Virtual service of youth in Gujarati Human Science by Virrajsinh jadeja books and stories PDF | યુવા ની આભાસી સેવા

Featured Books
Categories
Share

યુવા ની આભાસી સેવા

આજના સમય માં કોઇ નેતાની રેલી કે કાર્યક્રમો માં યુવાનો ની ભીડ જોઈ એવું લાગે કે ભારત ની યુવાશક્તિ જાગૃત થઈ રહી છે,પરંતુ સિક્કા ની બીજી બાજુ તપાસીએ તો એક કડવી વાસ્તવિકતા સામે નજરે પડે છે. જે ઉત્સાહિત પ્રયાસો કોઇ પાર્ટીનું નાનું મોટું પદ મેળવવા માટે કે પ્રચાર સમયે દેખાય છે તે જ ઉત્સાહ રોજીંદા અવરજવર કરવાના રસ્તે પડેલા પ્લાસ્ટિક કે અન્ય કચરા ના ઢગલાઓ નિવારણ કરવામાં નથી દેખાતો, કે નથી દેખાતો કોઇ ની નિસ્વાર્થ સેવા કરવામાં.

દેખાડો :- મનોવિજ્ઞાન કહે છે કે માનવી મૂળભૂત રીતે પ્રશંસા નો ભૂખ્યો છે.આજના યુવાનોમાં "વર્ચ્યુ સિગ્નલિંગ"(સદગુણ સંકેત)નામની એક મનોવિજ્ઞાનીક બીમારી ઘર કરી ગઈ છે જેનો અર્થ છે "હું સારો છુ એવું કામ કરવા કરતા,હું સારો છું તેવું દુનિયાને બતાવવુ". જ્યારે યુવાન ગરીબો ને ભોજન આપતા કે ઠંડી માં ધાબડા વહેંચતી વખતે ૧૦ સેલ્ફી પાડશે,ત્યારે તેનો ઉદ્દેશ ગરીબનું પેટ ભરવાનું કે ઠંડી ઉડાવવાનો ઓછો અને પોતાના ઇન્સ્ટાગ્રામ ના ફીડ પર લાઈક્સ મેળવવાનો વધુ હોય છે. બસ આજ વિચારસણી એ સામાજિક કાર્યો ના મૂળ નબળા પાડી દીધા છે.

રાજકારણ નું ગ્લેમર:- રાજકારણ માં જોડાવવાનું મુખ્ય આકર્ષણ મારા અનુસંધાને 'સત્તા' તેમજ 'ઓળખ' છે, અન્ય કારણો પણ હોઈ શકે. ૨૦-૨૨ વર્ષ નો યુવાન કોઈ રાજકીય પક્ષ નો ખેશ પહેરે છે,ત્યારે તેને લાગે છે તે અનેક લોકો થી વિશેષ બની ગયેલ છે. જેને "ઇન્સ્ટન્ટ ગ્રેટીફિકેશન"(ત્વરિત પ્રસન્નતા) કેહવામાં આવે છે.

તેની સામે માર્ગ સફાઈ,કચરા ના ઢગલાઓ,ભ્રષ્ટાચાર સામે અવાજ ઉપાડવું એ બધું 'ગ્લેમર વગર નું કામ' છે.તેમા તેને ફૂલહાર કે શાબાશી મળતી નથી કેમ કે તેમ પરસેવો પાડવો પડે છે અને તેનુ પરિણામ આવતા સમય લાગે છે. યુવાનો જ્યારે ધીરજ ગુમાવે છે ત્યારે તે સામાજીક જવાબદારીઓ ને કંટાળા જનક ગણીને માત્ર દેખાવ પૂરતી સીમિત કરી દે છે.

સવેંદના નું ડિજિટાઈઝેશન:- આજે આપણે સવેંદના ને પણ ડિજીટલ કરી દીધી છે વોટ્સએપ સ્ટેટસ પર પર્યાવરણ બચાવવા ની પોસ્ટ મૂકવી સરળ છે,પણ ઉનાળા ની બપોરે એક છોડ વાવવું અને તેને પાણી પાવવું અઘરુ છે. આને મનોવિજ્ઞાન ની ભાષામાં "સ્લેક્ટિવિઝમ(આળસુ સક્રિયતા)"કહેવામાં આવે છે. એટલે કે ન્યૂનતમ મહેનત કરી સામાજિક કાર્ય કર્યા નો સંતોષ મેળવી લેવો,તેના પરિણામે આપણે ભીડ નો હિસ્સો તો બનીએ છીએ પણ પરિવર્તન નો નહીં.

આ બધી માનસિક અપંગતા નું કારણ શું છે ખ્યાલ છે ? 

૧.રોલ મૉડલ ની ખોટ:- આજે યુવાનો સામે ગ્રામપંચાયત થી લઇ ને લોકસભા સુધી, નાના કલાકાર થી લઇ ને બોલીવૂડ ના સ્ટાર એક્ટર સુધી એવા લોકોની ફોજ છે જે ઈવેન્ટ મેનેજમેન્ટ માં મને છે. જ્યારે આદર્શો જ દેખાડા ના પાયા પર ટકેલા હોય ત્યારે યુવાપેઢી તેમનું જ અનુકરણ કરે તે સ્વાભાવિક છે.

૨.શિક્ષણ અને સંસ્કાર નો ગેપ:- આપનું શિક્ષણ પુસ્તકીય જ્ઞાન તો આપે છે પણ સામાજીક જવાબદારી નો અનુભવ નથી કરાવતું, "સ્વચ્છતા" ને એક વિષય તરીકે ભણાવવામાં આવે છે,પણ જીવનશૈલી તરીકે નહીં.

૩.ઝડપી સફળતા ની ઘેલછા:- રાજકારણ એ શોર્ટ કટ લાગે છે અને સાચા હિત નું નિસ્વાર્થ સામાજીક કાર્ય એ લાંબો તથા કઠીન માર્ગ છે.

પરિવર્તન માટે આપણે લોકશાહી ને માત્ર વોટ આપવા કે અપાવવા અને પક્ષ ના પ્રચાર સુધી સીમિત રાખવા બદલે લોકભાગીદારી તરફ વળવું પડશે.સાચું સામાજીક કાર્ય કેમેરા ની ગેરહાજરી માં થાય છે. જ્યારે દરેક ભારતીય દ્વારા સફાઈ નું , અન્યાય સામે બોલવાનું, ભ્રષ્ટાચાર ને ઉજાગર કરવાનું કાર્ય કોઇ પક્ષ કે વ્યક્તિ વિશેષ નું છે તેમ નહીં પણ ખુદ ની નૈતિક ફરજ છે તેમ સમજીને કરવામાં આવશે ત્યારે જ દેખાવ ની જગ્યા એ નિષ્ઠા આવશે.

અંતે રાજકારણ માં જોડાવવું એ ગુનો નથી પણ જો યુવાઓ પદ માટે જ જોડાશે તો દેશને નેતાઓ તો મળશે પણ નાગરિકો નહીં મળે.