મારી વ્હાલી દિકરી પંછી,
જ્યારે તું આ પત્ર ખોલી રહી હશે… કદાચ તારી આંખોમાં યુવાનીના સપના હશે, તારા દિલમાં અનેક આશાઓ હશે… અને હું? હું કદાચ આ દુનિયાના કોઈ શાંત ખૂણે તારી યાદોમાં વસતી રહીશ. આ વિચારથી મારા હૃદયમાં એક અજાણી શાંતિ પણ છે… અને એક ઊંડું દુઃખ પણ.
આજે તારો પહેલો જન્મદિવસ છે. તું મારી ગોદમાં નિંદરમાં મીઠું સ્મિત કરી રહી છે… અને હું તને નિહાળતી તારા આ કોમળ ચહેરાને વ્હાલ થી નિહાળતી તને મારી મમતા ના પાલવ થી પસવારી રહી છું, જાણે આ ક્ષણને મારી આંખોમાં કેદ કરી લઈ શકું. આજે જ મને ખબર પડી છે કે મારું જીવન હવે લાંબું નથી. સમય… કેટલો નિષ્ઠુર છે ને? જ્યારે મારા જીવનનો સૌથી સુંદર અધ્યાય શરૂ થયો છે, ત્યાં જ અંતસમયની..અંનતની વાટ પકડીને જતા રહેવાની છાયા પણ આવીને ઊભી રહી છે.
મારી દીકરી… હું તારી સાથે ઘણું બધું જીવવા માંગતી હતી. તારી પહેલાં શબ્દો સાંભળવા હતા, તારા નાના પગલાં પકડીને તને ચાલતા શીખવવું હતું… તારા દરેક ડર પર હાથ ફેરવીને તને વિશ્વાસ આપવો હતો. તારા જીવનના દરેક પડાવમાં તારી પડખે એક માં,બહેન,સહેલી બધું જ બનીને ઊભું રહેવું હતું પણ લાગે છે, ભગવાને મારા ભાગ્યમાં સમય થોડો ઓછો લખ્યો છે. છતાં પણ, મારો પ્રેમ… મારા આશીર્વાદ… ક્યારેય ઓછો નહીં પડે.
તું જ્યારે એકવીસ વર્ષની થશે, ત્યારે કદાચ તું જીવનને સમજવા લાગી હશે. પણ યાદ રાખજે—જીવન ક્યારેય સંપૂર્ણ નથી હોતું. તેમાં અધૂરાપણું જ તેની સુંદરતા છે. ક્યારેક તું દુઃખી હોઈશ, એકલું પણ લાગશે એમ લાગશે કે હું એકદમ તુટી રહી છું અને ક્યારેક ચોધાર આંસુ પણ આવશે… પણ એ દરેક ક્ષણે તું પોતાને ફરીથી ઊભી કરજે. કારણ કે તું મારી દીકરી છે—તારી અંદર હિંમત અને પ્રેમ બંને અખૂટ છે.
ક્યારેય પોતાને એકલી ના સમજતી. જ્યારે તું રાત્રે તારાઓ તરફ જોઈશ, ત્યારે સમજજે કે તારી મા તારા માટે પ્રાર્થના કરી રહી છે. પવનનો હળવો સ્પર્શ તને લાગે ત્યારે સમજજે કે એ મારા હાથનો સ્પર્શ છે. અને જ્યારે તું ખુશીમાં હસશે… ત્યારે એ મારી આત્માને સૌથી વધુ શાંતિ આપશે.
દુનિયા ઘણી વખત કઠોર હશે, લોકો ક્યારેક તને સમજશે નહીં… પણ તું પોતાની ઓળખ ક્યારેય ગુમાવતી નહીં. તું જેવી છે, એ જ રીતે અદભૂત છે. પોતાને પ્રેમ કરજે, પોતાની કિંમત સમજજે. કોઈના માટે તારી ખુશીનો ત્યાગ ક્યારેય ન કરજે.
મારી એક ઇચ્છા છે—તું માત્ર સફળ નહીં, પણ સારા હૃદયવાળી માનવી બનજે. કોઈના દુઃખમાં તેનો હાથ પકડજે, કોઈના જીવનમાં પ્રકાશ બનીને પ્રવેશ કરજે. કારણ કે જીવનની સાચી જીત એમાં છે કે તું કેટલાને ખુશ કરી શકી.
તું ૨૧ વષૅની થઈ એટલે એક જવાબદારી તને સોંપી રહી છું એ છે તારા પપ્પા .
તે હંમેશા જ પોતાની જાત પ્રત્યે બેદરકાર રહ્યા છે.તારી કાળજી લેવામાં એ ખુદને ભુલી જ ગયા હશે એ મને પાકું ખબર છે. એના પ્રત્યે ની મારી જવાબદારી તારે પુણૅ કરવાની છે . હંમેશા એના મૌન ને સમજજે.એના માટે જ તારે એની મા પણ બનવું પડશે અને દિકરી પણ. અને ક્યારેક દાદી બનીને ખખડાવી ભી નાખજે.જીવનના દરેક પડાવમાં એની સાથે રહેજે. એકલું ના લાગવા દેતી.
તારા સંસ્કાર અને ચારિત્ર્ય નું હંમેશા રક્ષણ કરજે.
અને હા… જો આ બધું કરવામાં ક્યારેક તું બહુ થાકી જાય, બહુ રડી પડે… તો આ પત્રને તારા હૃદય પાસે રાખીને આંખો બંધ કરજે. હું તારી સાથે જ હોઈશ. કદાચ દેખાઈશ નહીં… પણ તને અનુભવાઈશ જરૂર.
તું મારી શ્વાસ હતી, છે… અને હંમેશા રહેશે.
અનંત, નિઃસ્વાર્થ પ્રેમ સાથે,
તારી મા..