Ramayana - Teaser Review in Gujarati Film Reviews by Rakesh Thakkar books and stories PDF | રામાયણ - ટીઝર રીવ્યુ

Featured Books
Categories
Share

રામાયણ - ટીઝર રીવ્યુ

રામાયણ- ટીઝર રીવ્યુ
રાકેશ ઠક્કર     
          ‘ધુરંધર 2’ ની ચર્ચા ચાલુ છે ત્યારે રણબીરની ‘રામાયણ’ નું ટીઝર રજૂ થતાં લોકોનું ધ્યાન એની તરફ સારી નહીં પણ નકારાત્મક બાબતોને લીધે વધારે ખેંચાયું છે! લોકોને ફિલ્મ સારી નહીં સાચી જોઈએ છે. સૌથી મોટી ફરિયાદ એ છે કે આખું ટીઝર અસલી નહીં પણ AI દ્વારા જનરેટ કરેલો વિડિયો લાગે છે. રણબીર કપૂર પર થતી ફૂલોની વર્ષા હોય કે પછી વનરાજીના દ્રશ્યો, બધું જ એટલું બધું પ્લાસ્ટિક જેવું અને કમ્પ્યુટર નિર્મિત લાગે છે કે તેમાં રહેલો અસલી કુદરતી સ્પર્શ ગાયબ છે.        

        પ્રેક્ષકોનું કહેવું છે કે રૂ.૪૦૦૦ કરોડના બજેટમાં મેકર્સ અસલી લોકેશન પર શૂટિંગ કરી શક્યા હોત. વધુ પડતા ગ્રીન સ્ક્રીન અને CGI ના વપરાશે ‘આદિપુરુષ ૨.૦’ જેવો ડર ઊભો કર્યો છે. પ્રેક્ષકો નથી ઈચ્છતા કે તેમની આસ્થા સાથે કોઈપણ પ્રકારના ટેકનિકલ પ્રયોગો થાય. રામાયણ આપણી માટીની વાર્તા છે પણ ટીઝરમાં બતાવેલા રાક્ષસો અને દાનવો જોઈને એવું લાગે છે કે ‘લોર્ડ ઓફ ધ રિંગ્સ’ કે ‘ગેમ ઓફ થ્રોન્સ’ જોઈ રહ્યા છીએ. આપણા ગ્રંથોમાં વર્ણવેલા અસુરોને બદલે હોલિવૂડ સ્ટાઇલના ‘ઓર્કસ’ જેવા જીવો બતાવવા પર લોકોએ નારાજગી વ્યક્ત કરી છે. ભારતીય સંસ્કૃતિના દાનવોને બદલે હોલીવુડની ફિલ્મોના કાર્ટૂન જેવા લાગે એ મોટી ભૂલ છે. ગ્લોબલ ઓડિયન્સને ખુશ કરવાના ચક્કરમાં નિર્માતા ક્યાંક ભારતીય સંસ્કૃતિનો દેશી ટચ ભૂલી ગયા હોય એવું જણાય છે.        

        રણબીર એક શાનદાર અભિનેતા છે પણ રામના પાત્રમાં તેને જોઈને લોકોમાં મતમતાંતર છે. ઘણા લોકો તેના ચહેરા પર જૂની સિરિયલો જેવી તાજગી કે ભક્તિભાવનો અભાવ હોવાનું કહી રહ્યા છે. લોકો તેને માત્ર ‘રણબીર’ તરીકે જ જોઈ રહ્યા છે, ‘રામ’ તરીકે નહીં. વળી રણબીરની ઉંમર અને તેના ભૂતકાળના પાત્રોને કારણે કેટલાક લોકો રામ તરીકે સ્વીકારી શકતા નથી. જો રજૂઆતમાં દિવ્યતા હોત તો કદાચ લોકો રણબીરના સ્ટાર સ્ટેટસને ભૂલી ગયા હોત. બીજી તરફ રાવણ તરીકે યશનો માત્ર બેક-લુક જોઈને જ લોકો તેને સ્વીકારી રહ્યા છે. જે રણબીર માટે એક પડકાર છે.         

       લગભગ અઢી મિનિટના ટીઝરમાં એક પણ સંવાદ નથી. પ્રેક્ષકો રણબીરના અવાજમાં રામનો કોઈ જોરદાર સંવાદ સાંભળવા માંગતા હતા. જેથી એ જાણી શકાય કે તેનું ઉચ્ચારણ કેવું છે. આ કારણે ઘણા લોકો ફિલ્મ સાથે ભાવનાત્મક રીતે જોડાઈ શક્યા નથી. સંવાદ વગર માત્ર વિઝ્યુઅલ્સ બતાવવા એ પણ AI વિડિયો જેવો જ અનુભવ આપે છે. ટીઝરના રંગો ખૂબ જ ડલ અને ડાર્ક રાખવામાં આવ્યા છે. ધાર્મિક ફિલ્મોમાં સામાન્ય રીતે તેજ અને સકારાત્મક રંગોની અપેક્ષા હોય છે. અહીં હોલિવૂડની ફિલ્મોની જેમ બધું જ ગ્રે અને ડાર્ક ટોનમાં છે. એ કારણે ફિલ્મમાં રહેલી ભક્તિ અને દિવ્યતાનો અનુભવ ઓછો થઈ જાય છે.        

         ઝીણવટભર્યું નિરીક્ષણ કરનારા લોકોએ ઘણી ભૂલો પકડી છે. ફૂલોની વર્ષા વખતે પાછળ ઊભેલા લોકોના કપડાંના રંગો બદલાઈ જાય છે. યુદ્ધના મેદાનમાં બરફ બતાવવા પર સવાલો ઉઠ્યા છે કે રામાયણના યુદ્ધમાં બરફ ક્યાંથી આવ્યો? આખા વિડિયોમાં ટેકનોલોજી અને CGI પર એટલો ભાર મુકાયો છે કે રામાયણની જે મૂળ ભાવના છે તે ક્યાંક ખોવાઈ ગઈ છે.        

         ટીઝર જોયા પછી કોઈ ખાસ રોમાંચ કે આદરનો ભાવ જાગતો નથી. લોકો એવી માંગ કરી રહ્યા છે કે રામાયણ જેવો વિષય માત્ર એસ.એસ. રાજામૌલી જ સંભાળી શકે છે. કારણ કે તેમની પાસે અશક્ય વસ્તુને પણ પડદા પર સાચી મનાવવાની તાકાત છે. નિર્માતા દિલને બદલે દિમાગ અને લોજિકનો વધુ પડતો ઉપયોગ કરી રહ્યા છે. જેના કારણે રામાયણની પવિત્રતા અને ભારતીયતા જોખમાઈ રહી છે. કદાચ ટીઝર જુલાઈમાં રજૂ કરવાના હતા પરંતુ સોશિયલ મીડિયા પર લોકોની સતત ડિમાન્ડ અને હાઇપને કારણે ઉતાવળમાં રજૂ કર્યું છે. તેથી ટીઝરની ગુણવત્તા અને કેટલીક ટેકનિકલ ભૂલો સ્પષ્ટ દેખાય છે.         

         આ ફિલ્મ ‘આદિપુરુષ’ કરતા તો સારી દેખાય છે. છતાં તેને સુધારવાની જરૂર છે. એવો પ્રશ્ન પણ થઈ રહ્યો છે કે ‘રામાયણ’ ની અસલી કમાન નિર્દેશકના હાથમાં છે કે એમાં કરતી હોલિવૂડની કંપનીના હાથમાં? ભલે ‘આદિપુરુષ’ માં હજારો ખામીઓ હતી પરંતુ અજય-અતુલનું સંગીત અદભુત હતું અને લોકોના હૃદયને સ્પર્શી ગયું હતું. તેની સરખામણીમાં ‘રામાયણ’નું સંગીત ઘણું આધુનિક અને હોલીવુડ સ્ટાઇલનું લાગે છે. જે કદાચ ભક્તિભાવ જગાડવામાં થોડું પાછું પડી શકે છે. ટીઝરમાં કોઈ સંવાદ ન હોવાથી આખો ભાર સંગીત પર આવી ગયો છે. સંગીત પાત્રોના વ્યક્તિત્વને પૂરેપૂરું નિખારી શકતું નથી. કારણ કે લોકો રામનો અવાજ સાંભળવા માંગતા હતા.        

         જોકે, આ માત્ર એક નાનકડી ઝલક છે અને હજુ ફિલ્મ આવવામાં દિવાળી સુધીનો ઘણો સમય છે. જો નિર્દેશક નિતેશ તિવારી આ ફીડબેકને ગંભીરતાથી લેશે અને હોલીવુડના ચશ્મા ઉતારીને ભારતીય હૃદયથી ઓપ આપશે તો ચોક્કસપણે આ ફિલ્મ ઇતિહાસ રચી શકે છે. એમાં ‘એવેન્જર્સ’ જેવું એક્શન નહીં પણ ‘રામ’ જેવી મર્યાદા અને લાગણી જોઈએ છે. નિતેશ તિવારી આ જાદુ પાછો લાવી શકશે કે નહીં? એ તો સમય જ કહેશે!