Pranay Parinay - 20 books and stories free download online pdf in Gujarati

પ્રણય પરિણય - ભાગ 20

પાછલા પ્રકરણનો સાર:


વિવાન, ગઝલને ભૂલવા માટે પોતાની જાતને કામમાં ગળાડૂબ કરી દે છે. તે ઘરે નહી જઈને ઓફિસના પ્રાઈવેટ સ્યૂટમાં જ રોકાઈ જાય છે.

બીજી તરફ, એજ રાત્રે કાવ્યા, મલ્હારને અચાનક રસ્તા વચ્ચે આંતરીને તેમની રિલેશનશિપ વિષે બંને ઘરે કહેવાની જિદ પકડે છે. મલ્હારની આ માટે બિલકુલ તૈયારી નથી હોતી. ઉપરથી કાવ્યાને ગઝલ વિષે ખબર પડી ગઈ હતી, એ વાત તો મલ્હારને પરવડે તેમ જ નહોતી.

છેવટે મલ્હાર પોતાના ઘરમાં વાત કરી દેવા તૈયાર થાય છે. તે કાવ્યાને કાર લઈને પોતાની પાછળ આવવા કહે છે. અને પોતાના મોબાઈલ પરથી કોઈને મેસેજ સેન્ડ કરે છે.

કાવ્યાને ટ્રાફિક સિગ્નલ નડવાને કારણે મલ્હારની ગાડી તેનાથી ઘણી દૂર નીકળી જાય છે. અને કાવ્યા એક સુમસામ રસ્તે અટકી જાય છે. ત્યાં એક ડમ્પર કાવ્યાની ગાડી ને ઉડાવી દે છે.

કાવ્યાને ઘણી ગંભીર ઈજાઓ થાય છે અને ચાર કલાક સુધી તેનું ઓપરેશન ચાલે છે. આગલા છ કલાક કાવ્યા માટે ક્રિટિકલ હોય છે.

વિવાન ખૂબ ઢીલો પડી જાય છે. તે ડેડીને બોલાવવા માટે રઘુને ઘરે મોકલે છે.


હવે આગળ..


**

પ્રણય પરિણય ભાગ ૨૦


રઘુએ ઘરે જઈને ડેડીને બધી વાત કરી. રઘુની વાત સાંભળીને કૃષ્ણકાંત ત્યાં જ ફસડાઈ પડ્યા.


'ડેડી..' રઘુએ એને સંભાળી લીધા.


'રઘુ.. આપણી કાવ્યા.. મારી દિકરી..' કૃષ્ણકાંતની આંખો ઉભરાઇ આવી.


'ડેડી.. બેનને સારુ છે, ભાઈ બેઠા છે એની પાસે પણ એ એકલા પડી ગયાં છે ડેડી, અત્યારે તેણે ખુદને સંભાળવાની જરુર છે. આપણે તેમને હિંમત આપવાની જરુર છે.' રઘુ ની આંખો પણ ભીની થઈ ગઈ હતી, તે પોતે પણ ગમેતેમ હિંમત ટકાવી રાખવાની કોશિશ કરી રહ્યો હતો. કેમકે એ સમજતો હતો કે, જો બધા ઢીલા પડી જશે તો પરિસ્થિતિને સંભાળવી ભારે પડશે.


'ચલ રઘુ, આપણે હોસ્પિટલ જઈએ.' કૃષ્ણકાંત આંખોમાંથી આંસુ લૂછીને બોલ્યા.


રઘુની સાથે કૃષ્ણકાંત, વૈભવી ફઈ તથા દાદી હોસ્પિટલ પહોંચ્યા.


વિવાન કાવ્યના બેડ પાસે બેસીને તેનો હાથ પકડીને એકીટશે કાવ્યા તરફ જોઈ રહ્યો હતો.


'વિવાન..' કૃષ્ણકાંતે પાછળથી તેને અવાજ દીધો.

વિવાને પાછળ જોયું, ડેડીને જોઈને તેની આંખ ભરાઈ આવી. ઉભો થઈને એ કૃષ્ણકાંતને બથ ભરી ગયો.


'ડેડી.. જુઓને, આપણી કાવ્યાને શું થઈ ગયું..' વિવાન નાના બચ્ચાની જેમ રડવા લાગ્યો.


કાવ્યાને આ રીતે બેહોશ, ઝખમી, પાટાપિંડીમાં લપેટાયેલી જોઈને કૃષ્ણકાંત સાવ ઢીલા પડી ગયાં. એનું ગળુ ભરાઇ આવ્યું. પોતાના કાળજાનાં ટૂકડાને આવી અવસ્થામાં જોઈને ક્યો બાપ ઢીલો ના પડે? કૃષ્ણકાંતના હૃદયમાં ચીરા પડ્યાં હોય તેવી પીડા થઈ એને. પણ વિવાન માટે થઇને તેણે કઠણ બનવું પડે તેમ હતું.


'તું ચિંતા નહીં કર, બધુ બરાબર થઇ જશે બેટા.' કૃષ્ણકાંત વિવાનની પીઠ પર હાથ ફેરવતાં બોલ્યાં.

તેનું પોતાનું હૃદય પણ રડી રહ્યું હતું છતાં કૃષ્ણકાંતે મન મક્કમ બનાવ્યું. તેને તેની સ્વર્ગવાસી પત્ની જાનકી યાદ આવી ગઈ, છેલ્લી ઘડીએ તેણે જાનકીને વાયદો કર્યો હતો કે, બેઉ સંતાનોને તે માંનો પ્રેમ અને પિતાના ખભાની ખોટ ક્યારેય નહીં સાલવા દે.


દાદી કાવ્યાની દશા જોઈને રડવા લાગ્યાં.

'હે શ્રીજી બાવા.. મારા બચ્ચાને આવી દશામાં મારાથી જોવાતું નથી, એની બદલે મને પથારીવશ કરી હોત તો.. મારા બચ્ચાની તો હજુ પાંખો ફૂટી છે.. બધુ જોવાનું બાકી છે, મેં તો જીવી લીધુ છે મારા વ્હાલા.. તું એને ઉભી કરી દે, જોઈએ તો મને ઉપાડી લે..'


'બધું સારુ થઈ જશે બા.. શ્રીજી બાવા પર ભરોસો રાખો. એ આપણી કાવ્યાને જરુર સારી કરી દેશે.' વૈભવી ફઈએ દાદીને શાંત પાડ્યા પછી વિવાનને પૂછ્યું:

'વિવાન બેટા, આ બધું કેવી રીતે બની ગયું? કાવ્યા તો છેલ્લા ચાર પાંચ દિવસથી ઘરે જ રહેતી હતી તો પછી કાલે રાત્રે આમ અચાનક શું કામ નીકળી?'


'કંઈ સમજાતું નથી ફઈ, મને પણ રાતનાં રઘુનો ફોન આવ્યો ત્યારે ખબર પડી.' વિવાને અત્યાર સુધી જે બન્યું એ બધી વાત કરી.


**


સવાર પડી ગઈ હતી. વિવાન શ્રોફની બહેન કાવ્યા શ્રોફના અકસ્માતની ખબર સારી એવી ફેલાઈ ગઈ હતી. ટીવી, ન્યુઝ પેપર બધામાં આ સમાચાર હતા.


પોલીસે અકસ્માતના સ્થળથી તપાસ કરવાની શરૂઆત કરી. પણ રાતના સમયે એ રસ્તો નિર્જન રહેતો હોવાથી અકસ્માતને નજરે જોનાર સાક્ષી મળવાની શક્યતા નજીવી હતી.


'અરે! આ જો મિહિર..' કૃપાએ ટીવી પર ન્યુઝ જોતા જ મિહિરને સાદ પાડ્યો.


'શું થયું?'


'અરે આ જો તો..' કૃપાએ ટીવીનું વોલ્યુમ વધાર્યું. ન્યૂઝ ચેનલ પર કાવ્યાના અકસ્માતના સમાચાર આવી રહ્યાં હતા.


'આ તો વિવાનની સિસ્ટર છે, બિચારી.. બહુ ખરાબ એક્સિડન્ટ થયો..' મિહિર દુખ વ્યક્ત કરતા બોલ્યો.


હાં, આપણી ગઝલ જેવડી જ છેને? તે દિવસે પાર્ટીમાં પણ જોયેલી. કૃપા ટીવી માં ફોટો જોતા બોલી.


'હાં, વિવાન કહેતો હતો કે બિઝનેસમાં પણ ઘણો ઈન્ટરેસ્ટ લે છે.' મિહિર એ દિવસની મુલાકાત યાદ કરતાં બોલ્યો.

પછી તેણે વિવાનને ફોન લગાવીને કાવ્યાના ખબર પૂછ્યા.


અકસ્માતના સમાચાર ફેલાઈ ગયા હોવાથી ખબર પૂછવા તથા સાંત્વના આપવા માટે ઘણા લોકોના ફોન આવ્યા, ઘણાં હોસ્પિટલ પર રૂબરૂ પણ મળી ગયાં.

એ બધી ધમાલમાં સાત આઠ કલાક પસાર થઇ ગયાં. પણ કાવ્યાને હજુ હોશ આવ્યા નહોતા.


વિવાને ડોક્ટરોને હેરાન પરેશાન કરી નાખ્યા હતા. ડોક્ટરોએ પણ તેમની પુરી તાકાત લગાવી દીધી હતી છતાં તેઓ કાવ્યાને હોશમાં લાવવામાં નિષ્ફળ રહ્યા.


છેવટે હોસ્પિટલના વરિષ્ઠ ડોક્ટર, ડો. આચાર્યએ વિવાનને પોતાની કેબિનમાં બોલાવ્યો અને કાવ્યા કોમામાં જતી રહી હોવાની જાણકારી આપી.

વિવાનના પગ નીચેથી ધરતી ખસી ગઇ. એને બધુ ચક્કર ચક્કર ફરતું હોય તેમ લાગ્યું.

ડોક્ટર આચાર્યએ વિવાનને પાણી આપ્યું.


'કોમામાંથી બહાર આવતાં કેટલો સમય લાગી શકે?' વિવાને લાચાર નજરે ડોક્ટર સામે જોઈને પુછ્યું.'


'અત્યારે કંઈ પણ કહેવું વહેલું ગણાશે વિવાન..'


'છતાં?'


'એક દિવસ, દસ દિવસ કે મહિનો કદાચ છ મહિના પણ લાગી શકે. અમારી કોશિશ છે કે કાવ્યા જલ્દી રિકવર થઇ જાય. અમને થોડો સમય આપો. આઈ હોપ શી વીલ રિકવર સૂન.' ડોક્ટરે કહ્યુ.


વિવાને બહાર નીકળીને ડોક્ટરે જે કહ્યું તે બધાને કહી સંભળાવ્યું.


**

કાવ્યા બચી ગઈ એ વાત મલ્હાર માટે ખતરાની ઘંટી હતી. પણ એ કોમામાં જતી રહી છે એ વાત તેના માટે રાહતની હતી. હવે થોડા દિવસો માટે તેને કાવ્યાથી કોઈ ખતરો નહોતો. એકજોતા તેને આમાં મોકો દેખાઈ રહ્યો હતો. કેમકે વિવાન હમણાં થોડો સમય કાવ્યાની સારસંભાળ પાછળ રહેશે એટલે બિઝનેસ પરથી એનુ ધ્યાન હટશે. એનો ફાયદો લઈને પોતે માર્કેટમાં પોતાનું વર્ચસ્વ જમાવી દેશે. એવો મલ્હારનો મનસૂબો હતો.


**


અકસ્માતના ચાર દિવસ પછી.


હોસ્પિટલમાં વિવાન કાવ્યના બેડ પાસે બેઠો હતો. રઘુ તેની બાજુમાં ઉભો હતો. રઘુના મોબાઈલની રિંગ વાગી.


'હેલ્લો.. ' રઘુએ ફોન ઉઠાવ્યો.


'હેલ્લો.. રઘુ ભાઈ.' સામે છેડે વિક્રમ હતો.


'હા બોલ.'


'કાવ્યા મેડમના એક્સિડન્ટ બાબતમાં એક વાત સામે આવી છે.'


'હું આવું છું.' રઘુ બોલ્યો.


તેણે પ્રેમથી કાવ્યા તરફ જોયું. પછી આંખના ઈશારાથી વિવાનને 'હું જઈને આવું છું' એમ કહ્યું. વૈભવી ફઈને અંદર વિવાન પાસે મોકલ્યા. એ હોસ્પિટલથી નીકળીને ઓફિસે પહોંચ્યો. ઓફિસમાં વિક્રમ તેની રાહ જોઈ રહ્યો હતો.


'બોલ વિક્રમ શું વાત છે?' રઘુએ પૂછ્યું.


'રઘુ ભાઈ, ઘણી બધી ખબર પડી છે.' વિક્રમે કહ્યુ.


રઘુએ પ્રશ્ન સૂચક નજરે વિક્રમ સામે જોયુ.


'પહેલી વાત તો એ કે આ એક્સિડન્ટ નથી પણ એટેક છે. ઉપરા ઉપરી બે વખત કારને હડફેટે લેવામાં આવી હતી. મતલબ કે કાવ્યા મેડમને મારી નાંખવાનો જ ઈરાદો હતો.' વિક્રમે કહ્યું.


'નામ?' રઘુ હાથની મુઠ્ઠી ભીંસતા બોલ્યો.


'નામ હજુ સુધી જાણવા નથી મળ્યું, પણ બીજી એક ખાસ વાત જાણવા મળી છે.' વિક્રમ બોલ્યો.


'કઇ વાત?' રઘુએ પૂછ્યું.


'રઘુ ભાઈ, આપણાં ટેન્ડરની વિગતો બીજા કોઈએ નહી પણ કાવ્યા મેડમે લીક કરી છે.' વિક્રમ બોલ્યો.


'વ્હોટ..' રઘુને ઝટકો લાગ્યો.


'હાં રઘુભાઈ.' વિક્રમે કહ્યુ.


'પણ કાવ્યા એવું શું કામ કરે?' રઘુ બોલ્યો.


'એજ વાત મગજમાં નથી ઉતરતી, કદાચ કાવ્યા મેડમને કોઈ બ્લેકમેલ કરતું હોય અથવા નામ કોઈ બીજાનું હોય અને બ્લેકમેલ કોઈ બીજુ કરી રહ્યું હોય.' વિક્રમ બોલ્યો.


'એવું કોણ હોય શકે?' રઘુએ પૂછ્યું. પણ પછી પોતે જ બોલ્યો: 'આ બધાની પાછળ મલ્હાર રાઠોડ તો નહી હોયને?' રઘુને મલ્હાર પર શંકા જઇ રહી હતી.


'પણ કાવ્યા મેડમને મલ્હાર સાથે શું લેવાદેવા?' વિક્રમ બોલ્યો.


'કદાચ કાવ્યાને આમાં ફસાવવામાં આવી હોય.' રઘુએ શક્યતા વ્યક્ત કરી.


'મતલબ મલ્હારે કાવ્યા મેડમની હત્યાનો પ્રયાસ..?' વિક્રમે શંકા દર્શાવી.


'એ મોટો માણસ છે, આપણે ઠોસ પુરાવા વગર એના સામે આંગળી ના ચીંધી શકીએ.' રઘુ બોલ્યો.


'હાં એ વાત પણ છે, કાવ્યા મેડમ કદાચ કંઈ જાણકારી આપી શકે.' વિક્રમે કહ્યુ. પછી નિરાશ થઈને બોલ્યો: પણ કેવી રીતે? મેડમ તો..' એની આંખોમાં ઝળઝળિયાં આવ્યાં.


'કંઈ તો છે વિક્રમ, જે આપણા ધ્યાનમાં નથી આવતું. કંઇક તો આપણી નજરથી છૂટી રહ્યું છે.' રઘુ માથું ધુણાવતાં બોલ્યો. અને પછી ન જાણે તેના મનમાં શું વિચાર આવ્યો કે તેણે વિવાનને ફોન લગાવ્યો.'


'ભાઈ, અહીં થોડી જાણકારી મળી છે, મારે કાવ્યાની રૂમમાં થોડી તપાસ કરવી પડશે. તમારી પરમીશન જોઈએ છે.' રઘુએ કહ્યું.


'ઠીક છે, જા.' વિવાને કહ્યુ.


'ચલ..' કહીને રઘુ ફટાફટ શ્રોફ બંગલોમાં જવા નીકળ્યો વિક્રમ પણ તેની સાથે આવ્યો. આખે રસ્તે રઘુ ચૂપચાપ બેસીને કંઈક વિચારતો રહ્યો.

બંગલામાં પહોંચીને બંને જણા સીધા કાવ્યાના રૂમમાં ગયા. અને રૂમની ઝડતી લેવાની શરૂ કરી.


રઘુ શું શોધી રહ્યો છે એનો તેને કંઈ અંદાજ નહોતો એટલે વિક્રમ મૂંઝાઈને રઘુની સામે જોતો ઉભો હતો. રઘુનુ ધ્યાન ગયું એટલે બોલ્યો:

'વિક્રમ, મને પોતાને નથી ખબર કે હું શું શોધી રહ્યો છું. તું પણ શોધવાનું શરૂ કર, અને તને જે કંઈ ચીજ અજુગતી કે શંકાસ્પદ લાગે એને સાઈડમાં રાખતો જા.'


અડધો કલાકથી બંને જણા કાવ્યાની રૂમ ફંફોસી રહ્યા હતા પણ એવી કોઈ શંકાસ્પદ વસ્તુ હાથ લાગી નહોતી.


છેવટે રઘુએ કાવ્યાનુ વોર્ડરૉબ ખોલ્યું. થોડાં કપડાં ઉથલાવ્યાં. ત્યાં તેને થોડા પેપર્સ દેખાયા. પેપર્સ વાંચતાં જ એને જોરદાર આંચકો લાગ્યો. એણે દિવાલનો ટેકો લેવો પડ્યો.


'શું થયું?' રઘુની હાલત જોઈને વિક્રમ દોડતો તેની બાજુમાં આવ્યો.

રઘુએ પેપર્સ તેના હાથમા મૂક્યા. પેપર્સ વાંચીને આઘાતથી વિક્મનું મોઢુ ફાટી ગયું.


રઘુએ વિવાનને ફોન લગાવ્યો.


'હાં બોલ રઘુ.' વિવાન ફોન ઉપાડીને બોલ્યો.


અવાજમાં બને તેટલી સ્વસ્થતા લાવીને રઘુ બોલ્યો: 'ભાઈ, તમારે ઓફિસમાં આવવું પડશે. અમે પણ ત્યાં પહોંચીએ છીએ.'


'ઓકે.' કહીને વિવાને ફોન કટ કર્યો.


વિવાન ઓફિસે પહોંચ્યો. રઘુ અને વિક્રમ પહેલાં જ પહોચી ગયા હતા.


'બોલ રઘુ.' વિવાન અંદર આવતા જ બોલ્યો.


સૌ પ્રથમ રઘુએ વિક્રમ જે ખબર લાવ્યો હતો એ વિવાનને કહી. પછી કાવ્યાના રૂમમાંથી જે પેપર્સ મળ્યા હતા તે વિવાનની સામે મૂક્યા.


પેપર્સ વાંચતાં જ વિવાનને જાણે વિજળીનો ઝટકો લાગ્યો.


'કાવ્યાએ કોર્ટે મેરેજ કરી લીધા?' એટલું બોલીને વિવાન સુન્ન થઇને બેસી ગયો.


'ભાઈ..' રઘુએ વિવાનના ખભે હાથ મૂકીને આશ્વાસન આપવાની કોશિશ કરી.


'કાવ્યાને મારાથી છુપાવવાની કેમ જરૂર પડી હશે રઘુ?' કાવ્યા પોતાનાથી કંઈ છુપાવી શકે એ વાત પચાવવી વિવાન માટે અઘરી હતી.


કાવ્યાએ આ બધુ શું કામ કર્યું, કોના માટે કર્યું, ટેન્ડરની વિગતો ચોરીને બીજાને આપી અને ઘરમાં કોઈને કશુ કીધું નહીં, ખાસ તો તેણે વિવાનને પણ અજાણ રાખ્યો તે વાત વિવાનને ગળે નહોતી ઉતરતી.


'આ રાકેશ દિવાન કોણ હશે?' રઘુ બોલ્યો. મેરેજ સર્ટિફિકેટમાં કાવ્યાના પતિ તરીકે કોઈ રાકેશ દિવાનનું નામ હતું.


રઘુ આ રાકેશ દિવાનને શોધ. બે દિવસ.. બે દિવસમાં આ માણસ મારી સામે હોવો જોઇએ.


'જી ભાઈ.' રઘુ બોલ્યો.


રઘુ વિક્રમને લઇને બહાર નીકળ્યો.


'રઘુ ભાઈ, ફક્ત નામ પરથી આ માણસને કેવી રીતે શોધીશું?' વિક્રમ બોલ્યો.


'મને પેલા મલ્હાર પર ફૂલ ડાઉટ છે. તુ એક કામ કર, તારા ખાસમખાસ માણસોને મલ્હારની પાછળ લગાવી દે. અને ગમેતેમ કરીને એકાદ જણને એની કંપનીમાં કામે લગાવ અથવા એની કંપનીના માણસોને ફોડ.. આ રાકેશ દિવાનનું શું છે તે હું જોઉં છું.' રઘુએ કહ્યું.


વિવાન તપાસ કરશે જ એની ખાતરી હોવાથી મલ્હારે કાવ્યા પાસે પેપર્સ સાઈન કરાવતી વખતે પોતાના નામની જગ્યાએ રાકેશ દિવાનનાં નામ વાળું એક્સ્ટ્રા સ્ટેમ્પ પેપર વચ્ચે ઘુસાડી દીધું હતું. એ દિવસે કાવ્યાની મનઃસ્થિતિ સાબૂત નહોતી અને ભાવનાના આવેશમાં તેણે વાંચ્યા વગર બધા પેપર્સ પર સાઈન કરી હતી.


'શોધ તારે શોધવો હોય ત્યાં.. રાકેશ દિવાન તને મળવાનો જ નથી. કેમકે એ માણસ તો પાંચ વરસ પહેલાં જ આ દુનિયા છોડી ગયો છે..' મલ્હાર તેની કેબિનમાં બેઠો બેઠો મનમાં બોલ્યો. અને પછી તેણે એક અટ્ટહાસ્ય કર્યું.


.


.

ક્રમશઃ


**


કાવ્યા ક્યારે હોશમાં આવશે?


કાવ્યાએ ટેન્ડર ચોરવાનુ કામ કોના માટે કર્યું એ ક્યારેય જાણવા મળશે?


શું રઘુ કે વિવાન જાણી શકશે કે રાકેશ દિવાન નામનો કોઈ માણસ જ નથી?


શું વિવાન કાવ્યાના હોશમાં આવ્યા પહેલા મલ્હાર સુધી પહોંચી જશે?


**


❤ વ્હાલા વાચકો, આપ આ પ્રકરણ વાંચીને આપનો પ્રતિભાવ જરૂરથી આપશો. આપના પ્રતિભાવો હંમેશાં મને લખવાની પ્રેરણા આપે છે. ❤