MOBHARE NAAG ANE AOSRIMA ITIHAS in Gujarati Short Stories by Ashoksinh jadeja books and stories PDF | મોભારે નાગ અને ઓસરીમાં ઈતિહાસ

Featured Books
Categories
Share

મોભારે નાગ અને ઓસરીમાં ઈતિહાસ

    ગામના પાદરે જ્યાંથી માનવીના પગરવ શમી જાય અને સીમની વગડાઉ હવાના સુસવાટા શરૂ થાય, ત્યાં અમારું એ બે રૂમનું નળિયાવાળું ખોરડું સીમનો રખેવાળ થઈને અડીખમ ઊભું હતું. આજુબાજુ કોઈ માનવીનો પગરવ નહીં, બસ એકલતા અને કુદરતનો ભાઈચારો! ઘરની પાછળ પેલી ઘટાટોપ આંબલી અને ચોમેર બાવળની કાંટ્ય... જાણે કોઈ શૂરવીર કાઠિયાણી કાળી કામળ ઓઢીને પહેરો ભરતી હોય! એ ભીંતોમાં માત્ર ગાર-માટી નહોતી, પણ પૂર્વજોના પરસેવાની મહેક અને પેઢીઓનો ઈતિહાસ ધરબાયેલો હતો.
ચોમાસાની મેઘલી રાત જામી હોય, આકાશમાં કાળઝાળ વીજળીના કડાકા-ભડાકા થતા હોય અને વાદળો જાણે આભમાં આખલાની જેમ આથડતા હોય, ત્યારે આયી (મમ્મી) લોખંડનો કોશ ઉપાડીને ઉંબરે મેલી આવતી. આયીના એ મૌન આદેશમાં મેઘરાજાને પડકાર હતો કે, 'બાપ, આઘી રહેજે!'
ફળિયામાં અમારું બળદગાડું વરસાદમાં ન્હાતું હોય અને ગમાણે બાંધેલા બળદના ગળાની ઘંટડીનો 'રણક... રણક...' અવાજ અંધારામાં કોઈ દેવી ભજન જેવો સંભળાય. એ ટકોરા સાંભળીને એમ થાય કે આ કાળી રાતે પણ મારો ઠાકર જાગે છે!
પણ એ વરસાદ જ્યારે મુસળધાર બનીને તૂટી પડતો, ત્યારે નળિયાં વચ્ચેથી પાણીની ધારો મંડાતી. એ ટપકતા પાણી નીચે વાસણો મેલતા મેલતા આયી થાકી જતી. આખું ઘર જ્યારે ભીંજાયેલું હોય, ત્યારે એ માવતરની મમતા તો જુઓ! પોતે આખી રાત ભીનામાં સૂઈ જતી, પણ અમને સૂકી જગ્યા શોધીને ત્યાં સુવડાવતી. એના પાલવની હૂંફમાં એવી તાકાત હતી કે ગમે તેવી ટાઢ વાતી હોય, પણ અમને મીઠી નિંદ્રા આવી જતી. આજે મખમલના ગાદલા છે, પણ એ આયીના ભીના પાલવમાં જે સુખ હતું, એ ક્યાંય નથી.
ઓસરીના મોભે બાપુ (પપ્પા) આખી રાત બેઠા હોય. અંધારું એવું ઘેઘૂર કે જાણે કાળી મેશ ઉલેચી હોય! પણ બાપુની બીડીનો ટેરવો લાલચટક અંગારા જેવો ચમકતો હોય. મુસળધાર વરસાદમાં જ્યારે વીજળીના કડાકા થતા અને આખું આકાશ અંજાઈ જાય તેવા ચમકારા થતા, ત્યારે બાપુની નજરમાં એક અજીબ ચિંતા હોતી. એ બીડીના કશ ખેંચતા ખેંચતા જાગતા રહેતા, જાણે કાળઝાળ મેઘ સામે ઢાલ બનીને ઊભા હોય! એમની ચિંતામાં અમારો જીવ અને આયીનું સુખ હતું. એ મૂંગા મોઢે કરેલી ચોકીદારી આજે યાદ આવે છે ત્યારે કાળજું ભરાઈ આવે છે.
ફળિયામાં ઢોરનો ઉકેડો પલળતો હોય અને એની ગંધમાં પણ એક પ્રકારની ધરતીની સોડમ આવતી. ગાયની નાની વછરડીને ઠંડી ના લાગે એટલે બાપુ એને ઓસરીના ખૂણે બાંધી દેતા. એ અબોલ જીવ પણ બાપુની પાસે બેસીને જાણે હૂંફ મેળવતો હોય તેમ શાંત થઈ જતો. એ સમયે બાપુના મોઢે 'રા' નવઘણ' ના શૌર્યની વાતો કે 'ભરથરી' ના વૈરાગ્યના ભજનો રેલાય. બાપુ જ્યારે જૂના કાળના બહારવટિયાના વેણ ઉચ્ચારે, ત્યારે એમ લાગે કે હમણાં જ સોરઠના પથ્થરો સજીવન થઈને 'ખમ્મા... ખમ્મા...' કરશે!
રસોડામાં કેરોસીનનો દીવો થરથરતો હોય અને આયી ભીના લાકડાના ચૂલામાં ફૂંકો મારી-મારીને અગ્નિ દેવતાને જગાડે. ધુમાડાથી એની આંખો રતનજોત જેવી લાલ હોય, પણ જ્યારે એ ગરમાગરમ અને પોપડીવાળો બાજરાનો રોટલો ઉતારે અને એની અંદર વાટકો ભરીને ચોખ્ખું ઘી રેડે... આહાહા! એની સાથે રીંગણાનો ઓળો, ખાંડેલી તીખી લસણની ચટણી અને માટીના ગોરા જેવી ટાઢીબોળ છાશ. એ મોજ સામે તો ઇન્દ્રનું અમૃત પણ તુચ્છ લાગે! એ રોટલાના બચકા ભરતા-ભરતા જે ખમીર ચડતું, એ આજના પકવાનોમાં ક્યાંથી હોય?
ઘરમાં અઠવાડિયામાં એકાદ વાર તો નાગ દેવતાના દર્શન અચૂક થાય! ક્યારેક મોભારે ચડ્યા હોય તો ક્યારેક રસોડાના ખૂણે ગૂંચળું વળીને વિસામો લેતા હોય. અમને ફડકો લાગે, પણ બાપુની એવી તેજ નજર કે નાગનેય ખબર પડી જાય કે આ ઉંબરે આપણું ઝેર નહીં, પણ વેણ ચાલશે. બાપુ કહેતા, 'ઈ તો ક્ષેત્રપાલ છે, ભૂમિનો ભોમિયો છે, એને આંટ ના ચડાવાય.' અને ખરેખર, એ કાળતરાએ ક્યારેય કોઈને છંછેડ્યા નહોતા. જાણે અબોલ જીવ સાથે પણ અમારો જન્મોજન્મનો નાતો હોય.
આજે ભલે શહેરમાં પાકા બંગલા અને એસી રૂમ આવી ગયા, પણ એ નળિયાવાળા ખોરડાની હૂંફ, નળિયામાંથી ટપકતું એ પાણી, માટીની એ સોડમ અને બાપુએ આપેલા એ સંસ્કારો આજે પણ મારા લોહીમાં વીજળીની જેમ ગર્જના કરે છે! એ દિવસો ગયા પણ એનું ખમીર આજે પણ અકબંધ છે.