beware a new turn in a woman's life in Gujarati Women Focused by Sarika Sangani books and stories PDF | સાવધાન નારી જીવન નો નવો વળાંક

Featured Books
Categories
Share

સાવધાન નારી જીવન નો નવો વળાંક

 સેજલ બેટા ,  કોઈ કારણ તો કહે છોકરામાં એવી તે કઈ ખામી છે કે તને પસંદ નથી. મજાનો રૂડો રૂપાળો છે, સારું કમાય છે, નામાંકિત પરિવાર છે. તને વાંધો શું છે?  આજે અરુણભાઈ બરાબરના અકળાયા હતા.  સેજલ પણ તેટલુંજ અકળાતા ફરી બોલી, " બસ મને પસંદ નથી, તમે જબરદસ્તી ના કરશો.

સેજલ ,ના ના  ફક્ત સેજલ નહીં. " દ સેજલ શાહ" મલ્ટી નેશનલ કંપની માં પ્રોડક્શન ટીમ લીડર અને હવે જલ્દીજ પ્રમોશન થઈ પ્રોજેક્ટ હેડ બનવાની એની તૈયારી...સુંદર, સુશીલ અને  ઊજળી કારકિર્દી ધરાવતી સેજલ ના જીવન માં ભાગશાળી કહી શકાય અને  ઈર્ષ્યા થઈ આવે એવું બધુજ છે છત્તા તે જાત સાથે એક દ્વંદ યુદ્ધ રમી રહી છે. તેને  મન  એકજ વાત ની ભયંકર  ત્રાસદી છે અને તે એટલે " લગ્ન".

બધે હોંશભેર ભાગ લેનારી કેટ કેટલી પરીક્ષાઓમાં સફળતા હાંસિલ કરવાવાળી  સેજલ લગ્ન ના નામથી ઘબરાય છે અને દરેક છોકરાને " પસંદ નથી" એમ કહી ના પાડી દેય છે. અને મુખ્ય એટલે  આજકાલ આ કોઈ એકલ દોકલ સેજલ અને અરૂણભાઇ ના ઘરે નહીં પણ દરેક ઉંમરલાયક દીકરી વાળા  ઘરમાં આમજ થાય છે. દીકરીઓને હવે લગ્ન કરવા ગમતા નથી.

    એવું તે શું થયું કે છોકરીઓનો  સ્વભાવ આટલો બદલાઈ ગયો? લગ્નના નામે થનગનતી કે શરમાઈ જતી  છોકરીઓ જાણે લુપ્ત થઈ ગઈ. એની જગ્યાએ લગ્નને ધરાર ના પાડતી યુવતીઓની સંખ્યા વધી રહી છે. આવું કેમ થયું ? મૂળ રૂપે  સંશોધન કરો કે જરાક  પાંચ _ દસ  વર્ષનો ભૂતકાળ ફંફોળો તો તુરંત સત્ય સમજાઈ જશે અને તમે પણ કહેશો કે જોયું આખર  સ્ત્રી પુરુષોની ચાલબાઝી કળી ગઈ ને.

દસ થી પંદર વર્ષ પહેલાની સ્ત્રીઓ તરફ એક નઝર કરીએ, શું દેખાય ? ૨૦  માંથી ૧૮ ભણેલી પણ પગભર કેટલી તો ફક્ત ૩ .બાકી ઘણી તો વરજી  ના પૈસે રાજ  કરતી  દેખાય પણ ખરેખર કોઈ આ સ્ત્રીઓ ને પૂછો કે એમાંથી તારા પૈસા કેટલા? તો કેટલીક બહેનો  ના એકાઉન્ટ પણ નહીં હોય.ભણેલી થઈને પણ ઘરમાં રહેનારી, ઘરમાં રહી બાળકોને ઉછેરનારી એ દરેક સ્ત્રીએ આ સાંભળ્યું જ હશે કે "પૈસો કમાવા જાઓ તો ખબર પડે કે   ઘર કેમ ચલાવાય છે."  હું માનું છું પૈસા કમાવા સહેલા નથી પણ ઘર સાચવવું પણ સહેલું નથીજ . જી ભાવનાત્મક સંરક્ષણ ઘરમાં રહેનાર સ્ત્રી  આપે છે તેનો કોઈ મોલ નથી અને છત્તા તેનું  અપમાન કરવામાં કોઈ બાકી નથી રહેતું. ખુદ સ્ત્રી પણ જો નોકરી કે વ્યવસાય કરતી હોય કે પગભર હોય તો તે બીજી સ્ત્રીઓને જાણે અજાણે ઘણીવાર ઉતારી પાડે છે.

આ પરિસ્થિતિ ઝેન જી એ નજદીક થી જોઈ છે. પોતાની મા  કે માસી કે કાકી ને સબડતા જોઈ છે ..કોઈક ઘરોમાં તો ચૂપ રહીને મારઝૂડ પણ સહન કરતા જોઈ છે..ત્યારેજ આ ઘણું  સ્વાભાવિક છે કે આજની સમજદાર, પૈસાથી  પગભર છોકરીઓ આવી કફોડી જિંદગી જીવવા કરતા એકલું રહેવું વધારે પસંદ કરે. આખર લગ્ન એ શું તો ભણીગણી ને , વિવિધ કળાઓમાં પારંગત થઈને  એક બીજી પ્રૌઢ સ્ત્રી ના વયસ્ક દીકરાની મા થવા જવું  એમજ છે ને.  એ કોને ગમે. હા કઈક એમજ છે. આપણા  છોકરાઓ બસ મોટા થઈ જાય છે પણ તેમાંથી ભાગ્યેજ કોઈ જિમ્મેદાર પુરુષ નીકળે. છોકરાઓ પરણે એની પહેલા અને પરણે પછી પણ ઘરનો લાડકો કે મોટો કે ગુસ્સાવાળો કે ભોળો દીકરો જ  રહે છે. ઝટ પુરુષ નથી થઈ જતો. પણ તેની સામે છોકરી લગ્ન ના બીજી સવાર થી વહુ બની જાય છે,જેના પર જીમ્મેદારી હોય છે નવા ઘરની,, નવા લોકો સાથે તાલમેલ બેસાડવાની, સહુને ખુશ રાખવાની. ફક્ત અટક નહીં પણ ઘણુબધુ બદલાઈ જાય છે. ફક્ત એક રાતમાં તે મિસ મટી મિસેસ બની જાય. તેનો ગુસ્સો દાખવવાનો અધિકાર છીનવાઈ જાય. પરાણે મોઢું હસતું રાખવું જાણે તેની ફરજ બની જાય. પોતાને ભૂલી ઘરમાં બધાને ગમતું કરવું એજ તેનું જીવન થઈ  જાય.  અને હા હવે નવા જમાના પ્રમાણે પોતાની કેરિયર સાચવવાની જીમ્મેદારી પણ ખરીજ. 

તો બોલો છોકરીઓ લગ્નપ્રથા થી દૂર થાય એમ વાંક કોનો?  સમાજ ને મર્યાદાથી સાચવી રાખવું હોય તો હવે પુરૂષોએ પણ સમજવું પડશે. પિતૃસત્તાક પેટર્ન બદલો , હવે સ્ત્રીઓ પુરુષો ની ગુલામ રહેવા નથી માગતી. તેને કઈ પાર્ટીઓ કરવા આઝાદી નથી જોઈતી...કે ફાટેલા, અર્ધા ખુલ્લા જેવા કપડાં પહેરવા પણ આઝાદી નથી જોઈતી કે નથી શિકાયત કોઈના માટે  રાંધવા થી. ભણેલી સ્ત્રીઓ પતિના  પપ્પા મમ્મીની કાળજી લેવાથી પણ નથી ડરતી કે પીછેહઠ કરતી. તે ડરે છે તેના વારેઘડી થનાર અપમાન થી. તે પીછેહટ કરે છે કેમકે તે ધીરે ધીરે પછાત થવા નથી માંગતી. તે લગ્નબંધન માં નથી જોડાતી કેમકે તે પોતે અતૂટ રહેવા માંગે છે.

 હવે  આ રૂપાંતરિત સ્ત્રી  ત્વરિત તો નહીં બદલાય. એટલેજ  પુરુષોએ હવે ભણેલી અને પગભર સ્ત્રીઓ ને સાંભળવાની અને સંભાળવાની બંને કળાઓ શીખવી પડશે. નહીંતર વધારે  તકલીફ તમને જ પડશે. સ્ત્રી  તો તમારા વગર જીવતા શીખી રહી છે અને મહદ્અંશે શીખી પણ ગઈ છે. પછી "તેરા કયા હોગા કાલિયા?"

પુરુષોએ હવે તેને માન દેતા શીખવું જોઈએ. વર્ષોથી ઉપયોગ માં લીધેલ તમારી  ઘીસીપીટી લાઇન  " બાહર કમાવા જાઓ તો ખબર પડે" એ હવે નહીં સાંભળે..એને બાહર  કમાવવાની તમને પડે તેના કરતાં વધારે ખબર પડે છે." ચાલતી થા તારા પિયર " હમમ... ભાઈસાબ હવે તેને પોતાનું ઘર લેતા આવડે છે. પિયર  જવાની જરૂર નથી અને તમારા મેણા સાંભળી તમારા સાથે પણ રહેવાની જરૂર નથી. હવે પુરુષોએ આ સમોવડી સ્ત્રી સાથે તાલમેલ બેસાડવો જોઈએ. તે હવે ઝટ ઝૂકતી નથી,  મૂંગે મોઢે બધું ચલાવી લેતી નથી. જવાબ માંગે છે અને સવાલ પણ કરે છે.. અને આ બદલાવ સમાજ માટે સારોજ છે જો તમે પણ થોડાક બદલાવ. સ્ત્રી નું સ્ત્રીત્વ ક્યાંય નથી ગયું. તે ગંભીર ચેહરા પાછળ નિર્મળ સ્ત્રી સભર સંવેદનાઓ આજે પણ હયાત. છે. પણ ફક્ત યોગ્ય પુરુષ જ તેને સ્પર્શી શકે. બાકી બધાને સ્ત્રીઓ હવે વધુ ચાલક જ લાગશે. પણ જો તમે એની ભાવનાઓ સમજો, તેની જીમ્મેદારી માં ભાગીદાર બનો. તેને નવા વાતાવરણ માં એડજેસ્ટ થવાનો સમય આપો, તેના સમયાનુસાર તમારા રોજિંદી માં થોડા ફેરફાર કરવાની તૈયારી બતાવો.તેના કરિયર ની થોડી કાળજી તમે પણ રાખો, તેનાથી થોડી અપેક્ષાઓ ઓછી રાખો, પ્રેમ વધુ કરો. પછી જો આજની સ્ત્રી તો વધુ સમજણ સાથે વ્હાલ વરસાવશે. તે લગ્ન થી વિમુખ નથી થઈ.  પણ લગ્ન પછીની સ્ત્રી ની  અજાણે થનાર કફોડી સ્થિતિ ના કારણે લગ્ન થી ગભરાય છે.

ચાલો સમય રહેતા બાઝી સાચવી લઈએ." કુછ તુમ બદલો કુછ હમ બદલે ઓ ઢોલના" પુરુષ માનસિકતા માં જો બદલાવ આવશે તો આ ચેતવણી નું  " સાવધાન" " શુભ મંગળ સાવધાન " માં ફેરવાઈ જશે