Sat samandar par bhag-10 in Gujarati Love Stories by Jasmina Shah books and stories PDF | સાત સમંદર પાર - ભાગ 10

Featured Books
Categories
Share

સાત સમંદર પાર - ભાગ 10

મિલાપે પ્રેમથી પ્રિયાંશીના બંને હાથ પકડી લીધાં અને તેને ચૂમી લીધાં અને તેની આંખોમાં આંખો પરોવીને તે પ્રિયાંશીને કહેવા લાગ્યો કે, "પિયુ એક વાત કહું તને, હું યુ એસ એ જતાં પહેલાં તારી સાથે એંગેજમેન્ટ કરી લેવા ઈચ્છું છું. તો હું તારા મમ્મી-પપ્પાને આવીને મળી શકું છું..?"પ્રિયાંશીએ મિલાપને સમજાવ્યું કે, "મારા મમ્મી-પપ્પાને પછી મળવા આવજે, પહેલાં તારા મમ્મી-પપ્પાને તો કન્વિન્સ કરી લે. (મિલાપને પ્રિયાંશીની વાત યોગ્ય લાગી. તેથી તેણે પહેલા પોતાના મમ્મી પપ્પાને  આ વાત કરવાનું નક્કી કર્યું.)મિલાપના પપ્પાનું નામ મિહિરભાઈ હતું. મિહિરભાઈ એટલે એક ખડ્ડુસ બિઝનેસમેન.. જે સ્વભાવે થોડા ગુસ્સાવાળા અને પોતાના મોભા પ્રમાણે રહેવા વાળા હતા. મિલાપની પ્રિયાંશી સાથેના લગ્નની વાત સાંભળીને તેમને જરા પણ રૂચી નહિ. તેમણે ચોખ્ખી "ના" પાડી દીધી કે લગ્ન તો આપણી બરાબરીમાં જ થશે... અને આ રીતે આપણે લગ્ન કરવાના નથી..મિલાપ અને અંજુબેનને આ વાતનું ખૂબ દુઃખ થયું. હવે મિહિરભાઈને સમજાવવા કઇ રીતે અને કોણ સમજાવે તે એક પ્રશ્ન હતો. મિલાપ વારંવાર પોતાની મમ્મી અંજુબેનને પોતાના પપ્પાને સમજાવવા માટે આજીજી કર્યા કરતો હતો..પરંતુ અંજુબેન જ્યારે જ્યારે મિલાપના પ્રિયાંશી સાથેના લગ્નની વાત ઘરમાં કરે ત્યારે ત્યારે મિહિરભાઇ ગુસ્સે થઇને વાતને કાપી નાંખતા હતા અને આ લગ્ન માટે ચોખ્ખી ના પાડી દેતાં હતાં..મિલાપને થતું કે હું અને પ્રિયાંશી એક જ જ્ઞાતિના છીએ, પ્રિયાંશી પણ ડૉક્ટર છે અને હું પણ ડોક્ટર છું, અમે બંને એકબીજાને ખૂબજ પસંદ કરીએ છીએ તો શું પૈસાનો ફર્ક એ બહુ મોટી વાત કહેવાય ? એક પૈસાદાર ઘરનો દિકરો સામાન્ય ઘરની દીકરી સાથે શું લગ્ન ન કરી શકે? અને આવા અનેક પ્રશ્નોથી મિલાપ મનમાં ને મનમાં મૂંઝાયા કરતો હતો અને અકળાયા કરતો હતો..છેવટે અંજુબેને થાકીને મિલાપને સમજાવવાનો પ્રયત્ન કરતાં કહ્યું કે, "બેટા, તું હવે પ્રિયાંશીને ભૂલી જા, એમાં જ આપણી ભલાઈ છે, તારા પપ્પા જીદ્દી છે તે નહિ માને, તારે હવે યુ એસ એ જવાનું છે તો તું અત્યારે તેની તૈયારી કરવામાં પડી જા... તું ત્યાંથી પરત આવે પછી આપણે તારા લગ્ન માટે કંઈક વિચારીશું."પરંતુ, મિલાપ એમ પ્રિયાંશીને છોડીને યુ એસ એ જવા માંગતો નહોતો તેને તો બધું પાકું કરીને જ જવું હતું...તેને તો બસ પ્રિયાંશીને પોતાની કરીને જ યુ એસ એ જવું હતું..કારણ કે તેને ડર હતો કે પ્રિયાંશીના લગ્ન બીજે ક્યાંક થઈ જશે તો ? અને તો તે પોતાની પ્રિયાંશીને ખોઈ બેસસે...આમ વિચારે મિલાપ ખૂબ દુઃખી રહ્યા કરતો હતો..મિલાપને દુઃખી જોઈને અંજુબેન પણ દુઃખી થઈ જતાં હતાં... અને પોતાના પતિને કઈ રીતે સમજાવવા અને મનાવવા તેમ વિચારી રહ્યા હતા..એક દિવસ અંજુબેનને વિચાર આવ્યો કે, આ વાત હું મારા નણંદ પલ્લવીબેનને કરું તો..? તેમના બોલ મિહિર ઝીલી જ લેશે...તેમની કહેલી વાતનો તે ઈન્કાર નહીં કરી શકે...આ વાતનો ઉકેલ ચોક્કસ આવી જશે. મારા મિહિરને સમજાવી શકે તેમ પલ્લવીબેન એક જ છે...તેમણે પલ્લવીબેનને ફોન કરીને આખી વાત સમજાવી અને પલ્લવીબેનને રૂબરૂ પોતાના ઘરે આવીને આ વાતનું સોલ્યુશન લાવવા કહ્યું.પલ્લવીબેન એટલે મિલાપના ફોઈ જે ખૂબજ હોંશિયાર અને ઠાવકા હતા. તેમને કોઈ સંતાન ન હતું એટલે તે મિલાપને જ પોતાનો દિકરો માનતા હતા. અને તેમની વાતનું આખાય કુટુંબમાં ભારે વજન પડે. એમનો બોલ કોઈ ઉથાપે નહિ એવો એમનો સ્વભાવ અને વ્યવહાર બંને હતા. પલ્લવીબેન એક દિવસ સમય લઈને મિહિરભાઇને મળવા માટે તેમના ઘરે આવ્યા. મિહિરભાઈને બધી વાત પૂછી અને લગ્નની "ના" પાડવા  માટેનું કારણ પણ પૂછ્યું. મિહિરભાઈએ પૈસાની અને મોભાની વાત કરી. અને કહ્યું કે મિલાપના લગ્ન તો મારે કોઈ મોટા બિઝનેસમેનની દીકરી સાથે જ કરવાના છે. લગ્ન હંમેશા બરોબરીમાં જ થાય... અને પોતે જેટલા સુખી અને સંપન્ન છે તેવા જ સુખી સંપન્ન ઘરે જ તે દિકરાનો સંબંધ બાંધવા ઈચ્છે છે...વધારામાં તેમણે કહ્યું કે, સામાન્ય ઘર સાથે સંબંધ બાંધવાથી મારી ક્રેડિટ ડાઉન થઈ જાય જે મને બિલકુલ મંજૂર નથી...આ વાત સાંભળીને પલ્લવીબેનને ખૂબ ગુસ્સો આવ્યો. તેમણે મિહિરભાઈને બે-ત્રણ પ્રશ્નો પૂછ્યા કે, "તારા લગ્ન થયા ત્યારે તારી પાસે કેટલા પૈસા હતા ? મિહિરભાઈએ જવાબ આપ્યો કે કંઈ ન હતું મારી પાસે. બીજો પ્રશ્ન પૂછ્યો કે, "તારા લગ્ન વખતે આપણે કેવી છોકરીની શોધમાં હતા ?" મિહિરભાઈએ જવાબ આપ્યો કે, "ગરીબ ઘરની ચાલશે પણ સંસ્કારી, ડાહી અને ઠરેલ છોકરીની" ત્રીજો પ્રશ્ન પૂછ્યો કે, "મિલાપને આ છોકરી ગમે છે તો લગ્ન મિલાપે કરવાના છે કે આપણે ?"મિહિરભાઈએ જવાબ આપ્યો કે, "મિલાપને કરવાના છે." પલ્લવીબેને કહ્યું કે તો તું શેના માટે આટલો બધો કકળાટ માંડે છે. છોકરી આપણી જ્ઞાતિની તો છે અને ડોક્ટર થયેલી છે... આપણાં મિલાપને ગમે છે તો પછી તને શું વાંધો છે.. પહેલા છોકરીને મળીએ તેના મા-બાપને મળીએ પછી આગળ બીજી વાત કરીશું. અને છોકરી ભલે સામાન્ય ઘરની હોય તે વાંધો નથી બસ છોકરી ડાહી અને સંસ્કારી હોવી જોઈએ અને પ્રિયાંશીને મળવાનું નક્કી કરવામાં આવ્યું. મિલાપને ખબર હતી કે ફીઆ જો તેમના ઘરે પરત જતા રહેશે તો પોતાના લગ્નની વાત અહીં જ અધૂરી રહી જશે તેથી તે એ દિવસે સાંજે જ પલ્લવીબેનની હાજરીમાં જ  પ્રિયાંશીને પોતાના ઘરે લઈને આવ્યો. પ્રિયાંશી તો જોતાં વેંત ગમી જાય તેવી જ હતી. સંસ્કારી પણ એટલી જ હતી. પછી કયા માતા-પિતા તેને માટે"ના" પાડી શકે ?કાળી ભમ્મર આંખો, રેશમી વાળ, અડીએ તો પણ ડાઘ પડી જાય તેવી સુંદર ત્વચા અને ભરાવદાર વ્યક્તિત્વ ધરાવતી પ્રિયાંશી આજે ગ્રીન કલરના ડ્રેસમાં અતિ સુંદર અને મનમોહક લાગી રહી હતી...જે તેને જૂએ તેની આંખો તેની ઉપર જ ચોંટેલી રહે તેટલી બધી સુંદર.‌.પ્રિયાંશી મિલાપના ઘરમાં આવીને તુરંત જ મિલાપના માતા-પિતા અને ફીઆ ત્રણેયને પગે લાગી. પલ્લવીબેન અને અંજુબેનને તો આટલી રૂપાળી, ડૉક્ટર થએલી, સંસ્કારી, દેખાવે જ ઠરેલ દેખાતી છોકરી ખૂબ ગમી ગઈ હતી...તે તો બસ એકીટશે પ્રિયાંશીની સામે જ જોઈ રહ્યા હતા...પલ્લવીબેનને લાગ્યું કે પ્રિયાંશી સાથે વાત કરી લેવી જોઈએ અને તેની પણ આ લગ્ન માટે શું ઈચ્છા છે તે જાણી લેવું જોઈએ... તેમણે પ્રિયાંશીને લગ્ન માટે પૂછ્યું તો પ્રિયાંશીએ જવાબ આપ્યો કે મારે લગ્ન માટે કોઈ ઉતાવળ નથી "હું પહેલા જોબ કરીને સ્ટેબલ થવા ઈચ્છું છું. પણ મિલાપની ઈચ્છા છે માટે હું એંગેજમેન્ટ કરવા માટે તૈયાર થઈ છું."પલ્લવીબેનને આખીય આ પરિસ્થિતિનો ખ્યાલ આવી ગયો તેમણે મિહિરભાઈને ખૂબ સમજાવ્યા કે, "રૂપિયા જોઈને દીકરી ઘરમાં ન લવાય તેના સંસ્કાર જોઇને લવાય." અને આ લગ્ન માટે"હા" પાડવા કહ્યુ.મિહિરભાઈને પોતાની ભૂલ પણ સમજાઈ અને સાચી વાત પણ સમજાઈ ગઈ અને તેમણે બંનેના એંગેજમેન્ટ માટે "હા" પાડી દીધી... આખાયે ઘરમાં ખુશીનું વાતાવરણ છવાઈ ગયું...આજે મિલાપની ખુશીનો કોઈ પાર નહોતો... તેને તો બસ જે જોઈતું હતું તે મળી ગયું હતું...આજે તે એકીટશે આંખો ફાડી ફાડીને બસ પોતાની પ્રિયાંશીને જ જોઈ રહ્યો હતો...તે પ્રિયાંશીને પોતાનું મહેલ જેવું ઘર બતાવવા લાગ્યો અને એ બહાને તે તેને પોતાના રૂમમાં લઈ ગયો અને ક્યારનો અધીરો બનેલો તેણે પોતાની પ્રિયાંશીને પોતાની બાહુપાશમાં જકડી લીધી.. અને તેને કહેવા લાગ્યો કે, "તને ખબર છે આજે હું કેટલો ખુશ છું.. મને એવું લાગે છે કે જાણે મને જન્નતનું સુખ મળી ગયું... જ્યારે મેં તને પહેલી વખત જોઈ ત્યારે જ તું મારા દિલમાં વસી ગઈ હતી અને મેં ત્યારે જ નક્કી કરી લીધું હતું કે લગ્ન કરીશ તો હું તારી સાથે જ કરીશ.. અને જો આજે મારી એ ઈચ્છા પણ ભગવાને પૂરી કરી.. હું એનો ખૂબજ આભારી છું હવે હું નિશ્ચિંતપણે યુ એસ એ જઈ શકીશ અને તે પોતાની પ્રિયાંશીને ખૂબ જ વ્હાલ કરવા લાગ્યો...પ્રિયાંશી પણ હવે મિલાપના પ્રેમમાં તરબોળ થઈ ચૂકી હતી...થોડી ક્ષણો બંને એકબીજાનામાં ખોવાયેલા રહ્યા અને એટલામાં મિલાપના ફીઆએ તેને બૂમ પાડીને બહાર બોલાવ્યો...બંને જણાં જરા સ્વસ્થ થઈને રૂમની બહાર આવ્યા અને મિલાપના ફીઆએ ઘરમાં બધાનું મોં મીઠું કરાવ્યું...વધુ આગળના ભાગમાં...~ જસ્મીના શાહ 'સુમન'     દહેગામ     2/5/26