The Maharaja of Mayapuri: The Game of Power - 7 in Gujarati Fiction Stories by harsh nasha books and stories PDF | માયાપુરીનો મહારાજા: સત્તાનો ખેલ - 7

Featured Books
Categories
Share

માયાપુરીનો મહારાજા: સત્તાનો ખેલ - 7

​મુંબઈના આકાશમાં કાળા વાદળો ઘેરાયા હતા, અને મલ્હોત્રા વિલાના વિશાળ હોલમાં છવાયેલી શાંતિ કોઈ મોટા તોફાનની પૂર્વસંધ્યા જેવી હતી.

હોલના મધ્યમાં રહેલા મોટા ડાઈનિંગ ટેબલ પર ઈશાની મલ્હોત્રા અત્યંત ઠાઠથી બેઠી હતી. તેના એક હાથમાં મોંઘી 'બ્લેક આઈવરી' કોફીનો કપ હતો અને બીજા હાથમાં સવારનું છાપું. 

છાપાની હેડલાઈન્સમાં રુદ્રના સામ્રાજ્યના પતનના સમાચાર મોટા અક્ષરોમાં છપાયા હતા.

​ઈશાનીના લાલ રંગના લિપસ્ટિક લગાવેલા હોઠ પર એક વિજયી અને ઘમંડી સ્મિત હતું. 

તેને લાગતું હતું કે તેણે રુદ્રના જે મુખ્ય સપ્લાયર્સ અને ઈન્વેસ્ટર્સ સાથે છૂપી રીતે વાતચીત કરીને તેમને પોતાની તરફ વાળ્યા હતા, આ આર્થિક પતન તે 'માસ્ટરસ્ટ્રોક' નું જ પરિણામ છે.

​વિક્રાંત થોડે દૂર, હોલના ખૂણે હાથ જોડીને ઉભો હતો. તેણે આજે સફેદ શર્ટ પહેર્યો હતો, જે તેના સખત શરીર પર ફીટ બેસતો હતો.

"ઈ-ઈ-ઈશાનીજી, તમારી ગા-ગા-ગાડી બહાર તૈ-તૈ-તૈયાર છે. આપણે દ-દ-દસ મિનિટમાં નીકળવું પડશે."

​ઈશાનીએ કોફીનો ઘૂંટડો ભર્યો અને તેની તરફ જોયા વગર જ અત્યંત રૂઆબથી કહ્યું, "જોયું વિક્રાંત? મેં કહ્યું હતું ને કે મલ્હોત્રા ખાનદાનની દીકરીને રસ્તા પર લાવવી એટલી સહેલી નથી. રુદ્રના અડધા બેંક એકાઉન્ટ્સ સીલ થઈ ગયા છે અને તેના શેર બજારમાં ધૂળ ચાટી રહ્યા છે. આ બધું મારી મહેનત અને મારી વ્યૂહરચનાનું પરિણામ છે. તે દિવસે હીરા બજારમાં જે મારું અપમાન થયું હતું, તેનો બદલો મેં મારી બુદ્ધિથી લીધો છે."

​વિક્રાંતે ધીમેથી માથું ઊંચું કર્યું. તેની આંખોમાં એક રહસ્યમય ગંભીરતા હતી. "તમને ખરેખર લાગે છે કે રુદ્ર આટલો જ-જ-જલ્દી હારી જશે? એ ઘા-ઘા-ઘાયલ શિકારી છે."

​ઈશાની ઊભી થઈ અને ટક-ટક અવાજ કરતા પોતાના હાઈ-હીલ્સ સાથે વિક્રાંતની સાવ નજીક આવી. તેનો અહંકાર તેના અવાજમાં અને તેની નજરમાં સ્પષ્ટ હતો. 

"વિક્રાંત, તારી હદમાં રહેવાનું શીખ. તું માત્ર એક ડ્રાઈવર છે.
તારું કામ ગાડીના ટાયર ચેક કરવાનું અને મારી પાછળ ફાઈલ પકડીને ઉભા રહેવાનું છે. 
બિઝનેસ કેવી રીતે રમાય અને દુશ્મનને રસ્તા પર કેવી રીતે લવાય, એ મારા લોહીમાં છે. 
તને શું લાગે છે? 
તારા જેવા એક હકલા અને મામૂલી માણસના કારણે આ બધું થઈ રહ્યું છે?
ના. રુદ્રના ગુંડાઓ તે દિવસે ભાગ્યા કારણ કે તેમને મારા પિતાના જૂના પાવરફુલ મિત્રોનો ડર હતો. 
તું તો બસ ત્યાં એક તમાશબીનની જેમ હાજર હતો."

​વિક્રાંત કશું બોલ્યો નહીં. તેણે માત્ર નીચું જોયું અને મનોમન સ્મિત કર્યું.

તેને ગર્વ હતો કે ઈશાની આત્મવિશ્વાસથી ભરેલી છે, પણ તે એ પણ જાણતો હતો કે ઈશાની જેને પોતાની 'બુદ્ધિ' માને છે, તે ખરેખર વિક્રાંતે ડાર્ક વેબ પર રુદ્રના સર્વર્સ હેક કરીને અને તેના બેનામી વ્યવહારોને એક્સપોઝ કરીને કરેલો ડિજિટલ વિધ્વંસ હતો.

​બીજી તરફ, રુદ્રના આલીશાન પેન્ટહાઉસમાં દ્રશ્ય સાવ અલગ હતું.

રૂમમાં એસી ફૂલ સ્પીડમાં હોવા છતાં રુદ્ર પરસેવે રેબઝેબ હતો. તેની સામે રહેલા પ્રોજેક્ટરની સ્ક્રીન પર એક લાલ રંગનો આંકડો દેખાઈ રહ્યો હતો: "".

​"આ શું બકવાસ છે? ઝેનો! આ કોણ કરી રહ્યું છે? મારી સિસ્ટમ કોણે હેક કરી?" રુદ્રએ ચીસ પાડી.

​ઝેનો અંધારામાંથી બહાર આવ્યો. તેનો ચહેરો ફિક્કો પડી ગયો હતો અને તેના જમણા હાથ પર હજુ પણ પેલી રાતની ગોળીના નિશાન હતા.

"ભાઈ, આપણી સિક્યોરિટી લેયર્સ કોઈ પાણીની જેમ ચીરીને અંદર ઘૂસી રહ્યું છે. કોઈ 'એક્ઝિક્યુશનર' નામનો માણસ આપણા દરેક સોદામાં વચ્ચે આવી રહ્યો છે. આપણા સૌથી વફાદાર ગુંડાઓ પણ હવે ફોન નથી ઉઠાવતા... તેઓ ડરેલા છે."

​રુદ્રએ ગુસ્સામાં દારૂની આખી બોટલ દિવાલ પર પછાડી. કાચના ટુકડા ચારેબાજુ વિખરાઈ ગયા.

"એક છોકરી! ઈશાની મલ્હોત્રા આટલું બધું ના કરી શકે! એની પાછળ કોઈ ભૂત જેવો શખ્સ છે. ઝેનો, મને એ માણસ જોઈએ. જો એ ન મળ્યો, તો હું તારું ગળું કાપી નાખીશ!"

​સાંજે જ્યારે ઈશાની ઓફિસથી પાછી ફરી રહી હતી, ત્યારે હાઈવેના એક સૂમસામ પટ્ટા પર રુદ્રની બે કાળી ગાડીઓએ તેમની ગાડીનો રસ્તો રોક્યો.

ઈશાનીની ગાડી જોરદાર બ્રેક સાથે ઉભી રહી.

ચાર હથિયારધારી ગુંડાઓ નીચે ઉતર્યા.

ઈશાનીનું હૃદય એક ધબકારો ચૂકી ગયું, પણ તેનું અભિમાન હજુ પણ શિખર પર હતું.

​"વિક્રાંત, ગાડી ઉભી રાખ! દરવાજો ખોલ, હું આ લોકોને જોઈ લઈશ. એમને ખબર નથી કે તેઓ કોની સાથે પંગો લઈ રહ્યા છે," ઈશાનીએ ગભરાટ છુપાવતા હુકમ કર્યો.

​"ના... ઈ-ઈ-ઈશાનીજી, અંદર જ ર-ર-રહેજો. દરવાજો લૉક રાખજો," વિક્રાંતે અત્યંત શાંતિથી કહ્યું. 

તેના અવાજમાં હવે હકલાટ ઓછો અને સત્તા વધુ હતી.

​એક ગુંડાએ ગાડીના કાચ પર લોખંડનો સળિયો માર્યો. 

પળવારમાં વિક્રાંત ગાડીની બહાર નીકળ્યો.

ઈશાનીને લાગ્યું કે વિક્રાંત ભાગી જશે અથવા હાથ જોડીને માફી માંગશે. 

પણ જે દ્રશ્ય તેણે જોયું, તે કોઈ હાઈ-વોલ્ટેજ એક્શન ફિલ્મ જેવું હતું.

​વિક્રાંતે પહેલા ગુંડાનો હાથ પકડીને તેને હવામાં જ મરોડ્યો. હાડકું તૂટવાનો 'ચડક' અવાજ ઈશાનીને ગાડીની અંદર પણ સંભળાયો. 

બીજા બે ગુંડાઓ પિસ્તોલ કાઢે એ પહેલાં જ વિક્રાંતે પોતાની જમણી લાતથી એકને હવામાં ઉછાળ્યો અને બીજાને કારના બોનેટ સાથે પછાડ્યો. 

તેની હલચલ એટલી ઝડપી અને ઘાતક હતી કે ઈશાનીની નજર પણ તેને પકડી શકતી નહોતી.

માત્ર દસ સેકન્ડમાં ચારેય ગુંડાઓ લોહીલુહાણ હાલતમાં જમીન પર તરફડિયા મારતા હતા.

​વિક્રાંત પાછો ગાડીમાં બેઠો, શ્વાસ લીધા વગર તેણે સ્ટેયરિંગ પકડ્યું અને ફરી એ જ જૂના અંદાજમાં બોલ્યો,

"ચાલો... મો-મો-મોડું થાય છે. ઘરની ર-ર-રસોઈ ઠંડી થઈ જશે."

​ઈશાની સ્તબ્ધ હતી. તેની શ્વાસ રૂંધાઈ રહી હતી. તેણે પોતાની જાતને સંભાળી અને ફરી અભિમાનનો મહોરો પહેરી લીધો. 

"ઠીક છે, તેં તારી ડ્રાઈવર તરીકેની ફરજ નિભાવી. પણ યાદ રાખજે, આ લોકો મારા પિતાના નામથી ડરે છે એટલે તું એમને મારી શક્યો. તારી પોતાની કોઈ હસ્તી નથી."

​વિક્રાંતે રિયર-વ્યૂ મિરરમાં ઈશાનીની આંખો જોઈ. તે આંખોમાં ભલે અભિમાન હતું, પણ તેના હાથ ધ્રૂજી રહ્યા હતા. 

વિક્રાંતે ધીમેથી એસીનું તાપમાન ઓછું કર્યું અને ગાડીમાં એક હળવું મ્યુઝિક વગાડ્યું જેથી ઈશાનીને આરામ મળે. આ તેનું 'સાયલન્ટ એફેક્શન' હતું—તે જાણતો હતો કે ઈશાનીનો અહંકાર જ તેની સુરક્ષાની દીવાલ છે.

​તે રાત્રે, રુદ્રના વિલાની બહાર એક કાળો પડછાયો છાપરે દેખાયો. 

રુદ્ર બાલ્કનીમાં ઉભો રહીને સિગાર પી રહ્યો હતો. અચાનક તેણે નીચે બગીચામાં જોયું. 

લાઈટો ચાલુ થઈ અને તેણે જોયું કે સફેદ આરસપહાણ પર કોઈએ લોહીથી એક મોટું "૬" લખ્યું હતું. 

તેની બાજુમાં તેના સૌથી ભરોસાપાત્ર બોડીગાર્ડનો મૃતદેહ પડ્યો હતો, જેના ગળે એક ખાસ પ્રકારની બ્લેડથી કાપો મારવામાં આવ્યો હતો.

​રુદ્રના કાને એક અવાજ સંભળાયો—એક ઠંડો, ગંભીર અને સચોટ અવાજ જે પવનની લહેરખીની જેમ આવ્યો:

"છ દિવસ રુદ્ર. છ દિવસમાં તારું સામ્રાજ્ય, તારું ગર્વ અને તારા શ્વાસ... બધું જ રાખ થઈ જશે. ગણતરી શરૂ થઈ ગઈ છે."

​રુદ્રએ પાછળ જોયું પણ ત્યાં કોઈ નહોતું. 

માત્ર લહેરાતા પડદા હતા. 

રુદ્ર પહેલીવાર ખરેખર ધ્રૂજી ઉઠ્યો. 

તેને લાગ્યું કે તે કોઈ એવી જાળમાં ફસાયો છે જેમાંથી નીકળવાનો કોઈ રસ્તો નથી.

​વિલામાં, ઈશાની તેના બેડરૂમમાં બેઠી હતી.

તે આયનામાં પોતાની જાતને જોઈ રહી હતી, પણ તેના મગજમાં હાઈવે પરનો વિક્રાંતનો એ વિકરાળ અવતાર ફરી રહ્યો હતો. 

તેને અહેસાસ થયો કે વિક્રાંત કંઈક તો છે, પણ તેનું ઈગો તેને નમવા તૈયાર નહોતું. 

તેણે બેલ વગાડીને વિક્રાંતને બોલાવ્યો.

​વિક્રાંત દરવાજે આવીને ઉભો રહ્યો. "તમે બો-બો-બોલાવ્યો?"

​ઈશાની ઊભી થઈ અને તેની સાવ નજીક ગઈ.

તેણે વિક્રાંતના શર્ટનો કોલર ઠીક કરવાના બહાને તેના મજબૂત ખભા પર હાથ મૂક્યો. 

આ પહેલીવાર હતું જ્યારે ઈશાનીએ તેને આટલા નજીકથી સ્પર્શ કર્યો હતો. 

"વિક્રાંત, તું ગમે તે હોય... પણ યાદ રાખજે કે તારું અસ્તિત્વ માત્ર મલ્હોત્રા વિલાના કારણે છે. જો હું નહીં હોઉં, તો તું પણ રસ્તા પર હોઈશ. સમજાયું?"

​વિક્રાંતે ઈશાનીની આંખોમાં જોયું. 

તે આંખોમાં સત્તાની ભૂખ હતી, પણ ઊંડે ઊંડે એક રક્ષણની તરસ પણ હતી.

"હું... હું હ-હ-હમેશા તમારી પાછળ જ રહીશ, ઈશાનીજી. પછી ભલે એ ર-ર-રસ્તો નરક તરફ જતો હોય."

​વિક્રાંતના અવાજમાં આ વખતે એક અજીબ મીઠાશ અને દ્રઢતા હતી, જે ઈશાનીના હૃદયના તારને પળવાર માટે છેડી ગઈ. 

તેણે તરત જ પોતાનો હાથ ખેંચી લીધો અને મોઢું ફેરવી લીધું. "જા હવે, કાલે સવારે મારે હીરા બજારમાં રુદ્રને મારી તાકાત બતાવવા જવાનું છે. મોડા ના પડતો."

​વિક્રાંત બહાર નીકળ્યો અને અંધારામાં પોતાની મુઠ્ઠી ભીંસી. 

તેણે ફોન કાઢ્યો અને ધીમેથી બોલ્યો, "કાલે ૫મો દિવસ હશે રુદ્ર. અને કાલે હીરા બજારમાં તારું લોહી નહીં, તારો અહંકાર વહેશે."

​આગળના એપિસોડમાં:

​હીરા બજારમાં પંચાયત ભરાય છે. 

ઈશાની રુદ્રને સભાની વચ્ચે લપડાક મારે છે. 

રુદ્ર પાગલ જેવો થઈને રિવોલ્વર કાઢે છે, પણ ત્યાં જ "૫ દિવસ" નો આંકડો આસમાનમાં ફટાકડા દ્વારા દેખાય છે. 

શું ઈશાનીને ખબર પડશે કે તેને બચાવનાર આ 'ડ્રાઈવર' જ અસલી 'મહારાજા' છે?