Savai Mata - 17 in Gujarati Moral Stories by Alpa Bhatt Purohit books and stories PDF | સવાઈ માતા - ભાગ 17

Featured Books
Categories
Share

સવાઈ માતા - ભાગ 17

ઘરે પહોંચતાં સુધી બધાં જ ચૂપ હતાં. દરેકનાં મનમાં આગળ શું થશે તે અંગેનાં વિચારોનો કોલાહલ મચી રહ્યો હતો. રમીલાએ હળવેથી ગાડી ઘરનાં કમ્પાઉન્ડમાં પાર્ક કરી. બ્રેક વાગતાં જ બધાંય તંદ્રામાંથી બહાર આવ્યાં. રમીલા અને મેઘનાબહેને પોતપોતાની તરફનાં પાછળનાં દરવાજા ખોલી રમીલાનાં માતા-પિતાને બહાર નીકળવાનો રસ્તો કરી આપ્યો. ચારેય હળવેથી પગથિયાં ચઢી ઘરનાં બારણાં સુધી પહોંચ્યાં. નિખિલને મેઈન ગેટ ખોલવા અને બંધ થવાનો અવાજ આવ્યો હતો એટલે તેણે બારણું ખોલ્યું.

બધાંય અંદર આવ્યાં, પણ સામાન્ય કરતાં વધુ શાંત જણાયાં.

નિખિલે ઈશારો પણ કર્યો, "શું થયું?"

રમીલાએ પ્રત્યુત્તરમાં, "પછી કહું." નો ઈશારો કર્યો અને તે પોતાનાં માતાપિતાને પોતાનાં ઓરડામાં લઈ ગઈ અને થોડાં સ્વસ્થ થઈ જવાં દીધાં.

ત્યાં સુધીમાં મેઘનાબહેને પણ હાથ-પગ અને મોં ઠંડાં પાણીએ ધોઈ, કપડાં બદલીને મસાલેદાર ચા બનાવી.

નિખિલ ચાનાં ત્રણ કપ રમીલાનાં ઓરડામાં મૂકી આવ્યો અને ડાયનિંગ ટેબલ ઉપર મમ્મી સાથે ચા લઈને બેઠો. બેય બાળકોને ન જોતાં મેઘનાબહેને તેમનાં વિશે પૃચ્છા કરી, "ક્યાં ગયાં બેય?"

નિખિલ ચા ભરેલો મગ હાથમાં લેતાં બોલ્યો, "મમ્મી, થોડીવાર કાર્ટૂન જોયું, પછી મારી પાસે સાપસીડીની રમત રમતાં શીખ્યાં અને હવે ભણવા બેસાડ્યાં છે."

મેઘનાબહેનનાં ચહેરાની તંગ રેખાઓ થોડી હળવી થઈ અને તે મંદ સ્મિત સાથે બોલ્યાં, "અરે વાહ! આ તો મઝાની વાત થઈ, બેટા. તેમનું જ્ઞાન થોડું ચકાસવુંય જરૂરી છે. ખબર તો પડે કે નવી શાળામાં જતાં પહેલાં કેટલી મહેનત કરવી પડશે તેમને અને તેમની પાછળ?"

નિખિલ પોતાનાં ઓરડા તરફ ઈશારો કરતાં બોલ્યો, "હા, મમ્મી. એટલે જ બેસાડ્યાંને !"

મેઘનાબહેન ચા પીતાં પીતાં વિચારોમાં સરી પડ્યાં.

નિખિલે ફરી પૂછ્યું, "શું થયું મમ્મી?"

"અરે બેટા, રમીલાનાં પિતા જ્યાં રહેતાં હતાં તે ઘરેથી આજે સામાન લેવા ગયાંને ત્યારે તેમનો મુકાદમ એટલે, શેઠ તે જ સમયે ત્યાં આવી ચઢ્યો. તેણે તેમને રોકવાની કોશિશમાં ઘણાંયે ધમકાવ્યા. જો આજે પોલીસની મદદ સમયસર ન મળી હોત, તો કદાચ તેઓ આજે પાછાં પણ ન આવત. આ મુકાદમ પોતાના મજૂરોને પોતાની મિલકત જ સમજે છે.
એ તો સારું થયું કે સમયસૂચકતા વાપરીને મેં પોલીસ સ્ટેશનમાં અને મજૂરોની સહાય કરતી સંસ્થા 'માનવતા સંરક્ષિકા' માં ફોન કરી તેઓને મદદ માટે બોલાવી લીધાં", મેઘનાબહેન એકશ્વાસે બોલી ગયાં.

ત્યાં તો રમીલા ઓરડામાંથી બહાર આવી અને કીચનસિંકમાં ખાલી મગ મૂકી તેમાં પાણી ભર્યું અને ડાઈનિંગ ટેબલ પાસે આવીને ઊભી.

તેણે સહજતાથી મેઘનાબહેનનાં બેય ખભે હાથ મૂકી કહ્યું, "મોટી મા, આજે તમે આટલી હિંમત ન કરી હોત તો મારાં માતા-પિતા કદાચ ક્યારેય મુકાદમની પકડમાંથી બહાર ન નીકળી શકત. થોડાં ધક્કા થશે પોલીસ સ્ટેશનના, પણ મારા આખાયે પરિવારને છૂટકારો મળી ગયો તેનાં હાથમાંથી."

મેઘનાબહેનના ચહેરા ઉપરની ઉદ્વેગની રેખાઓએ વિદાય લીધી અને હંમેશ મુજબનું વાત્સલ્યસભર સ્મિત ચહેરાને અનોખો ઓપ આપતું રહ્યું.

કોને ખબર હતી કે મેઘનાબહેનનું આ નાનકડું પણ બહાદુરી ભરેલ પગલું કંઈ કેટલાંય કુટુંબોને તેમની ગરીબીરેખા નીચેથી ઉઠાવી સન્માનપૂર્વકની જીવનરેખા સુધી લઈ જશે. અહીં તો તેમનાં આ પ્રયાસ પાછળનો હેતુ રમીલાનાં કુટુંબને આકરી મજૂરી પછીયે વેઠવી પડતી ભૂખ અને દારૂણ ગરીબીમાંથી કાઢવા માત્રનો જ હતો, પણ તે ચંદ્ર ઉપર પડેલા માનવીના પ્રથમ પગલાથી જરાય નાનો કે ઉતરતો ન હતો.

એક ભોળી, જીવનનો સાચો તરવરાટ ધરાવતી, વિદ્યાની સાચી ઉપાસક એવી દીકરીને સહારો આપનાર તેની આ મોટી મા, મેઘનાબહેન, ક્યારે એક સમાજ ઉદ્ધારક બની ગયાં તેમની તેમને પોતાને પણ જાણ ન હતી. તેઓ ઈચ્છતે તો પોતાનાં ભણતર અને કાબેલિયતના આધારે એક તગડા પગારવાળી શિક્ષિકાની નોકરી લઈ સારૂં એવું બેન્ક બેલેન્સ ઊભું કરી શકત પણ પહેલેથી જ મેળવવા કરતાં કાંઈ આપવાની ઘેલછાવાળાં તેમણે ટ્યુશનના વિદ્યાર્થીઓની ફી પણ પોતાનાં પ્રયાસો જેવી ધરખમ નહીં, બાળકોનાં માતાપિતાનાં ખિસ્સાંને પોસાય તેટલી જ લીધી હતી.

ડાઇનિંગ ટેબલ ઉપર ત્રણ ખુરશીઓમાં બેસી ત્રણેય જણ અલકમલકની વાતો કરતાં હળવાશ અનુભવી રહ્યાં. હવે રમીલા અને નિખિલનાં રસ્તા જુદા થઈ રહ્યાં હતાં એટલે તેણે આ છેલ્લા અઠવાડિયામાં નિખિલની પસંદગીની વાનગીઓ તેના માટે જાતે બનાવવાની ઈચ્છા બેયને જણાવી. આમ તો મેઘનાબહેન ઘણીયે વિવિધતાભરી વાનગીઓ બનાવતાં પણ નિખિલને રમીલાનાં હાથની કેટલીક વાનગીઓ વધુ ભાવતી.

રાત્રીનાં ખાણા માટે રમીલાએ નિખિલનો મનપસંદ મેથી અને લીલવાનો હાંડવો બનાવવાનું નક્કી કર્યું. લસણની અને ધાણા - ફુદીનાની ચટણી હંમેશ મુજબ નિખિલ બનાવશે એમ વાત થઈ. મેઘનાબહેન બેય બાળકોની સમજણ, પરસ્પર પ્રેમ અને કાળજી જોઈ પોતાનાં તેમનાં જીવન પાછળ આપેલાં સમય અને કાળજીની ધન્યતા અનુભવી રહ્યાં.

* આગળની રમીલા, તેનાં ભાઈ-બહેન, માતા-પિતા, લીલા-રામજીનાં જીવનમાં કેવાં પરિવર્તન આવ્યાં અને કઈ રીતે આવ્યાં, તે જાણવા વાંચતા રહો - સવાઈ માતા.

ક્રમશ:

મિત્રો,
વાર્તા આપને ગમી હોય તો પાંચ તારાથી જરૂરથી વધાવશો અને સુંદર પ્રતિભાવથી જરૂર વધાવશો. ⭐⭐⭐⭐⭐જે મારાં માટે ખૂબ જ પ્રોત્સાહક નીવડશે.

ધારાવાહિક વાર્તાનાં બધાં એપિસોડ તરત જ વાંચવા તેને સબસ્ક્રાઈબ કરો. 🙏🏻
આભાર 🙏🏻
અલ્પા ભટ્ટ પુરોહિત
વડોદરા