અનુઆધુનિક વાર્તાકારોમાં ભરત સોલંકીનું નામ હવે નવું નથી. તેમની પાસેથી ‘રૂપાંતર’(૨૦૧૩), ‘કાકડો’(૨૦૧૭) અને ‘વિડીયો શૂટિંગ’(૨૦૨૪) એમ ત્રણ ટૂંકીવાર્તા સંગ્રહો પ્રાપ્ત થાય છે. ‘વીડિયો શૂટિંગ’ વાર્તાસંગ્રહમાં નવ જેટલી વાર્તાઓ ગ્રંથસ્થ છે, અહીં સંગ્રહની શીર્ષકવાર્તા ‘વીડિયો શૂટિંગ’ વાર્તાને મૂલવવાનો ઉપક્રમ છે.
ભરત સોલંકીની ટૂંકીવાર્તા 'વીડિયો શૂટિંગ' માત્ર એક ત્રિકોણીય પ્રેમકથા નથી, પરંતુ માનવમનના ગહનતમ ભાવવિશ્વ, સ્મૃતિઓના બોજ, અલભ્ય પ્રેમની વેદના અને સંબંધોની ગતિશીલતાનું સૂક્ષ્મ નિરૂપણ છે. વાર્તાનો નાયક અનંગ, પોતાના બાળપણના મિત્રો ઉમંગ અને સરિતાના લગ્નનું વીડિયો શૂટિંગ કરવા જાય છે, જ્યાં તેને પોતાની અતૂટ મૈત્રી અને એકતરફી પ્રેમની અગ્નિપરીક્ષાનો સામનો કરવો પડે છે.
વાર્તાની શરૂઆત જ અનંગની આંતરિક વેદનાને સ્પષ્ટ કરે છે. લગ્નના માહોલમાં જ્યાં સૌ ખુશીથી ફોટા પડાવી રહ્યા છે, ત્યાં અનંગ સરિતાથી "વધુ ને વધુ દૂર ફંગોળાતો" અનુભવે છે. તે 'સ્માઇલ-સ્માઇલ' બોલી સૌને કૃત્રિમ હાસ્ય આપવા પ્રેરે છે, પરંતુ સરિતાના સ્મિતમાં તેને કૃત્રિમતા દેખાય છે, જ્યારે તેની પોતાની આંખોમાંથી સરી પડતાં આંસુ કેમેરાની આડશે પણ સરિતા જોઈ લે છે. આ દૃશ્ય અનંગના અંતરમનની વેદનાનું પ્રતીક છે અને વાર્તાના મુખ્ય સંઘર્ષનો પાયો નાખે છે.
વાર્તામાં ત્રણ મુખ્ય પાત્રો છે:
અનંગ: વાર્તાનો કથક છે. તે અત્યંત સંવેદનશીલ, લાગણીશીલ અને ભૂતકાળની સ્મૃતિઓથી પીડાતો યુવાન છે. તેને સરિતા પ્રત્યે ઊંડો અને નિઃસ્વાર્થ પ્રેમ છે, પરંતુ તે ક્યારેય વ્યક્ત કરી શકતો નથી. પોતાના વ્યવસાય (વીડિયો શૂટિંગ) દ્વારા તે પોતાની લાગણીઓ અને કલ્પનાઓને પ્રતિકાત્મક રીતે રજૂ કરે છે.
ઉમંગ: અનંગનો મિત્ર. તે શાંત પ્રકૃતિનો, વ્યવહારુ અને પિતાની ઇચ્છાને માન આપી સરકારી નોકરી દ્વારા સ્થિર જીવન જીવવા માંગે છે. તેનું પાત્ર અનંગની સરખામણીમાં વધુ સ્થિર અને ઓછું ભાવનાપ્રધાન છે.
સરિતા: અનંગ અને ઉમંગની મિત્ર. તે નામ પ્રમાણે જ જીવનપ્રવાહમાં ખળખળ વહેતી, થોડી તોફાની અને મસ્તીખોર છે. તેના પિતાના કડક નિયમોને કારણે તે પોતાના નિર્ણયો લેવામાં સંપૂર્ણ સ્વતંત્ર નથી, જે તેના લગ્નના નિર્ણયમાં સ્પષ્ટ થાય છે.
વાર્તામાં સ્મૃતિ (Memory) એક કેન્દ્રીય બાબત છે. અનંગ વારંવાર ભૂતકાળની યાદોમાં સરી પડે છે, જ્યાં ઉમંગ, સરિતા અને તેણે પાંચ વર્ષની અસંખ્ય પળો સાથે વિતાવી હતી. લેખક અનંગના મનોમંથનને સચોટ રીતે વ્યક્ત કરતાં લખે છે: "કેમેરા લગ્નનું લાઈવ શૂટિંગ કરતાં હતાં. તો બીજી તરફ પાંચ-પાંચ વર્ષથી આંખોની ફ્લેશથી મનમાં પડેલા ઉમંગ અને સરિતાનો ફોટો સ્મૃતિનાં સહારે વારંવાર પ્રગટ થઈ અદૃશ્ય થતાં જતા હતા."(પૃ.૨૭)
આ સ્મૃતિઓ અનંગ માટે "શાપિત આત્માની જેમ પીડા આપતી" બની જાય છે, કારણ કે તે વર્તમાનના વાસ્તવને બદલી નાખવાનું સામર્થ્ય ધરાવે છે. અનંગનું "મને કોઈ સ્મૃતિધ્વંશનો શાપ આપે તો કેવું સારું! બસ, વર્તમાનમાં જ રહેવાનું..."(પૃ.૨૭) એવું વિચારવું તેની તીવ્ર વેદના અને ભૂતકાળથી મુક્ત થવાની ઝંખના દર્શાવે છે. લગ્નની દરેક વિધિમાં અનંગ "જાણ્યે-અજાણ્યે ઉમંગની જગ્યાએ હું ગોઠવાઈ જતો હતો"(પૃ.૨૮) તેમ અનુભવે છે, જે તેની કલ્પના અને વાસ્તવિકતા વચ્ચેના સંઘર્ષને ઉજાગર કરે છે.
કૉલેજકાળ દરમિયાન અનંગ, ઉમંગ અને સરિતા વચ્ચેની મિત્રતા ખૂબ ગાઢ બને છે. બસમાં સાથે અપ-ડાઉન કરવું, કૉલેજ કેમ્પસમાં ગપ્પાં મારવાં, ફિલ્મો જોવા જવું - આ બધું તેમની નિકટતા વધારતું જાય છે. સર્જક આ મિત્રતાના વર્તુળને "અખંડ અને આત્મિય ત્રિકોણ" તરીકે વર્ણવે છે, જે તેમના સંબંધોની ઊંડાઈ દર્શાવે છે.
ખાસ કરીને 'છેલ્લો દિવસ' ફિલ્મ જોવાના પ્રસંગે અનંગ અને સરિતા વચ્ચે અજાણતાં જ શારીરિક નિકટતા અનુભવાય છે, જે અનંગના મૃગજળ સમાન પ્રેમની શરૂઆત બને છે. સરિતાનું અનંગના ખભા પર ઢળી પડવું, તેના 'સિક્સપેગ' પર આંગળીઓ ફેરવવી – "મારી શંકરની ધ્યાનસ્થ સ્થિતિની જેમ આંખો બંધ થઈ ગઈ. શરીર ટટ્ટાર થયું પણ મનથી સંયમિત રહેવાનો પ્રયત્ન કર્યો"(પૃ.૩૦) – આ વર્ણન અનંગના આંતરિક તોફાન અને સંયમ જાળવવાના પ્રયત્નને દર્શાવે છે. આ ઘટના અનંગની સરિતા પ્રત્યેની દૃષ્ટિ જ બદલી નાખે છે: "બસ પછી તો તે દિવસથી સરિતા વધુ ગમવા લાગેલી. તેના તરફ જોવાની આખી દૃષ્ટિ જ બદલાય ગયેલી."(પૃ.૩૧)
સરિતાનું બંને મિત્રો પ્રત્યેનું આકર્ષણ પણ સ્પષ્ટ થાય છે, જ્યારે તે ઉમંગના "ક્લાસિકલ વ્યક્તિત્વ, મીઠો અવાજ, નશીલી આંખો ને જીવન પ્રત્યેની ગંભીરતા"ની પ્રશંસા કરે છે, તો અનંગના "પૌરુષસભર દેહસૌષ્ઠવ, કસાયેલું શરીર. ખેતરમાં લહેરાતી હરિયાળીની જેમ લહેરાતા તારા હાથ પરનાં કાળા વાળને કરકરી કાળી મૂછોની નીચે જાડા, લાલઘૂમ હોઠ. પ્રકૃતિ સાથેની નિસબત"(પૃ.૩૦)ની પણ પ્રશંસા કરે છે. તેની "મારું ચાલે તો હું બંને સાથે પરણું અથવા આજીવન કુંવારી જ રહું"(પૃ.૩૨) એવી વાત તેની મનોવૈજ્ઞાનિક દ્વિધા અને બંને મિત્રોને ગુમાવવાની અનિચ્છા દર્શાવે છે.
વાર્તામાં વળાંક ત્યારે આવે છે જ્યારે ઉમંગ અનંગને પોતાના અને સરિતાના લગ્નની જાણ કરે છે. આ સમાચાર અનંગને આઘાત આપે છે, તેના હાથમાંથી ફોન પડી જાય છે, આંખે અંધારા આવી જાય છે. તે ઈર્ષ્યા પણ અનુભવે છે: "ઉમંગ આગળ નીકળી ગયો. હોશિયાર નીકળ્યો મારા કરતાં એવું લાગતાં મને થોડી ઈર્ષા પણ થઈ આવી."(પૃ.૩૩)
પરંતુ પછીથી તે "વિધાતાના લેખ", સરિતાના પિતાની નોકરી પ્રત્યેનો લગાવ અને ઉમંગની સરકારી નોકરીને કારણે થયેલા લગ્નને સ્વીકારી લે છે. તે ઉમંગ પ્રત્યેની ઈર્ષ્યાને ઓગાળી દે છે અને "ચાલો, મને નહીં તો ઉમંગને પણ મૈત્રી ફળી તો ખરી"(પૃ.૩૪) તેમ માની, પોતાના મનને શાંત પાડે છે અને સંબંધની વ્યાખ્યાઓ બદલાશે તેમ સ્વીકારે છે. આ અનંગની પરિપક્વતા, નિઃસ્વાર્થ પ્રેમ અને ત્યાગની ભાવના દર્શાવે છે.
વાર્તાનો અંત અનંગની લાગણીઓની પરાકાષ્ઠા દર્શાવે છે. લગ્નની પ્રથમ રાત્રે ઉમંગ પર ફોન આવે છે કે તેના પિતાની તબિયત બગડી છે અને તે અનંગને સરિતા સાથે હોટેલના રૂમમાં એકલો મૂકી ઘેર જાય છે, તે કહે છે “એકાદ કલાકમાં આવું ત્યાં સુધી તું અહીં સરિતા સાથે રહે ને આમેય તું ક્યાં પારકો કે અજાણ્યો હતો...”(પૃ.૩૬) આ ક્ષણ અનંગ માટે અગ્નિપરીક્ષા સમાન છે. "જેના વિશે મેં ભાતભાતની કલ્પનાઓ કરેલી તેના હળવા મધુર સ્પર્શને પ્રથમ માણ્યો'તો તે સરિતાને કોઈ બીજા પુરુષની સાથે..."(પૃ.૩૫) – આ વિચાર જ તેને વ્યથાથી ભરી દે છે.
રૂમનું વાતાવરણ – લીલો પ્રકાશ, સ્પ્રેની અને ફૂલોની માદક ગંધ, "સ્ત્રી-પુરુષના આલિંગનબદ્ધ વોલપીસ" – આ બધું અનંગની કામનાઓને પ્રજ્વલિત કરે છે. સરિતાનું અનંગ પ્રત્યેનું વર્તન, તેનું દૂધ પિવડાવવું અને સ્પર્શવું – "મારી જમણા હાથની આંગળીઓ દૂધની ધારાએ ધારાએ ફરતી નીચે ઊતરતી હતી ને પાછળ પાછળ મારા હોઠ ફરતાં ફરતાં ચુંબનોનો વરસાદ કરી આગ વધુ પ્રજ્વલિત કરતાં હતાં."(પૃ.૩૭) – આ વર્ણન અનંગના સંયમને તોડી નાખે છે.
જોકે, સર્જક અહીં અનંગને સંપૂર્ણપણે કામનાને વશ થવા દેતા નથી. તે પોતાના મનથી સંયમિત રહેવાનો પ્રયત્ન કરે છે, "હું છુટવા મથવા લાગ્યો. મને થયું ઉમંગ શું વિચારશે ? ઉમંગનો આટલો વિશ્વાસ અને મારો આવો વિશ્વાસઘાત ?"(પૃ.૩૭) તે પોતાના મિત્ર પ્રત્યેની વફાદારીને યાદ કરે છે અને સરિતાથી દૂર અને સંયમિત રહેવા પ્રયત્ન કરે છે. પરંતુ "આજે સરિતા સાચે જ ગાંડીતૂર થઈ ગઈ હતી. સમુદ્ર ક્યારેય પોતાની મર્યાદાતો લાંઘતો નથી પણ જ્યાં નદી જ ગાંડીતૂર થઈ પોતાનો રસ્તો બદલી સમુદ્રમાં ભળવા તત્પર થાય ત્યાં સમુદ્રનો શો વાંક ? સરિતા અત્યારે સમુદ્રમાં આખેઆખી ભળી ગઈ હતી."(પૃ.૩૭)
ભરત સોલંકીની ભાષા સરળ, પ્રવાહી અને ભાવવાહી છે. ગુજરાતી શિષ્ટ ભાષાના શબ્દપ્રયોગો વાર્તાને જીવંત બનાવે છે. ઉપમાઓ અને રૂપકોનો પ્રયોગ વાર્તાની સર્જનાત્મકતામાં વધારો કરે છે, જેમ કે "શંકરની કાળી જટાની જેમ લાંબા કાળા ખેંચીને બાંધેલા વાળ", "ચંચળ હરણીની ડોકશી લાંબી ગ્રીવા", "નાભિ ઝળહળે ને વળાંક નીચે ઊતરતાં યુગો-યુગોથી પુરુષોની કામનાના વિષને પોતાનામાં સમાવી સંસારને અમૃત આપતાં અસંખ્ય અમૃતકુંભ પૈકીનો એક અખંડ અમૃતકુંભ." આ વર્ણનો અનંગની સરિતા પ્રત્યેની તીવ્ર લાગણીઓ, કલ્પનાઓને અને વાસનાની તૃપ્તિને ઉજાગર કરે છે. સર્જકે નાયકના મનોભાવો, તેની વેદના, સંઘર્ષ અને જાતિય પરાકાષ્ઠાને અત્યંત અસરકારક રીતે રજૂ કર્યા છે, જે ભાવકને ભાવનાત્મક રીતે જોડી રાખે છે.
વાર્તામાં ટેક્નિકની વાત કરીએ તો સર્જકે Bifocal પ્રયુક્તિનો અને Juxtapose પ્રયુક્તિનો વિનિયોગ કર્યો છે. જે સાર્થક થતો જોઈ શકાય છે. નાયક વારંવાર વર્તમાન અને ભૂતકાળના આવર્તનમાં ઝૂલે છે.
'વીડિયો શૂટિંગ' વાર્તા માત્ર એક પ્રણયત્રિકોણની કથા નથી, પરંતુ સંસ્કાર, સંયમ સામે જાતિયવૃત્તિની જીત, માનવ સંબંધોની જટિલતા, અનપેક્ષિત વળાંકો અને લાગણીઓના ઉથલપાથલને દર્શાવતી એક સચોટ કૃતિ બની રહે છે.
(વીડિયો શૂટિંગ, ભરત સોલંકી, ડિવાઇન પબ્લિકેશન્સ, અમદાવાદ. પ્ર.આ. ૨૦૨૪, મૂલ્ય. રૂ. ૧૫૦/-)
નોંધ : Samvid e Journal 2026 માં પ્રકાશિત લેખ.
ડૉ. હાર્દિક પ્રજાપતિ
(MA, UGC-NET, GSET, PGDSC, SI, COPA, Ph.D.)
8141125140