Roy - The Prince Of His Own Fate - 35 in Gujarati Fiction Stories by મૃગતૃષ્ણા mrigtrushna" books and stories PDF | રૉય - ધ પ્રિન્સ ઓફ હિઝ ઑવ્ન ફૅટ - 35

Featured Books
  • પંચાયત - ભાગ 5

    ચૂંટણી અધિકારીની ઓફિસમાં ભારે તણાવ હતો. બહાર સેંકડો લોકો એકઠ...

  • રઘુવંશ - ભાગ 3

    "જેના નામ પરથી આ ધરા 'પૃથ્વી' કહેવાઈ, એ પ્રથમ ચક્રવર...

  • પત્ર

    વહાલા પપ્પા આજે પાંચ વર્ષ પછી તમારી સામે દિલ ખોલીને વાત કરવા...

  • સફળતા?? - 3

    રોહનને અટકાવતા કહ્યું , “હા ! મને ખબર છે  , પણ મારે હવે તારા...

  • સરકારી પ્રેમ - ભાગ 28

    પરિક્ષા ના દિવસે સવારે જ મધુકર મહેચ્છા ને બધું જ ભુલી સાવ સા...

Categories
Share

રૉય - ધ પ્રિન્સ ઓફ હિઝ ઑવ્ન ફૅટ - 35

"આંખો ઉઘડે તો નજારા દેખાય,
દ્રષ્ટિ ઉઘડે તો સપનાં દેખાય;
દ્રષ્ટિકોણ ઉઘડે તો સત્ નાં દર્શન થાય,
બાકી આ ક્ષણ તો ધુંધળી જ રહેશે કારણ;
કે પાંપણના પલકારા દર્પણમાં જોઈ નથી શકાતાં."

- મૃગતૃષ્ણા 
___________________

૩૫. ઓળખ અને અસમંજસ

ધારાના ગયા પછી, વ્યોમ રૉય અને સૅમ વચ્ચે એક ભારે મૌન છવાઈ ગયું. સૅમની નજર ઝુકેલી હતી. એ દાદુનો સામનો નહોતો કરી શકતો.
"તેં મારો વિશ્વાસ તોડ્યો, સૅમ," વ્યોમ રૉયનો અવાજ દુઃખ અને નિરાશાથી ભરેલો હતો. એમાં ગુસ્સો નહોતો, જે સૅમને વધુ ખૂંચી રહ્યો હતો.

"દાદુ, હું..."

"ચૂપ," વ્યોમ રૉયે એને અટકાવ્યો. "મારે જાણવું છે કે તું એ રૂમમાં કેમ ગયો? અને સાચું કહેજે. યાદ રાખજે, આ છોકરી વિશે હું તને ચેતવી ચૂક્યો છું."
સૅમે પાણી ઢોળાવાથી માંડીને ધારાની વિનંતી સુધીની બધી વાત કરી. જેમ જેમ એ બોલતો ગયો, તેમ તેમ એને પોતાની ભૂલ સમજાતી ગઈ. એને સમજાયું કે ધારાએ કેવી ચતુરાઈથી પરિસ્થિતિનો લાભ ઉઠાવ્યો હતો.

"અને ચાવી?" વ્યોમ રૉયે પૂછ્યું.

"એ... એ તો ધારા પાસે છે," સૅમે માથે હાથ દઇને ધીમેથી કહ્યું.

વ્યોમ રૉયે આંખો બંધ કરી દીધી. એમના ચહેરા પર ચિંતાની રેખાઓ વધુ ઊંડી થઈ ગઈ. "સૅમ, તું જેને એક ભોળી કલાપ્રેમી સમજે છે, એ ખૂબ જ ખતરનાક છે. એ આપણા ઘરમાં કોઈ પુસ્તક માટે નહીં, પણ કોઈ બીજી જ વસ્તુ માટે આવી છે. એક એવી વસ્તુ જેના માટે તારા માતા-પિતાએ પોતાનો જીવ આપ્યો."

"એટલે તમારો મતલબ છે કે....." સૅમ સ્તબ્ધ થઈ ગયો.

"હા. તું બરાબર સમજ્યો." દાદુ એને અટકાવી વચ્ચે જ બોલ્યાં.

વ્યોમ રૉયે નક્કી કર્યું કે હવે સમય આવી ગયો છે. સૅમને અડધું-પડધું સત્ય કહેવાથી કામ નહીં ચાલે. એને બધું જ જણાવવું પડશે. એ ઊભા થયા. "મારી સાથે આવ."

એ સૅમને પોતાના રૂમમાં લઈ ગયા. એમણે પોતાની તિજોરી ખોલી અને તેમાંથી એક જૂની, ચામડાના પૂંઠાવાળી ડાયરી કાઢી. આ આદિત્ય રૉયની ડાયરી નહોતી. આ વ્યોમ રૉયની પોતાની ડાયરી હતી, જેમાં એમણે છેલ્લાં ઘણાં વર્ષોની ઘટનાઓ, પોતાની શંકાઓ અને તપાસની નોંધ કરી હતી.

"આ વાંચ," એમણે ડાયરી સૅમના હાથમાં મૂકી.
સૅમે ધ્રૂજતા હાથે ડાયરી ખોલી. એમાં 'ગાર્ડિયન ઑફ શૅડોઝ'નો ઉલ્લેખ હતો, આદિત્ય અને સંધ્યાના કહેવાતા 'અકસ્માત' પાછળની શંકાઓ હતી, ઈઝાબેલના વિશ્વાસઘાતનો ઉલ્લેખ હતો, અને સર્પ હ્ર્દય વિશેની થોડી માહિતી હતી. એમાં ધારા મહેતાના બનાવટી અસ્તિત્વ અને તેના પર રાખવામાં આવેલી નજર વિશે પણ લખેલું હતું.

જેમ જેમ સૅમ પાનાં ફેરવતો ગયો, તેમ તેમ એના પગ નીચેથી જમીન સરકતી ગઈ. જે છોકરીને એ પોતાનો સૌથી નજીકનો મિત્ર માનતો હતો, એ દુશ્મન હતી. એનું આખું જીવન, એની આસપાસની દુનિયા, બધું જ એક જૂઠાણા પર ટકેલું હતું.
"તો એ સર્પ હ્ર્દય માટે આવી છે!" એણે પૂછ્યું.

"હા. એ એક એવી શક્તિ માટે આવી છે જે દુનિયાને બનાવી પણ શકે છે અને મિટાવી પણ શકે છે. તારા પિતાએ એને ખોટા હાથોમાં જતાં બચાવવા માટે છુપાવી દીધું હતું. જે તને મળ્યું. 'ગાર્ડિયન ઑફ શૅડોઝ' એને શોધવા પાછા આવશે જ એની ખાતરી આપણને હતી જ પણ આટલાં જલ્દી અને આવી રીતે એ ધાર્યું નહોતું. ધારા એમનું હથિયાર છે."

સૅમના મગજમાં બધું ગોઠવાઈ રહ્યું હતું. ધારાનો અસાધારણ આત્મવિશ્વાસ, એની લડવાની કુશળતા, એની જિજ્ઞાસા. બધું જ એક નાટક હતું. એના દિલમાં ગુસ્સો અને વિશ્વાસઘાતનો જ્વાળામુખી ફાટ્યો. પણ એના કરતાં પણ વધારે, એના માતા-પિતા માટે પ્રેમ અને ગર્વની લાગણી જન્મી. એમણે એક મહાન કાર્ય માટે બલિદાન આપ્યું હતું.

"હવે આપણે શું કરીશું, દાદુ?" સૅમે મક્કમ અવાજે પૂછ્યું. એની આંખોમાં હવે ભોળપણ નહિ, પણ એક લડવૈયાની આગ હતી.

"હવે આપણે રમત રમીશું, પણ આપણા નિયમોથી," વ્યોમ રૉયે કહ્યું. "ધારા પાસે સ્ટડી રૂમની ચાવી છે. એ પાછી જરૂર આવશે. એને લાગવું જોઈએ કે એ આપણને મૂર્ખ બનાવી રહી છે. આપણે એને ડાયરી સુધી પહોંચવા દઈશું."

"પણ દાદુ, ડાયરી તો..."

"અસલી ડાયરી નહીં," વ્યોમ રૉયની આંખોમાં એક ચમક આવી.
"એક નકલી ડાયરી. મેં આ દિવસ માટે જ તૈયારી કરી રાખી હતી. આદિત્ય અને સંધ્યા જેટલી નહીં પણ થોડીઘણી સાંકેતિક ભાષા હું જાણું છું. મેં એક એવી જ ડાયરી તૈયાર કરી છે જેમાં ખોટા કોયડા અને ખોટા નકશા છે. એ તેમને એવા સચોટ પરંતુ ભ્રમિત રસ્તે લઈ જશે જયાં એમને કંઈ નહીં મળે. પણ આપણને સમય જરૂર મળશે 'ગાર્ડિયન્સ ઑફ શૅડોઝ'થી લડવાની રણનીતિ ઘડવાનો.."

બીજી તરફ, ધારા પોતાના ફ્લેટમાં બેચેન હતી. એના હાથમાં સ્ટડી રૂમની ચાવી હતી, પણ એના મનમાં વ્યોમ રૉયનો શાંત ચહેરો અને સૅમની આહત આંખો ઘૂમી રહી હતી. 'ગાર્ડિયન ઑફ શૅડોઝ'નો નિયમ હતો - લક્ષ્ય સાથે ક્યારેય ભાવનાત્મક રીતે જોડાવવું નહીં. પણ આજે, સૅમની આંખોમાં દેખાયેલો વિશ્વાસ અને પછી વ્યોમ રૉયના ચહેરા પર દેખાયેલી નિરાશાએ એના દિલમાં કંઈક હલાવી નાખ્યું હતું.

એણે બધાં વિચલિત કરતાં વિચારો ખંખેરી પોતાના માસ્ટરને રિપોર્ટ કર્યો.

"ચાવી મારી પાસે છે. મને લાગે છે કે વૃદ્ધને શંકા છે, પણ છોકરો હજુ પણ મારા પ્રભાવમાં છે. મને એક તક જોઈએ છે, જ્યારે ઘરમાં કોઈ ન હોય." એ બોલી.

"તો તક શોધ નહિં તો ઉભી કર." પડછાયાનો કર્કશ અવાજ આવ્યો. "પણ યાદ રાખજે, ધારા. આ તારી છેલ્લી તક હોઈ શકે છે. ડાયરી લઈને આવ, નહિંતર..."
વાક્ય અધૂરું રહ્યું, પણ ધમકી સ્પષ્ટ હતી.

ધારાએ લેપટોપ બંધ કર્યું. એના હાથ ઠંડા પડી ગયા હતા.
પહેલીવાર એને પોતાનું મિશન એક બોજ લાગી રહ્યું હતું. એને સૅમનો ચહેરો યાદ આવ્યો. એની સાથે વિતાવેલી શુદ્ધ પળો યાદ આવી.  વ્યોમ રૉય જેવા પીઢ કલાકારનો આજનો વૃદ્ધ નિરાશ ચહેરો યાદ આવ્યો. શું સર્પ હ્ર્દય આટલું કીમતી હતું કે એના માટે એક નિર્દોષ હ્ર્દય વાળા વ્યક્તિની લાગણીઓ અને વિશ્વાસને કચડી નાખવામાં આવે?
એના અંદરનો સંઘર્ષ હવે ચરમસીમાએ પહોંચી રહ્યો હતો. એક તરફ એની વર્ષોની તાલીમ અને સંગઠન પ્રત્યેની વફાદારી કરતાં પણ એક મોટી જવાબદારી હતી, અને બીજી તરફ એક નવી, અજાણી પણ તીવ્ર લાગણી હતી. આ કદાચ સૅમના શુદ્ધ હ્રદય સાથે જોડાયેલા સર્પ હ્ર્દયની અસર હતી.

એને ખબર ન હતી કે આવનાર સમય એના જીવનનો સૌથી નિર્ણાયક સમય બનવાનો હતો, જ્યાં એને સત્ય અને જૂઠાણા, કર્તવ્ય અને લાગણી વચ્ચે એક પસંદગી કરવાની હતી.

સૅમ અને વ્યોમ રૉયે હવે પોતાની ભૂમિકાઓ ભજવવાનું શરૂ કરી દીધું હતું. સૅમ બીજા દિવસે જ્યારે ધારાને મળ્યો, ત્યારે એણે એવી રીતે વર્તન કર્યું જાણે એ દાદુ પર ગુસ્સે હોય અને ધારા પ્રત્યે સહાનુભૂતિ ધરાવતો હોય.
"દાદુ નારાજ છે. એમણે મારી સાથે ખૂબ ઝઘડો કર્યો," સૅમે નિરાશ ચહેરે કહ્યું.
"એમને લાગે છે કે મેં એમનો વિશ્વાસ તોડ્યો. પરંતુ મને પણ મારા પિતાનો વારસો જાણવા અને જાળવવામાં રસ છે એ, એ કેમ નથી સમજતાં! અને એમને તારા પર પણ શંકા છે."

ધારાએ પરિસ્થિતિનું મૂલ્યાંકન કર્યું. આ એના માટે ફાયદાકારક હતું. જો સૅમ પોતાના દાદાથી વિમુખ થાય, તો એનું કામ વધુ સરળ બની જશે.

(ક્રમશઃ)