The vacuum of ideal personality in present time.. books and stories free download online pdf in Gujarati

વર્તમાન સમયમાં આદર્શ વ્યક્તિત્વનો શૂન્યાવકાશ..

આજે જ્યારે ભારત વિશ્વના તમામ ક્ષેત્રે પોતાની પ્રગતિના પગરણ માંડી રહ્યું છે, ત્યારે ભારતના લોકો પોતાનું એવું આંતરિક અભિન્ન અંગ ગુમાવી રહ્યા છે, અને તે છે, ‘સંવેદના.’ આદર્શ વ્યક્તિત્વના ઘડતરના પાયાના પથ્થરો છે, ‘સંવેદના, માનવતા અને સાતત્યતા.' આજના આ અત્યાધુનિક યુગમાં આપણે તે ધીરે ધીરે ગુમાવી રહ્યા છીએ. માનવી પોતાની પ્રગતિ માટે અન્યોનાં લાભ-ગેરલાભ, લાગણીઓને નેવે મૂકીને માત્ર ને માત્ર પોતાનો સ્વાર્થ જુએ છે. પોતાનો સ્વાર્થ સાધવા તે અન્ય વ્યક્તિના કોઈ ભાવને જોતો નથી.આજે ભારતની વસતી ૧.૩૨ બિલિયન જેટલી થઈ છે, ત્યારે આપણે હાલમાં આદર્શ વ્યક્તિત્વની સૂચિમાં ૩૨ નામ પણ સૂચવી શકતા નથી. શું એ આપણી મોટામાં મોટી ક્મનસીબી નથી ? અને ગણ્યા- ગાંઠ્યા લોકો જેમના નામ આપણે આદર્શ વ્યક્તિત્વની યાદીમાં લઈએ છીએ તેઓ પણ ભવિષ્યમાં તે સ્થાન ટકાવી રાખે છે કે કેમ તે પણ આપણે તટસ્થતાથી નથી કહી શકતા.ભારતમાં પ્રાચીન સમયની વાત કરીએ તો લોકો અક્ષરજ્ઞાન વિનાના હતા, પરંતુ કેળવાયેલા હતા. તે સમયમાં કહેવાતું કે, વ્યક્તિની અંદર રહેલા સારા ગુણોનું પ્રાગટીકરણ એટલે કેળવણી. પરંતુ આજે કેળવણીનો અર્થ આપણે માત્રને માત્ર અક્ષરજ્ઞાન પૂરતો મર્યાદિત કરી દીધો છે. આજના આંતરિક તણાવભર્યા માહોલમાં લોકો જ્યારે બહાર તરફ દૃષ્ટિ ફેરવે છે, ત્યારે ક્ષણિક પરિચય કે મુલાકાતથી વ્યક્તિના સચેત સ્વભાવ અનુસાર થયેલા વર્તનથી પ્રભાવિત થઈ જાય છે અને તેને જ પોતાનો આદર્શ માની લે છે, પરંતુ તે વ્યક્તિ ભૂલી જાય છે કે કોઈપણ ક્ષેત્રની વ્યક્તિ સાથે થયેલી તેની તે મુલાકાત ક્ષણિક હતી. તેમના જીવનનો એક ક્ષણિક ભાગ હતો, સંપૂર્ણ જીવન નહિ. મળેલી વ્યક્તિ જીવનના દરેક તબક્કે તેવું વર્તન કરે તો તે આદર્શ કહેવાય.આજે આપણાં યુથ એટલે કે દરેક યુવાનનું જીવન એ ફિલ્મ જગતની દેખાદેખીને આભારી છે. આજે આપણે ફિલ્મ સ્ટાર્સ, તેમની રહેણી-કરણી અને તેમના અત્યાધુનિક પરંતુ આડંબરયુક્ત જીવનથી ખૂબ જ પ્રભાવિત છીએ. આજના આ સુપરસ્ટાર્સનું જીવન કેમેરા આગળ કંઈક અલગ અને કેમેરા પાછળ કંઈક ઓર જ હોય છે. પરંતુ છતાં પણ યુવાન પેઢી તેમના જીવનથી અત્યંત પ્રભાવિત હોય છે. તેઓ માત્ર પોતાને મળેલા પાત્રોને તેમના ડાયરેક્ટરના આદેશ અનુસાર સારી અભિનય ક્ષમતા સાથે રજૂ કરી જાણે છે. આ આપણે યુવાનોને સમજવાની જરૂર છે.આપણા જ પૈસાના જોરે આપણા પર જ રાજ કરી અને આપણને જ ગુલામ રાખે તે રાજકારણ. આજના સમયમાં આપણે બંધારણની લેખિત દૃષ્ટિએ અપાયેલા હકોને પણ માંગવા માટે લડતો અને આંદોલનો કરવા પડે છે. આ લોક તાંત્રિક દેશમાં તથા નેતાઓ પોતાના મતવ્યો તથા પોતાના ભાષણોમાં વિરોધપક્ષના નેતાઓ કે સામાન્ય માનવીઓની પરિસ્થિતિઓ વિશે બોલતા અફાટ વાક્યો ક્યાંક હૃદયે ઉંડે ઉતરી જાય છે.જ્યારે ધર્મના નામે પાખંડ રચતા ધર્મગુરૂઓની તો વાત જ શી કરવી? અબજોપતિ લોકોને તેઓ પોતાના ચરણોમાં ઝુકાવે છે. અને ધર્મગુરૂઓની એક હાલ પર આ લોકો કંઈપણ કરવા તૈયાર હોય છે. આ ધર્મગુરૂઓની સત્ય હકીકતથી તો કોઈપણ અજાણ નથી છતાં એક યા બીજી રીતે તેમને પોતાના આદર્શ માની અને અવિશ્વાસનો ભોગ બને છે.આપણે જીવનના કોઈપણ ક્ષેત્રમાં આપણે ઉભા હોઈએ ત્યારે આપણા આચરણમાં માનવતા, સત્યતા, સંવેદનાને સાથે લઈને ચાલીએ. કોઈપણ પરિસ્થિતિમાં પોતાની અંદર રહેલા આ તત્વોને તો ન જ છોડીએ. કોઈને પણ આપણાં આદર્શ બનાવતા પહેલાં પૂરા જાણીએ, સમજીએ તે જરૂરી છે અને દરેક જગ્યાએ આદર્શ શોધવા પણ જરૂરી નથી. ખુદ આપણો આત્મા જ શ્રેષ્ઠ આદર્શ છે. બીજાનાં અનુકરણને ધ્યાને લઈ ચાલવા કરતાં ખુદના અવાજને સાંભળીને જ ચાલવાથી જ સ્વયં આદર્શ બની શકાય છે. આદર્શ દશ્યમાન નથી છતાં સર્વત્ર સ્વીકાર્ય છે જે બાબત જ શ્રેષ્ઠતા તરફ દોરી જાય છે.