સૌથી જાણીતો પ્રાચીન ધ્વજ કુરુક્ષેત્રના
યુદ્ધ વખતનો કપિધ્વજ હતો. અર્જુનના રથ
પર લહેરાતા એ ધ્વજ પર કપિરાજ
હનુમાનનું ચિત્ર હતું. આ ધજા દ્વારા
રામાયણને મહાભારત જોડે સાંકળતી કથા
એ છે કે રામેશ્વરના દર્શને ગયેલા અર્જુને
હનુમાનના મુખેથી રામચરિત્ર સાંભળ્યું.
કથાના અંતે તેણે હસીને કહ્યું કે, ‘તમે
વર્ણવ્યા જેટલું રામનું જો સામર્થ્ય હોય તો
લંકા પહોંચવા માટે તેમણે બાણ વડે સેતુ કેમ
ના બાંધ્યો ?’ હનુમાને જવાબ દીધો : ‘બાણ
ભાંગી જાય, માટે રામનામના પથ્થરો જ
વાપરવામાં આવ્યા.'
ધનુર્વિદ્યાના પારંગત અર્જુને બાણનો
અતૂટ સેતુ બાંધી દેખાડવાનો ગર્વભેર દાવો
કર્યો અને રખે તૂટી જાય તો ચિતા પર બેસી
અગ્નિસ્નાન કરવાનું સામેથી કબૂલ્યું.
હનુમાને કહ્યું કે : ‘માન કે હું સેતુને ન ભાંગી
શકું તો હંમેશ માટે તારી ધજા પર બેસી તને
આધીન રહેવા તૈયાર છું.’ અર્જુને બાણસેતુ
બાંધ્યો. હનુમાને કૂદકો મારી તે ભાંગી
નાખ્યો. અર્જુને લાકડાં એકઠાં કર્યાં અને
સળગાવ્યાં. વચન મુજબ અગ્નિસ્નાન માટે
તેમાં પ્રવેશવાની તૈયારી કરી એવામાં શ્રી
કૃષ્ણએ બ્રાહ્મણના સ્વરૂપે આવી બધી વાત
સાંભળી અને કહ્યું : ‘તમારા વાર્તાલાપનું
સાક્ષી કોણ છે ? કોઇ નથી, એટલે મારી
હાજરીમાં ફરી સેતુ રચાય અને ભાંગે એ
જરૂરી છે.' અર્જુને બાણ વડે ફરી સેતુ
બાંધ્યો. શ્રી કૃષ્ણએ તેની નીચે છૂપી રીતે
સુદર્શન મૂક્યું, એટલે હનુમાનથી એ તૂટ્યો
નહિ. બ્રાહ્મણના સ્વાંગમાં આવેલા શ્રી
કૃષ્ણએ ત્યારે હનુમાનને કહ્યું : ‘અર્જુનની
ધજા પર બેસી તેને સહાય કરજો.’
આને માત્ર પુરાણકથા ગણો તો પણ
ભારતમાં ધજાની એટલે કે ધ્વજની
પ્રણાલિકા બહુ દૂરના ભૂતકાળમાં
આરંભાયાનો પુરાવો તેમાં મળે છે.
કુરુક્ષેત્રના યુદ્ધ વખતે માત્ર અર્જુન નહિ,
પરંતુ બધા પાંડવો તથા અગ્રગણ્ય કૌરવો
ચોક્કસ પ્રકારના ચિહ્નવાળી ધજા પોતાના રથ
પર લહેરાવતા એવી સ્પષ્ટ નોંધ મહાભારત
ગ્રંથના ‘દ્રોણપર્વ’માં છે. દાખલા તરીકે ભીમે
સિંહનું, કર્ણએ હાથીનું, સહદેવે હંસનું,
જયદ્રથ સુવરનું, દ્રોણે કમંડલનું, ઘટોત્કચે
ચક્રનું, યુધિષ્ઠિર ચંદ્રનું અને દુર્યોધને સર્પનું
ચિત્ર ધજા માટે પસંદ કર્યું. અનેક વર્ષો બાદ
પલ્લવ રાજવંશે ગોધાની આકૃતિવાળો
રાજધ્વજ અપનાવ્યો, જ્યારે દક્ષિણના
ચાલુક્ય શાસકોએ દંતૂશળ ધરાવતા સુવરના
ચિત્રવાળા ધ્વજને રાજધ્વજ તરીકે માન્યતા
આપી. ગુપ્તવંશના રાજવીઓ વિષ્ણુભક્ત,
એટલે તેમણે એ દેવના વાહન ગરુડનો
ધ્વજમાં સમાવેશ કર્યો.
મહાભારત પછીના અરસામાં પણ
ધ્વજ શાંતિકાળ દરમ્યાન સત્તાના અને
યુદ્ધકાળ દરમ્યાન સામર્થ્યના પ્રતીક તરીકે
વપરાતો રહ્યો, એટલે તે સર્વોચ્ચ ગરિમા
ધારણ કરે એ સ્વાભાવિક હતું. લડાઈ
વખતે દુશ્મનના લહેરાતા ધ્વજ પર તીરો
ચલાવી તેને ચીથરેહાલ કરવો અને જીત્યા
બાદ તેને પગ તળે રગદોળી પોતાનો ધ્વજ
લાંબી કાઠીએ ફરકાવવો એ રસમ કાયમી
બની. ઇ.સ. ૧૫૨૬માં હુમલાખોર બાબરે
ઇબ્રાહિમ લોદીને પાણીપતના મેદાન પર
હરાવ્યા પછી દિલ્લીમાં મોગલ
સત્તા દર્શાવતો પોતાનો ધ્વજ
સ્થાપ્યો. ભારતમાં
આવેલો સર્વપ્રથમ પરદેશી
ધ્વજ જો કે બાબરનો ન હતો.
ધ્વજનો ઉપયોગ યુદ્ધમાં થતો તે
ઉપરાંત જગતના વણખેડાયેલા
પ્રદેશોની ખોજ માટે નીકળતાં
યુરોપી વહાણવટીઓ પણ ધ્વજ
વાપરતા હતા અને નવી શોધાતી
ભૂમિ પર ખોડી પોતાના દેશનું
આધિપત્ય જાહેર કરતા હતા. ઇ.સ.
૧૪૯૮માં પોર્ટુગાલનો વાસ્કો દ ગામા
Flag of the Order નામનો ધ્વજ ભારત
લાવ્યો. સાત વર્ષ પછી ૧૫૦૫માં ગોવા જીતીને
પોર્ટુગિઝોએ ત્યાં પોતાની સત્તાના પ્રતીક
સમાન વાવટો ખોડી દીધો. વિદેશી ધ્વજ
ભારતભૂમિ પર લહેરાયાની એ પ્રથમ ઘટના
હતી. ભારતને તે અરસામાં પોતાની ઓળખ
માટેનો રાષ્ટ્રધ્વજ ન હોય એ તો દેખીતી
વાત હતી, કારણ કે સંગઠિત રાષ્ટ્ર તરીકે
ભારતનું અસ્તિત્વ જ ન હતું. વિજયનગર,
માળવા, કલિકટ, ગોલકોન્ડા, મેવાડ વગેરે
સ્વાયત્ત રાજ્યોમાં ભારતભૂમિ વહેંચાયેલી
હતી. વીસમી સદીના પૂર્વાર્ધમાં સરદાર પટેલે
ભારતના સર્જન માટે સૌ દેશી રાજ્યોને
એકસૂત્રે બાંધવાનું શરૂ કર્યું ત્યારે વિશિષ્ટ
શૈલીનો કયો રાષ્ટ્રધ્વજ અપનાવવો તે પણ
લાંબા વિવાદના અંતે નક્કી થવાનું હતું.
ઇ.સ. ૧૬૦૫માં ડચ ઇસ્ટ ઇન્ડિયા
કંપનીનો લાલ, સફેદ અને ભૂરા પટ્ટાવાળો
ત્રિરંગી ધ્વજ દક્ષિણ ભારતના અમુક
પ્રદેશોમાં લહેરાતો થયો. નેધરલેન્ડનો તે
રાષ્ટ્રધ્વજ હતો. તફાવત માત્ર એ કે વચ્ચે
VOC (Vereeingde Oostindische
Compagnie) એવા ડચ પ્રથમાક્ષરો
હતા. (અંગ્રેજીમાં થતો અર્થ The United
East India Company એવો હતો.
આ ટ્રેડિંગ કંપનીનો ભારતમાં બહુ ગજ
વાગ્યો નહિ, પરંતુ ત્રણ વર્ષ બાદ ‘હેક્ટર’
નામનું પ્રથમ વહાણ જેણે કેપ્ટન વિલિયમ
હોકિન્સની આગેવાની હેઠળ સુરત મોકલ્યું
તે ઇગ્લિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીનો પગદંડો
વર્ષો સુધી ભારતમાં ટકી રહેવાનો હતો.
‘હેક્ટર’ના આગમન વખતે આપણે ત્યાં
બાદશાહ જહાંગીરનું રાજ હતું. વિલિયમ
હોકિન્સ પોતાની સાથે St. George's
Cross નામનો ધાર્મિક મહિમાનો ધ્વજ
લેતો આવ્યો, જેમાં સફેદ બેકગ્રાઉન્ડ પર
વત્તાની નિશાની જેવું લાલ ક્રોસનું ચિહ્ન
હતું. ઇંગ્લેન્ડે તે ધ્વજ છેક ૧૧૯૦માં
અપનાવ્યો હતો, પણ રાષ્ટ્રધ્વજ તરીકે નહિ.
ભૂમધ્ય સમુદ્રમાં જે અંગ્રેજ વહાણો પ્રવેશવા
માગતાં હોય તેમને પરવાના તરીકે આવો
ધ્વજ ફરકાવવાનો અધિકાર મળતો હતો.
ઇંગ્લેન્ડને પોતાનો સત્તાવાર રાષ્ટ્રધ્વજ ન
હતો આજે પણ નથી. યુનિઅન જેક
કહેવાતો હાલનો ધ્વજ જાન્યુઆરી ૧, ૧૮૦૧ના દિવસે તૈયાર કરવામાં આવ્યો.
ઇંગ્લેન્ડ, સ્કોટલેન્ડ તથા આયર્લેન્ડ એમ ત્રણ
દેશોએ ભેગા મળી યુનાઇટેડ કિંગ્ડમ/U.K.
નામનું સંગઠન અર્થાત્ યુનિઅન રચ્યું હતું.
ધ્વજમાં ત્રણેયને પ્રતિનિધિત્વ મળે એ માટે
ઇંગ્લેન્ડનો સેન્ટ જ્યોર્જિસ ક્રોસ સ્કોટલેન્ડનો ક્રોસ ઓફ સેન્ટ એન્ડ્ર્યુ અને આયર્લેન્ડનો ક્રોસ ઓફ
સેન્ટ પેટ્રિક એ ત્રણ ધ્વજોનો
સમન્વય યોજીને સંયુક્ત યુનિઅન જેક
બનાવવામાં આવ્યો.
ભારતમાં ૧૮૫૭ના સ્વાતંત્ર્યસંગ્રામ
પછી ઇસ્ટ ઇન્ડિયા કંપનીનું વ્યાપારી
લાઇસન્સ રદ કરાયું અને બ્રિટિશ સરકારે
શાસન સંભાળ્યું ત્યારે યુનિઅન જેક તેના
સામ્રાજ્યવાદનો કુખ્યાત સિમ્બોલ બન્યો.
યુનિઅન જેકની પ્રથમ આવૃત્તિનો ધ્વજ
યુનિઅન ફ્લેગ કહેવાતો, જેને ઉત્તુંગ રીતે
ફરકતો રાખવા મદ્રાસ પ્રાંતના અંગ્રેજ
ગવર્નરે ફોર્ટ સેન્ટ જ્યોર્જ નજીક ૪૫.૭
મીટર (૧૫૦ ફીટ) ઊંચો સ્તંભ ખોડાવ્યો
હતો. ભારતનો તે સર્વોચ્ચ ફ્લેગમાસ્ટ
હતો. લાકડાનો હોવાને લીધે વખત જતાં તે
મજબૂતી ગુમાવી બેઠો અને તાર વડે ટટ્ટાર
રીતે ટેકવી રાખ્યા છતાં ભરોસાપાત્ર ન રહ્યો,
એટલે ૧૯૯૪માં તેને નાબૂદ કરી એવો જ
ધાતુનો થાંભલો ખડો કરવામાં આવ્યો.
બ્રિટિશ શાસનના અરસામાં પરાધીન
ભારતીયોના પક્ષે ફક્ત બે જાતના ધ્વજનું
ચલણ હતું. એક પ્રકાર એ કે જે ધર્મનો સૂચક
હતો. એકેય હિંદુ મંદિર ઘેરા લાલ રંગની ત્રિકોણાકાર ધજા વગરનું ન હોય એટલું જ નહિ, પણ જગન્નાથ અને દ્વારકા જેવાં
વધુ મહિમાવાળાં કેટલાંક મંદિરો પર દાતા
ભક્તોના નામે ધજા ચડાવવાનો ધારો હતો.
ભક્ત અમુક માતબર રકમનું મંદિરના કોષ
માટે દાન આપે, એટલે વ્યવસાયી આરોહકો
તેના નામે ઘૂમ્મટ પર ધજા ચડાવી આપતા
હતા. શીખોએ ઘેરા પીળા
રંગનો નિશાન સાહેબ નામનો પ્રતીકાત્મક
ધ્વજ અપનાવ્યો હતો, જેના કેંદ્રીય ભાગે
સામસામી બે તલવારોનું અને કિરપાણનું ચિહ્ન હતું. શીખ મહારાજા રણજિતસિંહનું
સૈન્ય દરેક યુદ્ધ નિશાન સાહેબ દ્વારા પ્રેરણા
મેળવીને લડ્યું હતું અને જીત્યું પણ હતું.
અંગ્રેજોની હકૂમત વખતે ભારતીયોના
પક્ષે વપરાતા બીજી જાતના ધ્વજ એ કે જેમને દેશી રાજ્યોએ પોતાની સત્તાના ઔપચારિક ચિહ્નરૂપે તૈયાર કરાવ્યા હતા.
ભારતને આઝાદી મળી ત્યારે
એ વિવાદનો અને ચર્ચાનો વિષય બન્યો.
નિઝામ પોતાના રાજ્યને ભારતમાં વિલીન
કરવા માગતા ન હતા, એટલે તેમણે
ફરમાન બહાર પાડ્યું કે રાજ્યમાં વિદેશી
ધ્વજ ફરકાવવો નહિ. ફરમાનનો અનાદર
કરી જે વ્યક્તિ એવો ધ્વજ લહેરાવે કે
પછી એવા ધ્વજને સલામી આપે તેણે
જુર્માનો ભરવા ઉપરાંત જેલની સજા માટે
તૈયાર રહેવાનું હતું. ‘વિદેશી' શબ્દ દ્વારા હૈદરાબાદ સરકાર દેખીતી રીતે ભારત તરફ આંગળી ચીંધી રહી હતી, જેના ત્રિરંગા
દેશભરમાં ફરકાવવા માટે દિવસો પહેલાંથી
તૈયારીઓ થતી હતી. હૈદરાબાદ કોંગ્રેસના
તત્કાલીન પ્રમુખ સ્વામી રામાનંદ તીર્થે
ફરમાનને વખોડી કાઢ્યું. નિઝામે અંતે
ટેલિગ્રાફ ઓફિસના મકાન પૂરતું નમતું
જોખ્યું, કારણ કે એ તારકચેરી ભારત
સરકારની હતી. ઓગસ્ટ ૧૫, ૧૯૪૭ની
મધરાતે ૧૨:૦૧ના સમયે હૈદરાબાદી
અસાફિયા તથા ભારતીય ત્રિરંગો એમ
સામટા બન્ને ધ્વજ ટેલિગ્રાફ ઓફિસ પર
લહેરાવવામાં આવ્યા.
આની પહેલાં રાષ્ટ્રીય ધ્વજના અભાવે
નેતાજી સુભાષચંદ્ર બોઝે તેમની આઝાદ
હિંદ ફોજ માટે આક્રમકતા સૂચવતી
રૂપરેખાનો ધ્વજ પસંદ કર્યો હતો, જેમાં
તરાપ મારતા વાઘની આકૃતિને તેમણે
પ્રાધાન્ય આપ્યું હતું.
જર્મનીમાં રોકાણ દરમ્યાન તેમણે એ
ધ્વજને આલેખતી ટપાલ ટિકિટો પણ છપાવી
હતી. અલબત્ત, ટિકિટોનું
વેચાણ કરી શકાયું ન હતું, કેમ કે જર્મની
અગર તો ભારતમાં અધિકૃત પોસ્ટલ સ્ટેમ્પ
તરીકે તે વાપરી શકાય તેમ ન હતી.
ગુલામીકાળ દરમ્યાન અંગ્રેજ હકૂમત
નીચે રહેલા તેમજ ૫૬૨ દેશી રાજ્યો-
રજવાડાંમાં વહેંચાયેલા ભારતનો અધિકૃત
રાષ્ટ્રધ્વજ હોય એવો મનોરથ સહેજે કલ્પના બહારનો હતો. આથી ભારતીય રાષ્ટ્રધ્વજનો
સર્વપ્રથમ પ્રસ્તાવ ૧૯૦૪માં રજૂ કરાયો
એટલું જ નહિ, પણ માર્ગારેટ એલિઝાબેથ
નોબેલ નામની વિદેશી મહિલાએ રજૂ કર્યો તે
નોંધપાત્ર બાબત હતી. સ્વામી વિવેકાનંદની
શિષ્યા બનવા ૧૮૯૮માં પોતાનો આયર્લેન્ડ
દેશ છોડીને ભારત આવેલી માર્ગારેટ
નોબેલે અહીં સિસ્ટર નિવેદિતા એવું
નામ ધારણ કર્યું હતું. રવિન્દ્રનાથ ટાગોર
અને જગદીશચંદ્ર બોઝ સાથે બૌધગયાની
મુલાકાત લેતી વખતે ઇન્દ્રનું આયુધ વજ્ર
નિવેદિતાના ધ્યાનમાં આવ્યું. વજ્ર પારાવાર
શક્તિનું પ્રતીક ગણાય, એટલે સિસ્ટર
નિવેદિતાએ ધ્વજ માટે તેની આકૃતિ પસંદ
કરી અને બંગાળીમાં ‘બંદે માતરમ્’ લખી
ચોતરફ ૧૦૮ દીવડાનાં ચિહ્નો મૂક્યાં. ડિસેમ્બર, ૧૯૦૬માં કલકત્તા ખાતે કોંગ્રેસના જાહેર સમારંભ દરમ્યાન
પહેલીવાર એ ધ્વજ પ્રદર્શિત કરાયો અને
નવેમ્બર, ૧૯૦૯માં સિસ્ટર નિવેદિતાએ
“The Vajra as a National Flag' એવા
શીર્ષક હેઠળનો લેખ ‘મોડર્ન રિવ્યૂ’ નામના સામયિકમાં લખ્યો. આ ઘટનાનું ઐતિહાસિક
મહત્ત્વ એ કે ભારતના રાષ્ટ્રધ્વજ વિશે પ્રગટ
થયેલું એ સર્વપ્રથમ લખાણ હતું, જેના પગલે
રાષ્ટ્રધ્વજને લગતો ખ્યાલ દેશભરમાં સક્રિય
વિચારણા માટેનો વિષય બન્યો.
લઘુમતી કોમના તૃષ્ટિકરણની નીતિને
લીધે કોંગ્રેસનાં વર્તુળોમાં આજે વંદે માતરમ્
ગવાતું ન હોય, પરંતુ આઝાદીની લડત
વખતે એ તેનું શસ્ત્ર જેવું સૂત્ર હતું. લડતનો
પહેલો દોર શરૂ થયાની તારીખ ઓગસ્ટ ૭,
૧૯૦૬ હતી. એક વર્ષ પહેલાં લોર્ડ કર્ઝને
બંગાળના ભાગલા પાડ્યા તેના વિરોધમાં
એ દિવસને બહિષ્કાર દિન Boycott Day
જાહેર કરાયો હતો. ભારતના વર્તમાન
ત્રિરંગાના પૂર્વજ સમાન પ્રથમ સ્વદેશી
ધ્વજ ત્યારે ‘વંદેમાતરમ્’ના
પોકારો વચ્ચે કલકત્તાના ગ્રીન પાર્ક ખાતે
લહેરાવવામાં આવ્યો. ધ્વજની ડિઝાઇન
સચિન્દ્રપ્રસાદ બાસુ અને સુકુમાર મિત્ર
નામના બંગાળી ક્રાંતિકારોએ તૈયાર કરી
હતી. બહિષ્કાર દિનના થોડા મહિના બાદ
કોંગ્રેસે ડિસેમ્બર, ૧૯૦૬માં પોતાનું કલકત્તા
અધિવેશન યોજ્યું ત્યારે કોંગ્રેસના પ્રમુખ
દાદાભાઇ નવરોજીએ પણ Calcutta Flag
કહેવાતો એ ધ્વજ ફરકાવ્યો.
ડિઝાઇનમાં લગભગ સરખો
જણાતો ધ્વજ મેડમ ભીકાઇજી રૂસ્તમજી કામાએ ઓગસ્ટ ૨૨, ૧૯૦૭ના દિવસે
જર્મનીના સ્ટુટગાર્ટ શહેરમાં ઇન્ટરનેશનલ
સોશિયાલિસ્ટ કોંગ્રેસ સમક્ષ પ્રદર્શિત કર્યો.
ધ્વજના ઉપલા પટ્ટામાં
અખંડ બંગાળ સહિત આઠ ભારતીય પ્રાંતોને
સૂચવતાં ૮ સફેદ કમળ હતાં. કમળ એટલા
માટે કે તેને રાષ્ટ્રીય ફૂલ તરીકે બિનસત્તાવાર
રીતે સમર્થન મળી ચૂક્યું હતું. વચ્ચેના
પટ્ટામાં જોડણીની ભૂલવાળો વદેમાતરં શબ્દ
હતો અને નીચેના પટ્ટામાં હિંદુઓના સૂર્ય
અને મુસ્લિમોના ચાંદની આકૃતિ હતી. આ
ધ્વજને સ્ટુટગાર્ટના અધિવેશન વખતે જેમણે
સલામી આપી તેમાં રશિયાની સામ્યવાદી
ક્રાંતિના પ્રણેતા બનનાર લેનિન પણ સામેલ
હતા. આંતરરાષ્ટ્રીય સ્તરે મેડમ કામાને
એટલો વ્યાપક પ્રતિસાદ મળ્યો કે ભારતીયો
માટે એ ધ્વજ રખે સ્વાતંત્ર્ય લડતનું પ્રેરકબળ
સાબિત થાય એવી બીકે અંગ્રેજ સરકારે
તેને પ્રતિબંધિત ઠરાવ્યો. મેડમ કામાના
ગુજરાતી સહયોગી ઇન્દુલાલ યાજ્ઞિક જો કે
છૂપી રીતે ધ્વજ ભારત લાવ્યા અને મુંબઇમાં
ગુપ્ત જગ્યાએ સંતાડી દીધો, જ્યાં તે વર્ષો
સુધી પડી રહ્યો. પૂનાની યરવડા જેલમાં
૧૯૩૭ દરમ્યાન કારાવાસ ભોગવતી
વખતે ક્રાંતિકાર યાજ્ઞિકે લોકમાન્ય તિલકના
દોહિત્ર જી. વી. કેતકરને ધ્વજ છૂપાવ્યાની
જગ્યા અંગે જાણ કરી. મુંબઇ પહોંચી કેતકરે
એ ધ્વજ હસ્તગત કર્યો અને વીર સાવરકરે
તેને ઓક્ટોબર ૨૬, ૧૯૩૭ના દિવસે
પહેલી વખત (બરાબર ૩૦ વર્ષે) જાહેરમાં
ફરકતો કર્યો.
આ બનાવના ઘણા સમય પહેલાં
શ્રીમતી ઍની બેસન્ટે ૧૯૧૬માં લોકમાન્ય
તિલકના સહયોગમાં હોમ રુલ લીગની
સ્થાપના કરી હતી, જેના પ્રમુખ દાદાભાઇ
નવરોજી હતા. મુહમ્મદ અલી ઝીણા પણ
સ્વદેશી શાસનની હિમાયત કરતી લીગમાં
જોડાયા હતા. બીજે વર્ષે એટલે કે ૧૯૧૭માં
તે સંગઠને અંગ્રેજોનું સમર્થન પામી શકે
એવો ભારતીય ધ્વજ તૈયાર કર્યો, જેમાં
પાંચ લાલ પટ્ટીઓ હિંદુ કોમનું અને ચાર
લીલી પટ્ટીઓ મુસ્લિમ કોમનું પ્રતિનિધિત્વ
સૂચવતી હતી. ઉપરાંત મુસ્લિમોના ચાંદ-તારાનું પણ ચિહ્ન હતું, જ્યારે હિંદુઓને લક્ષમાં રાખી સપ્તર્ષિના
(ભૃગુ, અત્રી, અંગીરસ, વસિષ્ઠ, પુલસ્ત્ય,
પુલહ એ ક્રતુ એમ સાત ઋષિઓના) સાત
એ તારા દર્શાવાયા હતા. વાંધાજનક બાબત
હોય તો એ કે ઉપલા ડાબા ખૂણામાં બ્રિટનનો
યુનિઅન જેક સામેલ કરાયો હતો. ૧૯૧૭માં
ઍની બેસન્ટના પ્રમુખપદ
હેઠળ કલકત્તામાં યોજાયેલા
કોંગ્રેસ અધિવેશન વખતે
હોમ રુલ લીગનો ધ્વજ
ફરકાવાયો, પણ ગુલામીના
સિમ્બોલ જેવા યુનિઅન જેકને લીધે તેને
લોકમાન્યતા મળી નહિ.
ઘણાં વર્ષ એવાં વીત્યાં કે જ્યારે
આઝાદીની લડત માટે આમજનતામાં
દેશપ્રેમ જગાડી શકતો અને જુસ્સો
વધારી શકતો સર્વમાન્ય રાષ્ટ્રધ્વજ ન
હતો. મચ્છલીપટ્ટણમાં રહેતા પિંગલિ
વેંકય્યા નામના સ્વાતંત્ર્યસેનાની દાદાભાઇ
નવરોજીનો ત્રિરંગી ‘કલકત્તા ફ્લેગ’ જોયા
પછી તેના આધારે વધુ પ્રતીકાત્મક ધ્વજ
રચવાના પ્રયાસો કરતા હતા. ઇન્ડિયન નેશનલ
ફ્લેગ મિશન નામની સંસ્થા પણ તેમણે સ્થાપી
અને ૧૯૧૬માં જુદી જુદી ૨૪ ડિઝાઇનોનું
આલ્બમ કેટલાક સમય બાદ ગાંધીજી સમક્ષ
રજૂ કર્યું. ગાંધીજીએ?તેના અંગે ‘યંગ
ઇન્ડિયા' સામયિકના એપ્રિલ, ૧૯૨૧ના
અંકમાં લખ્યું ‘વૈંકય્યાની એકધારી
ધગશનો હું પ્રશંસક છું... પણ તેઓ
મારામાં કદી ઉત્સાહ જગાડી શક્યા નથી.
દેશને ઢંઢોળી શકે એવું તેમની ડિઝાઇનોમાં
ઊંડાણ નથી.’
કઇ જાતનો ધ્વજ લોકોમાં
માન્યતા પ્રાપ્ત નીવડે એ બાબતે
જો કે ગાંધીજી પોતે સ્પષ્ટ ન
હતા. જાલંધરમાં રહેતા ક્રાંતિકારી
લાલા હંસરાજે તે સમયે ગાંધીજીને
રૂબરૂ મળી કહ્યું કે અંબર ચરખાની
આકૃતિ સાથેનો ધ્વજ બનાવ્યો
હોય તો સ્વદેશી આંદોલનનું તે
પ્રતીક ભારતની પ્રજાને જરૂર
પ્રેરણા આપે. ગાંધીજીને સૂચન
ગમ્યું, એટલે તેમણે પિંગલિ
વેંકય્યાને હિંદુ કોમનો લાલ રંગ
અને મુસ્લિમ કોમનો લીલો રંગ દર્શાવતો
તેમજ સાથોસાથ અંબર ચરખાની આકૃતિ
ધરાવતો રાષ્ટ્રધ્વજ તૈયાર કરવા જણાવ્યું.
વૈંકય્યાએ ફક્ત ત્રણ કલાકમાં એવા ધ્વજની
ડિઝાઇન બનાવી નાખી. વચ્ચે સફેદ પટ્ટામાં
ચરખો પણ હતો. સફેદ પટ્ટો સંખ્યાની દૃષ્ટિએ ત્રીજા ક્રમે આવતી શીખ અને ખ્રિસ્તી જેવી કોમનું પ્રતિનિધિત્વ
કરતો હતો. આ ધ્વજને ગાંધીજીએ રદિયો
આપી દીધો. સંખ્યાની દૃષ્ટિએ સમાજના
તૃતીય વર્ગના લોકોનો સફેદ પટ્ટો ટોચ પર
રહે એવો તેમનો આગ્રહ હતો. મુસ્લિમોનો
લીલો રંગ બીજા નંબરે અને હિંદુ પ્રજાનો
ત્રીજા નંબરે રાખવાનું તેમણે સૂચવ્યું.
લઘુમતી તરીકેના ‘કમજોરો’ને નીચી
પાયરીએ રાખવાનું તેમને મન યોગ્ય ન
હતું, કેમ કે બહુમતી હિંદુ પ્રજાએ તે સૌના આધાર તરીકે છેક નીચે રહેવું જોઇએ. ગાંધીજીનું લોજિક ઘણા
ખરા લોકોને સમજાયું નહિ, છતાં પિંગલિ
વેંકય્યાએ તેમની આજ્ઞા મુજબ રંગોનો ક્રમ
બદલવો પડ્યો.
ગાંધીજીની ભલામણને અનુસરી
વૈંકય્યાએ અંબર ચરખાની આકૃતિ
પણ મોટી કરી દીધી.
આ રંગપલટાને કારણે હિંદુ અને
મુસ્લિમ કોમો વચ્ચે ખટરાગ જામ્યો
એટલું જ નહિ, પણ ગાંધીજીએ
‘સ્વરાજ ધ્વજ’ તરીકે જાહેર કરેલા
એ ધ્વજને કોંગ્રેસે પોતે માન્યતા ન
આપી. કોંગ્રેસને તે માટે સબળ બહાનું
પણ મળી રહ્યું. ચરખાને બાદ કરો તો
ધ્વજનો દેખાવ આબેહૂબ બલ્ગેરિયા
દેશના રાષ્ટ્રધ્વજ જેવો હતો. કલર
સ્કીમ તદન સરખી હતી. ઇટાલિ, મેક્સિકો
અને પર્શિયા (ઇરાન) એ ત્રણ દેશોના
રાષ્ટ્રધ્વજ સાથે પણ તેને સારું એવું સામ્ય
હતું. પિંગલિ વેંકય્યાનો ધ્વજ રદબાતલ
ઠર્યો. અંતે તમામ કોમોનું અનુમોદન મેળવી
શકે એવો રાષ્ટ્રધ્વજ નક્કી કરવા માટે કોંગ્રેસ
કારોબારી સમિતિએ એપ્રિલ ૨, ૧૯૩૧ના
દિવસે ૭ સભ્યોની ફ્લેગ કમિટી રચી, જેમાં
સરદાર પટેલ, જવાહરલાલ નેહરુ, અબુલ કલામ આઝાદ, કાકાસાહેબ કાલેલકર
વગેરેનો સમાવેશ થતો હતો.
દેશભરમાંથી ફ્લેગ કમિટીને રાષ્ટ્ર-
ધ્વજની રૂપરેખા અંગે ઘણાં સૂચનો મળ્યાં.
કોંગ્રેસના માજી પ્રમુખ અને બનાસ
હિંદુ યુનિવર્સિટીના સ્થાપક પંડિત મદન
મોહન માલવિયાએ એવો પ્રસ્તાવ રજૂ
કર્યો કે જુદી જુદી કોમો વચ્ચે ભેદરેખા
આંકવા કરતાં આખા ધ્વજનું પોત લાલ
બનાવી દેવું જોઇએ. એક જ રંગ હોય તે
દેશવાસીઓ વચ્ચેની સમરસતા દર્શાવવા
અને જાળવવા માટે જરૂરી છે. વિશદ
ચર્ચાને અંતે કોંગ્રેસની ફ્લેગ કમિટીએ પંડિત
માલવિયાના પ્રસ્તાવને સ્વીકારી લીધો.
ઓગસ્ટ, ૧૯૩૧માં તેના મુજબ જે ધ્વજ
તૈયાર કરાયો તે સંપૂર્ણ રીતે લાલ રંગનો
હતો. ઉપલા ડાબા ખૂણામાં અંબર ચરખાની
આકૃતિ સામેલ કરવામાં આવી હતી. ડિઝાઇનમાં કલાત્મકતા જેવું કશું ન હતું, પણ ફ્લેગ કમિટીના ફેંસલા અંગે કોંગ્રેસ કારોબારી સમિતિમાં જુદી બાબતે
મતભેદ જાગ્યો. અગાઉનો લીલો-લાલ
‘સ્વરાજ ધ્વજ’ આઝાદીની લડતનો સિમ્બોલ
ગણાવા લાગ્યો હતો.
નવો સિંગલ કલર ધ્વજ તેના કરતાં
સાવ જુદો પડી આવતો હતો, માટે તે લોકહૃદયમાં તરત વસી જાય એવી શક્યતા
ખાસ જણાતી ન હતી. ઉપરાંત લાલ રંગ હિંદુ
ધજામાં વપરાતો હોવાને લીધે મુસ્લિમોને તે
મુદ્દલે જચે નહિ. આ ધ્વજ રદબાતલ ઠર્યો,
એટલે વળી પાછું ખોજનું અભિયાન શરૂ
કરવામાં અવ્યું. અંતે લાગ્યું કે પિંગલિ
વૈંકય્યાએ બનાવેલો કેંદ્રીય ચરખા સાથેનો
અનુક્રમે લાલ, સફેદ અને લીલા પટ્ટાવાળા
‘સ્વરાજ’ કહેવાતા ધ્વજને જ વળગી રહેવું
યોગ્ય હતું. આમાં ફેરફાર માત્ર એ કરાયો કે
લાલ પટ્ટાને ભગવા જેવો કેસરિયો બનાવી
દેવામાં આવ્યો. ‘પૂર્ણ સ્વરાજ' ધ્વજ એવું
નામ તેના માટે પસંદ કરાયું અને ૧૯૪૨ના
‘હિંદ છોડો!’ આંદોલન માટે અરુણા અસફ અલીએ મુંબઇના ગોવાલિયા ટેન્ક મેદાનમાં તેને ફરકાવ્યો.
બહુ ઓછા જાણીતા એવા બે ખાસ
મુદ્દા અહીં નોંધવા રહ્યા. બ્રિટનના વડા
પ્રધાન ક્લેમેન્ટ ઍટલીએ ભારતને સ્વતંત્રતા
આપવાની જાહેરાત કરી એ પછી અંતિમ
વાઇસરોય લોર્ડ માઉન્ટબેટને ભારતના
આગેવાનો સમક્ષ જરા અજૂગતો પ્રસ્તાવ
મૂક્યો હતો. ભારતીય રાષ્ટ્રધ્વજના ઉપલા
ડાબા કોર્નરમાં તેઓ નાનકડા યુનિયન
જેકનો સમાવેશ કરાવવા માગતા હતા. આગેવાનોએ સાફ ના પાડી દીધી. બીજી તરફ માઉન્ટબેટનની દરખાસ્તને યોગ્ય
ઠરાવતા ગાંધીજીએ નિવેદન આપ્યું કે ભારત
બ્રિટિશ રાષ્ટ્રસમૂહનું સભ્ય બનવાનું હોય એ
જોતાં રાષ્ટ્રધ્વજમાં યુનિઅન જેકનો સમાવેશ
થાય એમાં કશું ખોટું ન હતું. સરદાર પટેલ,
ડો. રાજેન્દ્રપ્રસાદ, બાબાસાહેબ આંબેડકર,
સી. રાજગોપાલાચારી વગેરે આગેવાનો
જો કે મક્કમ હતા. યુનિઅન જેકને લગતા
બ્રિટિશ પ્રસ્તાવને ઠુકરાવી દેવામાં આવ્યો.
ગાંધીજી ત્યારે જાહેર સભામાં બોલ્યા કે,
યુનિઅન જેકને પડતો મૂકાયો એ વાતે
હરખાવું ન જોઇએ.’
ઉલ્લેખ માગી લેતો બીજો મુદ્દો :
રાષ્ટ્રધ્વજની આખરી ડિઝાઇન અંગે ચર્ચા
કર્યા બાદ ડો. રાજેન્દ્રપ્રસાદ સહિતના
આગેવાનોએ વચલા સફેદ બેન્ડ પરના
ચરખાનું સ્થાન અશોકના ધર્મચક્રને આપ્યું.
જુલાઇ ૨૨, ૧૯૪૭ના રોજ બંધારણીય
સભાના અનુમોદન માટે નેહરુએ તે રજૂ
કર્યો અને સભાએ ભારે બહુમતીથી તેને
કાયદેસરનો રાષ્ટ્રધ્વજ ઠરાવ્યો. ચરખાને બદલે ચક્ર મૂકાયું તે
ગાંધીજીને ન ગમ્યું, કારણ કે તેમના મતે ચક્ર
એ યુદ્ધનું અને હિંસાનું પ્રતીક હતું. ઓગસ્ટ
૬, ૧૯૪૭ના દિવસે લાહોરમાં તેમણે આવા
શબ્દો વડે પોતાનો અણગમો વ્યક્ત કર્યો :
‘મારે કહેવું રહ્યું કે ભારતના રાષ્ટ્રધ્વજમાં
જો ચરખાનું ચિહ્ન ન હોય તો હું તેને નમન
કરીશ નહિ. તમે જાણો છો કે ભારતના
રાષ્ટ્રધ્વજ અંગે સૌ પહેલાં મેં વિચારેલું--
અને હું ચરખા વગરનો રાષ્ટ્રધ્વજ કલ્પી
શકતો નથી.' ગાંધીજીને ધરપત આપવા
નેહરુએ ચક્ર અંબર ચરખાનું પણ પ્રતીક
હોવાનું જણાવ્યું, જ્યારે હકીકતે ચરખાના
પૈડામાં ૨૪ આરા હોય નહિ.
કંઇક જુદા પાટે વિચારતા ગાંધીજીના
વિરોધ છતાં ચક્રવાળો ત્રિરંગો આખરે
ભારતનો અધિકૃત રાષ્ટ્રધ્વજ ગણાયો અને
દિલ્લી ખાતેરાષ્ટ્રપતિ ભવન પર તેને ઓગસ્ટ ૧૫,
૧૯૪૭ના રોજ સવારે ૧૦:૪૭ વાગ્યે પહેલીવાર ફરકાવવામાં આવ્યો.
એક વાત બહુ ઓછા લોકોના ધ્યાન પર આવતી હોય છે.
ત્રિરંગામાં લીલો પટ્ટો મુસ્લિમ ધર્મનો સૂચક
છે. અશોક ચક્ર બૌદ્ધ ધર્મનો સિમ્બોલ છે.
કેસરી પર જતો ભગવો રંગ પણ બૌદ્ધ ધર્મનો
છે. વિયેતનામ, કમ્બોડિયા, લાઓસ, શ્રીલંકા
વગેરે દેશોના બૌદ્ધ સાધુઓ આવા રંગનાં
વસ્ત્રો પહેરતા હોય છે. હિંદુ ધર્મનો અસલ રંગ
લાલ છે. મંદિરોની ધજા માટે એ જ રંગ
વપરાતો આવ્યો છે.
આમ છતાં ભૂતકાળમાં ક્યારેક ભગવા રંગને
હિંદુત્વ સાથે જોડી દેવાયા પછી હજી તે
ખ્યાલ ભૂંસાયો નથી.