૩૧. અણધાર્યો અકસ્માત
આદિત્ય રૉયે પ્રોફેસર મિશ્રાને ફોન કરી બધી વિગતો જણાવી. પ્રોફેસરે પણ સર્પ હ્ર્દય મેળવવા ઉત્સુક કેટલાક ખતરનાક ઈરાદા ધરાવતા શક્તિશાળી લોકો વિશે જણાવ્યું અને એમને ભારત પરત ફર્યા પછી
તેમના પરિવારને સંભવિત જોખમોનો ચિતાર આપી સર્પ હ્ર્દયની સુરક્ષા માટે હાલ પૅરિસમાં જ રહેવાની સલાહ આપી.
સાહસ, આદિત્ય તથા પ્રોફેસર મિશ્રાએ કેટલીક કાર્યવાહીઓ પૂર્ણ કરી અને રૉય પરિવાર પૅરિસમાં રહેવા લાગ્યો. 'Champ de Mars' અપાર્ટમેન્ટ એમનું નવું ઠેકાણું હતું. જોકે સાહસ ઈજિપ્ત પોતાના મિશન માટે પરત ફર્યો અને વ્યોમ રૉય હજુ ભારતમાં જ હતાં.
આ ઘટનાક્રમમાં બધું સમુસુતરું પાર પડ્યું પણ સમયનાં કોમળ માનસ પર થોડી અલગ અસર વર્તાઈ. જે ઉર્જાનો પ્રવાહ એનાં શરીરમાંથી પ્રવાહિત થયો હતો એણે હવે એને સ્મૃતિભ્રંશ આપ્યો. એ એનાં પરિવારને ઓળખતો હતો પરંતુ સર્પ હ્ર્દય અને તેની સાથે જોડાયેલી બધી જ ઘટનાઓ એ વિસારી ચૂક્યો હતો.
ડૉક્ટરનું કહેવું હતું કે એને ભૂલાઈ ગયેલી ઘટનાઓ યાદ ન કરાવવી. કદાચ એ દબાણ એનું મગજ સહન ન કરી શકે તો તે માનસિક આઘાત ઘાતક પણ બને. એટલે રૉય પરિવારે સર્પ હ્ર્દયની ગાથા ભૂલી જવાનો નિર્ણય લીધો.
આદિત્ય રૉયે પણ સર્પ હ્ર્દય કોઈ સુરક્ષિત સ્થળે સંતાડી દેવામાં જ માનવતાની ભલાઈ સમજી. એમણે ઈઝાબેલની મદદથી પૅરિસના વિવિધ ઐતિહાસિક સ્થળો અને સ્થાપત્યો વિશે માહિતી મેળવી, સંશોધનો કર્યા અને એ રીતે સર્પ હ્ર્દય માટે સુરક્ષિત જગ્યા સુનિશ્ચિત કરી છૂપાવી દીધું જેની નોંધ એમણે સાંકેતિક ભાષા તથા કોયડાઓ રૂપે પોતાની ડાયરીમાં નોંધી. એમણે કેટલીક ચાવીઓ, કસોટીઓ રાખી જે માત્ર રૉય પરિવારનો સદસ્ય ઉકેલી શકે. આ ડાયરી એમણે એમના દાદાની એક કલાત્મક જૂની પુરાણી અલમારીમાં સંતાડી તાળું લગાવી દીધું.
લગભગ ચારેક મહિના બાદ આદિત્ય રૉયને એક મેસેજ મળ્યો.
"આદિત્ય રૉય અમારી નજર છે તમારાં પર, એ વસ્તુ અમને આપી દો."
પહેલા તો એમણે આ સંદેશો અવગણ્યો પરંતુ, ધીમે ધીમે વધતાં જતાં આવાં સંદેશો સંદેશ મોકલનારના ગંભીર ઈરાદા તરફ અંગુલિનિર્દેશ કરી રહ્યા હતા.
એ લોકો હતા "ગાર્ડિયન ઑફ શૅડોઝ". ઘણાં બધાં સંગઠનોમાંનું એક જે સર્પ હ્ર્દય વિશે જાણતુ હતું અને એને પામવા માંગતું હતું.
એક દિવસ વ્યોમ રૉયને સંદેશ મળ્યો કે આદિત્ય અને સંધ્યાનો એક્સિડન્ટ થયો છે અને બંને હયાત નથી રહ્યાં. વ્યોમ રૉય માટે એ
ખૂબજ આઘાતજનક હતું. એ માનસિક રીતે ભાંગી પડ્યાં પરંતુ આઠ વર્ષનો સમય જે પૅરિસમાં માત્ર નોકરો સાથે એકલો હતો એનો વિચાર આવતાં હિંમત ભેગી કરી પૅરિસ પહોંચ્યા. દિકરા વહુની અંત્યેષ્ટિ કરી, નાનકડાં સમયને ગળે વળગાડી પોતાને સાન્ત્વન આપ્યું.
કેટલાંક લોકો જે આદિત્ય અને સંધ્યાને ઓળખતાં હતાં એ મળવાં આવ્યાં. એમાં ઈઝાબેલ પણ હતી અને એની સાથે એક માણસ પણ હતો જે શંકાસ્પદ હતો. વ્યોમ રૉયની અનુભવી આંખોથી ઈઝાબેલની અસ્વસ્થતા અને એ માણસની ઘરમાં ફરતી, ખૂણેખૂણો ફંફોસતી નજરો છૂપી ન રહી.
"આદિત્ય હમણાં પૅરિસના સ્થાપત્યો વિશે મારી સાથે સંશોધનો કરતાં હતાં, તેમનું એ અધૂરું કાર્ય પૂર્ણ કરવાં મારે એમનાં રિસર્ચ પેપર્સની જરૂર પડશે. તમને વાંધો ન હોય તો હું એ રિસર્ચ પેપર્સ લઈ જઈ શકું? એમનું અધૂરું કાર્ય પૂર્ણ કરવું એ જ મારે એમને આપેલી સાચી શ્રધ્ધાંજલિ હશે." ઈઝાબેલ બોલી.
"હા. આથી વિશેષ શું હોય. હું રિસર્ચ પેપર્સ કઢાવી રાખું છું, તમે કાલે આવી લઈ જજો." વ્યોમ રૉયે કહ્યું.
"ના ના... તમે તકલીફ ન લેશો. મને ખબર છે એમનાં રિસર્ચ પેપર્સ ક્યાં છે તે. આદિત્ય અને સંધ્યા બંને મારી ખૂબ નજીક હતાં. હું એ જાતે લઈ લઉં જો તમને વાંધો ન હોય." ઇઝાબેલ ઉતાવળે બોલી.
"મને શું વાંધો હોય બેટા. જાઓ લઈ લો." વ્યોમ રૉય ઈઝાબેલની અને તે વ્યક્તિની ચહેરાની વારંવાર બદલાતી રેખાઓ જોઈ બોલ્યાં.
ઈઝાબેલ એ વ્યક્તિ સાથે સ્ટડી રૂમમાં જઈ રિસર્ચ પેપર્સ લઈ આવી અને આભાર વ્યક્ત કરી જતાં રહ્યાં.
વ્યોમ રૉયને શંકા ગઈ. એ રાત્રે એમણે સ્ટડીમાં શોધખોળ આદરી પણ કંઈ ન મળ્યું. એ થાકીને આરામખુરશીમાં બેઠા. એમને એક ઝોકું આવ્યું અને નાનકડો આદિત્ય દેખાયો જે બાળપણમાં એમનાથી કેટલીક વસ્તુઓ અલમારીની ઉપર છૂપાવી દેતો. એમણે આંખ ખોલી સ્ટડીની બધી અલમારીના ઉપરનાં ભાગ ચૅક કર્યા. છેલ્લે એમનાં પિતાની જૂની અલમારી જે આદિત્યે જીદ કરી પૅરિસ મંગાવી હતી તેની ઉપર ચૅક કરતાં એમનાં હાથ કોઈ ચોંટેલી વસ્તુને અડ્યા. ટૅબલ પર ચઢી તપાસ કરતાં એક પૅનકેસ સેલોટૅપથી અલમારીને ચોટાડેલુ હતું. એમણે એ ખેચી કાઢ્યું.
સેલોટૅપ અલગ કરી પૅનકેસ ખોલતાં જ એક ચાવી નીચે પડી. ચાવી ઉઠાવી વ્યોમ રૉયે કેસ ફંફોસતા એક ચિઠ્ઠી મળી. એમાં લખ્યું હતું,
"એ લોકો એની પાછળ છે. સમયનૈ સાચવજો. કદાચ હું રહું ના રહું પણ આ ચાવી માર્ગદર્શન કરશે. યોગ્ય સમયે યોગ્ય વ્યક્તિને આપજો."
વ્યોમ રૉય જાણી ગયા કે આ ચિઠ્ઠી એમનાં માટે જ હતી. એમણે ચાવીનુ તાળું શોધવાનું શરૂ કર્યું. જૂની અલમારીનાં જમણી બાજુએ છેલ્લાં ખાનાં પર એમની નજર પડી, એમણે તાળું ખોલ્યું અને ડાયરી કાઢી. પાનેપાનું વાંચ્યું અને સમજી ગયાં કે આ કોઈ સામાન્ય અકસ્માત નહોતો પણ હત્યા હતી. ઈઝાબેલ જ કદાચ એ વિશ્વાસઘાતી હતી. એમનું મન તો બદલો ઈચ્છતું હતું પણ 'સમયને સાચવજો.' એ વાક્ય એમને વાસ્તવિકતામાં લાવ્યું. સમયની સુરક્ષા સર્વોપરી હતી.
એક ક્ષણે એમણે સમયને લઈ ભારત પરત ફરવાનું વિચાર્યું પણ બીજી જ ક્ષણે આદિત્ય અને સંધ્યાનાં હત્યારાને શોધવાનો તથા એક મહાન કાર્ય માટે એમણે આપેલાં બલિદાન વ્યર્થ ન જાય એ નિર્ધાર સાથે પૅરિસમાં જ રહેવાનો નિર્ણય લીધો. એમણે બધી વસ્તુઓ યથાયોગ્ય સ્થાને ફરી મૂકી દીધી અને કંઈ ખબર જ ન હોય તેમ રોજીંદી જિંદગી શરૂ કરી. તેઓ સમયને હંમેશાં હસતો અને ખુશ રાખવાનો પ્રયાસ કરતાં. એ માટે એમણે સ્ટડી રૂમ જ્યાં સંધ્યા અને આદિત્ય સૌથી વધુ સમય વીતાવતા ત્યાં તાળું લગાવી ત્યાં જવા પ્રતિબંધ લગાવી દીધો.
બીજી તરફ એ વારંવાર સાહસને સંપર્ક કરવાનો પ્રયાસ કરતાં પણ સાહસ તરફથી ન કોઈ પ્રતિસાદ મળતો ન એની કોઈ ખબર મળતી. છેલ્લે એનાં સાથીઓ પાસેથી એટલું જ જાણવા મળ્યું કે એ કોઈ પિરામિડમાં સંશોધન કરતો હતો પણ બહાર જ ન આવ્યો. ટીમે ઘણી શોધખોળ કરી પણ એ ન મળ્યો.
બબ્બે આઘાત સાથે એમણે જીવવાનું હતું એમની એકની એક મૂડી એવાં સમય માટે. તે દિવસથી વ્યોમ રૉય સમયનાં દાદુની સાથે સાથે મા-બાપ, ભાઈ, મિત્ર બધું જ બની ગયાં.
_______________________
(વર્તમાન સમય)
"દાદુ, આઈ લવ યુ. તમે મારા માટે કેટલું કર્યું. તમારું આ ઋણ હું કઈ રીતે ચૂકવીશ!" સૅમ ભાવુક થઈ બોલ્યો.
"ના દિકરા. ઋણ શાનું? તું તો મારી મૂડીનું વ્યાજ. જો હું ન સાચવત તો કોણ સાચવતે! દાદાને તો વ્યાજ બહું વ્હાલું હોય. તું તો મારી દુનિયા છે. છતાં તું એમ માનતો હોય કે ઋણ ચૂકવવું જોઈએ તો તે એ ઋણ ચૂકવી દીધું છે આદિત્યનું અધૂરું કાર્ય પૂર્ણ કરી ને." વ્યોમ રૉયે સૅમના ગાલે હાથ મૂકી કહ્યું.
"પણ દાદુ, એક વાત ન સમજાઈ, ચાવી તમારી પાસે હતી તો એ ચર્ચમાં કંઈ રીતે પહોંચી ને મને જ કેમ મળી?" સૅમે પ્રશ્ન કર્યો.
"કારણકે મેં જ એને ત્યાં મૂકી હતી." દાદુએ કહ્યું.
"ધારોકે હું ત્યાં ન ગયો હોત કે બીજું કોઈ ગયું હોત તો!"
"અરે હોઈ કંઈ! ફુલ પ્રુફ પ્લાન હતો. અલબત્ત બીજું કોઈ તો જાત જ નહીં અને તને તો કોઈપણ બહાને ત્યાં લઈ જ જવાનો હતો. બાય ધ વે, તને ત્યાં જતાં જોઈને જ તારી પહેલા જઈ મેં એ ડબ્બી મૂકી હતી." દાદુએ ફોડ પાડ્યો.
"પણ આટલા સમય સુધી કેમ ન આપી ચાવી?!"
"કારણકે આ જ યોગ્ય સમય હતો. બીજું કે મને ખબર નહોતી કોણ આ કાર્ય માટે પસંદગી પામ્યું છે - તું કે સાહસ. પણ પછી તને વારંવાર આવતું સ્વપ્ન જ બતાવતું હતું કે સર્પન્ટ હાર્ટ તને જ બોલાવે છે." દાદુએ સ્મિત સાથે સમજાવ્યું.
"યુ આર ટુ સ્માર્ટ દાદુ." સૅમે દાદુના ગાલ ખેંચતા કહ્યું.
"પણ હવે આપણે વધુ સાવધાન રહેવું પડશે. 'ગાર્ડીયન્સ ઑફ શૅડોઝ' શાંત નહીં રહે. એ સર્પન્ટ હાર્ટ માટે પાછા જરૂર આવશે, કોઈ નવી રણનીતિ સાથે. ખબર નહીં ભવિષ્યનાં ગર્ભમાં શું છૂપાયેલું હોય." દાદુ ગંભીરતાથી બોલ્યા.
અને બારી પાસેથી એક પડછાયો ઝડપથી પસાર થઈ ગયો.
(ક્રમશઃ)