Mysteries of Kailash: An Exciting Journey - 19 in Gujarati Adventure Stories by Hardik Galiya books and stories PDF | કૈલાસના રહસ્યો: એક રોમાંચક સફર - 19

Featured Books
Categories
Share

કૈલાસના રહસ્યો: એક રોમાંચક સફર - 19

કૈલાસના રહસ્યો : એક રોમાંચક સફર 

ખંડ : ૨ 

પ્રકરણ : ૫ : અદ્રશ્ય યાત્રી 

     કાળના અરીસાઓની એ ભયાનક અને માયાવી ખીણમાંથી બહાર આવ્યા પછી અમે બરફ પર ફસડાઈ પડ્યા હતા. સમયના એ પ્રચંડ ચુંબકીય હુમલાએ અમારા શરીરની જૈવિક ઘડિયાળને એવી રીતે ફેરવી નાખી હતી કે અમારી ઉંમર એક જ કલાકના સમયગાળામાં એક મહિના જેટલી વધી ગઈ હતી. શ્વાસ એટલા ભારે થઈ ગયા હતા કે જાણે ફેફસાં કોઈ જૂના, ફાટેલા ધમણની જેમ કામ કરી રહ્યા હોય. મારા ચહેરા પર બરછટ અને કડક દાઢી ઊગી ગઈ હતી અને હાથના નખ લાંબા થઈને આંગળીઓની બહાર આવી ગયા હતા. મેં હાંફતા હાંફતા મારી બાજુમાં બરફ પર પડેલી વનિતા સામે જોયું. તેના કાળા રેશમી વાળમાં પણ લમણાં પાસે સફેદ છાંય સ્પષ્ટ દેખાતી હતી. તેની આંખો નીચે એક મહિનાના સતત ઉજાગરા અને થાકની કરચલીઓ અંકાઈ ગઈ હતી.

      હું ઊભો થયો,મારા પગ હવે ચાલવા માટે પણ તૈયાર નહોતા,પરંતુ અમારે જ એક બીજાનો સહારો બનવાનું હતું તેથી થેલામાંથી પાણીની બોટલ કાઢી અને વનિતાને આપી. માઈનસ તાપમાનમાં પાણી અડધું બરફ જેવું ઠંડુ હતું, શરીરને પાણીની જરૂર હતી,ઠંડું પાણીને શરીરની આંતરિક યોગિક ગરમીએ ગળા નીચે ઉતારવામાં મદદ કરી. અમે એકબીજાના બદલાયેલા, વૃદ્ધ થયેલા ચહેરાઓ તરફ જોયું.
     "આપણે સુરતથી નીકળ્યા ત્યારે કેવા દેખાતા હતા અને અત્યારે આ પહાડે આપણને કેવા બનાવી દીધા છે," મેં પોતાના ચહેરા પર હાથ ફેરવતા એક અત્યંત શાંત અને ગહન સ્મિત સાથે કહ્યું.
     "આ ઉંમર નથી હાર્દિક, આ પહાડે આપણને આપેલી પરિપક્વતા છે," વનિતાએ મારા ખભા પર હાથ મૂકતા કહ્યું. "જે જ્ઞાન અને વૈરાગ્ય મેળવવા માટે સાધુઓ આખી જિંદગી જંગલોમાં ગાળી નાખે છે, તે કૈલાસે આપણને આ વીસ મિનિટમાં આપી દીધું. હવે મને આ કરચલીઓનો કોઈ જ અફસોસ નથી.
     “હા સાચે જ,સુરતનો પેલો અહંકારી પ્રોફેસર કાળની ખીણમાં જ ક્યાંક દટાઈ ગયો છે."મારાથી સહેજે જ બોલાઈ ગયું
     ગુરુંગ અમારી આ વાત સાંભળીને મનોમન મલકાયો. તેણે પોતાની જૂની, મજબૂત લાકડી જમીન પર પછાડી અને કહ્યું, "તમારો આ સંતોષ જ તમારી સૌથી મોટી ઢાલ છે, પ્રોફેસર. અહંકાર તૂટે પછી જ ઈશ્વરના દ્વાર ખુલે છે. ચાલો, હવે ઊભા થાવ. યાત્રાનો સૌથી કઠિન, સૌથી પવિત્ર પડાવ આપણી રાહ જોઈ રહ્યો છે. આપણે કૈલાસના ઉત્તર મુખ તરફ જઈ રહ્યા છીએ. આ પર્વતનો સૌથી રહસ્યમય હિસ્સો છે. અહીં તમારું વિજ્ઞાન ઘૂંટણિયા ટેકવી દેશે."
      અમે ફરીથી અમારા ભારેખમ થેલાઓ પીઠ પર ભેરવ્યા અને ઉત્તર દિશા તરફ ચાલવાનું શરૂ કર્યું.અત્યાર સુધી અમે કૈલાસને દક્ષિણ અને પશ્ચિમથી જોયો હતો, પણ જેમ જેમ અમે ઉત્તર મુખ તરફ આગળ વધ્યા, પર્વતનું સ્વરૂપ અત્યંત ભવ્ય, દિવ્ય અને ડરામણું થવા લાગ્યું. ઉત્તર દિશામાં સૂર્યપ્રકાશ અત્યંત ઓછો સમય રહે છે, જેના કારણે અહીંનું તાપમાન સીધું શૂન્યથી ચાલીસ અંશ નીચે સુધી ગગડી ગયું હતું. અહીં ચાલતા પવનો એટલા તીવ્ર અને બર્ફીલા હતા કે કોઈ પણ સામાન્ય પર્વતારોહકનું સંતુલન ક્ષણોમાં બગાડી શકે અને તેને સીધો ખીણમાં ધકેલી દે.
     "પ્રોફેસર, તમે શાળા-કોલેજોમાં અનેક નકશાઓ અને ભૂગોળના સિદ્ધાંતો ભણાવ્યા હશે," ગુરુંગ અચાનક મારી સમાંતર ચાલતા ચાલતા બોલ્યો. તેનો અવાજ પવનના સૂસવાટા વચ્ચે પણ એકદમ સ્પષ્ટ અને વજનદાર હતો. "પણ તમે જાણો છો આ ઉત્તર મુખ શા માટે આટલું ભયાનક અને પવિત્ર છે? શા માટે દુનિયાભરના સાધુ-સંતો આ ઉત્તર મુખના દર્શન માટે જ તલપાપડ હોય છે?"
     મેં ગુરુંગ સામે જોયું. મારી પાસે ભૂસ્તરશાસ્ત્રના થોડાક જવાબો હતા, પણ મેં ચૂપ રહેવાનું જ મુનાસીબ માન્યું. "તમે જ જણાવો, ગુરુંગજી. મારું વિજ્ઞાન તો કાળના અરીસાઓમાં જ ક્યાંક ખોવાઈ ગયું છે."
     "હિંદુ શાસ્ત્રોમાં ઉત્તર દિશાને 'દેવતાઓની દિશા' માનવામાં આવે છે," ગુરુંગે સામે દેખાતી એ અફાટ કાળી દીવાલ તરફ પોતાની લાકડી ચીંધીને એક અત્યંત જ્ઞાની ઋષિની જેમ સમજાવવાનું શરૂ કર્યું. 
     "પ્રોફેસર, તમે એની રચના જુઓ. આ કોઈ સામાન્ય પહાડનો ઢોળાવ નથી. આ નેવું અંશના ખૂણે સાવ ઊભી રહેલી કાળા પથ્થરની એક સળંગ દીવાલ છે. જાણે કોઈ મહાકાય શિલ્પકારે ઉપરથી નીચે સુધી હજારો ફૂટ ઊંડો એક જ સીધો કાપ મૂક્યો હોય! આ દીવાલ એટલી સપાટ છે કે તેના પર બરફ પણ ટકી શકતો નથી." ગુરુંગે એક ઊંડો શ્વાસ લીધો અને આગળ સમજાવ્યું, "તમારી વિજ્ઞાનની ભાષામાં જેને તમે 'પ્રકાશનું પરાવર્તન' કહો છો, તે અહીં બપોરના સમયે સર્જાય છે. જ્યારે બપોરે સૂર્યના કિરણો બરાબર ચોક્કસ ખૂણે આ કાચ જેવી સપાટ કાળી દીવાલ પર પડે છે, ત્યારે પ્રકાશનું ભયંકર ઝડપે પરાવર્તન થાય છે. ત્યારે આ આખો કાળો પહાડ અચાનક સોના જેવો ઝળહળી ઊઠે છે. જાણે આખો પર્વત જ સોનાનો બની ગયો હોય! આપણા પુરાણોમાં શિવની આ જ ભવ્ય અવસ્થાને 'હિરણ્યગર્ભ' કહેવાય છે. હિરણ્ય એટલે સોનું અને ગર્ભ એટલે કેન્દ્ર. આ બ્રહ્માંડમાં પ્રકાશ અને ઊર્જાનું સૌથી મૂળ કેન્દ્ર આ જ છે, પ્રોફેસર!"
     હું સ્તબ્ધ થઈને સાંભળી રહ્યો હતો. હું એક ભૂગોળનો શિક્ષક હતો, પણ આજે પ્રકૃતિના અસલી અને ગહન સિદ્ધાંતો મને એક પહાડી વ્યક્તિ સમજાવી રહ્યો હતો. તેનું જ્ઞાન કોઈ પુસ્તકમાંથી નહોતું આવ્યું, પણ આ પર્વતો સાથેના વર્ષોના સંબંધ માંથી  આવ્યું હતું.
      "અને પેલો પર્વત જુઓ," ગુરુંગે ઉત્તર મુખની બરાબર સામે ઊભેલા એક કાળા અને વિચિત્ર આકારના પહાડ તરફ ઈશારો કર્યો. "એ નંદી પર્વત છે. આપણે અત્યારે ડેરાફુક વિસ્તારમાં છીએ. અહીંથી જરા ધ્યાનથી જુઓ... કેવું લાગે છે? એવું નથી લાગતું જાણે બે વિશાળ પર્વતોની વચ્ચે એક ભવ્ય સિંહાસન પર સાક્ષાત મહાદેવ બિરાજમાન છે, અને સામે તેમનો પરમ ભક્ત નંદી તેમનું રક્ષણ કરી રહ્યો છે?"
      મેં એ ભૌમિતિક અજાયબીને મંત્રમુગ્ધ થઈને જોઈ. ખરેખર, આકાર આબેહૂબ એવો જ હતો. કુદરત પોતે જ જાણે મૂર્તિઓ કંડારીને બેઠી હતી. મારી અંદરનો વિજ્ઞાની અને સંશોધક ફરી સળવળ્યો. મારે પૂછવું નહોતું, છતાં મારાથી રહેવાયું નહીં.
      "પણ ગુરુંગજી, એક પ્રશ્ન થાય છે," મેં અત્યંત વિનમ્રતાથી પૂછ્યું. "પૃથ્વીના મોટા મોટા પર્વતારોહકોએ, જેમની પાસે આધુનિક સાધનો છે, તેમણે માઉન્ટ એવરેસ્ટ જેવા નવ હજાર મીટર ઊંચા પહાડો સર કરી લીધા છે. તો પછી આ કૈલાસ, જે માત્ર છ હજાર છસો મીટર ઊંચો છે, તેના શિખર પર આજ સુધી કોઈ કેમ નથી જઈ શક્યું? શું ખરેખર કોઈ અદ્રશ્ય શક્તિ તેમને રોકે છે?"
       ગુરુંગના કરચલીઓ વાળા ચહેરા પર એક ગૂઢ અને રહસ્યમય સ્મિત આવ્યું. તેણે ચાલવાની ગતિ ધીમી કરી અને મારી સામે જોઈને કહ્યું, "પ્રોફેસર, આ પથ્થરો તમને જે સામાન્ય લાગે છે તે સામાન્ય નથી, આ પથ્થરો અને બરફની વર્ષોથી એક એક પરત બને છે, અહીં બરફ ઓગળતો નથી તેથી દર વર્ષે એક ઉપર બીજું, બીજા પર ત્રીજું એમ સ્તર બને છે, અને બરફ ઉપરથી નીચે પડે છે ત્યારે તે ઘસતા હોવાથી એટલા લિસા અને મજબૂત બને છે કે તેના પર કોઈ પણ પદાર્થ ત્યાં ખુતાડી શકતું નથી.“
     આ જ વાત અમારા ભૂગોળની ભાષામાં જ સમજાવું તો, આ ખડકો 'રૂપાંતરિત જળકૃત ખડકો' પ્રકારના છે. આ ખડકો એટલા લીસા અને કાચ જેવા સુંવાળા છે કે તેના પર પર્વતારોહણ માટે જરૂરી લોખંડના ખીલા ખોડી જ શકાતા નથી. પથ્થર એટલો કઠણ છે કે હથોડી મારતા જ ખીલા સરકી જાય છે અથવા તૂટી જાય છે. પણ આ તો માત્ર ભૌતિક કારણ છે."
        તેણે આસપાસના પર્વતો તરફ એક નજર ફેરવી અને અવાજને અત્યંત ગંભીર બનાવીને આગળ કહ્યું, "અસલી કારણ બીજું જ છે. જો કોઈ માણસ પોતાના અહંકારમાં આંધળો થઈને, જિદ્દ કરીને ઉપર ચઢવાનો પ્રયાસ કરે, તો આ પર્વતનું પ્રચંડ ચુંબકીય ક્ષેત્ર અને શૂન્યાવકાશની ઊર્જા તેના મગજ પર સીધો હુમલો કરે છે. તમને પેલી ડાયરીમાં લખેલા રશિયન પર્વતારોહકોની વાત યાદ છે ને? પેલા ચાર યુવાનો, જેમણે જીદ કરી હતી?"
         મને નિકોલાઈની ડાયરીનું એ હચમચાવી દે તેવું પાનું યાદ આવી ગયું. "હા, તેમણે શિખર ચઢવાનો પ્રયાસ કર્યો હતો અને પછી..."
       "હા," ગુરુંગે મારી વાત કાપતા કહ્યું. "તેમણે અહીંથી જ ઉપર ચઢવાનો પ્રયાસ કર્યો હતો. પણ જેમ જેમ તેઓ ઉપર ગયા, તેમ તેમ તેમની અંદરનું માનસિક સંતુલન બગડવા લાગ્યું. તેમને ભયાનક ભ્રમણાઓ થવા લાગી, અંદરથી ડરામણા અવાજો આવવા લાગ્યા અને તેમને પાછા વળવાની એક એવી પ્રચંડ, અદ્રશ્ય પ્રેરણા થઈ કે તેઓ રડતા રડતા, પાગલ અવસ્થામાં નીચે ઉતરી ગયા. તેમને લાગ્યું કે કોઈ અદ્રશ્ય દીવાલ તેમને ધક્કો મારી રહી છે. અને નીચે ઉતર્યાના માત્ર એક વર્ષમાં જ, તેઓ ચારેય યુવાનો એંસી વર્ષના વૃદ્ધ જેવા થઈને તડપી તડપીને મરી ગયા! પ્રોફેસર, આ કોઈ કુદરતી અકસ્માત નહોતો, આ સાક્ષાત 'દૈવી રોક' છે. આ શંભાલાનો દરવાજો છે, બ્રહ્માંડનું પવિત્ર ગર્ભગૃહ છે. અહીં ભૌતિક શરીર અને અહંકાર સાથે પ્રવેશ કાયમ માટે વર્જિત છે. શિવની બેઠક પર પગ મૂકવાની લાયકાત કોઈ મનુષ્યમાં નથી."
      હું આશ્ચર્ય અને ભયથી સ્તબ્ધ થઈને સાંભળી રહ્યો હતો. મેં વનિતા તરફ જોયું. તે બધું જ અત્યંત શાંતિથી સાંભળી રહી હતી. તેની આંખોમાં કોઈ ડર નહોતો. તે તો જાણે પહેલેથી જ આ બધું જાણતી હોય તેવો ભાવ તેના ચહેરા પર હતો.
       અમે એ ઉત્તર મુખની બરાબર નીચે, ધીમા પગલે ચાલી રહ્યા હતા.
"અને બીજી એક વાત પ્રોફેસર," ગુરુંગે ચાલતા ચાલતા ચારેય દિશાઓ તરફ પોતાની લાકડી ફેરવીને કહ્યું. "આ જગ્યાને બ્રહ્માંડનો 'મેરુદંડ' કહેવામાં આવે છે. આ કૈલાસની ચાર બાજુઓ દુનિયાના અન્ય રહસ્યમય સ્થળો—જેમ કે ઇજિપ્તના પિરામિડ અને સમુદ્રમાં આવેલા રહસ્યમય ત્રિકોણો સાથે ભૌમિતિક રીતે એક જ સીધી રેખામાં જોડાયેલી છે. આ માત્ર ખાલી પથ્થર નથી, આ એક આંતર-ગ્રહીય યંત્ર છે, જે આખા બ્રહ્માંડની ઊર્જાને પૃથ્વી સાથે જોડે છે."
      ગુરુંગે નીચે વહેતા બરફના પાતળા ઝરણાં તરફ ઈશારો કર્યો. "અને આ પાણી જુઓ... આખા એશિયા ખંડનું જીવનચક્ર અહીંથી જ શરૂ થાય છે. કૈલાસના ચાર મુખમાંથી ચાર મહાન નદીઓ જન્મે છે. ઉત્તરમાંથી સિંહના મુખ વાળી સિંધુ નદી, પૂર્વમાંથી ઘોડાના મુખ વાળી બ્રહ્મપુત્રા, પશ્ચિમમાંથી હાથીના મુખ વાળી સતલજ, અને દક્ષિણમાંથી મોરના મુખ વાળી કરનાલી નદી! આ ચારેય નદીઓ અલગ-અલગ દિશામાં વહે છે, અલગ અલગ દેશોમાં જાય છે, પણ તેમનો ગર્ભ, તેમનું મૂળ એક જ છે—આ કૈલાસ! આ માત્ર પર્વત નથી, પ્રોફેસર... આ પૃથ્વીનું ધબકતું હૃદય છે."
       હું ગુરુંગના આ અગાધ જ્ઞાન સામે નતમસ્તક થઈ ગયો. કાળની ખીણમાં ઉંમર ભલે મારી વધી હોય, પણ આત્મજ્ઞાન ગુરુંગના શબ્દોથી મને લાધ્યું હતું.
      સવારથી લઈને બપોર સુધીના ચઢાણમાં પર્વતનો રંગ અને મિજાજ સતત બદલાઈ રહ્યો હતો. પરોઢિયે જે પથ્થરો કાળા ડિબાંગ અને બિહામણા લાગતા હતા, તે બપોર થતાં આછા ભૂખરા રંગના દેખાવા લાગ્યા હતા. અમે સાવ શાંતિથી, એકબીજાની પાછળ ચાલી રહ્યા હતા. અહીં હવા એકદમ સ્થિર હતી. પવનનો કોઈ સૂસવાટો નહોતો.
પણ એક વિચિત્ર, ધ્રુજારી પેદા કરતો અવાજ વાતાવરણમાં સતત ગુંજી રહ્યો હતો.
      ઓમ્મ્મ્મ્... ઓમ્મ્મ્મ્...
      આ અવાજ કોઈ સાધુની મંડળીનો નહોતો. આસપાસ અમારા ત્રણ સિવાય કોઈ જ મનુષ્ય નહોતો, કોઈ પક્ષી સુદ્ધાં નહોતું. તો આ અવાજ ક્યાંથી આવતો હતો? મેં ધ્યાનથી સાંભળ્યું. આ ગુંજારવ પવનનો નહોતો, આ અવાજ તો સીધો એ પથ્થરની વિશાળ દીવાલોમાંથી બહાર આવી રહ્યો હતો! જાણે આખો પર્વત પોતે જ કોઈ મહાન જીવની જેમ ધીમો શ્વાસ લઈ રહ્યો હોય અને તેના ગર્ભમાંથી આ અનાહત નાદ ઉત્પન્ન થઈ રહ્યો હોય.
      "ગુરુંગજી... આ અવાજ?" મેં ધીમેથી પૂછ્યું, રખેને મારો અવાજ આ પવિત્ર શાંતિને તોડી ન નાખે.
     "સાંભળો પ્રોફેસર..." ગુરુંગે આંખો બંધ કરીને અત્યંત શાંતિથી કહ્યું. "આ ઓમકાર કાનથી નહીં, સીધો હૃદયથી સાંભળવાનો પ્રયાસ કરો. આ પહાડ જીવંત છે, અને તે અત્યારે ગાઢ ધ્યાનમાં છે. શિવનો શ્વાસ આ જ ઓમકાર છે."
      અમે મંત્રમુગ્ધ અવસ્થામાં ચાલી રહ્યા હતા. જમીન પર શુદ્ધ અને પોચો બરફ પથરાયેલો હતો. અમે સૌથી આગળ હતા અને અત્યાર સુધી કોઈ યાત્રી આ રસ્તેથી પસાર નહોતો થયો, એટલે બરફ પર માત્ર અમારા જ પગલાંની છાપ પડી રહી હતી. બાકીનો બરફ સાવ કોરો અને અસ્પર્શ્ય હતો. ત્યારે જ મારી નજર રસ્તા પર થોડે આગળ ગઈ અને મારા શ્વાસ ગળામાં જ થંભી ગયા. મારા પગ જમીન સાથે જકડાઈ ગયા.
      અમારી આગળ, બરાબર વીસ ફૂટના અંતરે, બરફ પર પગલાંની છાપ હતી! કોઈ અમારા પહેલાં અહીં ચાલી રહ્યું હતું. પણ મેં નજર દોડાવી તો આસપાસ, દૂર દૂર સુધી કોઈ જ મનુષ્ય કે પ્રાણી દેખાતું નહોતું. મેં મારી આંખો ચોળીને ફરી જોયું. મને લાગ્યું કે કદાચ પ્રાણવાયુની કમીથી મારું મગજ મને ભ્રમણા કરાવી રહ્યું છે. અને જે દ્રશ્ય મેં જોયું તેણે મારા વૈજ્ઞાનિક મગજના તમામ પાયાઓ હચમચાવી નાખ્યા.
       નવા પગલાં મારી નજર સામે જ બરફ પર આપમેળે ઉપસી રહ્યા હતા!
      છપ્પ... છપ્પ... છપ્પ...
      જાણે કોઈ અદ્રશ્ય માણસ, કોઈ અદ્રશ્ય યાત્રી અમારી બરાબર આગળ ચાલી રહ્યો હોય તેમ એક પછી એક ખુલ્લા પગલાંની છાપ ધીમે ધીમે બરફ પર દબાણ સાથે પડી રહી હતી! તે પગલાં ખુલ્લા પગના હતા, કોઈ બૂટ કે પગરખાંના નહોતા. શૂન્યથી ચાલીસ ડિગ્રી નીચેના તાપમાનમાં કોઈ માણસ ખુલ્લા પગે તો ન જ ચાલી શકે. અને સૌથી મોટી વાત, ત્યાં હવામાં કોઈ જ નહોતું! શૂન્યાવકાશમાં માત્ર પગલાં પડી રહ્યા હતા. બરફ અંદર દબાઈ રહ્યો હતો!
       મારું આખું શરીર ભય અને આશ્ચર્યથી થીજી ગયું. યમદ્વાર અને કાળના અરીસાઓનો ડર પાછળ રહી ગયો હતો, પણ આ કોઈ નવો જ, અકલ્પનીય અને બિહામણો ચમત્કાર હતો. મારી આંખો ફાટી ગઈ. મારા મગજમાં ભયનું મોજું ફરી વળ્યું.
     વનિતાએ ડરના માર્યા મારો હાથ અત્યંત જોરથી પકડી લીધો. મારા હાથ ધ્રૂજતા હતા.
     "ગુરુંગજી! પેલા જુઓ... પગલાં! આ શું છે? કોઈ અદ્રશ્ય શક્તિ આપણી સાથે ચાલી રહી છે! આ પહાડ પર કોઈ ભૂત..." મારા મોઢામાંથી શબ્દો પૂરા નીકળતા નહોતા. એટલી બધી મુશ્કેલીઓ પછી પણ, અદ્રશ્ય અસ્તિત્વને નરી આંખે જોવાનો આ ડર મારા કાબૂમાં નહોતો.
       "શાંત પડો, પ્રોફેસર," ગુરુંગે મારો હાથ પકડીને અત્યંત ઠરેલ અવાજે મને શાંત પાડ્યો. તેના ચહેરા પર એક અત્યંત દિવ્ય અને આદરણીય ભાવ હતો.
      "આ કોઈ પ્રેતાત્મા કે ભૂત નથી, પ્રોફેસર," ગુરુંગે એ અદ્રશ્ય પગલાંઓ તરફ અત્યંત શ્રદ્ધાથી જોતા કહ્યું. "ડરવાની કોઈ જ જરૂર નથી. આ બ્રહ્માંડના એ સિદ્ધ પુરુષો, એ મહાન ઋષિ-મુનિઓ છે, જેઓ પોતાના સ્થૂળ શરીરનો ત્યાગ કરીને સદીઓથી અહીં સૂક્ષ્મ દેહ સ્વરૂપે કૈલાસની પરિક્રમા કરી રહ્યા છે. તેઓ સામાન્ય મનુષ્ય માટે અદ્રશ્ય છે, પણ તેમની આધ્યાત્મિક ઊર્જા એટલી પ્રચંડ અને ઘન છે કે બરફ પર તેમના પગલાંનું વજન ઉપસી રહ્યું છે. તેઓ આપણને ડરાવવા નહીં, પણ આપણને સાચો રસ્તો બતાવવા આવ્યા છે. આ સિદ્ધ મહાત્માઓના દર્શન થવા, તેમના પગલાં જોવા, એ આપણા અનેક જન્મોના પૂણ્યનું ફળ છે. નીચે નમી જાવ પ્રોફેસર!"
      ગુરુંગ તરત જ પોતાના બંને હાથ જોડીને, ઘૂંટણભેર બરફ પર બેસી ગયો અને પોતાનું માથું જમીન પર ટેકવી દીધું.
      વનિતા પણ પહેલેથી જ બે હાથ જોડીને ઊભી હતી. તેણે પણ પોતાનું માથું બરફ પર ટેકવીને એ અદ્રશ્ય યાત્રીઓને વંદન કર્યા.મારો બધો જ ડર હવે ભક્તિમાં અને આશ્ચર્યમાં ફેરવાઈ ગયો હતો. હું પણ ગુરુંગ અને વનિતાની બાજુમાં ઘૂંટણભેર બરફ પર બેસી ગયો. ભૌતિકશાસ્ત્રના બધા જ નિયમો, બધું જ વિજ્ઞાન અહીં સાવ વામણું અને લાચાર લાગતું હતું. મારી નજર સામે બરફ પર એ અદ્રશ્ય યાત્રીના પગલાં ધીમે ધીમે આગળ વધી રહ્યા હતા. મેં સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. મને પૂરેપૂરું સમજાઈ ગયું હતું કે આ પહાડ માત્ર માટી અને પથ્થરનો ઢગલો નથી, આ તો આત્માઓ અને પરમાત્માનું જીવંત મિલન-કેન્દ્ર છે.થોડીવાર પછી એ પગલાંની છાપ પડવાની બંધ થઈ ગઈ. જાણે તે અદ્રશ્ય અસ્તિત્વ પવનમાં ભળી ગયું. અમે ધીમેથી ઊભા થયા. વાતાવરણમાં ગુલાબજળ અને હવનની ભસ્મ જેવી એક અત્યંત પવિત્ર અને માદક સુગંધ ફેલાઈ ગઈ હતી."તેઓ આગળ નીકળી ગયા," ગુરુંગે પોતાની લાકડી ઉઠાવતા કહ્યું. "હવે આપણે તેમના જ પગલે પગલે ચાલવાનું છે. એ જ આપણો સાચો રસ્તો છે."અમે એ અદ્રશ્ય ઋષિના પગલાંઓ પર જ અમારા પગ મૂકીને આગળ વધવા લાગ્યા. આ એક અકલ્પનીય અનુભવ હતો. દરેક ડગલે મને એવું લાગતું હતું કે મારી અંદરથી ડર નામની વસ્તુ કાયમ માટે ખતમ થઈ રહી છે અને એક નવી, દિવ્ય ઊર્જાનો સંચાર થઈ રહ્યો છે.લગભગ બે કલાકના સતત ચઢાણ પછી, સૂર્ય બરાબર માથા પર આવ્યો. બપોરના આકરા તડકામાં કૈલાસનું ઉત્તર મુખ હવે આખું પ્રકાશિત થઈ ગયું હતું.જ્યારે સૂર્યપ્રકાશ એ ભયાનક ઊભી દીવાલ પર બરાબર નેવું ડિગ્રીના ખૂણે પડ્યો, ત્યારે પર્વતનું સ્વરૂપ એવું લાગતું હતું જાણે કોઈએ સ્વર્ગમાંથી એક વિશાળકાય કાળો સ્ફટિક જમીન પર મૂકી દીધો હોય. પથ્થરની સુંવાળી સપાટી પરથી તડકો એવી રીતે પરાવર્તિત થઈ રહ્યો હતો કે અમારી આંખો અંજાઈ જતી હતી. સીધી નજર કરવી પણ મુશ્કેલ હતી. પર્વતની ટોચ પર જામેલો બરફ સૂર્યના અજવાળામાં સોનાની જેમ ઝળહળી રહ્યો હતો, જાણે સાક્ષાત શિવજીએ સોનાનો મુગટ ધારણ કર્યો હોય.અને ત્યારે જ, નિકોલાઈની નોંધપોથીનું એક સૌથી મોટું અને ભૌમિતિક રહસ્ય મારી આંખો સામે જીવંત થયું.
      ગુરુંગે મને ઊભા રાખીને એ સીધી કાળી દીવાલ તરફ જોવા ઈશારો કર્યો. સૂર્યના કિરણો અને પહાડના પડછાયા વચ્ચેની રમતમાં પર્વતની બરાબર વચ્ચે એક સ્પષ્ટ આકૃતિ ઉપસી આવી. આ કોઈ નજરની ભ્રમણા નહોતી. પથ્થરોની કુદરતી કોતરણી અને બરફના પડછાયા મળીને એક વિશાળકાય 'સ્વસ્તિક' (卍) નો આકાર બનાવી રહ્યા હતા!
      "પ્રોફેસર, પેલો આકાર જુઓ!" ગુરુંગે અત્યંત ગર્વ અને શ્રદ્ધાથી હાથ જોડીને કહ્યું. "રશિયન વૈજ્ઞાનિકે જે ગુપ્ત ભૌમિતિક રચનાની વાત કરી હતી, તે આ જ છે. આ રચના અમુક ચોક્કસ સમયે, જ્યારે સૂર્ય બરાબર માથા પર હોય અને પ્રકાશનો ખૂણો બરાબર હોય, ત્યારે જ પ્રકાશમાં આવે છે."
       ગુરુંગે આગળ સમજાવ્યું, "આ સ્વસ્તિક એ માત્ર આપણા ધર્મનું કોઈ સામાન્ય ચિહ્ન નથી, પ્રોફેસર. આ બ્રહ્માંડના સર્જન અને લયનું, ચાર દિશાઓ અને કાળના સમય-ચક્રનું એક સંપૂર્ણ ગણિત છે! શૂન્યાવકાશની ઊર્જા આ જ સુવર્ણ સ્વસ્તિકના કેન્દ્રમાંથી પૃથ્વીના ગર્ભમાં ઉતરે છે. આખી પૃથ્વીનું સંતુલન આ જ નિશાન પર ટકેલું છે."
     હું આભા બનીને એ સોનેરી સ્વસ્તિકને જોઈ રહ્યો. મારે મારી નોંધપોથી કાઢીને આનું ગણિત લખવું હતું, પણ પછી મને તરત જ કાળના અરીસામાં તૂટી ગયેલા હોકાયંત્રની અને ગુરુંગની ચેતવણીની યાદ આવી ગઈ. મેં મારો હાથ ખિસ્સામાંથી પાછો ખેંચી લીધો. આ રહસ્ય કાગળ પર ઉતારવા માટે નહીં, પણ અંતરમાં ઉતારવા માટે હતું.
     "હવે એ સ્વસ્તિકની બરાબર નીચે જુઓ, પ્રોફેસર," ગુરુંગે આગળના એક અત્યંત ઊંડા અને ઢોળાવવાળા ખાડા તરફ ઈશારો કરતા કહ્યું.
     સ્વસ્તિકની આકૃતિની બરાબર નીચે, જ્યાં પર્વતનો કાળો પથ્થર પૂરો થતો હતો અને બરફનો ઢોળાવ શરૂ થતો હતો, ત્યાં જમીનમાં એક અત્યંત વિશાળ ફાટ હતી. એ ફાટમાંથી કોઈ અજીબ પ્રકારનો આછો લીલો અને ભૂરો પ્રકાશ બહાર ફેંકાઈ રહ્યો હતો.
     "એ શું છે ગુરુંગજી?" મેં આશ્ચર્યથી પૂછ્યું.
     "એ ગૌરીકુંડ છે," ગુરુંગે અત્યંત આદરથી, બે હાથ જોડીને અને માથું નમાવીને કહ્યું. "માતા પાર્વતીનું પવિત્ર સ્નાન-કુંડ. પણ આ માત્ર બરફના પાણીનું ખાબોચિયું નથી, પ્રોફેસર. આ કરુણા, સંવેદના અને માતૃત્વનું મૂળ કેન્દ્ર છે. આપણા પુરાણો કહે છે કે માતા પાર્વતીએ ગણેશજીનું સર્જન આ જ કુંડના કિનારે, પોતાના મેલમાંથી કર્યું હતું."
 વ    ગુરુંગે મારા અને વનિતા બંને સામે જોઈને અત્યંત ગંભીર અને ચેતવણીભર્યા સ્વરે આગળ કહ્યું, "હવે આપણી યાત્રાનો સૌથી ખતરનાક ભાગ—ડોલ્મા પાસ નું ચઢાણ—શરૂ થશે. પણ એ જીવલેણ ચઢાણ પહેલાં આપણે આ ગૌરીકુંડ પાસેથી પસાર થવાનું છે. આ કુંડની એક ખાસિયત છે. અહીં મનુષ્યના શરીરની કે મનની નહીં, પણ તેના હૃદયની, તેની સંવેદનાની આખરી કસોટી થાય છે."
      ગુરુંગે એક ઊંડો શ્વાસ લીધો અને અંતિમ વાત કહી, "જે મનુષ્યના હૃદયમાં સંપૂર્ણ કરુણા, દરેક જીવ પ્રત્યેનો પ્રેમ અને પોતાના દુશ્મનોને પણ માફી આપવાની ભાવના નહીં હોય, તેને એ કુંડનું જળ પથ્થર બનાવી દેશે. અહીં કોઈ અહંકાર, ક્રોધ કે બદલાની ભાવના લઈને જાય, તો તે ક્યારેય જીવતો પાછો નથી આવતો. આ કુંડના જળનું એક ટીપું તમારી અંદરનો બધો જ કચરો બહાર લાવી શકે છે. તમારા હૃદયને કાચ જેવું સાફ કરી લેજો."
       અમે એ ભૂરા પ્રકાશ તરફ આકર્ષાઈ રહ્યા હતા. કૈલાસનું ઉત્તર મુખ તેની પૂર્ણ ભવ્યતા અને સોનેરી સ્વસ્તિક સાથે અમારી સામે ઊભું હતું, અને અદ્રશ્ય યાત્રીઓનો એ માર્ગ અમને બ્રહ્માંડના એ સૌથી મોટા રહસ્ય—ગૌરીકુંડ અને ડોલ્મા પાસ—તરફ ખેંચી રહ્યો હતો. ગુરુંગના કહેવા પ્રમાણે હવે માત્ર શરીરની કે સમયની નહીં, હવે અમારા હૃદયની, અમારી સંવેદનાની કસોટી થવાની હતી.