Dhurandhar: The Revenge in Gujarati Film Reviews by Rakesh Thakkar books and stories PDF | ધુરંધર: ધ રિવેન્જ

Featured Books
Categories
Share

ધુરંધર: ધ રિવેન્જ

ધુરંધર: ધ રિવેન્જ
-રાકેશ ઠક્કર
 
         ‘ધુરંધર: ધ રિવેન્જ’ તેના પહેલા ભાગ કરતા બોક્સ ઓફિસ પર જ નહીં પણ પ્રેક્ષકોમાં પણ ક્યાંય વધુ ચડિયાતી સાબિત થઈ છે. આ ફિલ્મ અગાઉના ભાગના છેલ્લા દ્રશ્યથી જ શરૂ થાય છે. જ્યાં ‘હમઝા’ના ભૂતકાળ ‘જસકીરત’ વિશે વાત કરવામાં આવી હતી. આ ભાગમાં તે વાર્તાને ખૂબ જ ઊંડાણપૂર્વક અને પુષ્કળ એક્શન તથા ઈમોશન્સ સાથે રજૂ કરવામાં આવી છે. ‘જસકીરત’નું પાત્ર અને તેનો ભૂતકાળ અત્યંત પીડાદાયક અને હૃદયસ્પર્શી છે. જેમણે પહેલો ભાગ જોયો હશે તો પાત્રો સાથેનું જોડાણ જકડી રાખશે. આ વખતે વાર્તામાં માત્ર એક્શન નથી. મગજની રમત અને દગાખોરીના અનેક વળાંકો છે. નિર્દેશક આદિત્ય ધરે પાકિસ્તાનના ગેંગ વોરની સાથે ભારતીય સિસ્ટમને પણ વાર્તામાં વણી લીધી છે.
 
         બોલિવૂડ પાસે અત્યારે ‘કિંગ’ તો છે જ પણ રણવીરે આ ફિલ્મ દ્વારા સાબિત કર્યું છે કે તે હવે નવા યુગનો અસલી બાદશાહ છે. જે રીતે શાહરૂખ ખાનની ફિલ્મો એક સમયે તહેવાર જેવો માહોલ બનાવતી તેવો જ ક્રેઝ રણવીરની આ ફિલ્મ માટે જોવા મળી રહ્યો છે. ફિલ્મમાં રણવીર સિંહની એન્ટ્રી કોઈ જ્વાળામુખી ફાટવા જેવી છે. તેનો લુક અને પરફોર્મન્સ જોઈને લાગે છે કે તે માણસ ઓછો અને શૈતાન વધુ છે. રણવીરે આ ફિલ્મમાં એક ગેંગસ્ટર, સૈનિક, પુત્ર અને પાકિસ્તાની-હિન્દુસ્તાની એમ અનેક છાયાઓ ધરાવતું પાત્ર અત્યંત કુશળતાથી ભજવ્યું છે.
 
        રણવીર સિંહે જે રીતે 'જસકીરત' માંથી 'હમઝા' બનવાની સફર ખેડી છે તે તેની એક્ટિંગ રેન્જ બતાવે છે. આ ફિલ્મમાં તે માત્ર એક અભિનેતા નથી પણ એક જાદુગર કે કાચિન્ડા  જેવો લાગે છે. તે દરેક ફ્રેમમાં પોતાનો રંગ બદલે છે. તે કોઈપણ પાત્રમાં આસાનીથી ભળી જાય છે. ફિલ્મમાં તેની આંખો દ્વારા વ્યક્ત થતા ઈમોશન્સ પણ એક અલગ પાત્ર જેવી ભૂમિકા ભજવે છે. ‘ધુરંધર ૨’ માં તેણે અત્યંત ગંભીર, શાંત અને ખુલ્લો અંદાજ અપનાવ્યો છે. રણવીર સ્ક્રીનની બહાર ગમે તેટલા હરકતો કરતો હોય પણ કેમેરા ચાલુ થતાં જ તે એટલો ગંભીર થઈ જાય છે કે તે દરેક ભૂમિકામાં પરફેક્ટ દેખાય છે. ૨૦૧૭ થી સતત ફ્લોપ ફિલ્મો આપ્યા બાદ ૨૦૨૫-૨૬ માં રણવીર સિંહે ‘ધુરંધર’ દ્વારા જે કમબેક કર્યું છે તે ખરેખર પ્રશંસનીય છે. પહેલા ભાગની સફળતાએ રણવીરને ગતિ આપી હતી. બીજા ભાગે તેને શિખર પર પહોંચાડી દીધી છે.
 
        આ ફિલ્મમાં કોઈ બિનજરૂરી મસાલા ગીતો કે કોમેડી નથી. તેથી રણવીરને એક પરિપક્વ એક્શન સ્ટાર તરીકે સ્થાપિત કરે છે. સંજય દત્ત અને રણવીર વચ્ચેનો ફેસ-ઓફ જોરદાર છે. જેમાં સંજય દત્તનો ડર અને ડાયલોગ ડિલિવરી ફિલ્મને અલગ સ્તરે લઈ જાય છે. અર્જુન રામપાલ અને આર. માધવનની હાજરી વાર્તાને ગંભીરતા આપે છે. જેમાં માધવનનો ‘મર્દ’ વાળો ડાયલોગ આખા પાકિસ્તાનને ધ્રુજાવી દે તેવો છે. ફિલ્મ ૪ કલાક લાંબી હોવા છતાં ગીતો અને બેકગ્રાઉન્ડ મ્યુઝિકને કારણે કંટાળાજનક લાગતી નથી. ગીતો વાર્તાને આગળ ધપાવે છે. ખાસ કરીને શરૂઆતનું કવ્વાલી ગીત સની દેઓલને ટ્રિબ્યુટ સમાન છે.  
 
        હિંસા અને વાયલન્સના દ્રશ્યો અત્યંત ગંભીર અને પરેશાન કરનારા છે. સેન્સર બોર્ડના કટ્સ છતાં પણ ફિલ્મના કેટલાક દ્રશ્યો આત્મા ધ્રુજાવી દે તેવા છે ફિલ્મનો અંત અત્યંત ઈમોશનલ અને સંતોષકારક છે. આદિત્ય ધરે અસલ પ્રસંગોને એટલી બારીકાઈથી જોડ્યા છે કે પાકિસ્તાની પ્રેક્ષકો પણ તેને સાચું માની લેશે. ફિલ્મમાં ‘મોટા સાહેબ’ નું રહસ્ય પણ ખૂલે છે. જે અંડરવર્લ્ડ અને ક્રાઈમની દુનિયાનો અસલી ડર પેદા કરે છે.
 
        આ કોઈ સામાન્ય મસાલા ફિલ્મ નથી પણ એક ઇન્ટેલિજન્ટ થ્રિલર છે જે ભારતીય સિનેમાનો ઇતિહાસ બદલવાની ક્ષમતા ધરાવે છે. આદિત્ય ધરે જે રીતે આટલી ‘રો’ અને હિંમતભરી વાર્તા મોટા પડદા પર ઉતારી છે તે કાબિલે તારીફ છે. ફિલ્મની વાર્તા સાત પ્રકરણોમાં વહેંચાયેલી છે અને દરેક પ્રકરણ દર્શકોને જકડી રાખે છે. ફિલ્મમાં વપરાયેલા જૂના નોસ્ટાલ્જિક ગીતો વાર્તામાં એક અલગ જ સ્વાદ ઉમેરે છે. આ ફિલ્મમાં કેટલાક એવા પાત્રો છે જે આશ્ચર્યચકિત કરી દે છે. ખાસ કરીને એક ચોક્કસ પાત્રનો ટ્વિસ્ટ જોઈને પ્રેક્ષકો ચોંકી જશે.
 
        ફિલ્મ ‘A’ રેટેડ છે અને તેમાં પહેલા ભાગ કરતા પણ વધુ લોહીયાળ હિંસા અને ગાળો છે. તેને ‘વર્થ ઈટ’ સિક્વલ ગણી શકાય છે. 'ધુરંધર' (૨૦૨૫) પછી 'ધુરંધર: ધ રિવેન્જ' (૨૦૨૬) ને ટૂંકા ગાળામાં રજૂ કરવાના નિર્ણયથી ફિલ્મને અને રણવીર સિંહને મોટો લાભ થયો છે. પહેલો ભાગ હજુ હમણાં જ રિલીઝ થયો હોવાથી તેના તમામ પાત્રો અને વાર્તા પ્રેક્ષકોના મગજમાં એકદમ તાજા છે. આના કારણે જ્યારે બીજા ભાગમાં પાત્રો પડદા પર આવે છે ત્યારે પ્રેક્ષકોને ફરીથી સમજાવવાની જરૂર પડતી નથી અને તેની અસર બમણી થાય છે.
 
        જો સિક્વલ વચ્ચે ૪-૫ વર્ષનો ગેપ પડે તો ક્યારેક પ્રેક્ષકોનો ઉત્સાહ ઓછો થઈ જાય છે. અહીં 'ધુરંધર ૨' ને તરત લાવવાથી પહેલા ભાગે જે ક્રેઝ ઉભો કર્યો હતો તેનો સીધો ફાયદો બીજા ભાગને મળ્યો છે. આ નિર્ણય માસ્ટરસ્ટ્રોક સાબિત થયો છે. જેણે રણવીર સિંહને ફરીથી 'બાદશાહ' નું સ્ટેટસ અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. અને આ કારણે કેટલીક નબળાઈઓ છુપાઈ ગઈ છે.
 

        એવું લાગે છે કે પહેલા ભાગની સફળતાથી નિશ્ચિંત રહી આદિત્યએ આ બીજા ભાગમાં વધુ મહેનત કરી નથી. શરૂઆત અને અંત સિવાય ફક્ત થોડા જ યાદગાર દ્રશ્યો છે. એક્શન સિક્વન્સ સારી રીતે ચલાવવામાં આવી છે પણ કેટલાકને બિનજરૂરી રીતે ખેંચવામાં એમ લાગે છે કે વાર્તા ફક્ત શરૂ થઈ હતી અને હવે ફક્ત પૂર્ણતા માટે તેને સમાપ્ત કરવામાં આવી રહી છે. આદિત્યએ થોડા વધુ આશ્ચર્યજનક તત્વોનો સમાવેશ કર્યો હોત તો બીજો ભાગ જોવાનો અનુભવ બમણો આનંદપ્રદ બન્યો હોત. એકંદરે ‘ધુરંધર: ધ રિવેન્જ’ એક મહત્વાકાંક્ષી, વિસ્તૃત અને વિચારપ્રેરક ફિલ્મ છે. જે દેશભક્તિ, બદલો અને બલિદાન જેવા વિષયોને અસરકારક રીતે રજૂ કરે છે.