માન્યતા એક સીધીસાદી છોકરી હતી. તે અમદાવાદના એક શાંત વિસ્તારમાં રહેતી હતી, સવારે યોગ કરતી, કોલેજ જતી અને સાંજે પોતાના વિચારોમાં ખોવાઈ જતી. આ જ મોટાભાગનુ તેનું રૂટિન રહેતું. બહારથી જોઈએ તો આમ બધું સામાન્ય. પણ તેની અંદર કંઈક ગડબડ ચાલતી હતી… કંઈક એવું જે તેને પોતાને પણ સમજાતું નહોતું.
પહેલી વાર એને એ અજીબ અનુભવ થયો ત્યારે તે માત્ર ૧૮ વર્ષની હતી.
રાતે ઊંઘમાં એને એક અજાણ્યું ગામ દેખાયું.માટીનું ઘર, કાચા રસ્તા, અને એક નદી. એ પોતે ત્યાં ચાલી રહી હતી… પણ એ "માન્યતા” નહોતી. એની વેશભૂષા જુદી હતી, બોલચાલની ભાષા જુદી હતી. અને સૌથી ડરામણું એને ત્યારે લાગતું હતું કે આ બધું એનું ઓળખીતું અને જાણીતું છે.
સવારે ઊઠી ત્યારે હૃદય ધડકતું હતું. “આ તો ફક્ત સપનું છે,” એણે પોતાને સમજાવ્યું. પણ એ સપનાઓ અટક્યા જ નહીં.
દિવસે દિવસ એ જ ગામ, એ જ લોકો, અને એ જ એક ચહેરો.... એક યુવાન, જે એની આંખોમાં જોયા કરતો. એની નજરમાં કોઈ ઊંડો સંબંધ હતો… પણ કયો?
માન્યતાએ આ બાબત પહેલા તો અવગણવાની કોશિશ કરી. પણ એક દિવસ, જ્યારે એ નદીકાંઠે વોક કરવા ગઈ, ત્યારે અચાનક એને જોરથી ચક્કર આવ્યા. આંખો સામે બધું ધૂંધળું થઈ ગયું… અને અચાનક...“રાધા!” કોઈએ પાછળથી બોલાવ્યું.
માન્યતા ચોંકી ગઈ. પાછળ ફરીને જોયું તો કોઈ નહોતું. પણ એ નામ… “રાધા”… એના દિલમાં ગુંજતું રહ્યું.
બસ....એ દિવસથી બધું બદલાઈ ગયું.
એને અચાનક અજાણી ભાષાના શબ્દો યાદ આવવા લાગ્યા. કેટલાક ગીતો, જે તેણે ક્યારેય સાંભળ્યા નહોતા, પણ એની જીભ પર સહજ રીતે આવી જતા. એના વર્તનમાં પણ ફેરફાર આવવા લાગ્યો એ વધુ શાંત અને વધુ ગંભીર બની ગઈ. આખરે એક દિવસ એણે નક્કી કર્યું કે ગમે તે ભોગે પણ..મારે આ બધું સમજવું જ પડશે.
એ ગૂગલ પર શોધતી ગઈ, પુસ્તકો વાંચતી ગઈ… અને આખરે “પૂર્વજન્મ” વિશેની વાતો સુધી પહોંચી. શરૂઆતમાં તો એને હાસ્યાસ્પદ લાગ્યું. “હું પણ શું વિચારી રહી છું…” પણ અંદર ક્યાંક એને લાગતું હતું...આ મજાક નથી.
થોડા દિવસ પછી, એ એક મનોચિકિત્સકને મળવા ગઈ.ડૉક્ટરે એને ધીરજથી સાંભળી અને કહ્યું, “ક્યારેક આપણું મન એવી વાર્તાઓ બનાવે છે જે આપણને અધૂરા લાગતા ભાવોને પૂરાં કરે. પણ ક્યારેક… કંઈક એવું પણ હોય છે જે સમજણની બહાર છે.માન્યતાએ તેની આંખોમાં જોઈને પૂછ્યું, “તો હું પાગલ નથી ને?”
ડૉક્ટર હસ્યા, “ના, તું ફક્ત શોધમાં છે.”
એ જવાબ સરળ હતો, પણ અસરકારક.
માન્યતા એ હવે ડરવાનું બંધ કર્યું. એણે પોતાના સપનાઓને સ્વીકારી લીધા. દરેક રાત્રે એ ગામમાં જતી, વધુ સ્પષ્ટ રીતે. હવે એને સમજાતું હતું કે એ “રાધા” હતી.
રાધા… એક સાદી છોકરી, જે એ જ ગામમાં રહેતી હતી. અને એ યુવાન વિરેન - એનો પ્રેમ.
પણ એ પ્રેમ અધૂરો રહ્યો હતો.
એક રાત્રે, સપનામાં બધું સ્પષ્ટ થઈ ગયું. ભારે વરસાદ, નદીમાં પૂર, અને વિરેન એ પૂરમાં વહેતો ગયો… રાધા એને બચાવી શકી નહીં.
એ પીડા… એ અફસોસ… એ અધૂરી લાગણી—એ જ તો હવે આ જીવનમાં ફરી જીવંત થઈ રહી હતી.
સવારે ઊઠીને એ રડી પડી. એ દુઃખ એનું પોતાનું નહોતું, પણ લાગતું એવું હતું જાણે હંમેશા એ સાથે રહ્યું છે.
માન્યતાએ વિચાર્યું—“જો એ બધું સાચ્ચું છે, તો શું હું એ અધૂરું અધ્યાય પૂર્ણ કરી શકું?”
એણે એ ગામ શોધવાનું શરૂ કર્યું. જૂના નકશા, ઇતિહાસ, વૃદ્ધ લોકોની વાતો… આખરે એક દિવસ તે એ ગામ સુધી પહોંચી ગઈ.
ગામ બદલાઈ ગયું હતું. કાચા રસ્તા હવે પાક્કા થઈ ગયા હતા, માટીના ઘરોની જગ્યાએ સિમેન્ટ આવી ગયું હતું. પણ નદી… એ જ હતી.
માન્યતાએ નદીકાંઠે ઊભી રહી. દિલ ધડકતું હતું.
અને ત્યારે—એક વૃદ્ધ માણસ એની પાસે આવ્યો.
“તું અહીં નવી છે?” એણે પૂછ્યું.
માન્યતાએ હળવે હા પાડી.
માણસે એની આંખોમાં જોઈને કહ્યું, “તારી આંખો… મને કોઈની યાદ અપાવે છે.”
માન્યતાનો શ્વાસ અટકી ગયો.
“રાધા,” એણે ધીમે કહ્યું.
માણસ હસ્યો, “હા… મારી દાદી. એનો પ્રેમ પણ અધૂરો રહ્યો હતો.”
માન્યતાની આંખોમાં આંસુ આવી ગયા. એણે કંઈ કહ્યું નહીં.
એણે સમજી લીધું—કેટલાક સંબંધો સમયથી પાર જાય છે. કેટલીક લાગણીઓ ફરી જન્મ લે છે, ફક્ત પૂર્ણ થવા માટે નહીં, પણ આપણને શીખવવા માટે.
માન્યતા હવે પાછી આવી ગઈ—પણ એ પહેલાની જેવી નહોતી.
એ હવે દરેક સંબંધને વધુ ઊંડાણથી સમજતી હતી. એણે શીખી લીધું હતું કે જીવન ફક્ત આ એક જન્મ નથી… કદાચ અનેક અધ્યાયોનું પુસ્તક છે.