The cycle of time in Gujarati Short Stories by Nayana Viradiya books and stories PDF | સમયનું ચક્ર

Featured Books
Categories
Share

સમયનું ચક્ર

             

    રાતના ત્રણેક વાગ્યા હતા. દિવાલ પરની ઘડિયાળનો ટિક-ટિક અવાજ જાણે રીધમના હૃદય પર હથોડા મારી રહ્યો હતો. જેવી આંખો બંધ કરતો હતો કે તરત જ  ભૂતકાળ ડોકિયું કરતો ને જેવી આંખો ખોલતો તો વર્તમાન ગળે ઉતરતો નહોતો.

રીધમ એક સામાન્ય માણસ હતો. નોકરી, ઘર, પરિવાર બધું જ હતું. છતાં કંઈક ખૂટતું હતું  કે જે વતૅમાન  કરતા કદાચ કંઈક વધારે જ હતું એ હતી ... યાદો.

રીધમ નું જીવન આમ તો સ્થિર હતું , આર્થિક સંકડામણ પણ નહોતી કે નહોતો ઘર કંકાસ, સંતાનો પણ સંસ્કારી પરંતુ છતાં પણ તે ઘણીવાર પોતાની જાતને એકલવાયું અનુભવતો બહાર થી ખુશ જણાતા રીધમ ની અંદર એક ખાલીપો અને પીડા ઘર કરી ગયેલા કારણ માત્ર રીધમ જ જાણતો હતો- ભુતકાળ .
 
  રીધમ નું  જીવન ઘડિયાળ ના કાંટા સાથે ચાલતું જ નહિ પણ દોડતું.દરરોજ સવારે એ જ બસ પકડવી, એ જ રસ્તો, એ જ ઓફિસ. લોકો ને લાગતું , “જીવન સ્થિર છે.” પણ રીધમને ખબર હતી   આ સ્થિરતા નહીં, એક ચક્ર છે. એક એવું ચક્ર, જેમાં એ ફસાઈ ગયો છે.
એક દિવસ, બસની બારીમાંથી બહાર જોતા એને અચાનક એક જૂની ગલી દેખાઈ. એ જ ગલી, જ્યાં એ બાળપણમાં રમ્યો હતો. જ્યાં પહેલીવાર હસ્યો, પહેલીવાર રડ્યો… અને પહેલીવાર પ્રેમ પણ અનુભવ્યો.
એનું મન અચાનક પાછળ દોડી ગયું.
“રીધમ, તું ક્યારેક બદલાશે નહીં?”
એ અવાજ હજુ પણ કાને ગુંજતો હતો. એ અવાજ હતો  મીરાનો.
મીરા એક નામ જ નહીં, એક આખો સુંવાળો સમય હતો. એવો મીઠો સમય કે જ્યાં ઘડિયાળ ધીમે ચાલતી હતી અને દિલ ઝડપી ધબકતું હતું. આ સમય હાથમાંથી  સરકી ગયો.અને હવે? ઘડિયાળ ઝડપથી દોડે છે, અને દિલ થાકી ગયું છે.
રીધમે  આંખો મીંચી.
“જો હું પાછો જઈ શકું તો?”
આ સવાલ એને રોજ કચડતો પણ સમય પાછો વળતો નથી. એ તો ફક્ત આગળ ધકેલે છે - જેમ કોઈ નિર્દયી ટ્રેન, જેને બ્રેક નથી.
એક સાંજે રીધમ ફરી એ જ ગલીમાં ગયો. વર્ષો પછી ત્યાં બધું બદલાઈ ગયું હતું. દીવાલો નવી, લોકો અજાણ્યા. પરંતુ એક ખૂણો એ જ હતો – જ્યાં એ અને મીરા બેઠા હતા.એ ત્યાં ઉભો રહ્યો.
“તમે કોઈને શોધી રહ્યા છો?” એક વૃદ્ધે પૂછ્યું.
રીધમ થોડું સ્મિત કરીને બોલ્યો,“હા… પણ એ હવે અહીં નથી.”
વૃદ્ધ હળવેથી હસ્યા,
“બેટા, લોકો  નથી જતા…એને સમય લઈ જાય છે.”
રીધમ થોડી ક્ષણ માટે  આ વાત સાંભળીને સ્થિર થઈ ગયો. આ શબ્દો સીધા  તેને દિલમાં વાગ્યા.
રાત્રે  તે ઘરે પાછો ફર્યો. ઘડિયાળ હજુ પણ ટિક-ટિક કરી રહી હતી. પણ આજે તે ટિક ટિક કંઈક અલગ હતું. આજે એ અવાજ ત્રાસદાયક નહોતો લાગતો.
એણે કાચમાં પોતાને જોયો.
“તું ફસાયો નથી,” એણે પોતાના પ્રતિબિંબને કહ્યું,
“તું ફક્ત અટકી ગયો છે.”
સમયનું ચક્ર અટકતું નથી. પણ માણસ અટકી જાય છે – ભૂતકાળમાં, પસ્તાવામાં...
‘શું ...જો..?’ ના સવાલોમાં.
રીધમે એક ઊંડો શ્વાસ લીધો.
ફોન ઉઠાવ્યો. ઘણા સમયથી અધૂરા પડેલા કામોની યાદી ખોલી.જીવન કોઈ ફિલ્મ નથી, જ્યાં પાછું રિવાઈન્ડ કરી શકાય. આ તો એક જ ટેકમાં શૂટ થતી કથા છે. બગાડો તો ફરી ચાન્સ નથી.થોડું ક્રૂર પણ છે ને એટલું જ સાચ્ચું પણ છે.
આગલા દિવસે સવારે રીધમ નિત્યક્રમ મુજબ બસમાં બેઠો  એ જ રસ્તો, એ જ લોકો. પણ આજે એની આંખોમાં એક નવી શાંતિ હતી.બારી બહાર જોઈને એ સ્મિત કરતો હતો.સમયનું ચક્ર હજુ પણ ફરી જ રહ્યું હતું.પણ હવે રીધમ એ ભુતકાળના સમય ચક્રમાં ફસાયેલો નહોતો…એ એની સાથે ચાલવા લાગ્યો હતો.
હવે તેને જીવન સુખમય, ભરેલું અને અર્થપૂર્ણ લાગતું હતું