દુનિયાનું એક એવું સ્થળ જ્યાં ગરમી રક્ષસ બનીને ત્રાટકે છે! 🏜️🔥
અમેરિકાની 'ડેથ વેલી' એક સમયે બરફથી ઢંકાયેલી હતી? આજે ત્યાં તાપમાન ૫૭° સેલ્સિયસ સુધી પહોંચી જાય છે. આ એ જગ્યા છે જ્યાં પાણી વગર માણસનું મગજ પણ કામ કરતું બંધ થઈ જાય છે.
સૌથી કાળઝાળ ગરમી જ્યાં પડે છે તે અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યમાં આવેલી ડેથ વેલી હજારો વર્ષ પહેલાં બરફ વડે ભરચક હતી, પરંતુ વખત
જતાં તેનું વાતાવરણ એટલી હદે ભઠ્ઠી જેવું થયું કે સેંકડો માણસોનો ત્યાં અસહ્ય ગરમીને કારણે ભોગ લેવાયો !
જગતના સમુદ્રોને, મહાસાગરોને તેમજ સરોવરોને બાદ
કરો તો બાકી રહેતી ખુલ્લી જમીનનો ૧/૮ ભાગ ફક્ત વેરાન
રણપ્રદેશોનો બનેલો છે. મિનિમમ એક લાખ ચોરસ
કિલોમીટરમાં પથરાયેલાં હોય એવાં રણ કુલ ૨૭ છે. સૌથી
મોટું રણ આફ્રિકાના દસ નાનામોટા દેશોને આવરી લેતું
સહરાનું, જેનું ક્ષેત્રફળ ૯૨,૬૯,૦૦૦ ચોરસ કિલોમીટર
ભારત કરતાં ત્રણેક ગણું છે--અને હજી તે ફેલાતું જાય છે.
સૌથી કોરૂં યાને કે સૂકું રેગિસ્તાન છે દક્ષિણ અમેરિકાના
ચીલી દેશનું, જ્યાં અમુક પ્રદેશમાં દર વર્ષે માંડ ૦.૧ મીલીમીટર એટલે કે ૦.૦૦૪''ઈંચ જેટલો વરસાદ પડે છે. ક્યારેક વળી એટલો પણ નહિ. સૌથી ઠંડું એવું કોલ્ડ સ્ટોરેજ રણ હોય તો એ મધ્ય એશિયાનું ગોબી, કારણ કે થર્મોમીટરનો પારો ઘણીવાર ત્યાં શૂન્ય નીચે ૨૦ સેલ્શિયસના કાપા સુધી જતો રહે છે.
કુદરતની ભઠ્ઠી જેવું રેગિસ્તાન હોય તો તે અમેરિકાના
કેલિફોર્નિયા રાજ્યમાં ડેથ વેલી તરીકે જાણીતો બનેલો વેરાન પ્રદેશ કે જ્યાં થર્મોમીટરનો પારો સરેરાશ ૫૫ સેલ્શિયસે રહે છે.
ક્રિસ્ટોફર કોલમ્બસ
અમેરિકા પહોંચ્યો એ પછી
તેના પગલે ઘણા યુરોપી
દેશોના ગોરા વસાહતીઓ
અમેરિકા પહોંચ્યા હતા.
દક્ષિણમાં તેઓ ફેલાયા
નહોતા, કેમ કે ત્યાં મેક્સિકો
સહિતનો ઘણોખરો પ્રદેશ
સ્પેનિયાર્ડોએ જીતી લીધો
હતો. સ્પેનિશ વસાહતો તેમણે સ્થાપી દીધી હતી. વર્તમાન
અમેરિકાનું કેલિફોર્નિયા રાજ્ય પણ એ વખતે સ્પેનિયાર્ડોના
કબજામાં હતું, જેને વખત જતાં અમેરિકાના ગોરા વસાહતીઓએ યુદ્ધમાં જીતી લીધું. હોલિવૂડ નગરીનું
અને લોસ એન્જેલિસ તેમજ સાન ફ્રાન્સિસ્કો જેવાં શહેરોનું
કેલિફોર્નિયા આજે ભલે આલિશાન રાજ્ય ગણાતું હોય, પરંતુ?પોણા બસ્સો વર્ષ પહેલાં ગોરા વસાહતીઓ માટે તેની ભૂગોળ પણ સાવ અજાણી હતી. યુરોપથી બિસ્તરા-બોરિયાં સાથે આવતા નવા વસાહતીઓ હંમેશા અમેરિકાના પૂર્વ કાંઠે ઉતરે,જ્યાંથી પશ્ચિમ તરફ આગળ વધવું તેમને જોખમકારક લાગતું હતું. આ પરદેશી મહેમાનોને અમેરિકાના મૂળ વતની રેડ ઇન્ડિયનો સાંખી લેવા તૈયાર ન હતા. પરદેશી વસાહતીઓ?સામે તેઓ યુદ્ધે ચડ્યા હતા, એટલે તેમના ભયે ગોરી પ્રજા અમેરિકાના પશ્ચિમ કાંઠા તરફ જવા પણ તૈયાર ન હતી. માત્ર સૈન્યના શસ્ત્રસજ્જ સૈનિકો એવું સાહસ ખેડતા હતા.
કેલિફોર્નિયાને જીત્યા બાદ એ
ભેંકાર પ્રદેશમાં વસવાટ કરવા
માટે ગોરી પ્રજાને સરકારે અનેક
રીતે પ્રોત્સાહન આપ્યું. રેડ
ઇન્ડિયનોને હાંકી કાઢી આખો
પ્રદેશ ભયમુક્ત પણ બનાવ્યો.
આમ છતાં પૂર્વ કાંઠાના બોસ્ટન,
ન્યૂ યોર્ક, ફિલાડેલ્ફિયા અને
વૉશિંગ્ટન જેવાં નગરો છોડીને
યુરોપિયનો પશ્ચિમ કાંઠે અજાણ્યા
કેલિફોર્નિયા તરફ ગયા નહિ.
જાન્યુઆરી, ૧૮૪૭ માં
કેલિફોર્નિયા જીતાયું તે પછી બીજે
વર્ષે જેમ્સ માર્શલ નામનો એક
સાહિસક ગોરો સેંકડો
કિલોમીટરનું અંતર કાપીને માત્ર
નવો પ્રદેશ જોવા ખાતર કેલિફોર્નિયા પહોંચ્યો. જાન્યુઆરી
૧૯, ૧૮૪૮ ના રોજ તેણે પોતાના ઘોડાને તરસ છીપાવવા
નદી તરફ વાળ્યો એ વખતે કેટલાક પીળા ચકચકિત્ પથ્થરો
અનાયાસે દીઠા. ઉતરીને જોયું તો નકરૂં સોનું ! સોનાના
એકાદ-બે નહિ, પરંતુ સેંકડો-હજારો પથ્થરો કુદરતે જમીન
પર જાણે ઉદારતાપૂર્વક વેરી દીધા હોય તેમ રાતી માટીમાં
અધકચરા ખૂંપેલા પડ્યા હતા. જેમ્સ માર્શલે તેના ઘોડા પર
જેટલું લાદી શકાય એટલું સોનું એકઠું કર્યું અને પછી વધુ
આગળ તરફ જવાનું માંડી વાળી પાછો ફર્યો. સોનાની લાલચ જો કે તેને થોડા વખતમાં પાછી ખેંચી લાવી. એકલા હાથે તે બધું સોનું કાઢી શકવાનો ન હતો, માટે પોતાના એક મિત્રને તેણે ભાગીદાર બનાવ્યો. બેઉ મિત્રોએ ઘણી બધી વખત સહિયારો પ્રવાસ ખેડ્યો અને શક્ય એટલું સોનું ઉલેચ્યું. થોડા વખતમાં જો કે ભાગીદારી તૂટી અને બેઉ જણાએ વળી પોતાના કો'ક દોસ્તને પાર્ટનર બનાવ્યો.
ભાગીદારી તૂટવાનો અને નવી ભાગીદારી સ્થપાવાનો ક્રમ
એ પછી તો એકધારો ચાલતો રહ્યો. પરિણામે સોનાના ગોપિત ભંડારનો ભેદ છાનો ન રહ્યો. ઇતિહાસમાં યાદગાર બનેલો ‘ધ ગ્રેટ કેલિફોર્નિયા ગોલ્ડ રશ' કહેવાતો ધસારો સોના માટે શરૂ થયો અને પૂર્વના હજારો વસાહતીઓ એ ધસારામાં છેક કેલિફોર્નિયા ખેંચાઇ આવ્યા. ૧૮૪૮માં જેમ્સ માર્શલે એ રાજ્યની મુલાકાત લીધી ત્યારે માનવવસ્તીનું ત્યાં જાણે કે નામોનિશાન નહોતું, પરંતુ ત્યાર પછી શરૂ થયેલા ‘ગોલ્ડ રશ’ના પ્રતાપે બીજે જ વર્ષે એટલે કે ૧૮૪૯ માં કેલિફોર્નિયાની વસ્તીનો આંકડો ૮૦,૦૦૦ જેટલો થયો ! કેલિફોર્નિયા આખું જાણે સોનાનું બનેલું હોય તેમ વધુને વધુ લોકો એ વર્ષે ન્યાલ થવા માટે પશ્ચિમ તરફ નીકળી પડ્યા હતા.
ઘોડાની અછત હતી, એટલે ઘણા ખરા લોકો
પગપાળા ચાલતા હતા. કઇ દિશામાં કયા માર્ગે
આગળ જવું એ બતાવતા નકશા પણ તેમની
પાસે ન હતા. કેલિફોર્નિયાના વણખેડાયેલા પ્રદેશનો નકશો
જો કે હજી બન્યો પણ ન હતો.
કેલિફોર્નિયા આવવા માટે નીકળેલી સાહસિકોની એક ટુકડી
અડસટ્ટે જ માર્ગ શોધતી બે ટેકરા વચ્ચેના ઘાટ દ્વારા એક
દિવસ સપાટ ખીણમાં પહોંચી. ટુકડીમાં સેંકડો જણા હતા.
શિયાળાનો સમય હતો, છતાં ટાંટિયાતોડ કરતા તેઓ જેમ
આગળ વધ્યા તેમ બફારો જણાવા લાગ્યો. ખીણનો આકાર
મહાકાય રકાબી જેવો હતો, એટલે ભૂસપાટીનું લેવલ ક્રમશઃ
નીચું જતું હતું અને તે સાથે ગરમીનો પારો ઊંચે જતો હતો.
પાણીનું નામોનિશાન તો ક્યાંય નહિ. મીઠા જેવા સફેદ ક્ષારોના જાડા થર ચોતરફ પથરાયેલા હતા. સાહસિકો જે માર્ગે ખીણમાં પ્રવેશેલા તે પછવાડેના ટેકરા દેખાતા બંધ થયા,
છતાં ખીણનો સામો છેડો શોધ્યો જડે નહિ. દિવસો
વીત્યા. ખોરાકપાણી ખૂટવાં લાગ્યાં. પ્રખર ગરમીમાં કેલિફોર્નિયા તરસને લીધે સૌનાં ગળાં સૂજી ગયાં--અને તે પણ એટલી હદે કે સામાન ઊંચકવા સાથે લીધેલા ગોધાને
ખોરાક માટે તેમણે મારી નાખ્યા ત્યારે તેનું માં સુદ્ધાં આરોગી શકાયું નહિ ! છતે ખોરાકે
ભૂખમરો વેઠવો પડે એવા કફોડા સંજોગો
પેદા થયા. ૧૮૪૯
ની નાતાલ પછીના
દિવસે બે જણા
પાણીના અભાવે મૃત્યુ પામ્યા, જેમનાં શબોને દફનાવવા જેટલુંય બીજા લોકોમાં જોર ન હતું. એ પછીના દિવસે વધુ ત્રણ સાહસિકોનું મોત નીપજ્યું. એક સપ્તાહમાં કુલ મળીને આઠ જણા મરી પરવાર્યા. કુદરતના કેદખાનામાં ફસાયેલા
સાહસિકોએ તેમનો પ્રવાસ આગળ ધપાવ્યા વિના આરો ન
હતો, કેમ કે વેરાન પ્રદેશમાં તેઓ જેટલું લાંબું રોકાણ કરે
મોત એટલું જ તેમની નજીક આવે તેમ હતું.
સદ્નસીબે કેટલાક દિવસ બાદ સાહસિકોને પશ્ચિમમાં એક
પર્વતમાળા જોવા મળી. કુદરતના વિશાળ કેદખાનાનો એ
દરવાજો હતો. શરીરમાં બાકી રહેલું બધું જોર એકઠું કરીને
સાહસિકો મહામહેનતે એક પર્વત પર ચડ્યા, જેની બીજી
તરફ લીલાછમ મેદાનો હતાં. એક જણે પર્વતને ઓળંગતી
વખતે છેલ્લી વખત પાછળ નજર કરી, ખીણ તરફ જોયું અને મોટા સાદે બોલ્યો : ‘ગૂડ બાય,
ડેથ વેલી !’
ડેથ વેલી ! સો ટકા સચોટ નામ ! આ ખીણ સાચેસાચ
મૃત્યુની ખીણ હતી. ૧૮૪૯ માં ગોરા સાહિસકોની પ્રથમ
ટુકડીને જે કડવો અનુભવ થયો તેના કરતાં પણ વધુ ભયંકર
પરચો ડેથ વેલીએ ત્યાર પછીના મુસાફરોને બતાવ્યો.
કેલિફોર્નિયા પહોંચીને ત્યાં વસી જવા માગતા અનેક લોકો
ડેથ વેલીને સામાન્ય ખીણ સમજી અંદર પ્રવેશ્યા અને તેમાંના
કેટલાય જણા કદી જીવતા બહાર ન આવ્યા. લગભગ ૭,૫૦૦ ચોરસ કિલોમીટરમાં પથરાયેલી ખીણને પગપાળા તો ઠીક, ઘોડા પર બેસીને ઓળંગવાનું પણ જોખમકારક હતું. આમ છતાં કેલિફોર્નિયા જવાનો તેમજ પાછા ફરવાનો શોર્ટ-કટ ડેથ વેલી સોંસરવો પસાર થતો હોવાને કારણે અમુક સાહિસકો એવા પ્રવાસનું જોખમ ખેડતા રહ્યા. ભૌગોલિક રીતે મૃત્યુની ખીણ હજી ગોરી પ્રજા માટે અજાણી હતી, એટલે તેની ભયાનકતાનો પણ તેમને પૂરો ખ્યાલ ન હતો. ઓગણીસમી સદીના અંત સુધીમાં ડેથ વેલીએ એટલા બધા લોકોનો ભોગ
લીધો કે તેમના મૃતદેહનું છેવટે દફન સ્થાન બનતો નજીકનો
એક પહાડ ફ્યુનરલ (દફન) માઉન્ટેન તરીકે ઓળખાવા
લાગ્યો. વીસમી સદીમાં મોટરકાર શોધાયા પછીયે ખુવારી
અટકી નહિ. ૧૯૬૫ થી ૧૯૯૫ દરમ્યાન પચ્ચીસેક જણા
ડેથ વેલીમાં ગરમી અને તરસના પાપે માર્યા ગયા !
આ ખીણ ગોઝારી હોવાનું મુખ્ય કારણ ત્યાંનો શેકી નાખતો
તાપ છે. દુનિયાના બીજા એકેય રેગિસ્તાનમાં ડેથ વેલી જેવું
તાપમાન નથી. જુલાઇ ૧૦, ૧૯૧૩ ના રોજ ડેથ વેલીના
ગ્રેટ બેસિન કહેવાતા સ્થળે તો થર્મોમીટરનો પારો છેક ૫૭°
સેલ્શિયસે પહોંચી ગયો હતો. આ વર્લ્ડ-રેકોર્ડ સપ્ટેમ્બર ૧૩,
૧૯૨૨ ની બપોરે તૂટ્યો કે જ્યારે આફ્રિકી દેશ લિબિયાના
અલ અઝિઝિયા નામના સ્થળે ૫૮° સેલ્શિયસનું તાપમાન
નોંધવામાં આવ્યું. પરંતુ હવામાનશાસ્ત્રના જાણકારો લિબિયાના વર્લ્ડ-રેકોર્ડને બહુ મહત્ત્વ આપતા નથી. ઉષ્ણતામાનમાં વધુ એકાદ ડિગ્રીનો વધારો ટૂંક સમય પૂરતો જળવાય તે બહુ મોટી વાત ગણાય નહિ. દિવસો લગી વાતાવરણ જ્યાં એકધારૂં ગરમ રહે એ સ્થળને જ તેમના મતે કુદરતી ભઠ્ઠી માનવું જોઇએ. ડેથ વેલીનું ગ્રેટ બેસિન એ પ્રકારનું સ્થળ છે. જુલાઇ ૬, ૧૯૧૭ થી શરૂ કરીને ઑગસ્ટ ૧૭, ૧૯૧૭ સુધી કુલ ૪૩ દિવસો ત્યાં લાગલગાટ એવા વીતેલા કે જ્યારે થર્મોમીટરનો પારો ૪૯° સેલ્શિયસના લેવલે ટકી રહ્યો !
લિબિયાના સહરા રણમાં આવું કદી બન્યું નથી. અજબ વાત તો એ કે ડેથ વેલી સાચા અર્થમાં રણ નથી. રણમાં બારીક રેતીના ઢગ ખડકાયા હોય અને ક્યારેક ડમરી ફૂંકાતી હોય, પરંતુ ડેથ વેલીમાં સૂકી માટીનું લગભગ સપાટ મેદાન છે.
મેદાન પર અહીંતહીં છૂટાછવાયા પથ્થરો છે અને ચોતરફ
પર્વતો છે. આ જાતના સામાન્ય લાગતા પ્રદેશને જગતની
અજોડ કુદરતી ભઠ્ઠીનું સ્વરૂપ કેમ મળ્યું તેનો ભેદ વૈજ્ઞાનિક
રીતે સમજવા જેવો છે.
આજથી વીસેક હજાર વર્ષ પહેલાં
ડેથ વેલીનો ‘બાઉલ' અત્યાર જેવો
ખાલીખમ ન હતો. હિમયુગે ત્યારે છેક
કેલિફોર્નિયા સુધી હિમચાદર પાથરી
દીધી હતી, માટે ડેથ વેલી તે ચાદર નીચે
ઢંકાયેલી હતી. પૃથ્વીનું હવામાન એ
પછી આસ્તે આસ્તે પલટાયું અને
હિમયુગ પૂરો થયો. હિમનદીઓ
પૃથ્વીના ઉત્તર ધ્રુવ તરફ જાણે કે પીછેહઠ
કરવા લાગી. ડેથ વેલીને ઢાંકી દેનાર
હિમનદીએ જો કે કેટલોક બરફ તે
ખીણમાં જ રહેવા દીધો. ક્રમશઃ હૂંફાળા
થવા માંડેલા હવામાનમાં તે બરફ
પીગળ્યો અને સરોવર રચાયું. વખત જતાં એ સરોવરનું
અસ્તિત્વ પણ નાબૂદ થવા માંડ્યું, કેમ કે તેને છલોછલ રાખવા જેટલો વરસાદ પડતો ન હતો. પ્રશાન્ત મહાસાગરના ભેજવાળા પવનો સાગરકાંઠાના
પર્વતો જોડે ટકરાયા બાદ પોતાનો ઘણોખરો ભેજ પશ્ચિમના
એ ભાગમાં વરસાદરૂપે પાડી દેતા હતા. નિયમિત વર્ષાને
કારણે ત્યાં લીલાંછમ જંગલો ઊગ્યાં, જ્યારે પર્વતોની બીજી
સાઇડે આખો પ્રદેશ લગભગ કોરો રહી જવા પામ્યો.
ઊલટું, સૂકો પવન ડેથ વેલીના સરોવરનું બાષ્પીભવન કરતો
રહ્યો. જળસપાટી ક્રમશઃ ઓસરવા લાગી. સરોવરનું ક્ષેત્રફળ જેમ ઘટ્યું તેમ પાણી વધુ ક્ષારવાળું બન્યું. કાળા ગ્રેનાઇટના ડૂબેલા ખડકો બહાર ડોકાયા અને બીજી તરફ ક્ષારોનો પુરવઠો સરોવરના તળિયે વચ્ચોવચ જમા થવા
લાગ્યો. છેવટે તે ક્ષારોનો ગ્રેટ બેસિન
કહેવાતો એકાદ મીટર જાડો પોપડો જ
આશરે ૫૧૮ ચોરસ કિલોમીટરના
વિસ્તારમાં બાકી રહ્યો. સરોવરનું
નામોનિશાન રહ્યું ન હતું.
આમ, વર્તમાન ડેથ વેલીનું રાક્ષસી
બાઉલ જેવું મેદાન વાસ્તવમાં દસેક
હજાર વર્ષ પહેલાંના સરોવરનું તળિયું
છે. અને તળિયું હોવાને લીધે તેનું લેવલ
આસપાસના પ્રદેશ કરતાં ખાસ્સું નીચું
છે. સમુદ્રસપાટીથી એ ખીણની સપાટી
૨૬ મીટર નીચે છે. પશ્ચિમ ગોળાર્ધમાં
આટલા નીચા લેવલવાળી જમીન બીજે
કશે નથી. પૃથ્વીના ગોળા પર ડેથ વેલીનું ભૌગોલિક
સ્થાન ૩૬° ઉત્તર અક્ષાંશે છે. જાપાનનું પાટનગર ટોકિયો
પણ ઉત્તર ગોળાર્ધમાં બિલકુલ તે અક્ષાંશે છે. ઉનાળા વખતેય જો કે ટોકિયોમાં ઉષ્ણતામાન ૨૫ સેલ્શિયસ કરતાં વધતું નથી,તો ડેથ વેલીનું ટેમ્પ્રેચર તેના કરતાં બમણું હોવાનું કારણ શું ?
કોઇ એક કારણ નથી. ડેથ વેલીમાં ઘણાં બધાં કારણો ભેગાં
થયાં છે. ઊંચે જાવ તેમ પાતળી હવા ઉત્તરોત્તર ઠંડી બનતી
જાય છે. એ જ રીતે સાગરસપાટી કરતાં નીચે જાવ તેમ ઘટ્ટ
હવા સૂર્યની ગરમીને વધુ ગ્રહણ કરે છે. ડેથ વેલીના કેસમાં
એવું જ બને છે. અહીંની ઘટ્ટ હવામાં ગ૨મી સતત જળવાયેલી રહે છે, માટે ત્યાં હંમેશા લૂ જેવું વાતાવરણ રહે છે. હિમનદીએ પીછેહઠ શરૂ કરી
હિમયુગ જ્યારે પૂરો થવા આવ્યો
હિમયુગની યાદગીરી જેવું સરોવર
બરફ પીગળતાં
બનેલું સરોવર
ફરતેના કાળા ખડકો પણ ગરમીને
શોષી સરવાળે તેમના સંપર્કમાં આવતી
હવાને તપાવે છે--અને ૫૧૮ ચોરસ
કિલોમીટરમાં પથરાયેલી ક્ષારોની
જાજમને તો ગરમીની સ્ટોરેજ ટેન્ક કહો
તો સહેજ પણ અતિશયોક્તિ નહિ. આ
ક્ષારો બપોરના સમયે ૮૮° સેલ્શિયસ
સુધીના તાપમાને તપી નીકળે છે. ઉઘાડો
પગ મૂક્યો હોય તો ચામડી
સહેજવારમાં તતડી ઊઠે ! હવાને
પરબારો સૂર્યપ્રકાશ જેટલી ગરમ ન
કરી શકે એટલી તે લાહ્ય જેવા ક્ષારો
વડે ગરમ થાય છે. કુદરત વળી ડેથ
વેલીને નર્ક બનાવવામાં જાણે બિલકુલ
કસર છોડવા માગતી ન હોય તેમ બાર
મહિને અહીં માંડ ૧.૫” વરસાદ પડે છે. કોઇક વર્ષે તો
એટલો પણ નહિ.
આ પ્રકારના કઠોર સંજોગો વચ્ચે પ્રવાસ ખેડવો અને ખીણના સામા છેડે પહોંચવું તે જેવી તેવી કસોટી નથી. માણસ પગપાળા ચાલે, ઘોડા પર બેસીને જાય કે મોટરકારમાં હંકારે તો પણ ૨૨૫ કિલોમીટર લાંબી અને સરેરાશ ૨૪ કિલોમીટર પહોળી
મૃત્યુની ખીણમાં તેને મૃત્યુનો ભેટો થવાનું જોખમ પૂરેપૂરૂં છે.
સૌથી મોટું જોખમ હોય તો એ ડિહાઇડ્રેશનનું, જેમાં શરીરના પાણીનો જથ્થો બેહદ ઘટી જાય છે. સખત ગરમી વખતે પરસેવાને લીધે શરીરમાં પાણી ઘટે ત્યારે વધુ તરસ લાગવાનું વૈજ્ઞાનિક કારણ એ જ કે શરીર પાણીની કમીને સહી શકતું નથી. ઉનાળા દરમ્યાન હવાનું ટેમ્પ્રેચર ૪૦° સેલ્શિયસ થાય ત્યારે શરીરમાં પાણીનું જરૂરી લેવલ જાળવવા માટે કેટકેટલું
પાણી આપણે પીએ છીએ. ડેથ વેલીનું ટેમ્પ્રેચર તો ક્યાંય
વધારે છે, એટલે તેના ધોમધખતા વાતાવરણમાં શરીરનું વૉટર બેલેન્સ જાળવવું લગભગ અશક્ય જ છે. વિજ્ઞાનનો એક વિચિત્ર નિયમ વળી એ છે કે માણસના શરીરમાં પાણીનો ફક્ત ૨.૫% જેટલો ઘટાડો થાય તો તેની શારીરિક તાકાત અઢી ટકા નહિ, પરંતુ ૨૫% જેટલી ઘટી જવા પામે ! પરિણામે ટટ્ટાર રહીને ચાલવાનું પણ મુશ્કેલ બને છે. અને પછી જ્યારે દસ ટકા પાણી ઓછું થાય ત્યારે તો મૃત્યુ નિશ્ચિત !
આજે પણ ડેથ વેલીમાં આવા કરૂણ મોતના પ્રસંગો ક્યારેક
નોંધાતા રહે છે. ઘણી વાર મૃત્યુ બહુ વિચિત્ર રીતે થાય છે.
ભૂલો પડેલો માણસ તેના મોતને ભેટતા પહેલાં સાનભાન
ગુમાવે છે. ગરમીની અસરને લીધે મગજ બહેર મારી જાય
છે, એટલે બચવાના સરળ ઉપાયો પણ તેને સૂઝતા નથી.
કેટલાંક વર્ષ પહેલાં મોટરકાર હંકારીને જતો એક માણસ ડેથ
વેલીમાં ભૂલો પડ્યા બાદ તરસે મરી ગયો. ડિહાઇડ્રેશનનો
ભોગ બન્યો. ટ્રેજેડી એ કે તેની મોટરમાં સોફ્ટ ડ્રિંક્સની પુષ્કળ બોટલો હતી. પાણીની તરસ સોફ્ટ ડ્રિક્સ વડે પણ બુઝાવી શકાય એ તેને સૂઝ્યું જ નહિ, કેમ કે આગ વરસાવતી ગરમીમાં
વિચારશક્તિ ગુમાવ્યા પછી તેને ફક્ત પાણી યાદ આવતું
હતું. ટ્રેજિક મૃત્યુનો બીજો એક બનાવ પણ અજબ હતો.
કેલિફોર્નિયાની પોલીસ ટુકડીને ડેથ વેલીમાં અમુક મુસાફરોનાં
અરેરાટીજનક શબો મળી આવ્યાં. દરેક જણે પોતાનાં વસ્ત્રો
કાઢીને હાથમાં પકડી રાખ્યાં હતાં. આ જાતનું વર્તન તેમણે
શા માટે કર્યું તે પોલીસને તો સમજાયું નહિ, પણ સંશોધકોને
ખબર હતી. વૈજ્ઞાનિક ખુલાસો આપી તેમણે જણાવ્યું કે સખત ગરમી વચ્ચે માણસ પહેલાં રીબાય છે અને ત્યાર બાદ પોતે જાણે સરોવ૨માં ગળાડૂબ રહીને નહાતો હોય એવો તેને ભ્રમ થાય છે. પરિણામે કપડાં ન ભીંજાય એ માટે વસ્ત્રો કાઢીને હાથમાં પકડી રાખે છે. એ જ હાલતમાં છેવટે તે મોતને ભેટે છે.
જિંદગીને વહાલી ગણતા લોકો ડેથ વેલીમાં પ્રવેશવાનું
જોખમ ન ખેડે એ તો દેખીતું છે. બીજી તરફ એ ખીણ પોતે
એક કુદરતી અજાયબી ગણાય છે. જિજ્ઞાસુ પર્યટકો તેનાં દર્શન કર્યા વગર પણ રહી શકતા નથી. કેલિફોર્નિયા સરકારે તેમના માટે દાન્તેઝ વ્યૂ નામનું ટૂરિસ્ટ સ્પૉટ નક્કી કર્યું છે. ઊંચા શિખરે આવેલા તે સ્થળે ઊભા રહીને તેઓ ડેથ વેલી પર ઊડતી નજર ફેંકી શકે છે.
ગાઇડ તેમને ડેથ વેલીનો
ડરામણો ચિતાર સંભળાવ્યા
પછી એકદમ ચિકત્ કરી દેતી
વાત કહે છે : ‘આ ખીણમાં
કુલ બાવીસ જાતના છોડ થાય
છે. અહીં બધું મળીને ૨૩૦
જાતનાં પંખીડાં, ૧૯ પ્રકારના
સાપ અને ૧૭ જાતના કાચિંડા
વસે છે. બીજાં અસંખ્ય કીટકો
પણ ખરાં !'
આને કુદરતનો જ કમાલ
ગણો કે બીજું કંઇ ?
જીવસૃષ્ટિને વસાવવા માટે
જગતનો કોઇ ખૂણો તેણે બાકી
રાખ્યો નથી--અને
મૃત્યુની
ખીણ ગણાતી ડેથ વેલી પણ નહિ