A - Purnata - 25 in Gujarati Love Stories by Mamta Pandya books and stories PDF | અ - પૂર્ણતા - ભાગ 25

Featured Books
Categories
Share

અ - પૂર્ણતા - ભાગ 25

હેપ્પીના વિચારો વિકીને નવાઈ પમાડે એવા હતાં. એટલે જ તે પૂછી બેઠો કે ,"આ જંગલમાંથી તારી અંદર કોઈ ભૂત તો નથી આવી ગયું ને? તું હેપ્પી જ છે ને?"
આ સાંભળી હેપ્પી હસી પડી. "તારા જેવું ભૂત અમારા ગ્રુપને વળગ્યું છે એટલું જ બસ છે." આમ કહી તે પોતાની ડીશ લઈ ભાત લેવા જતી રહી.
પરમ હેપ્પીને જતી જોઇ બોલ્યો, "આ હસતી રમતી અલ્લડ છોકરી અંદરથી કેટલી સમજદાર છે હે ને?"
"હમમ." રેના બસ એટલું જ બોલી.
જમીને સૌ ટેન્ટમાં થોડી વાર આડા પડ્યાં. અમુક આજુબાજુ રખડવા ગયાં. રેનાનું ગ્રુપ પણ આરામ કરી રહ્યું હતુ. હેપ્પી , રેના, મિશા અને એક બીજી છોકરી એક ટેન્ટમાં હતાં જ્યારે પરમ અને વિકી બીજા બે છોકરા સાથે બાજુના ટેન્ટમાં હતાં. પરમ તો સૂઈ ગયો પણ વિકીને ઊંઘ આવતી ન હતી. રહી રહીને તેને નદીમાં થયેલો રેનાનો સ્પર્શ જ યાદ આવતો હતો. રેનાની કોમળ ભીની કાયામાંથી આવતી સુગંધ તેને મદહોશ કરી રહી હતી.
આ બાજુ હેપ્પી તો ફૂલ જમીને નસકોરા બોલાવતા ઊંઘી રહી હતી. મિશા પણ સૂઈ ગઈ હતી પણ રેના પડખા ઘસી રહી હતી. વારેવારે તેને વિકીના શબ્દો યાદ આવી રહ્યા હતાં. "તને કઈ થઈ ગયું હોત તો મારું શું થાત?" વિકી જે રીતે રેનાને ભેટી પડ્યો હતો અને પોતે પણ વિકીને ભેટી પડી હતી ભલે ડરના લીધે જ પણ એ હૂંફ અલગ હતી. આજ પહેલા પોતે પરમ સિવાય કોઈને આવી રીતે આલિંગન આપ્યું ન હતું. પરમ તો પોતાનો ભાઈ હતો પણ વિકી?? વિકીનું આલિંગન તો એવું હતું જાણે તે પોતાની જિંદગી ખોઈ બેસવાનો હોય એવો ડર પણ હતો અને પોતે બચી ગઈ એની નિરાંત પણ હતી એમાં.
રેનાએ આંખ બંધ કરી તો ફરી તેને એ પળ યાદ આવી ગઈ. તે ફરી વિચારે ચડી. શું વિકીના મનમાં પોતાના માટે કોઈ લાગણી હશે? તે પોતાના મન સાથે જ વાતો કરી રહી. વળી તે પોતાના મનને જ જાણે જવાબ આપી રહી હોય એમ તેણે વિચાર્યું, "અરે, હું એની દોસ્ત છું તો લાગણી તો હોય જ ને?"
વળી ચંચળ મન બોલ્યું, "એ તને દોસ્ત જ માને છે કે એથી કઈ વધુ?"
"એવું કંઈ નથી." રેના મનોમન જ બોલી.
ફરી મન બોલ્યું, "તો તું કેમ આટલું બધું વિચારે છે?"
રેના પાસે કોઈ જવાબ ન હતો એટલે વિચારો ખંખેરી સૂવાની ટ્રાય કરી પણ કેમેય ઊંઘ ન આવી. ચાર વાગતાં જ બધાએ મંદિર તરફ જવા પ્રયાણ કર્યું. મંદિર પરિસર અને આજુબાજુની જગ્યા સાફ કરવાની ઝુંબેશ શરૂ થઈ. કોઈએ પરિસર વાળ્યું, તો કોઈએ સૂકા પાંદડા ભેગા કર્યા, કોઈએ પ્લાસ્ટિકનો કચરો ભેગો કર્યો. ઝાઝા હાથ રળિયામણા એ ઉકિત મુજબ ફટાફટ મંદિર પરિસર અને આજુબાજુની જગ્યા ચોખ્ખી ચણક થઈ ગઈ. મસ્તી કરતાં કામ ક્યાં પૂરું થઈ ગયું ખબર જ ન પડી.
જંગલમાં અંધારું જાણે વહેલું થઈ જતું હોય એવું લાગ્યું. સૌએ આરતી કરીને પછી જ અહીથી ટેન્ટ તરફ જવું એવો વિચાર પ્રગટ કર્યો જે પ્રોફેસરે વધાવી લીધો. આરતીને થોડી વાર હતી એટલે સૌ મંદિર પરિસરમાં જ થાક ઉતારવાં બેઠાં. વાતાવરણ ખરેખર સુંદર હતું. પશ્ચિમમાં આથમી રહેલા સૂર્યદેવ લાલાશ પડતો રંગ વિખેરી આભને રંગી રહ્યાં હતાં. પક્ષીઓ પોતાના માળામાં પાછા ફરી પોતાના બચ્ચાં સાથે કિલકારી કરી રહ્યાં હતાં. દરેક ઝાડ પર થતો પક્ષીનો કલરવ એટલો મધુર લાગી રહ્યો હતો જાણે જંગલનું વાતાવરણ જીવંત બની ગયું હોય.
મંદિરમાં ઘંટનાદ થયો અને આરતી ચાલુ થઈ એટલે સૌ ઊભા થઈ ગયાં. આછા પીળા પ્રકાશમાં આરતીની દિવ્ય જ્યોત અલૌકિક વાતાવરણ ઉભુ કરી રહી હતી. સૌ હાથ જોડી આંખો બંધ કરી પ્રાર્થના કરી રહ્યા હતાં. વિકી, રેનાની થોડોક પાછળ જ ઉભો હતો. રેનાના ચહેરા પર પડતો પીળો પ્રકાશ ચહેરાને વધુ તેજોમય બનાવી રહ્યો હોય એમ લાગી રહ્યું હતું. વિકીએ મનોમન જ ભગવાનને પ્રાર્થના કરી કે તેને જીવનભર માટે રેનાનો સાથ મળી જાય. આરતી પૂરી થઈ અને ઘંટનાદ બંધ થયો. સૌએ પ્રસાદી લીધી. અત્યારે જમવાની વ્યવસ્થા મંદિર તરફથી હતી. બધાએ એટલું સરસ કામ કર્યું હતું કે પુજારીએ ખુશ થઈ બધાની જમવાની વ્યવસ્થા મંદિર તરફથી જ કરાવી દીધી.
જમવામાં ઓળો, રોટલો અને વઘારેલી ખીચડીની સાથે છાશ પણ હતી. કામ કરીને સૌ થાક્યાં હતાં એટલે સૌ નિરાંતે જમ્યાં. જમીને સૌએ ટેન્ટ પાસે વચોવચ મોટું તાપણું કર્યું અને સૌ તેની આજુબાજુ ગોઠવાયાં. થોડીક ઠંડીની અસર વર્તાઈ રહી હતી પણ તાપણાંની હુંફ પણ ઠંડી દૂર કરી રહી હતી.
ફરી એકવાર અંતાક્ષરી ચાલું થઈ. આ વખતે રેના અને વિકી પણ રમવાંમાં જોડાયા. ખબર નહિ પણ આજે કેમ રેનાને એવું લાગતું હતું કે વિકી અંતાક્ષરીનું દરેક ગીત તેને અનુલક્ષીને જ ગાઇ રહ્યો છે. જો કે ક્યાંક ને ક્યાંક હતું પણ એવું જ. વિકીને દરેક ગીત જાણે રેના માટે જ ગાવું હોય એમ જ ગીતની પસંદગી થઈ જતી. હેપ્પી બેઠાં બેઠાં આ બધું જોઈ રહી હતી. જો કે આજે કઈ ન બોલવાનું જ નક્કી કર્યું હતું તેણે. પહેલા તે ખુદ ચોક્કસ થવા માંગતી હતી કે પોતે જે વિચારે છે એ સાચું છે કે ખોટું. ત્યારબાદ જ રેના સાથે વાત કરવી.
અચાનક જ ગ્રુપમાંથી ઘણા બધા લોકોએ વિકીને એકલાને જ ગીત ગાવા માટે કહ્યું પણ વિકીએ ના પાડી દીધી. બધાએ ખૂબ આગ્રહ કર્યો. અંતે રેનાએ પણ કહ્યું, "વિકી, તારો અવાજ ખૂબ જ સરસ છે યાર...બધા આટલું કેય છે તો ગાઇ લે ને એક ગીત." પછી તો વિકીથી ના પડાતી જ નથી ને!!!
"ઓકે...તમારા બધાનો આટલો આગ્રહ છે તો હું ગીત ગાઈ લઉં છું...બસ." આટલું કહેતાં તો બધા ખુશ થઈ ગયાં. એક છોકરાએ તો પોતાની પાસે રહેલી ખાલી પાણીની બોટલને માઇક બનાવીને વિકીના મોંઢા પાસે ધરી દીધી. આ જોઈ વિકી પણ હસી પડ્યો અને સાચે તેણે પણ બોટલનું માઇક બનાવી જ લીધું. બધા શાંતિથી બેસી ગયાં. વિકીએ આંખો બંધ કરી અને મનોમન જ વિચાર્યું કે કયું ગીત ગાવું અને તરત જ તેની સામે રેનાનો હસતો ચહેરો આવી ગયો. બંધ આંખે પણ તેના ચહેરા પર એક અનોખી સ્માઇલ આવી ગઈ.
વિકી મનોમન જ બોલ્યો, "તારા માટે તો એક જ ગીત હોય શકે રેના..." આમ કહી તેણે આંખો ખોલી અને એક નજર રેના પર નાંખી અને ગાવાનું શરુ કર્યું.
કિતના હસીન ચહેરા,
કિતની પ્યારી આંખે.....
વિકીના આટલા શબ્દો સાંભળીને બધાએ તાળીઓ વગાડી દીધી. પોતાને જ વિકી જોઈ રહ્યો છે એ જોઈ પહેલી વાર રેનાના ગાલ પર શરમનો શેરડો પડી ગયો. આ અવસ્થા જ એવી હોય છે કે વિજાતીય આકર્ષણ સ્વાભાવિક હોય છે. કોઈ આપણને પસંદ કરે કે આપણા વખાણ કરે એ આ ઉંમરની દરેક વ્યક્તિને ગમતું હોય છે. રેના પણ આજે એકીટશે વિકીને જોઈ રહી. આજ પહેલા તેણે વિકીને આટલો ધ્યાનથી ક્યારેય જોયો ન હતો. હેપ્પીની ભાષામાં કુપોષિત એવો થોડો પાતળો વિકી રેનાને આજે ખબર નહિ પણ મોહક લાગી રહ્યો હતો. ફરી વિકીનો અવાજ સંભળાયો.
કિતના હસીન ચહેરા,
કિતની પ્યારી આંખે,
કિતની પ્યારી આંખે હે..
આંખો સે છલકતા પ્યાર
કુદરત ને બનાયા હોગા
ફુરસત સે તુજે મેરે યાર....
( ક્રમશઃ)
શું ખરેખર રેનાને પણ વિકી સાથે પ્રેમ થઈ ગયો?
વિકી કરી દેશે પોતાના દિલની લાગણીઓ પ્રગટ?
જાણવા માટે વાંચતા રહેજો મિત્રો.