“સવારનો શાંત અને તાજગી ભર્યો સમય હતો…”
મેહતા નિવાસના બગીચામાં હળવો પવન વહેતો હતો અને પક્ષીઓના કિલકારીઓથી આખું વાતાવરણ જીવંત લાગી રહ્યું હતું.દાદાજી બગીચામાં ખુરશી પર બેસીને ચશ્મા આંખ પર ચઢાવી સમાચારપત્ર વાંચી રહ્યા હતા એમની બાજુ માં જ ધનંજયભાઈ ચા નાસ્તો કરી રહ્યા હતા અને
જોગિંગ ટ્રેક પર અભય જોગિંગ કરી રહ્યો હતો.
ધનંજયભાઈએ ચાનો ઘૂંટડો લઈને દાદાજી તરફ જોયું.
બાપુજી આજની શું ખાસ ખબર?”
દાદાજીએ અખબારમાંથી નજર ઉઠાવી અને શાંત સ્વરે બોલ્યા,
“કાંઈ ખાસ નથી બેટા… રોજની જેમ રાજકારણ,અકસ્માત અને મોંઘવારી.”
ધનંજયભાઈ હળવેથી હસ્યા.
“કંઈ ખાસ નથી… છતાં બાપુજી, તમે રોજ એક કલાક અખબાર વાંચો છો!”
દાદાજી એ પણ સ્મિત કર્યું.
“હવે આ ઉમરે બીજું શું કામ?
થોડું ધર્મ-ધ્યાન, થોડું વાંચન… બસ એ જ રીતે સમય પસાર કરવો.
રીટાયર્ડ વાળી જિંદગી આવી જ હોય છે, ધનંજય.”
દાદાજીએ અખબાર ફોલ્ડ કરીને ધનંજયભાઈ તરફ જોયું.
“ધનંજય… કાર્તિક ક્યારે આવવાનો છે?”
.“બાપુજી, એની કાલની ફ્લાઇટ છે ચેન્નઈથી… એટલે કાલે સવારે પહોંચી જશે.”
એમણે વાત પૂરી કરી એટલામાં જ ગેટ પાસે થી એક ઓળખીતો, ઉત્સાહ ભર્યો અવાજ ગુંજી ઉઠ્યો,
“હું આવી ગયો…!”
(કાર્તિક — અભયનો નાનો ભાઈ. 20 વર્ષનો, ખૂબ હોશિયાર અને સાયન્ટિસ્ટ બનવાનું સપનું ધરાવતો. તાજેતરમાં જ ચેન્નઈમાં યોજાયેલી એક નેશનલ લેવલ સાયન્સ કૉમ્પીટિશન માં ભાગ લઈને પ્રથમ સ્થાન જીત્યો હતો )
એક ક્ષણ માટે ત્રણેની નજર ગેટ તરફ ફરી.
દાદાજી, ધનંજયભાઈ અને જોગિંગ રોકીને ઉભો રહેલો અભય —ત્રણેના ચહેરા પર એકસાથે સ્મિત ફેલાઈ ગયું.
કાર્તિક બેગ ખભા પર લટકાવીને દોડતો દોડતો અંદર આવ્યો.સીધો દાદાજી અને ધનંજયભાઈ પાસે પહોંચ્યો.
પહેલા દાદાજીના પગે લાગ્યો.
“દાદાજી, હું કોમ્પિટિશન જીતી ગયો!”
દાદાજીના ચહેરા પર ગર્વ સ્પષ્ટ દેખાતો હતો.
“વાહ દીકરા… શાબાશ! મને ખબર હતી તું જરૂર જીતીને જ આવિશ .” પછી ધનંજયભાઈના પગે લાગ્યો.
એણે પોતાના બેગ માંથી એક ચમકતી ટ્રોફી બહાર કાઢી અને ખુશીથી બોલ્યો
"આ જુઓ પપ્પા "
ધનંજયભાઈએ એની પીઠ થબકાવી.
“વેરી ગુડ , બેટા .I am proud of you.”
એટલામાં અભય પણ તેમની પાસે આવી પહોંચ્યો.
એના ચહેરા પર ઘણા સમય પછી સાચું, હળવું સ્મિત દેખાતું હતું.
કાર્તિક ઉત્સાહથી બોલ્યો,
“ભાઈ… મેં ફર્સ્ટ પ્રાઈઝ જીતી!”
અભયએ એને ગળે લગાવી લીધો.
“Congratulations, my champ… keep it up.”
એક ક્ષણ માટે આખું વાતાવરણ ખુશીથી ભરાઈ ગયું.
થોડીવાર પછી ધનંજયભાઈએ આશ્ચર્યથી પૂછ્યું,
“પણ કાર્તિક… તું તો કાલે આવવાનો હતો ને?”
કાર્તિક આંખ મિચકાવીને શરારતી સ્મિત સાથે બોલ્યો,
“હા પપ્પા… પણ મારે તમને બધાને સરપ્રાઈઝ આપવું હતું.”
દાદાજી હસ્યા.
“આવો સરપ્રાઈઝ તું રોજ આપતો રહેજે બેટા… આ ઘર હંમેશા આવું જ ખુશીઓથી ગુંજતું રહે.”
કાર્તિક હળવેથી બોલ્યો,
“હંમેશા રહેશે દાદાજી… કારણ કે હું આવી ગયો ને!”
અને એના આ નિર્દોષ શબ્દો સાથે મેહતા નિવાસના બગીચામાં ફરી એકવાર હાસ્ય ગુંજી ઉઠ્યું.
કાર્તિક ખુશીથી બોલ્યો,
“દાદાજી, કોમ્પિટિશન માં બહુ જ મજા આવી! ચાલો હું તમને બધી વાત કહું …”એવું કહી કાર્તિક દાદાજીનો હાથ પકડીને એમને બંગલાની અંદર લઇ ગયો.દાદાજી પણ એની ઉત્સુકતા જોઈ હળવેથી હસતા જતા રહ્યા.
આ જોઈ ને ધનંજયભાઈ અને અભય ના ચહેરા પર સંતોષભર્યું મીઠું સ્મિત છવાઈ ગયું.
આ બાજુ,
સૂરજ તો આકાશમાં ચડી ગયો હતો પણ રેવા હજી પણ ઊંઘની દુનિયામાં ખોવાયેલી હતી.એટલામાં ગીતા બેન રૂમમાં આવ્યા અને હળવે થી એના વાળ સરકાવતા બોલ્યા,
“રેવા … ઊઠ બેટા. ઓફિસ નથી જવાનું તારે?”
રેવાએ આંખો અડધી ખોલી.
“મમ્મી… હજી થોડી વાર સૂવા દો ને…”
ગીતાબેન મમતા ભરેલા સ્વરે બોલ્યા,
“બેટા, પછી તને જ લેટ થઈ જશે. ચાલ, ઊઠી જા.”
રેવા મજબૂરીમાં બ્લેન્કેટ હટાવીને બેઠી થઈ.
આળસ ખાતા ખાતા બેડમાંથી ઊઠી અને ધીમે ધીમે બ્રશ કરવા ગઈ.બ્રશ કરતા કરતા અચાનક એને રોનકની કાલની વાત યાદ આવી ગઈ.એના ચહેરા પર નાનું સ્મિત ફેલાઈ ગયું.
થોડીવાર પછી રસોડામાં આવીને એણે પૂછ્યું,
“મમ્મી, આજે લંચમાં શું બનાવ્યું છે?”
ગીતા બેન બોલ્યા,
“ખાટા મગ અને પરાઠા.”
રેવાએ તરત જ કહ્યું,
“મમ્મી… આજે પણ થોડું એક્સટ્રા ટિફિન પેક કરજો.
અને પોસીબલ હોય તો ગોળપાપડી પણ બનાવી દેજો.”
ગીતા બેન આશ્ચર્યથી બોલ્યા,
“અરે વાહ! આજે તો ગોળપાપડી ખાવાનું મન થયું છે?
અને ટિફિન આજે પણ વધારે પેક કરુ ?”
રેવા હળવે બોલી,
“રોનક માટે.”
ગીતા બેન થોડી ક્ષણ વિચારીને બોલ્યા,
“કોણ રોનક?”
રેવા હસી પડી.
“ઓહો મમ્મી! હું તમને કહેવાનું ભૂલી ગઈ…
મારા કોલેજમાં હતો ને — બે ત્રણ વાર ઘરે પણ આવ્યો હતો.તમારા હાથની ગોળપાપડી એને બહુ ભાવે છે.”
ગીતા બેનને હજી યાદ ન આવ્યું.
રેવા તરત બોલી,
“અરે મમ્મી… જેને તમે ‘નટખટ’ કહેતા!”
ગીતા બેનને અચાનક યાદ આવ્યું.
“ઓહ હા ! એ રોનક!
એ તારી ઓફિસમાં છે?”
“હા મમ્મી. એ CA છે.”
ગીતા બેન હળવું સ્મિત કરીને બોલ્યા,
“સરસ . ઓફિસમાં કોઈ ઓળખીતું હોય તો આપણને પણ સારું લાગે.”
પછી પ્રેમથી ઉમેર્યું,
“ચાલ, હું ફટાફટ ગોળપાપડી બનાવી દઉં અને તારુ ટિફિન પણ પેક કરી દઉં.”
રેવા ખુશ થઈને બોલી,
“થૅન્ક યુ સો મચ , મમ્મી !”
ગીતા બેન હસ્યા.
“હા હા… હવે જા, નહિ તો ફરી લેટ થઈ જશે.”
અને રેવો સ્મિત સાથે તૈયાર થવા દોડી ગઈ.
અભય પોતાના રૂમમાંથી બહાર આવ્યો એણે ટેબલ પરથી કાર ની ચાવી લીધી ને બહાર નીકળી જ રહ્યો હતો એટલામાં એના મોબાઈલ માં રિંગ થઈ.
સ્ક્રીન પર “બેંક મેનેજર ” નામ જોઈને એણે તરત કોલ રિસિવ કર્યો.
“ગુડ મોર્નિંગ , સર .” — સામેથી મેનેજરનો નમ્ર અવાજ આવ્યો.
અભય શાંતિથી બોલ્યો,
“ગુડ મોર્નિંગ .”
મેનેજર બોલ્યા,
“સર , તમારી લોન અપ્રોવ થઇ ગઈ છે પણ બે ઈમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ્સ પર તમારા સિગ્નેચર જોયે છે .જો પોસીબલ હોય તો તમે થોડી વાર માટે બેંક આવી ને સાઈન કરી જશો પણ જો તમે બીઝી હોય તો હું ડોક્યુમેન્ટ્સ તમારા ઓફિસ માં મોકલી દઉં .”
અભય થોડો વિચાર કરીને બોલ્યો,
“નો પ્રોબ્લમ . હું બેંક માં જ આવી જાઉં છું .મને બીજું પણ થોડું કામ છે .”
“ઓકે , સર .” — મેનેજરે જવાબ આપ્યો.
કોલ કટ થતાં જ અભય કારમાં બેઠો અને બેંક તરફ નીકળી ગયો .અભય બેંકમાં પહોંચ્યો અને સીધો મેનેજરની કેબિન તરફ ગયો.
મેનેજરે સ્મિત સાથે કહ્યું,
“વેલકમ સર, પ્લીઝ બેસો… તમે શું લેશો? ચા, કોફી કે જ્યૂસ?”
અભય શાંતિથી બોલ્યો,
“કઈ નહીં… તમે ડોક્યુમેન્ટ્સ આપો, હું સાઈન કરી દઉં.”
“હા સર,” મેનેજરે તરત જ ફોન કરીને ડોક્યુમેન્ટ્સ મંગાવ્યા.
થોડી જ વારમાં પીયુન ડોક્યુમેન્ટ્સ લઈને આવ્યો. એ જ સમયે ધીરજભાઈ પણ મેનેજરને એક ફાઇલ આપવા કેબિનમાં આવ્યા.( ધીરજભાઈ આ જ બેંક માં કેશયર હતા )
અભય સહી કરવા ગયો, પણ તેની પાસે પેન ન હતી.
ત્યારે ધીરજભાઈએ તરત પોતાની પેન આપી,
“આ લો સર.”
અભયે પેન લેતા કહ્યું,
“થૅન્ક યુ.”
તેણે સહી કરી ને પેન પાછી આપી. ધીરજભાઈ હળવા સ્મિત સાથે બહાર નીકળી ગયા.
અભય પણ મેનેજર સાથે હાથ મિલાવી કેબિનમાંથી બહાર આવ્યો. જેવો તે બહાર નીકળ્યો, એના ફોન પર કોલ આવ્યો. તેણે ખિસ્સામાંથી મોબાઇલ કાઢ્યો અને વાત કરતાં કરતાં આગળ વધ્યો પણ એ દરમિયાન એનું વૉલેટ નીચે પડી ગયું — અને આ વાત ધીરજભાઈના ધ્યાનમાં આવી ગઈ. અભય તો ફોન પર વાતો કરતા કરતા બેંકની બહાર નીકળી ગયો.
ધીરજભાઈ તરત વૉલેટ લઈને એની પાછળ દોડ્યા.
“સર… સર…”
પણ અભય ફોનમાં વ્યસ્ત હોવાથી એને સંભળાયું નહીં.
ધીરજભાઈ ઝડપથી એની પાછળ પહોંચ્યા.
અભય કાર પાસે પહોંચ્યો ત્યારે તેનું ધ્યાન તેમની તરફ ગયું.
ધીરજભાઈ થોડા હાંફતા બોલ્યા,
“સર… તમારું વૉલેટ.”
અભય ચોંકી ગયો,
“ઓહ!”
ધીરજભાઈ બોલ્યા,
“આ તમારું વૉલેટ બેંકમાં પડી ગયું હતું… કેટલા સમયથી તમને બોલાવતો હતો.”
અભય તરત જ શરમાઈ ગયો,
“સોરી અંકલ… હું કોલમાં હતો એટલે ધ્યાન જ ન ગયું. આઈ એમ રિયલી સોરી.”
ધીરજભાઈ હસતાં બોલ્યા,
“કાંઈ વાંધો નહીં .”
અભય વૉલેટ લેતા બોલ્યો,
“થૅન્ક યુ અંકલ.”
ધીરજભાઈ હળવા સ્મિત સાથે બોલ્યા,
“આમાં થૅન્ક યુ શું? તમારી વસ્તુ તમને જ આપી છે.”
અભય તેમની તરફ જોઈને કહ્યું,
“આજના સમયમાં પણ તમારા જેવા પ્રામાણિક લોકો છે એ જોઈને ખરેખર આનંદ થાય છે.થૅન્ક યુ સો મચ અંકલ."
ધીરજભાઈ મીઠું સ્મિત કરીને બોલ્યા,
“બસ… હવે અટલી બધી વાર થૅન્ક યુ નહીં બોલો.”
ધીરજભાઈનો શ્વાસ થોડો ઝડપથી ચાલી રહ્યો હતો. એ જોઈને અભય ચિંતા ભર્યા સ્વરે બોલ્યો,
“અંકલ, તમે ઠીક છો ને? બહુ દોડવું પડ્યું તમને.”
ધીરજભાઈ હળવેથી હસતા બોલ્યા,
“હા હા… હું બિલકુલ ઠીક છું.”
બન્ને એકબીજાને જોઈને સ્મિત કરી બેઠા.
પછી અભય કારમાં બેસ્યો અને ઓફિસ તરફ નીકળી ગયો અને ધીરજભાઈ પણ ફરી બેંકની અંદર પોતાની ફરજ તરફ વળી ગયા.
"પણ બન્નેને ખબર ન હતી કે આ નાની મુલાકાત જલ્દી જ તેમની જિંદગીને એક અણધારી દિશામાં વાળવાની હતી…”