માંડી. ત્યાં જ બીજી સ્ત્રી જે સલવાર કમીઝમાં સજ્જ હતી તેણે પોતાની ઓઢણી વધુ સલૂકાઈથી સરખી કરતાં કહ્યું,' મારે તો આ જ અઠવાડિયામાં બે દિવસ દસ-દસ મિનિટ મોડું થયું છે. આજે તો આ સત્તર મિનિટ થઈ. ભગવાન જાણે, આજે શું થશે?' પહેલી સ્ત્રીએ પ્રત્યુત્તર વાળ્યો, 'આજે તો તને મેમો મળી જ જશે. સાહેબ કોઈનુંયે ચલાવતાં નથી.'

એટલામાં લીફ્ટમેને બીજાં માળે લીફ્ટ થોભાવી. અવની અને બે પુરુષોને તેમજ સાડીવાળી સ્ત્રીને અહીં જ ઉતરવાનું હતું. અવનીએ લીફ્ટ બહાર નીકળીને ડાબી-જમણી તરફનાં પાટિયાં વાંચી જોયાં. તેણે કમિશ્નરની ઓફિસે જવાં માટે ડાબી તરફ જવાનું હતું. અવનીએ થોડી ઝડપ પકડી અને દરેક ઓરડા ઉપરનાં પાટિયાં વાંચતી રહી. લોબીનાં છેક છેડે સામેની તરફ અડધી ઊંચાઈએ લગાવાયેલ, બે ભાગમાં વહેંચાયેલ, સીસમનાં દરવાજા ઉપર જમણી તરફ તકતી શોભતી હતી - વી. એન. જોગી (મ્યુનિસિપલ કમિશ્નર). અવનીનાં પગ એકદમ થંભી ગયાં કેમ કે બહાર એક સ્ટૂલ ઉપર બિરાજમાન પટાવાળાને પણ પૂછીને જવાનું હતું. આટલાં મોટાં હોદ્દેદારની ઓફિસમાં વિના રજાએ તો પ્રવેશી શકાય જ નહીં ને? બટકબોલો પટાવાળો ઘેઘૂર અવાજે બોલી ઉઠ્યો, 'બોલો બેન, શું કામ છે?' અવનીએ હળવા સ્મિત સાથે ખૂબ ઠાવકાઈથી જણાવ્યું, 'હું અવની આચાર્ય ઠાકર. મારી આજે સાહેબ સાથે સવા દસ વાગ્યાની મુલાકાત હતી.' પટાવાળો તરત જ પહેલાં પોતાની કાંડાં ઘડિયાળ અને પછી બાજુની દીવાલ ઉપર લગાવાયેલ લાકડાની પુરાતન કાળનાં નકશીકામની સાક્ષી પૂરતી ઘડિયાળમાં જોઈ બોલ્યો, 'તમે તો પૂરી વીસ મિનિટ મોડાં પડ્યાં. હવે તો સાહેબ નહીં મળે.' અવનીએ લીફ્ટમાં પેલાં બે બહેનોની વાતચીત સાંભળી હતી ત્યારથી જ તેનો થડકારો વધી ગયો હતો પણ હિંમત કરી તેણે પટાવાળાને વિનંતી કરી, 'ભાઈ, ટ્રાફિક જામનાં લીધે જ મોડું થયું છે. હું તો ઘરેથી લગભગ વીસ મિનિટનો ગાળો રાખીને નીકળી હતી.' પટાવાળાનાં ચહેરા ઉપર એક કડક શિસ્તપાલકનાં ભાવ આવી ગયાં. તો પણ અવનીએ થોડી હિંમત ભેગી કરી વિનંતી કરી લીધી, 'એક વખત તો પૂછી જુઓ સાહેબને, ના કહેશે તો હું પાછી વળી જઈશ.' પટાવાળો થોડો કૂણો પડે તે માટે અવનીએ ઉમેર્યું,' નાનાં, ગરીબ બાળકોનો પ્રશ્ન લઈને આવી છું, પ્લીઝ.'

પટાવાળાને જાણે પોતાનું બાળપણ યાદ આવી ગયું હોય તેમ તેનાં ચહેરાની રેખાઓએ સ્નિગ્ધતા ધારણ કરી અને અવનીને ડાબા હાથે ઊભાં રહેવાનો ઈશારો કરી, જમણા હાથે અર્ધા બારણાનાં જમણા અડધિયાને હળવો ધક્કો આપી અંદર જતાં જ બોલ્યો, 'સાહેબ, તકલીફ આપવા બદલ માફ કરશો. પેલાં અવની આચાર્ય ઠાકર હમણાં જ આવ્યાં છે. મોડાં પડ્યાં છે, પણ આપને મળવા કરગરે છે. કાંઈ ગરીબ બાળકો માટેનું કામ લઈને આવ્યાં છે.' વી. એન. જોગી સાહેબે મુખ ઉપર ખુશીનાં ભાવ છુપાવતાં રોજીંદા, બીબાંઢાળ સ્વરે કહ્યું,'હા, મોકલો એ બહેનને. બાળકોની વાત છે માટે ચલાવી લઉં છું અને હાલ અગિયાર વાગ્યા સુધી મારી બીજી કોઈ એપોઇન્ટમેન્ટ પણ નથી. જાવ, જલ્દી મોકલો.' પટાવાળો પીઠ ફરી બહાર ગયો એટલે વી. એન. જોગી સાહેબે બાળસહજ ચેષ્ટા કરતાં આનંદમાં આવી પોતાનાં બેય હાથ ઉપર તરફ વીંઝ્યાં જાણે ક્રિકેટ મેચમાં પોતાની મનપસંદ ટીમ જીતી જવાનો આનંદ વ્યક્ત કરતાં હોય. પછી તરત જ સ્વસ્થતા ધારણ કરી, પોતાની ડાયરી બંધ કરી, પેનને સ્ટેન્ડમાં મૂકી અને હળવો ખોંખારો ખાઈને પોતાની ખુરશીમાં થોડો વધુ ટટ્ટાર થઈને બેઠાં.

ડાબા હાથમાં ફાઈલ તેમજ મોબાઈલ ફોન પકડીને થોડાં ધ્રુજતાં જમણા હાથે અર્ધા દરવાજાનાં જમણા અડધિયાને હળવેકથી હડસેલી અવની ઓફિસની અંદર પ્રવેશી અને પ્રવેશની રજા માંગતી ત્યાં જ અટકી ગઈ, 'સાહેબ, શું હું અંદર આવી શકું?' તેની આંખો ખુરશીમાં બેઠેલ વી. એન. જોગી સાહેબનાં ચહેરા અને ખાસ તો તેમની આંખો ઉપર અટકી ગઈ. થોડી વાર પહેલાંનો મોડાં પડવાનો ક્ષોભ પીગળવા લાગ્યો અને આંખોમાં આનંદ અને આશ્ચર્યની લહેરખી આમતેમ દોડી રહી. સામે વી. એન. જોગી સાહેબ પણ ખુરશીમાંથી ઊભાં થઈ પોતાની જગ્યાએથી જ બે હાથ જોડી અવનીનું સસ્મિત અભિવાદન કર્યું, 'આવો, આવો અવનીબેન. તમને મળવા તો હું તમારી અરજી આવી ત્યારનો આતુર હતો.' હવે, અવની મૂંઝાઈ અને પ્રતિપ્રશ્ન કર્યો, 'અરે! વી. એન. જોગી એટલે વિનય નરસી જોગી. મને આપનું ટૂંકાક્ષરી નામ વાંચીને પણ કેમ ખ્યાલ ન આવ્યો?' વિનય બોલ્યો, 'પણ મને તો આપનાં નામ અવની આચાર્યની પાછળ ઠાકર જોડાયેલું હતું છતાંય તમારાં કામનાં પ્રકારથી ખ્યાલ આવી ગયો હતો કે આ અવનીબેન એ જ હોય. આવું પરમાર્થનું કામ તો તમને જ સૂઝે.' વિનયસાહેબે અવનીને સામેની ખુરશીમાં બેસવા કહ્યું અને તેઓ પણ પોતાનાં સ્થાને બેઠાં. અવનીને હજી જાણે પોતાની આંખો ઉપર વિશ્વાસ બેસતો નહોતો. ખાસ્સાં પાંત્રીસ વર્ષનાં અંતરાળ બાદ આજે વિનય એ જ સોહામણાં, ભોળાં સ્મિત, સીસમ જેવી કાળી, ચમકતી ત્વચાવાળાં ચહેરા ઉપર બગલાની પાંખોનાં રંગ સમી શ્વેત આંખોથી પણ હાસ્ય અને જિજ્ઞાસા ધરી તેની સમક્ષ બેઠો હતો. પણ આજે એ વિનય તેનાં બાળપણની વયને છોડી આધેડ વયે ગુજરાતનાં એક મહાનગરનાં મ્યુનિસિપલ કમિશ્નર તરીકે બિરાજતો હતો. અવનીની આંખો હજી વિસ્ફારિતપણે વિનયને જોઈ રહી હતી. વિનયે અવનીની આ તંદ્રામાં વિક્ષેપ નાંખતાં કહ્યું, 'અવનીબેન, પહેલાં આપ જે કામથી આવ્યાં છો તે પુરું કરીએ? પછી એક વાગ્યે રિસેસમાં મારાં ઘરે મળીએ. ઘરનાં બધાં જ આપને મળીને ખૂબ ખુશ થશે.'

અવની પાસે તેથી ઉમદા કોઈ વિચાર ન હતો. તેણે ઉમંગ અને આશ્ચર્યનાં સ્પંદનોને હાલ પૂરતાં રોકી લઈ ફાઈલ ખોલી વિનય તરફ ફેરવી અને એક એક પાનું પલટાવતાં વિનય સમક્ષ પોતાની વાત રજૂ કરવા માંડી,'સર, આ જે ઓપન પ્લોટની વિગત આપની સમક્ષ છે, તે આઠ વર્ષ પહેલાં તે પ્લોટની આજુબાજુ વસતાં ગરીબોનાં બાળકોને ભણાવવા માટે અમારી સંસ્થાને મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી મળ્યો હતો. તેમાં ધીમે ધીમે કરતાં દિવસ દરમિયાન ત્રણસો બાળકો અને રાત્રી દરમિયાન સાડા ચારસો જેવાં પ્રૌઢ શ્રમિકો નિઃશુલ્ક શિક્ષણ લેતાં હતાં. લગભગ બે કિલોમીટર દૂર આવેલી એક સરકારી શાળાનાં આચાર્ય અને તેમનાં પાંચ શિક્ષકો અમારી સંસ્થાનો આ કાર્યમાં સાથ આપતાં હતાં. તે પહેલાં આ જગ્યા ઉજ્જડ હતી. રાત્રે અસામાજિક તત્વો પણ ત્યાં બેસી રહેતાં તેમજ રસ્તે આવતાં - જતાં લોકોને હેરાન કરતાં. પણ ધીમે ધીમે આ શ્રમિકોએ ત્યાં વાડ બનાવી જેથી દિવસ દરમિયાન બાળકો પણ પ્રાણીઓની તેમજ બીજાં લોકોની અવરજવરથી હેરાન થયાં વિના શાંતિથી અભ્યાસ થઈ શકે. બે વર્ષ પછી અમે મ્યુનિસિપલ કોર્પોરેશનની મંજૂરી લઈ ત્યાં થોડાં વૃક્ષો રોપ્યાં અને છ જેટલાં છાપરાં બાંધ્યા, જેથી દિવસે અભ્યાસ કરનાર બાળકોનું તાપથી રક્ષણ થાય. પછી અમે આજુબાજુનાં લોકો પાસેથી થોડો ફાળો ઉઘરાવી ત્યાં દરેક છાપરા નીચે એકાદ ફૂટ ઊંચાં ઓટલાં આ જ શ્રમિકો પાસે બનાવડાવ્યાં જેથી તેમને રોજી મળે અને બાળકો તેમજ પ્રૌઢોને વરસાદમાં સાવ મેદાનમાં બેસી પલળવું ન પડે. દરેક વખતની આ અરજી અને અધિકારીઓની સહીઓ આ ફાઈલમાં જ છે. જોઈ લેશો.' વિનય અવનીને જોઈ રહ્યો. આ ઉંમરે પણ તે એવી જ કિશોરાવસ્થાની સહજતાથી અસ્ખલિતપણે પોતાની બધી લાગણીઓ આ ગરીબ બાળકો સાથે જોડીને મુદ્દો પ્રસ્તુત કરી રહી હતી.

અવનીની વાત હજી ચાલી જ રહી હતી, 'અને સર, આ બધું પાંચ વર્ષ સુધી તો બરાબર ચાલ્યું. પછી કોઈક બિલ્ડરની નજર અમારાં આ પ્લોટ ઉપર પડી અને તેણે અહીંનાં વગદાર કોર્પોરેટર કરસનભાઈની મદદથી તે પ્લોટ પોતાનાં નામે કરાવી લીધો. અમને અને બાળકોને ત્યાંથી ખસેડવા ઘણી મથામણ તેઓ કરી ચૂક્યાં પરંતુ અમારી સંસ્થા 'વિદ્યાથી જ વિકાસ', અન્ય બે મહિલા અને બાળ વિકાસ સંસ્થાઓ તેમજ એક સરકારી શાળાનાં આચાર્ય ત્થા તેમનાં શિક્ષકોનાં સાથથી અમે હજી સુધી તે કોર્પોરેટરની સામે ઝીંક ઝીલતાં રહ્યાં. પણ પોલીસ અમારાં પક્ષે નથી. તેમણે દબાણશાખામાંથી અધિકારીઓ બોલાવી અમને ગયા મહિને જ નોટિસ આપી અને અમારી સતત રજૂઆતો છતાં કોર્પોરેશનમાંથી કોઈએ અમારી મદદ ન કરી. આખરે તેઓ જીત્યાં અને છેલ્લાં પંદર દિવસથી અમારી શાળા સંપૂર્ણપણે બંધ છે.' અવનીએ વાત સંકેલતાં કહ્યું,' આપની નિમણૂક ગયા જ મહિને થઈ અને આપનાં નીતિ-નિયમપૂર્વકનાં કાર્યોની વાતો છાપાંમાં વાંચીને અમે આપને રજૂઆત કરવાનું નકકી કર્યું. હવે અમારી શાળા ખૂલે તો આપને ઘણાં આશિર્વાદ મળશે.' વિનય હમણાં સુધી એકધ્યાને અવનીની વાત સાંભળતો હતો. તેની વાત પૂરી થતાં તેણે ટેબલ ઉપર રહેલ ખાલી ગ્લાસમાં કાચનાં કલાત્મક જગમાંથી પાણી રેડ્યું અને અવની તરફ તે ગ્લાસ ધર્યો. અવનીએ થોડું ખચકાતાં ગ્લાસ તેનાં હાથમાંથી લેતાં કહ્યું,' કોણ માનશે કે મને તો મ્યુનિસિપલ કમિશનર સાહેબે જાતે પાણીનો ગ્લાસ આપ્યો?' બંને ધીમું હસી રહ્યાં. બંને પોતાનાં કાર્ય, હોદ્દા અને સ્થળ અંગે બિલકુલ સભાન હતાં. વિનયે અવની પાસેથી ફાઈલ લઈ જલ્દીથી શાળા ફરી શરૂ થશે અને તે જ જગ્યાએ થશે તેની મૌખિક બાંહેધરી આપી. સાથે સાથે અવનીને પોતાનો ફોનનંબર આપી તેનું સરનામું મેસેજથી મોકલવા કહ્યું જેથી બપોરે તેનો ડ્રાઇવર અવનીને તેનાં ઘરે લેવા જઈ શકે. અવનીની ઘણી આનાકાની પછી પણ વિનય ન જ માન્યો અને અવનીએ પોતાનું સરનામું ઓફિસની બહાર નીકળતાં પહેલાં જ વિનયનાં ફોનનંબર ઉપર મોકલી દીધું. બંને અભિવાદન કરી છૂટાં પડ્યાં.

અવની ઓફિસની બહાર પ્રફુલ્લિત વદને નીકળી. પટાવાળાએ તેને જોઈ પૂછ્યું, 'બહેન, કામ થઈ ગયું?' અવનીએ પોતાની ખુશી વહેંચતાં તેને કહ્યું, 'તમારો ખૂબ આભાર ભાઈ. તમે મારી વાત સાહેબ સુધી પહોંચાડી. સાહેબે મારી આખી વાત ધ્યાનથી સાંભળી અને જલ્દીથી કામ કરવાની ખાતરી આપી છે.' ફરી અવનીનાં વદન ઉપર ખુશીની વીજળી દોડી ગઈ પણ તે પોતાની આ અનહદ ખુશીની મુખ્ય વાત છુપાવતી ગઈ. આ તરફ પટાવાળાનાં મનમાં પણ પોતે કોઈક સારી વ્યક્તિનું કામ કર્યાંનો અને તેનાં સાહેબે વધુ એક સારું કામ કર્યાંનો આનંદ છવાઈ રહ્યો. અવની લિફ્ટ માટે ઊભી ન રહેતાં સડસડાટ દાદર ઊતરી ગઈ જાણે તેની કિશોરાવસ્થા પાછી આવી ગઈ હતી. વિનય સાથેનાં એ સંસ્મરણો વાગોળતાં અને બપોરની મુલાકાતનાં વિચારો કરતાં ગાડી સુધી પહોંચી ગઈ. ગાડીમાં બેસીને તેણે પોતાની સંસ્થાનાં સહાયક મંત્રી નીલમબહેનને ફોન કરી મ્યુનિસિપલ કમિશનર સમક્ષ વાતની રજૂઆત થયાનાં અને કામ થવાની મળેલ ખાતરીનાં ખુશખબર આપી દીધાં. સાથે સાથે પોતે આજે સંસ્થામાં નહીં આવે તે પણ જણાવી દીધું.

અવની બીજે ક્યાંય ન જતાં સીધી ઘરે પહોંચી ગઈ. ઘરે બીજું કોઈ હતું નહીં એટલે દરવાજાનું તાળું ખોલી અંદર પ્રવેશી અને બારણું બંધ કરી હાથ-મોં ધોઈ સીધી રસોડામાં પંખો ચાલુ કરી ડાઈનીંગ ટેબલની ખુરશી ઉપર બેસી ગઈ. આજે આમ અચાનક કોઈનાં મળવાનો આનંદ અને તેય આવા જાજરમાન હોદ્દા ઉપર હોય ત્યારે, તેણે ક્યારેય વિચાર્યું નહોતું. તેણે ઘડિયાળમાં જોયું. બરાબર પોણાબાર થયાં હતાં. એક વાગ્યે વિનયની ગાડી તેને લેવા આવવાની હતી. અવની ખુરશી ઉપરથી ઊભી થઈ બાલ્કનીમાં ગઈ. ત્યાંથી તાજું લેમનગ્રાસ અને ફુદીનો ચૂંટ્યાં અને નાની તપેલીમાં પાણી લઈ ગેસની સગડી ઉપર ગરમ કરવા મૂક્યું. પાણી ઉકળતાં તેમાં લેમનગ્રાસ અને ફુદીનો નાખી વિચારોમાં સરી ગઈ,'ક્યાં એ શાળાકાળનો અતિ શરમાળ, પોતાની ઓળખ છુપાવતો નાજુક વિનય અને ક્યાં આ આત્મવિશ્વાસથી છલકતો મારાં શહેરનો કમિશ્નર! કયું બળ તેને આટલો આત્મવિશ્વાસ અપાવી ગયું એ જ મોટો કોયડો છે.

પણ જે હોય તે, વિનયે ખૂબ જ સુંદર જીંદગી મેળવી પોતાનાં માટે. બાકી, તે જે વસાહતમાં રહેતો હતો, તેમાં તો નજીકનાં ગામ અને શહેરમાં રાવણહથ્થો વગાડીને પેટિયું રળતી કોમનો વાસ હતો. વિનયનો પરિવાર તેનો જ એક ભાગ હતો. આ તો વિનયનાં પપ્પાએ એક સ્વપ્ન જોયેલ કે તેમનો દીકરો ગલીગલીમાં ફરી રાવણહથ્થો વગાડી, ગાઈને જીવન નહીં જીવે એટલે તેમણે મજૂરી શરુ કરેલ. નરસીભાઈનાં રાવણહથ્થો વગાડવા ટેવાયેલાં હાથ કસાયેલાં ખરાં પણ સંગીત માટે, રેતી-કપચી-ઈંટો ઉંચકવા નહીં. તે વળી મજૂરી કરતાં સાંજ પડે તો હાથમાં છાલાં પડી જતાં અને લોહી નીંગળતું. વિનયની માતા રઈબેન મજૂરીએથી આવેલ પતિને સળેખડાનાં ચૂલે કોકરવરણાં ગરમ કરેલાં પાણીથી હાથ ધોવડાવે અને ગામનાં વૈદ્યે આપેલ મલમ કાળજીથી લગાડે અને પોતાનાં હાથે પતિને કોળિયા ભરાવે. વિનયને ક્યારેય ઓછું ન આવવા દે કે તેનાં પિતા તેને ભણાવવા કાજે આટલું દુઃખ સહે છે. વિનયનો દાખલો પહેલાં તો નજીકનાં ગામની શાળામાં જ કરાવેલો. ચાર ધોરણ સુધી તો ત્યાં પહોંચી વળાયું. વિનય પણ શાળામાં બહેન અને સાહેબે ભણાવેલું બધું જ યાદ રાખી સ્લેટમાં લખી લખી મોઢે કરે. ગણિતમાં હોંશિયાર, પલાખાં ક્યારેય ખોટાં ન પડે. વાસમાં ઘર બહાર બેઠો બેઠો ધૂળમાં ક્યારેક આંગળીથી તો ક્યારેક ઝાડની વાંકીચૂંકી ડાળખીના ટુકડાથી લખી લખીને શબ્દો, ઘડિયાં અને એવું બીજું મોઢે કર્યે રાખે. અહીં પુસ્તકો બીજાંનાં મળી જાય. નોંધપોથીની જરૂર નહીં. ગણવૂશ કે પગમાં બૂટ-ચંપલ પણ જરૂરી નહીં એટલે વિનય ચોથા ધોરણમાંથી પાંચમાં ધોરણમાં તો આવી ગયો પણ ગામની શાળા હવે હાંફી ગયેલ. તેની પાસે આગળનાં ધોરણનાં શિક્ષકો કે ઓરડા હતાં નહીં કે ન હતી મંજૂરી. એટલે નરસીભાઈને દીકરો શહેરની શાળામાં મૂકવાની ફરજ પડી.

હવે શહેરમાં તો જવા માટે બસનો પાસ જોઈએ, પુસ્તકો, નોટબુક અને વળી ગણવેશ તેમજ બુટમોજાં જોઈએ. વળી નવો વિષય અંગ્રેજી ભાષા આવે એટલે તે ભણાવવા વધારાનાં શિક્ષક જોઈએ.' અવનીનો ફોન રણકી ઊઠ્યો અને તેની વિચારમાળા તૂટી. ચા પણ ઉકળી ગઈ હતી. તેણે ગેસની સગડી બંધ કરી અને ફોન ઉપાડ્યો. સામે નમન ઠાકર, અવનીનાં પતિ હતાં. તેઓ લગભગ રોજ બાર - સવાબાર વાગ્યે ઓફિસમાં ટિફિન ખોલી જમવા બેસે એટલે અવનીને ફોન કરી તેનેય જમવાનું યાદ કરાવે. ફોન ઉઠાવતાં અવની ટહૂકી, 'જમવા બેસી ગયાં?' સામે નમને પ્રત્યુત્તર વાળ્યો, 'હા, ચાલ તુંયે બેસી જા.' ઘણીયે હરખાતાં અવની બોલી, 'ના, આજે તો મારે કોઈનાં ઘરે લંચ માટે જવાનું છે.' હંમેશા કોઈનાંયે ઘરે જમવાનું ટાળતી અવનીનાં મોઢે આમ સાંભળી નમન વિચારમાં પડી ગયો. અવની ફોનની પેલે પારથી તેનાં મનનાં ભાવ વગર કહ્યે પારખી ગઈ અને વિનયની વાત તેને કરી. નમન પણ ખૂબ રાજી થઈ ગયો. અવનીનાં બીજાં મિત્રો અને સંપર્કોની માફક તે અવનીનાં ભાવવિશ્વમાં વિનયને પણ મળી ચૂક્યો હતો. તે બોલ્યો, 'તો અવની મેડમ, તમે આજે મ્યુનિસિપલ કમિશ્નર સાહેબનાં બંગલે જમી આવો. આ રવિવારે તેમને સહપરિવાર આપણાં ઘરે પણ જમવા બોલાવી જ લેજો. અમે પણ તો પોરસાઈએ કે કમિશ્નર સાહેબ સાથે ભોજન કરવાનો લહાવો મળ્યો.' અવનીએ હા કહી હસતાં હસતાં ફોન મૂક્યો. ઝડપથી ગ્રીન ટી કપમાં ગાળી, ઉપર થોડું લીંબુ નીતારી તે તૈયાર થવા ગઈ. ખુલ્લાં વાળનો ઢીલો ચોટલો લીધો અને સાડી થોડી સરખી કરી, ચા ઝડપથી પી લીધી. પોતાનું પર્સ, મોબાઈલ ફોન અને ઘરની ચાવી લઈ ઘડિયાળમાં જોયું.

એક વાગવાની તૈયારી જ હતી અને તેનો ફોન રણક્યો. અજાણ્યો નંબર સ્ક્રીન ઉપર ઝળકવા લાગ્યો. તેણે ફોન ઉપાડ્યો તો સામે મધુર ઘંટડી જેવો અવાજ રણક્યો, 'અવની બહેન, હું શીલા. વિનયની પત્ની. આપને લંચ માટે લેવા આવી છું. નીચે આવશો?' તેનાં નમ્રતાથી બોલાયેલાં વિવેકી વાક્યો સાંભળીને અવની તો ગદગદ થઈ ગઈ. તે માત્ર 'હા' બોલી શકી. ઝડપથી દરવાજો લોક કરી લિફ્ટમાં નીચે ઉતરી શીલાની ગાડી શોધવા લાગી. એટલામાં ત્યાં એક સ્ત્રીએ ગાડીની બહાર નીકળી તેનાં તરફ હાથ હલાવ્યો. બંનેની નજરનું અનુસંધાન થયું અને ઓળખાણ થઈ ગઈ. 'તમે શીલા?' અવનીએ પૂછ્યું. 'હા જી. અવનીબહેન. ' શીલાનો જવાબ આવ્યો. બંને ગાડીમાં બેસી ગયાં. શીલા જાતે જ ગાડી ચલાવીને અવનીને લેવા આવી હતી. ખૂબ ઠાવકી, નમણી શીલાને અવની જોતી જ રહી ગઈ. શીલાએ ડ્રાઈવીંગ કરતાં વાત માંડી, 'તમને ખબર છે અવની બહેન, અમે તમને જીવનમાં એક વખત મળવા ઈચ્છતાં હતાં. તમારાં કારણે જ વિનયે જીંદગીમાં આટલું ઊંચું સોપાન સર કર્યું છે.' અવની આશ્ચર્યમાં ડૂબી ગઈ.

શીલાએ તેનું આશ્ચર્ય દૂર કરતાં આગળ કહ્યું, 'તમને યાદ જ હશે, વિનય પાંચમાં ધોરણમાં સરકારી શાળામાંથી શહેરની ખાનગી શાળામાં જતાં જ અંગ્રેજી વિષયનું ટ્યુશન લેવા પ્રદીપભાઈ સાથે આવ્યો હતો. તમારા મમ્મી ટ્યૂશન આપતાં જેમણે તે સમયના મહિને પાંચ રૂપિયાથી તેનું ટ્યૂશન બાંધ્યું હતું. પછી મારાં સસરાજી બે મહિના ફી આપી શક્યાં. ત્રીજાં મહિને તેમનું મજૂરીકામ છૂટી ગયું. ખેતરમાં કામ માંગવા ગયાં પણ ન મળ્યું એટલે ફરી રાવણહથ્થો વગાડવાનું શરૂ કર્યું. તેમને ખબર નહીં તે તમારાં જ ઘરે જ્યારે વિનય ભણી રહ્યો હતો ત્યાં આવી ચઢ્યાં. વિનય સંતાઈને તમારાં ઘરમાં અંદરનાં ઓરડે ભરાઈ ગયો હતો. તમને લોકોને પછીથી પ્રદીપભાઈએ જણાવ્યું હતું કે વિનયને તેનાં પપ્પાનાં કામ, તેમનાં નામ અને પોતાની અટકથી ઘણો જ સંકોચ થતો. પછી, તમે અભ્યાસમાં ખૂબ જ હોંશિયાર એટલે તમે વિનય, કાનન અને મહેકને ભણાવવા બેસતાં. તમારી જોડે રમતરમતમાં ભણવાની વિનયને ખૂબ મઝા પડતી. તમારી સાથે રહી રહીને તેનું અંગ્રેજી અને સામાજિક શાસ્ત્રનું જ્ઞાન ખૂબ સારું થયું. વર્ષાતે જ્યારે તમે તમારાં મમ્મીનાં કહેવાથી વિનય અને તેનાં જેવાં બીજાં બાળકોની બાકી ફી લેવા પ્રદીપભાઈ સાથે નીકળ્યાં ત્યારે તમને જાણ થઈ વિનયનાં પરિવારની આર્થિક અવદશાની. તમે ફી ની વાત કરવાની પ્રદીપભાઈને પણ ના કહી અને વિનયને વિનંતી કરી તેનાં પપ્પા પાસેથી રાવણહથ્થાનું સંગીત સાંભળ્યું. પછી તો વિનય તમને તમારાં ઘર સુધી મૂકવા આવ્યાં હતાં ને?' આટલું કહેતાં શીલાનાં મુખ ઉપર વિષાદ, શરમ, ગર્વ અને આનંદનાં ભાવ આવી ચૂક્યાં હતાં.

અવનીએ વાતનો તંતુ સાધ્યો,' હા શીલાબહેન, જ્યારે ઘરે જઈને મેં મમ્મીને વિનયનાં પરિવારની હકીકત કહી ત્યારે મમ્મી અને પપ્પાએ નક્કી કર્યું કે વિનયને બધાં જ વિષયનું ટ્યૂશન મફત આપવું, તેને ચોપડીઓ અને નોટબુકની સગવડ પણ કરી આપવી. અને પેન, પેન્સિલ, રંગ, પીંછી જેવી સવલતો તો અમે બધાં સહાધ્યાયીઓએ જ વિનયને પૂરી પાડવા માંડી.' શીલા અવનીનાં મોંએ આટલી વાત સાંભળી ખૂબ ખુશ થઈ ગઈ. વિનયનું ઘર પણ આવી ગયું. ગાડી બંગલાનાં પોર્ચમાં પાર્ક કરી વિનયની જીંદગીની મહત્ત્વની બંને સ્ત્રીઓ ઘરમાં પ્રવેશી. વિનય અને તેનાં માતા-પિતા ત્યાં જ બેઠકખંડમાં હતાં. નરસીભાઈ અને તેમનાં પત્ની, બંનેએ અવનીને આવકારી. અવની સંકોચ અને આનંદનાં મિશ્રભાવ સાથે સોફા ઉપર બેઠી. ત્યાં સામેની દીવાલ ઉપરનાં સુંદર ચિત્ર અને રાવણહથ્થા ઉપર તેની નજર ચોંટી ગઈ. ચિત્રમાં એક દસ-અગિયાર વર્ષની કન્યા એક તેની જ ઉંમરનાં એક કિશોરને પુસ્તકમાંથી કાંઈક શીખવાડી રહી હતી. અવનીએ વિનય અને પછી શીલા સામે જોયું. નરસીભાઈ બોલી ઉઠ્યાં, 'બેન, મારો દીકરો તમારાં લીધે જ ભણી શક્યો. બાકી મારું ગજું નહોતું તેનાં ટ્યુશન અને શાળાનાં ખર્ચા પહોંચી વળવાનું. પહેલાં તમે ખર્ચા વહેંચાવી લીધાં અને પછી સરકારી શિષ્યવૃત્તિ, જે તમારાં પપ્પાએ બતાડેલ, તેનાં આધારે જ આ વિનય આજે આટલો મોટો માણસ બન્યો. તેને મારાંથી શરમ આવતી તે પણ તમે જ દૂર કરી. આજે વિનય વટથી મારું નામ અને અમારી અટક લખે છે. અને એટલું જ નહીં, અમારી કોમનાં લોકોને અભ્યાસ કરવામાં અને રાવણહથ્થાનાં સંગીતની ગૂંજને વિશ્વભરમાં ફેલાવવાનાં પ્રયાસ કરે છે.' અવની પોતાની પ્રશસ્તિ સાંભળી થોડી શરમાઈ ગઈ. શીલાએ તેનો સંકોચ દૂર કરવા તેનો હાથ પકડીને કહ્યું,' અવનીબહેન, ચાલો જમી લઈએ? પછી વિનય તમને રાવણહથ્થાનું સંગીત સંભળાવશે. મનેય ખબર છે તમને વાંસળી અને રાવણહથ્થાનું સંગીત સાંભળવું સૌથી વધુ ગમે છે.' અવનીને આજે આ ઘરની દેવી બનાવીને ડાયનીંગ ટેબલ ઉપર અન્નના થાળ સામે બેસાડાઈ.

બાંહેધરી : આ વાર્તા 'રાવણહથ્થાનું સંગીત' મારી પોતાની એટલે કે અલ્પા ભટ્ટ પુરોહિતની મૌલિક રચના છે.

સર્જક : અલ્પા ભટ્ટ પુરોહિત, વડોદરા

Rate & Review

Thakor Jignesh

Thakor Jignesh 9 months ago

Sukesha Gamit

Sukesha Gamit 10 months ago