દરબાર ને ખબર પડી ગઈ કે લખું ભા એના પાક ને નુકશાન કરવા આવ્યા હતા છતાં એ વાત એમણે કોઈને ના જણાવવા નો નિર્ણય કરી કેસર ને બાથ ભીડી એની પીઠ પર હેત થી હાથ ફેરવવા લાગ્યા.
લખું ભા ઉતાવળા પગે ઘર તરફ ચાલવા માંડ્યા,પણ મન માં એ ડર લાગવા લાગ્યો કે દરબાર નક્કી મૂળુ ભા ને વાત કરશે અને મૂળુ ભા ને ખબર પડશે એટલે મારી ખેર નથી
આવા ને આવા વિચારોમાં લખું ભા ઘરે પહોંચ્યા અને મેડી એ જઈ ને બેઠા, સુવા ની મથામણ કરી પણ ઊંઘ ના આવી તો ફળિયા માં આંટા મારવા લાગ્યા,અને છેલ્લે થાકી ને નક્કી કર્યું કે દરબાર સવારે ખેતરે થી આવે એ પહેલા જ મૂળુ ભા ની ડેલીએ વયો જઈશ અને દરબાર ને ગમે તે બહાને વાત કરતા રોકી લઇશ.
સવાર માં દરબાર કેસર ને ઘરે લઇ જવા સાબદી કરતા જ હતા એટલા માં રાપર થી બાબરિયાવાડ સાથે આવેલા કેહુરે ઝડપ થી દોડતા આવતા સમાચાર દીધા કે બેન બા બાપુ ને મળવા આવ્યા છે.
આ સાંભળતા જ દરબાર હરખઘેલા થઈ ઝડપ થી કેસર ને ગામ ભણી હંકારી મૂકી.
મૂળુ ભા એ દરબાર ને રહેવા અલગથી બે ઓરડા, મોટી ઓસરી અને મેડી વાળું મકાન આપ્યું હતું.એ મકાન માં દરબાર અને ચાકરી કરવા સાથે આવેલા કેહુર અને બીજો એક ચાકર રહેતા.
ઘરે પહોંચી ને દરબારે જોયું તો માનબાઈ ઓસરી માં હિંડોળે હિચકતા હતાં,બાપુ ને આવેલા જોઈ ઝડપ થી ઊભી થઈ ને સામે આવી.
ઘોડી થંભતા જ દરબાર ઝડપ થી ઘોડી પર થી કૂદી પડ્યા અને માનબાઈ ને ભેટી પડ્યા,આજે લાંબા વખત પછી દીકરી નું મોં જોયું તો દરબાર થોડા ભાવુક થઇ ગયા.
એક જ ગામ માં હતા પણ દરબાર ને નીમ હતું કે દીકરી ના ઘર નું પાણી એ નઈ પીવાનું એટલે બહુ ઓછા જતા અને છેટે થી દીકરી ને જોઈ પાછા ફરતા.
દરબાર એ દીકરી ને છાતી એ વળગાડી લીધી અને માથા પર વ્હાલ થી હાથ ફેરવવા લાગ્યા,એ હેતાળ હાથ ન સ્પર્શ માં માત્ર પિતા નો જ પ્રેમ નહીં પરંતુ માતા ની મમતા નો અહેસાસ પણ હતો.
બાપ દીકરી જુદા પડ્યા અને દીકરી એ બાપ ના ઓવારણા લઈ દસે આંગળી ના ટસાકા ફોડ્યા.દરબાર એ દીકરી ને પૂછ્યું દીકરી માનબાઈ સવાર ના પોર માં અહીં તને જોઈને લાગે છે આજે મારો સોના સરીખો દી ઊગ્યો છે બધા હેમખેમ અને સાજાનરવા તો છે ને?
હા બાપુ બધા એ હેમખેમ અને સાજાનરવા છે,કેટલાયે દાડા થી તમને મળવાનું મન થયું હતું તો આજે આવી ગઈ.
ભલે બાપ ચાલ ઓસરી માં કેહુર ને કવ શિરામણ તૈયાર કરાવે.દરબાર એ ઓસરી ના પગથિયાં ચડતા કહ્યું.
એને રોકતા માનબાઈ બોલ્યા ના બાપુ કેહુર નઈ આજે હું શિરામણ બનાવી દઉં છું,ઘણો વખત વીતી ગયો છે,તમે મારા હાથ નો રોટલો ખાધો એને.
દીકરી ના માથા પર હાથ મૂકી ભલે બેટા કહેતા દરબાર ઓસરી માં બેસી ગયા અને દીકરી માનબાઈ ને ઓરડા તરફ જતી જોઈ રહ્યા.
આ બાજુ લખું ભા સૂરજ ઊગ્યા ના કાઠી ની ડેલી એ જઈ ને બેઠા છે મૂળુ ભા અને લખું ભા બેઠા છે પણ દરબાર દેખાયા નઈ, થોડીવાર પછી લખુભા એ કેહુર ને આવતો જોયો અને પેટ માં શેરડો પડ્યો એને એમ જ થયું કે નક્કી મારો ઠપકો દેવા જ કેહુર ને મોકલ્યો છે.
હજી એ આગળ કઈ વિચારે એ પહેલા જ કેહુર એ મૂળુ ભા ને રામ રામ કહેતા કહ્યું બાપુ એ તમને શિરામણી કરવા તેડાવ્યા છે આજે બેન બા આંટો મારવા આવ્યા છે તો તમને સાથે બેસી શિરામણી કરવા આવવા કહ્યું છે.
ભલે ભા તું જા હું હમણાં આવું છું કહેતા કાઠી ઊભા થયા અને પાઘડી ના આંટા સરખા કર્યા.
કેહુર ને જતો જોઈ લખું ભા ના મન માં શાંતિ વળી અને નિશ્ચિત થઈ ગયા પણ ફરી મૂંઝાણા કે દરબાર મૂળુ ને ત્યાં બોલાવી ને કંઈક કહેશે તો?