Hitopradeshni Vartao - 37 in Gujarati Children Stories by SUNIL ANJARIA books and stories PDF | હિતોપદેશની વાર્તાઓ - 37

Featured Books
Share

હિતોપદેશની વાર્તાઓ - 37

37.

એક નાનકડા ગામમાં ધર્મ બુદ્ધિ અને પાપ બુદ્ધિ નામના મિત્રો રહેતા હતા. બંને એકબીજાના જીગરજાન મિત્રો હતા. આખો દિવસ સાથે જ રહે, સાથે જ ફરે. એકવાર વાતવાતમાં ધર્મબુદ્ધિએ કહ્યું "ભાઈ પાપબુદ્ધિ, અહીં આપણા ગામમાં તો આખો દિવસ આટલી મજૂરી કરીએ છીએ ત્યારે માંડ માંડ ભોજન મળે છે. રોજ જે કમાઈએ છીએ તે ખતમ થઈ જાય છે. થાકશું ત્યારે શું થશે?" "તારી વાત સાચી છે ભાઈ ધર્મ બુદ્ધિ! આપણું ગામ તો નાનકડું છે. મોટા મોટા માણસોની હાલત પણ ખરાબ છે તો આપણી શી વિસાત? "

ધર્મબુદ્ધિ કહે "મારી વાત માનતો હોય તો ચાલ આપણે પરદેશ કમાવવા જઈએ. જુવાનીમાં કમાઈને ભેગું કરી શકાય અને તે ઘડપણમાં ખાઈ શકાય. આમ ને આમ અહીં રહેશું તો જીવનભર કંગાળ રહેશું પણ બીજા પ્રદેશમાં જશું તો કમાશું. અહીં ના વેપારે એક શીખ આપી. એક વાત તો નક્કી જ છે કે અહીંયા આપણે કમાઈ શકવાના નથી. બીજા પ્રદેશમાં કદાચ કમાઈ શકીએ પણ ખરા. આપણે આશાવાદી બનવું જોઈએ. આપણે બેયને એકબીજાનો સંગાથ છે." બંને જણ પરદેશ કમાવા ગયા. બંને એક મોટા શહેરમાં પહોંચ્યા અને સાથે મળી નાનો ધંધો શરૂ કર્યો. શરૂઆતમાં પણ તકલીફ પડી નહીં. થોડા વર્ષમાં તો તેઓ સારું એવું ધન કમાયા એટલે પાપબુદ્ધિએ ઘરે જવાની ઈચ્છા વ્યક્ત કરી. ધર્મ બુદ્ધિએ સંમતિ આપી અને ત્યાં જે કઈ હતું એ બધું વેચી બધું એક ચરૂમાં ભર્યું. એ બાંધ્યો કપડાની ગાંસડીમાં અને વેપારીના સ્વાંગમાં એક વણઝારા સાથે ઘેર આવવા નીકળ્યા. સાથે ધન ઘણું હતું પણ વણઝારાઓનો સંગાથ હતો. તેમનો દેખાવ કાપડિયાઓનો હતો એટલે રસ્તામાં કોઈ વાંધો ન આવ્યો. ગામ નજીક આવ્યું એટલે વણઝાર બીજે રસ્તે જતી રહી. બંને છૂટા પડી પોતાનાં ગામમાં આવ્યા. ગામનું પાદર નજીક આવ્યું એટલે પાપબુદ્ધિએ કહ્યું "ભાઈ, આપણી પાસે મોટું જોખમ છે. ધનનો ચરૂ આપણી સાથે હમણાં લઈ જવા જેવો નથી. ઘણા વર્ષ પછી ઘેર જઈએ છીએ. ત્યાં પરિસ્થિતિ કેવી હોય કોને ખબર? એના કરતાં એક કામ કરીએ. ખપ પૂરતું ધન કાઢી લઇએ. ઘેર જઈને બધું કામ થાળે પડે પછી બે દિવસ રહીને આવીને અહીં ચરૂ લઈ જશું. કોઈને ખબર નહિ પડે."

" ભલે જેવી તારી ઈચ્છા." કહી ધર્મબુદ્ધિએ ગાંસડી ખોલી નાખી. બંનેએ થોડું થોડું ધન કાઢી લીધું અને ચરૂ મોટા વડના ઝાડ નીચે દાટી દીધો. પછી બંનેએ ગામ તરફ પ્રયાણ કર્યું.

ઘેર પહોંચ્યા એટલે ઘરના સભ્યોએ તેમનું સ્વાગત કર્યું. તેમને સાજા સમા આવેલા જઈ સૌ ખુબ ખુશ થયાં. અઠવાડિયું પસાર થયું એટલે નક્કી કર્યા મુજબ બંને પરોઢિયે ચરૂ દાટ્યો હતો એ સ્થળના ઝાડ પાસે પહોંચી ગયા. ચરૂ દાટયો હતો ત્યાં ખાડો ખોદવા લાગ્યા. થોડીવાર સુધી ખોદકામ કર્યું. પણ ચરૂ જેવું જણાયું નહીં. આજુબાજુની જમીન પણ ખોદી નાખી પણ ચરૂ નીકળ્યો નહીં. આથી ધર્મબુદ્ધિનાં મનમાં ધ્રાસ્કો પડ્યો. પાપબુદ્ધિ તો રડવા જ લાગ્યો." અરેરે, આખી જિંદગીની કમાઈ જતી રહી." પછી ધર્મબુદ્ધી સામે જોઈને બોલ્યો "વિશ્વાસઘાતી, તું ચરૂ કાઢી ગયો લાગે છે. મેં તારા પર વિશ્વાસ રાખી જિંદગી આખી તારી સાથે મિત્રની જેમ રહ્યો. તારો પડ્યો બોલ જીલ્યો અને તેં મને આ બદલો આપ્યો? તેં માગ્યો હોત તો એક ચરુ શું , બધું જ ધન તને આપી દેત. પણ આવો વિશ્વાસઘાત?"

" જો પાપબુદ્ધિ, જબાન સંભાળીને બોલ. મને ચરૂ વિશે કોઈ ખબર નથી. હું કાંઈ લઈ ગયો નથી."

" તો પછી કોણ લઈ ગયું? આપણા બે સિવાય આ વાતની કોને ખબર હતી? તારી દાનત આટલું બધું ધન જોઈને બગડી ગઈ. તને થયું કે લાગ સારો છે પાપ બુદ્ધિનો ભાગ પણ મને મળી જાય તો મારી પેઢીઓ નિરાંતે ખાય એટલું ધન મળે પણ દુષ્ટ, તને મિત્રનો પ્રેમ યાદ ન આવ્યો?"

" જો હજી કહું છું કે મેં તારી સાથે તો ઠીક કોઈની સાથે દગો કર્યો નથી. એક પણ કામ એવું નથી કર્યું જેમાં મારે નીચું જોવું પડે. તારા કહેવાથી આપણે ચરૂ દાટ્યો હતો. મેં થોડું એમ કહ્યું હતું કે આને દાટીને આપણે ગામમાં જઈએ? ગામમાં કોઈને ખબર ન હતી."

" હવે રહેવા દે. ધન જોઈને તારી નીતિ બદલાઈ ગઈ પણ હું તને ચરૂ નહીં પચવા દઉં. હું રાજાને ફરિયાદ કરીશ." "તારે જેમ કરવું હોય તેમ કર. મેં ચરૂ લીધો નથી એટલે રાજા પાસે મારે પણ ફરિયાદ કરવી છે. મારી આખી જિંદગી ની કમાઈ ચોરાઈ ગઈ છે એ કોણે લીધી? ચાલ રાજા પાસે અત્યારે જ જઈએ."

બંને પહોંચ્યા ગામના રાજા પાસે અને ફરિયાદ કરી કે અમે જે ધન પરદેશથી કમાઈ લાવ્યા એનો ચરૂ વડનાં ઝાડ નીચેથી ચોરાઈ ગયો. રાજાએ કહ્યું "તમે ચરૂ દાટ્યો હતો ત્યારે આજુબાજુ કોઈ નહોતું એની ખાતરી કરેલી ?"

"હા મહારાજ. હું મારી જાતે આજુબાજુ જોઈ આવ્યો. વહેલું પરોઢ હતું એટલે આટલે દૂર કોણ આવે?"

" એનો અર્થ છે કે ચરૂ વિશે તમારા બે સિવાય કોઈને ખબર નથી."

" સિવાય કે વનદેવતા. મહારાજ, એ વડના ઝાડમાં વનદેવતાનો વાસ છે એટલા માટે જ અમે વલનદેવતાનું ઝાડ પસંદ કર્યું." પાપબુદ્ધિએ કહ્યું

"પણ વન દેવતા કંઈ ચરૂ થોડો ચોરે?"

" જી હા મહારાજ. એને પૂછો. ચરૂ કોણ ચોરી ગયું છે એ વિશે કહેશે પણ ખરા અને મને ખાતરી છે કે ચરૂ આ ધર્મબુદ્ધિ ચોરી ગયો છે."

" મહારાજ, મેં ચરૂ ચોર્યો નથી."

" તારો કોઈ સાક્ષી છે?" "ભગવાન જ મારો સાક્ષી છે."

" તો કાલે સવારે આપણે વડના ઝાડ પાસે જઈને વનદેવતાને પૂછશું."

" જી મહારાજ. મને વાંધો નથી." ધર્મ બુદ્ધિએ કહ્યું. બીજે દિવસે રાજા પોતાના રસાલા સાથે ધર્મબુદ્ધિ અને પાપ બુદ્ધિને લઈ ન્યાય તોળવા ગામને પાદર વડના ઝાડ નીચે આવ્યા. બધા વડના ઝાડમાં નિવાસ કરતા મન દેવતાને પગે લાગ્યા. રાજા બોલ્યો "વન દેવતા, તમારી સાક્ષી એ આ ધર્મબુદ્ધિ અને પાપ બુદ્ધિએ આખી જિંદગીની કમાણી એક ચરૂ માં ભરી એ અહીં ચરૂ દાટ્યો હતો. એ ગુમ થયો છે. હવે તમે અમને મદદ કરો કે આ ચરૂ નું શું થયું?"

અચાનક વડ ના ઝાડમાંથી અવાજ આવ્યો "રાજા, બંને જણે ચરૂ દાટી દીધા પછી બીજે દિવસે મધરાતે બેમાંથી એક જણ આવીને ચરૂ લઈ ગયો હતો."

" મહેરબાની કરી કહો એ કોણ હતો ?"

"એ ધર્મબુદ્ધિ જ હતો. એ જ આ ચરૂ  લઈ ગયો છે."

બધા આશ્ચર્યચક્તિ થઈ ગયા. પહેલીવાર બધાએ વનદેવતાનો અવાજ સાંભળ્યો. પાપબુદ્ધી ખુશ થઈ ગયો. રાજાને કહેવા લાગ્યો "આ ધર્મબુદ્ધિ જ ચોર છે. તમે ન્યાય કરો અને મને મારું ધન અપાવો."

ઘર્મબુદ્ધિ વિચારમાં પડી ગયો. એણે હકીકતમાં ચોરી કરી ન હતી. પણ હવે શું? રાજા પણ ગેબી અવાજથી પ્રભાવિત થઈ ગયેલો. એણે ધર્મબુદ્ધિને દંડ દેવા વિચાર કર્યો.

" કેમ ધર્મબુદ્ધિ? તારે શું કહેવું છે?"

" મહારાજ, તમારી આજ્ઞા હોય તો હું એક પ્રયોગ કરવા માગું છું."

" કેવો પ્રયોગ?"

" મહારાજ, મને શક છે."

" શેનો શક?"

"આ વડના ઝાડમાં પહેલાં કોઈ દેવનો વાસ હતો નહીં. આખું ગામ જાણે છે કે અમે આવ્યા ત્યારે પાપ એમબુદ્ધિએ વનદેવતા વિશે કહ્યું ન હતું. આજે અચાનક તેનો અવાજ સંભળાયો."

"તો તું શું કહેવા માંગે છે?" રાજાએ પૂછ્યું. રાજા ન્યાયીને સમજદાર હતો. એને શંકા તો જન્મી હતી કારણ કે આજ સુધી તેણે વન દેવતાનો અવાજ સાંભળ્યો ન હતો. "મહારાજ, હું વનદેવતાની પરીક્ષા કરવા માગું છું." "ભલે. તારે જેમ કરવું હોય તેમ કર."

ધર્મબુદ્ધિએ વડના થડની આજુબાજુ લાકડાં અને ઘાસ ગોઠવી ભગવાનનું નામ લઈ એમાં આગ ચાંપી. અચાનક થડની બખોલમાંથી ' બચાવો , બચાવો" એવી બૂમ સંભળાવવા લાગી અને પાપબુદ્ધિનો બાપ બખોલમાંથી કુદી પડ્યો. રાજાના સિપાઈઓએ એને પકડી લીધો. રાજા પણ આ બનાવટ જોઈ ગુસ્સે થઈ ગયો અને કહ્યું "આ શું ધતિંગ છે? અંદર તું શું કરતો હતો?"

" મહારાજ, મારો કોઈ વાંક નથી. મારા દીકરાએ મને જબરદસ્તી ગઈકાલે અંદર બખોલમાં બેસાડ્યો હતો અને તમે સવાલ પૂછો ત્યારે અવાજ બદલી શું જવાબ આપવો એ પણ શીખવ્યું હતું."

તરત રાજાએ પાપબુદ્ધિને પકડી લેવા આદેશ આપ્યો. વિશ્વાસઘાત અને બનાવટ કરવા બદલ તેને કેદમાં નાખ્યો અને બધું ધન ધર્મ આપી દીધું. આમ સત્યનો વિજય થયો.