Preet Na Kario Koi - 1 in Gujarati Love Stories by Niyati Kapadia Nirjhar books and stories PDF | પ્રીત ના કરીઓ કોઈ, - પ્રકરણ 1

Featured Books
Categories
Share

પ્રીત ના કરીઓ કોઈ, - પ્રકરણ 1

જો તમે પ્રેમમાં પડી જાઓ તો પછી શું કરો? તમારા પ્રિયપાત્રને તમારા જીવનમાં લાવવા તમે કઈ હદ સુધી જઈ શકો? 

આ બે સવાલનો જવાબ નવલકથામાંના ત્રણેય  પાત્રો, શોધી રહ્યાં છે. કેદારને લાગે છે કે તે એક યુવતીને ચાહે છે અને એક દિવસ એ તેને જરૂર મળશે. જ્યાં સુધી કેદારને એ યુવતી નહીં મળે એ બીજી કોઈ યુવતી સાથે આગળ નહીં વધે.. વાર્તાની નાયિકા આત્મજા પણ કેદાર જેવું જ વિચારે છે. એની ચિંતા એ છે કે એનું પ્રિય પાત્ર એની નજીક આવે ત્યારે એ તેને ઓળખશે કેવી રીતે? આ સમસ્યા નિવારવા આત્મજા કુદરત પાસે મદદ માંગે છે. એ માને છે કે જ્યારે એના મનનો માણિગર એની પાસે આવશે ત્યારે કુદરત જ એને સંકેત આપશે. એની આસપાસ કંઈક એવું બનશે કે એને જાણ થઈ જ જશે. વાર્તાનો ત્રીજો ખૂણો, આલોક, વિચારે છે કે જે થવાનું એ થઈને રહેશે એવું નથી. તમારે જે જોઈતું હોય એ મેળવવા મહેનત કરવી પડે, પ્લાનિંગ કરવું પડે અને છેલ્લે સુધી જીતી જવાની આશા રાખવી પડે. 

આ વાર્તામાં આવતા દરેક પાત્રને પ્રેમ એક અલગ જ સ્વરૂપે સમજાય છે. મનમાં ગમતા પાત્રની કલ્પના કરી પ્રેમ કરવો અને એ જ પાત્ર જ્યારે સાચુકલું જીવનમાં આવી ચઢે ત્યારે દિલ ખોલી એને પ્રેમ કરી જણાવો, બંને સાવ અલગ છે એ આ નવલકથામાં દર્શાવ્યુ છે.

ત્રણ જ પ્રકરણમાં અંત પામતી આ નવલકથા વાંચવાની આપને જરૂર મજા આવશે. જો મારી વાત સાચી સાબિત થાય તો વાર્તાને 5 સ્ટાર્સ આપવાનું અને એને વિશે રીવ્યુ લખવાનું ચૂકતા નહીં. આ વાર્તા પુસ્તક રૂપે પ્રકાશિત થઈ ચૂકી છે અને કિંડલ પર E-book રૂપે પણ હાજર છે. એમેઝોન, Goodreads, વગેરે જેવા પ્લેટફોર્મ પર આપ દ્વારા અપાયેલ એક રિવ્યૂ મારા માટે ઘણો કિંમતી છે. 

એક રિવ્યૂ, પછી એ ગુજરાતીમાં લખો કે અંગ્રેજીમાં પણ લખજો જરૂર, મારા વાચકો પાસેથી હું આટલી અપેક્ષા તો રાખી શકું, હેં ને! લવ યુ ઓલ...





પ્રકરણ 1

કેદાર

   એ દિવસે સારો એવો વરસાદ પડી ગયો હતો. જમવા માટેની બે બૂમ આવી ચૂકી હતી અને હું એ અવગણીને અગાસીમાં આવીને ઊભો હતો. એકધારો સતત વરસતો વરસાદ મને હંમેશથી જોવો ગમ્યો છે. આકાશમાંથી વરસતું પાણી, એનો એ અવાજ કોઈ રોમાંચક સંગીત છેડી રહ્યું હોય એમ મારા રૂંવે રૂંવે એક અજીબ ચેતના જગાડી જાય છે. પવન સાથે જ ઊડી આવતું વરસાદનું પાણી મને ભીંજવી રહ્યું હતું. મારું ટીશર્ટ ભીનું થયું ત્યાં સુધી મને બિલકુલ ખ્યાલ નહોતો આવ્યો કે હું ભીંજાઇ રહ્યો છું પણ જેવો વરસાદી પવનનો મારો મારા લેંઘા પર ત્રાટક્યો હું સચેત થઈ ગયેલો.

   એ સાંજે વીજળીઓએ પણ માજા મૂકી હતી. વાતાવરણમાં અચાનક આવી ગયેલો પલટો, વરસાદનો એનો અલાયદો મિજાજ અને એમાં ભીંજાઇ રહેલું મારું કવિ મન હજી તો એકાદ કાવ્ય પંક્તિ વિચારી જ રહ્યું હતું ત્યાં મારા લેંઘામાં વસતો મારો જ બીજો નફ્ફટ જીવ સળવળાટ કરતો બેઠો થઈ રહ્યો હતો. એને આ વરસાદી વાતાવરણ સાથે કોઈ લેવાદેવા છે એવું નથી એને તો હેવાનને આ આદત પડી ગઈ છે. ગમ્મે ત્યારે અક્કડ થઈ જવાની બૂરી આદત. હું એને જેટલું રોકવાનો પ્રયત્ન કરું એટલું એ વધારે જોર કાઢે પાછો. આને તમે દુખ ગણો કે સુખ એ તકલીફ મારા જેવા વાંઢા સિવાય કોઈ બીજું ભાગ્યે જ સમજી શકશે. એ આકાશી વીજળીના ચમકારામાં મારા મનના ઘાટા અંધકારમાં પણ વિચારોના અદભુત ચમકારા થઈ રહ્યાં હતાં.

   મને એ સમયે ઘરની નીચે રસ્તા પર મારી પ્રિયતમા દેખાઈ રહી હતી... વરસાદમાં નખશિશ ભીંજાઇ ગયેલી એ સાવ નિર્લજ્જ બની મારી સામે જોઈ રહી હતી, નજરથી જ ઈશારો કરી મને એની પાસે બોલાવી રહી હતી. એ એનો નીચેનો ભરાવદાર લાલ હોઠ કરડી રહી હતી અને મારા મનમાં ઉથલપાથલ મચી ગયેલી. એનું ભીનું, પાતળું, સરગવાની દાણા ભરેલ સિંગ જેવું શરીર, ચમકતા વાળ, આંખોની તડપ... એ મને એની પાસે દોડી જવા મજબૂર કરી રહી હતી. મનમાં તો થતું હતું કે હાલ જ એ રૂપાળી બલાને કસીને મારા બાહુમાં સમાવી લઉં. એટલું જોરથી આલિંગન આપું કે એને મારા રોમ રોમ સાથે વણી લઉં. એની નાજુક કાયાને મારા હાથ વડે એવી તો ફેંદી નાખું કે એ ફરી ક્યારેય મને આમ ઉત્તેજિત કરવાની હિંમત ના કરે... મારા લેંઘામાં લટકી રહેલો રાક્ષસ ફરી મારા પર હાવી થઈ જાય એ પહેલાં હું અગાસીમાંથી પાછો અંદર આવી ગયો.

   બેઠકરૂમમાં જ એક ખૂણામાં મેં નાનકડા ટેબલ-ખુરશીની વ્યવસ્થા કરી રાખી હતી. એ ટેબલ પર મારી જીવનસંગિની સમાન એક ડાયરી હંમેશા પડી રહેતી. હું મન થાય ત્યારે એ ડાયરી ખોલી એના કોરા પાના પર પેન વડે મારા હ્રદયમાંથી વહી આવતી ઊર્મિઓ ઠાલવવા લાગી જતો. એ સાંજે પણ જે મનમાં આવ્યું એ બધું જ લખી નાખ્યાં બાદ હું થોડો હળવો થઈ ગયો હતો, કદાચ! ઇન્દ્રિયને અડ્યા વગર માસ્ટરબેશન કરી લેવાનો એ એક નવો ઉપાય મેં ખોળી કાઢ્યો હતો!

   એ સમયે મને પાછો એક નવો શોખ વળગ્યો હતો. ડાયરીમાં લખ્યા બાદ હું એ લખાણનો ફોટો પાડી એને સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરી દેતો. ત્યારે હું કોઈ નામી લેખક ન હતો પણ સોશ્યલ મીડિયા પર ઘણા લોકો મારી પોસ્ટ વાંચતાં, ખોબલો ભરીને વખાણ કરતાં અને સાચું કહું તો એ બધું મને ગમતું. જે પીડા હું વરસોથી મારા મનમાં દબાવીને જીવે જતો હતો એ કવિતાને બહાને સહેજ હળવી થઈ જતી હતી. મારા એકલવાયા જીવનમાં આ ફોન જ્યારથી સ્માર્ટ ફોન બનેલો ત્યારથી એક નાનકડું પરિવર્તન આવ્યું હતું, મને ખબર પડેલી કે હું જે બોલી ના શકું એ હું લખી શકું છું! મારી લાગણીઓને વાચા આપવાનું શક્ય બન્યું હતું અને ખાસ તો એમ કરવાથી મારી એક આશા જીવંત રહેતી હતી- એક દિવસ મારી અનુજા મારું લખાણ વાંચશે, હું એના વગર કેટલો ઝૂરી રહ્યો છું એ તે જાણશે અને મારી પાસે દોડી આવશે!

   એની ચિઠ્ઠી મેં સંભાળીને રાખી હતી. એ જ્યારે મને મળશે ત્યારે હું એ ચિઠ્ઠી એને દેખાડીશ, એ થોડી લજવાઈ જશે અને હું એ જ વખતે એના કંપતા હોઠ પર મારા પ્રણયની પહેલી મહોર મારીશ... મારો ઉપલો દાંત જરાક જોરથી મારા નીચલા હોઠ પર દબાયો. મને પીડા થઈ આવી હતી પણ એ પીડામાંય એક મજા હતી.

   મેં એક એપમાં લૉગ ઇન કર્યુ જ હતું કે તરત મેસેજનું નોટિફિકેશન આવ્યું. એક, બે ત્રણ, ચાર...સાત મેસેજિસ! એ બધા મેસેજીસ મારા એક પિતરાઇ ભાઈ આલોકે મને મોકલ્યા હતા. એનેય નવરાને જરાય જપ નથી. જ્યારે જુઓ ત્યારે મેસેજીસ ઠોકયાં કરે છે. ભાઈ છે એમ માનીને હું એને જવાબ આપું છું પણ એ હવે હદ વટાવી રહયો છે. એની અને એની પત્ની વચ્ચે કોઈ બબાલ ચાલી રહી હોય તો એમાં ભલા હું શું કરી શકું?

   “સાહેબ જમવાનું પીરસી દઉં?”

   મારે ત્યાં ઘરનું કામ અને રસોઈ કરવા આવતા છોકરાએ ફરીથી જમવાનું યાદ અપાવ્યું હતું. એને ઘરે જવાની ઉતાવળ કેમ હતી એ મને સમજાતું હતું. ઘરે એની પત્ની એની રાહ જોઈ રહી હશે. અહીંથી પલળતો, ભાગતો એ ઘર ભેગો થશે ત્યારે એની નાજુક પત્નીને દરવાજે ઊભી એની જ રાહ જોતી જોઈ એ એને આલિંગનમાં જકડી લેશે, એનાં હોઠ પર કસીને એક ચુંબન ભરી લેશે...

   “સાહેબ ખાવાનું?” મહેન્દ્રએ બૂમ પાડીને કહ્યું હતું અને મારી નજર આગળ ચાલી રહેલું એક ચિત્રપટ અચાનક હવામાં ઓગળી ગયેલું.

   “હા, કાઢી લાવ. એક કામ કર ને આજે અહીંયા જ થાળી લઈ આવ અને સાંભળ તારે ઘરે જવાની ઉતાવળ હોય તો ચાલ્યો જજે. વાસણ સવારે પતાવજે.”

   “ના રે મારે એવી કશી ઉતાવળ નથી. બહાર વરસાદ પણ કેવો જોરમાં છે થોડો ઓછો થાય એટલે નીકળી જઈશ.”

   “અરે પણ વરસાદનો શો ભરોસો? ઘરે તારી પત્ની રાહ જોતી ઊભી હશે?”

   “એ મારી રાહ શા માટે જોવાની? એનો તો આ સિરિયલો જોવાનો સમય છે. હું ઘરે વહેલો જાઉં તો એને પ્રોબ્લેમ થાય.” એ હસી પડેલો.

   એ નીરસ માણસે એક જ જાટકે મારી મસ્ત રોમેન્ટિક કલ્પના પર ઠંડુ પાણી રેડી દીધેલું. જો કે થોડુંક હસવું મને મારા પર પણ આવી ગયું હતું. અમે વાંઢાઓ આવા મસ્ત વાતાવરણમાં પરણેલા જોડાઓ વિશે જે જે કલ્પના કરી જીવ બાળીએ છીએ એવું સાચુકલું કેટલા લોકો સાથે ઘટતું હશે? બની શકે છે ને કે પરણેલા પણ અમારી જેમ જ આવા મસ્ત વાતાવરણમાં ઠાલી કલ્પનાઓ કરતાં હાથ ઘસ્યા કરતા હોય. મૂળે આજના માનવને પ્રેમ કરતાં જ નથી આવડતું અને જો એમને પ્રેમ કરતાં જ ના આવડતું હોય તો સામેથી પ્રેમ મેળવવાની આશા પણ કેમની રાખી શકે. મોટા ભાગના પતિઓ જેટલા એમની કલ્પનામાં એક્ટિવ હોય છે એમાંથી પા ભાગના પણ એમની પત્ની સાથે નથી હોતા. બે મિનિટની ચરમસીમાનું સુખ ભોગવવા એ વીસ મિનિટનો ફોર પ્લે કદાચ યાદ રાખે છે પણ નારીના મનને વશ કરી લે એવો પ્રેમ આપવાનું ભૂલી જાય પછી પત્ની ક્યાંથી સહયોગ આપવાની. ફરીથી મને મારી અનુજા યાદ આવી ગઈ હતી. અમારા વચ્ચેની એ પ્રેમભરી ક્રીડા...એ અતુલ્ય આનંદ...લેંઘામાં લટકી રહેલો મારો અધૂરો જીવ...

   મહેન્દ્ર થાળી લઈ આવેલો એટલે મેં કલ્પનાની દુનિયાને તિલાંજલી આપી જમવામાં ધ્યાન પરોવેલું. મહેન્દ્રએ એની આદત મુજબ મને જમવા બેઠેલો જોઈ ટીવી ચાલું કરી કોઈ ક્રાઇમ શો જોવા બેસી ગયો હતો.

   હું જમી રહ્યો હતો ને પાછો મારા ફોનમાં એક મેસેજ આવ્યો. આલોક કંઇક કહી રહ્યો હતો. મેં એનો મેસેજ જોયો.

   “હાલ જ મારા ઘરે આવી જા. મારી વાઈફની હાલત ખરાબ છે.”

    મેં એના આગળના મેસેજીસ જોયા એ બધામાં એ મને એના ઘરે જવા વિનવી રહ્યો હતો. મને ત્યાં જવાની સહેજે ઈચ્છા નહોતી થઈ રહી. એની પત્ની સાવ નકચડી અને એક નંબરની ઘમંડી ઓરત છે. એની સાથેની બીજી સ્ત્રીઓ કરતા બે ચોપડા વધારે શું ભણી લીધું પોતાને ખબર નહીં શું સમજી બેઠી છે! જ્યારે જુઓ ત્યારે બિચારા આલોકની દરેક વાત કાપતી જ નજરે ચઢે. એમનો સંબંધ બંધાયો ત્યારે શરૂઆતમાં મેં છોકરીનો પક્ષ લઈ આલોકને સમજાવેલો, મને એમ કે છોકરો હાલ હાલ કોઈ છોકરીના સંપર્કમાં આવ્યો છે એટલે તેને કેમની રિઝવવી જોઈએ એ વિશે બિચારાને ગતાગમ ના હોય. મેં એને કેટલી તો સુંદર કવિતાઓ લખી આપેલી, કેટલાય પત્રો લખી આપેલા, એક પુરુષ એની પ્રિયતમાને જે જે કહી શકે એ બધું જ મેં એ પત્રોમાં ઢોળી દીધેલું અને એણે શું જવાબ આપેલો? એણે વળતાં પત્રમાં આલોકને પૂછેલું કે આ બધું તે કઈ સાઇટ પરથી કૉપી કરીને લખ્યું છે? આ પ્રેમપત્રોમાં મારા કરતાં ગુજરાતી સાહિત્ય પ્રત્યેનો તારો પ્રેમ વધારે ઝળકે છે! આલોક બાપડો શું જવાબ આપે? એ કેમનો કહે કે તારા પત્રોનો જવાબ મારા મોટા ભાઈએ લખી આપ્યો છે! મને તો એ ત્યારે જ સાવ ગમાર લાગેલી. પ્રેમ એટલે શું એ એને ખબર જ નથી. એણે એના જીવનમાં કોઈને ચાહ્યો હોય તો ખબર પડે ને કે એક પુરુષ જ્યારે એની પ્રિયતમા આગળ પ્રેમપત્ર રૂપે એની લાગણીઓ ખુલ્લી મૂકી દે ત્યારે એને કેવી રીતે આવકારવાનો હોય.

   આવા લગણીભીના પત્રનો જવાબ તો મારી અનુજા જ આપી શકે. પોતાના પ્રિયજનની વાતની લીટીએ લીટી વાંચી એમાં ભરેલાં સંવેદનાના સાગરને ઉલેચી એક દિવ્ય મોતી શોધી એને જવાબી પત્ર રૂપે આલેખવું એ કોઈ જેવી તેવી સ્ત્રીનું કામ નથી.

   મારી અનુજાની એક તુચ્છ સ્ત્રી સાથે કલ્પના કરતા જ મારું મન ખાટું થઈ ગયું હતું. મનમાં આવેલું કે એને કહી દઉં કે તારું તું સંભાળ ભાઈ. લગનને આટલો વખત ગયા પછીય જો તને એમ લાગતું હોય હવે આ સ્ત્રી બધી મર્યાદા વટાવી ચૂકી છે અને એને સંભાળવી તારા કાબૂ બહારની વાત છે તો એને છૂટી કરી દે અને પડતી મૂક. આમેય આજકાલ છૂટાછેડાની ક્યાં નવાઈ છે!

  જમવાનું પતાવી, એંઠા હાથ ધોઈ એને નેપકિનથી લૂછતાં લૂછતાં મેં ફોન હાથમાં લીધેલો અને આલોકને મેસેજ કરવાનું વિચારતો જ હતો કે એનો સામેથી ફોન આવેલો,

   “હલો.”

   “હા કેદાર, યાર તું હાલ જ મારા ઘરે આવી જા ને મારી વાઈફની તબિયત ખરાબ છે?”

   “અરે પણ એની તબિયત ઠીક ના હોય તો તું કોઈ ડૉક્ટરને ફોન કર હું ત્યાં આવીને શું કરીશ?”

   “તું સમજતો નથી. હું ડૉક્ટરને બોલાવી શકું એમ નથી, એની હાલત વધારે લથડી છે.”

   “મને કઈં સમજાઈ નથી રહ્યું. તું જે હોય તે ચોખ્ખું કહે.” અચાનક જ મારા મનમાં તણખો થયો હતો અને મેં દબાતા અવાજે પૂછેલું, “એણે કંઈ હા ના,”

    હજી હું બોલી રહું એ પહેલાં જ આલોકે કહ્યું, “હા. એટલે જ તો ક્યારનોય તને બોલાવી રહ્યો છું.”

   મારા પગ સહેજ ધ્રુજી ગયા હતા. કોઈ સ્ત્રી આત્મહત્યા કરે કે એવો પ્રયત્ન કરે અને એનો ઘરવાળો મને ફોન કરીને મદદ કરવા બોલાવે ત્યારે શું કરવું જોઈએ એ વાતે હું બિલકુલ અજાણ હતો. પહેલાં તો થયું કે ના કહી દઉં પછી થયેલું કે ગમ્મે તેમ તોય એ મારો નાનો પિતરાઇ ભાઈ છે. એ વખતે એના માબાપ કે મોટા ભાઈ ભાભી પણ ઘરે ન હતાં. બીજા સગા હતાં ખરા પણ આવા સમયે મદદ કરી શકે એવો તો હું એક જ હતો. મને થયેલું કે મારે જવું જોઈએ અને તરત પાછું મનમાં સવાલ ઊભો થયેલો, એ જીવતી તો હશે ને?

    “એ જીવે છે હજી. એને ચક્કર આવી રહ્યાં છે.”

   આલોકનું, ‘એ જીવે છે હજી’, સાંભળી મારા જીવમાં જીવ આવ્યો હતો અને હું તરત એક્શન મોડ પર આવી ગયેલો. મને મારી કોલેજમાં એક છોકરીએ આત્મહત્યા કરવા માટે કોઈ દવા પી લીધેલી ત્યારે ડોક્ટરે એની સારવાર માટે શું પગલાં લીધેલા એ યાદ હતું.

    “એણે શું ખાઈ કે પી લીધું હશે એનો કોઈ અંદાઝ છે તને?”

    “પાક્કું તો ના કહી શકું પણ ઊંઘની ગોળીઓનું એક પત્તું એના પલંગ પાસે ખાલી થયેલું પડ્યું છે. મેં એને માંડ માંડ જગાડી રાખી છે.”

    “સરસ, સરસ હવે એક કામ કર. એક મોટું તપેલું લઈ એમાં પાંચેક ગ્લાસ પાણી લે. જે પણ સાબુ ડીટર્જન્ટ હાથમાં આવે એને થોડો એમાં મેળવીને સાબુવાળું પાણી તૈયાર કર અને એને ઉપરા ઉપરી બે ગ્લાસ પાણી પીવડાવી દે. એને કહે કે મોઢામાં બે આંગળીઓ જેટલી જઈ શકે એટલે ઊંડી લઈ જાય. આમ કરવાથી એને ઊબકો આવશે, ઊલટી વળશે અને પેટમાંથી ઊલટી સાથે દવા પણ બહાર આવી જશે. ફરીથી બે ગ્લાસ પાણી પીવડાવી ફરી ઊલટી કરાવ અને પછી એક કપ સ્ટ્રોંગ કૉફી બનાવીને પીવડાવી દે. આટલું કર ત્યાં સુધી હું ત્યાં આવું છું.” આલોકને જરૂરી સૂચના આપી મેં બહાર નજર કરી. વરસાદ હજી પણ જોરમાં વરસી રહ્યો હતો.

    હમણાં થોડીક વાર પહેલાં જ જે વરસાદ મને અત્યંત આકર્ષક લાગી રહ્યો હતો એ હવે વિઘ્ન સમાન બની ગયેલો. મેં મહેન્દ્ર સામે જોયું કે તરત જ એ કહે, “એના પતિએ જ એને ઝેર પાઈ દીધું છે.”

   હું સ્તબ્ધ થઈ ગયો હતો. એ શું કહી રહ્યો હતો? એને આ બધી કેવી રીતે ખબર પડી ગઈ? મને નોકરની હાજરીમાં ફોન ઉપર આવી વાત ચર્ચવા બદલ અફસોસ થયો પણ હવે એમ અફસોસ કરે કોઈ ફાયદો નહતો. આલોકની વાઈફને કંઈ થઈ જાય અને પોલીસ તપાસ થાય તો આ મહેન્દ્ર કોઈ બાધા ઊભી કરી શકે એ વિચાર આવતા જ હું સાબદો થઈ ગયેલો. મેં હસીને, જાણે કંઈ બન્યું જ ના હોય એમ એની સામે જોઈ કહ્યું, “તું શું વાત કરી રહ્યો છે મહેન્દ્ર? કોણે એની પત્નીને ઝેર આપ્યું?”

   “આ સિરિયલની વાત કરું છું સાહેબ.”

   હવે જ મારું ધ્યાન ગયું કે એ ક્યારનોય બેઠો ટીવી પર જે ‘ખૂની કૌન?’ ટાઈપ શો જોઈ રહ્યો હતો એને અનુસંધાને એ કહી રહ્યો હતો. એને આલોક સાથે મેં જે વાત કરી એ વિશે હજી કશો ખ્યાલ ન હતો. મેં બારણાં પાછળ લટકતી છત્રી બહાર કાઢી અને મહેન્દ્રને આપતા કહ્યું આને જરાક સાફ કરીને લઈ આવ. એની ઉપર કારોળિયાએ જાળું કર્યું હતું. હું અંદર મારા ઓરડામાં ગયો અને લેંઘો ઉતારી જીન્સ ચઢાવ્યું. ટી શર્ટ ચાલશે એમ માની એનું એ રહેવા દીધું. પગમાં જૂતાં નાંખતા મેં મહેન્દ્ર સામે જોયું, એ હજી કારોળિયા વાળી છત્રી પકડીને ઊભો હતો. હું એને જોઈ રહ્યો છું એ જોઈ એણે હાથમાં પકડેલી છત્રીને સહેજ થાપટ મારતા કહ્યું,

   “બા’ર વરસાદમાં ધોવાઈ જ જશે ને ખોટી ઘરમાં ધૂળ પાડવી.” એ હસ્યો હતો જરાક અને મને સમજાયું નહીં કે એ હાસ્ય શેને માટે હતું? મનમાં થયું કે એ વાયડો મારા પર જ હસી રહ્યો હતો. નોકર માલિકને છેતરી રહ્યો હોય, કામ ના કરવાના બહાના બનાવી રહ્યો હોય ત્યારે એનેય મનમાં થતું હશે ને કે પોતે કેવો હોશિયાર છે!

   જોકે બહાર વરસાદ છે એ યાદ આવતા જ મને થયું કે ચામડાનાં સેન્ડલ ના પહેરું ત્યાં તો પાછી ફોનમાં રિંગ આવી. આલોકનો કૉલ હતો. મેં એને કહ્યું કે હું બસ ઘરેથી નીકળી જ રહ્યો છું અને તરત સેન્ડલ પહેરી ગાડીની ચાવી લઈ નીકળી ગયો.

                         ******

   આલોકનું ઘર મારા ઘરથી વીસેક મિનિટના અંતરે હતું, અલબત તમે ગાડીમાં જઈ રહ્યાં હો ત્યારે. હું એના ઘરની સામે પહોંચ્યો અને ગાડી પાર્ક કરી રહ્યો હતો ત્યારે એ બહાર એની ઓશરીમાં આવી મારી જ રાહ જોઈ રહ્યો હતો. આલોકના ઘરની સામે સોસાયટીનો કોમન પ્લોટ પડતો હતો જ્યાં અત્યારે પાણી ભરાતા એ મેદાનને બદલે તળાવ જેવું વધારે દેખાઈ રહ્યું હતું. ગાડીની બહાર પગ મૂકતા જ થયું કે હવે આ સેન્ડલ ગયાં! મેં આલોક તરફ ફરિયાદી નજરે જોયું અને બીજી બધી વાતો તરફથી ધ્યાન હટાવી એના ઘર તરફ પ્રયાણ કર્યું.

    “પણ તું પલળતો કેમ આવ્યો?” આલોકે મને જોતા જ પૂછ્યું અને મને મહેન્દ્ર પર બરાબરની ખીજ ચઢી. હું છત્રી લેવાનું ભૂલી ગયો’તો પણ એણે તો યાદ અપાવવું જોઈએ ને. એને છત્રી સાફ કરવા આપવા જેવું જ નહોતું. મેં આલોકના સવાલને અવગણ્યો અને સામે પૂછ્યું કે અંદર કેમ છે? એ જવાબ આપવાને બદલે ઘરમાં પાછો ગયો અને એની પાછળ હું પણ દોરવાયો.

    બેઠકખંડ વટાવી એ બાજુમાં આવેલા એક ઓરડામાં ગયો હતો. એની પાછળ હું પણ દોરવાયો. કાકાકાકી અને ભાઈભાભી વગરનું ઘર સૂનું લાગી રહ્યું હતું. ઓરડામાં પગ મૂકતા જ મારી નજર પલંગ પર પડેલી આલોકની વાઈફ પર પડી હતી. એ બલાની ખૂબસૂરત ઓરત છે એ વાતની કોઈ ના ન કહી શકે પણ કાશ થોડોક એનો સ્વભાવ પણ એના રૂપને મળતો આવતો હોત. બૈરું ગમ્મે એટલું રૂપાળું હોય પણ મગજમાં નકરી તુમાખી ભરી હોય તો શું કરવાનું?

    ઘાટા મરુંન રંગની હેવી પોલીએસ્ટરની બનેલી લીસી ચાદર અને એવા જ રંગના તકીયા પર માથું રાખી એ સીધી સૂતી હતી. એના લંબગોળ, નમણાં ચહેરા પર એક નિરાંત હતી. આખા ઓરડામાંથી હળવી જૂઈની સ્મેલ આવી રહી હતી. એ ઓરડાની એક બારીના છજા પર કાકાએ રોપેલી જૂઈની વેલ જુલતી હતી આ એની જ સુવાસ હતી. મને એમ કે આ ઓરડામાંથી ઊલટીની ગંદી બદબૂ આવવી જોઈતી હતી.

   “તે એને ઊલટી કરાવી?” મેં ફરી એક નજર પલંગ પર પડેલા એના આખા દેહ પર નાંખતા આલોકને પૂછ્યું હતું. આછા ભૂરા રંગના ફૂલવાળા ગાઉનમાં એનો પાતળો, ઊંચો દેહ લપટાયેલો હતો. એના વક્ષસ્થળ પર બે ફૂલ એવી રીતે ગોઠવાઈ ગયા હતાં કે એને જોઈને મને કવિતા કરવાનું મન થઈ આવેલું. એક પછી એક સરસ શબ્દો પણ ધાણી ફૂટે એમ મનમાં ફૂટી રહ્યાં હતાં. એકવાર તો મન થઈ ગયેલું કે ફૉન હાથમાં લઉં અને એમાં એ કવિતા લખી નાખું, રખે ને પાછળથી પછી એ સુંદર શબ્દો વિસરાઈ જાય. એ વખતે મેં મારા કવિ જીવને માંડ કાબૂમાં રાખી નજર બીજી દિશામાં વાળવાનો પ્રયત્ન કરેલો ત્યાં એનો ચોટલો નજરે ચઢેલો. લાંબા વાળનો કાળો ભમ્મર ચોટલો એના સીના પર થઈને પલંગની નીચે સરકી આવ્યો હતો. સ્ત્રીના આટલા સુંદર ચોટલાની સરખામણી કવિઓ સાપ સાથે કેમ કરતા હશે? સાપ તો એક બેહૂદું પ્રાણી છે જ્યારે આ કાળા ચમકતા લાંબા વાળનો સમૂહ...

   “કરી હતી ને! એણે બે વાર ઊલટી કરી પછી મેં એને એક કપ કૉફી આપી હતી. કૉફી લીધાં બાદ એને ચક્કર જેવું લાગતું હતું એટલે મેં કહેલું કે તું આરામ કર.” આલોકે મારા બેસવા માટે એ એક ખુરશી ખસેડીને છેક પલંગ પાસે લઈ આવતાં કહ્યું હતું. “એ બચી તો જશે ને?”

   “હું તો હજી કહું છું કે ડૉક્ટરને બોલાવી લઈએ. એમાં ડરવા જેવું કંઈ નથી.”

  “ના. ડૉક્ટર આવે એટલે પછી પોલીસ કેસ થાય. આત્મહત્યા કરવી એ પણ એક ગુનો છે અને મારે પોલીસનું લફડું નથી જોઈતું ભાઈ. સાચું કહું તો હું એટલો કંટાળી ગયો છું કે આ હવે મરી જાય તોય મને ફિકર નથી. મરતા મરતાય સાલી મને ના ફસાવી જાય બસ એટલું જ ટેન્શન છે.”

    આલોકે એક દુખી પતિની જેમ એ વાક્ય કહ્યું હતું. એને જોઈને મને દુખિયારો પતિ વિષય પર એક સરસ ગજલ લખી શકાય એવો વિચાર આવી ગયેલો અને મેં તરત જ મારામાંના ઊગતા કવિને રહેંસી નાંખી કહેલું, “આવું ના બોલ ભાઈ આખરે એ તારી પત્ની છે.”

  “એ મારી પત્ની છે એ જ તો જીવનનું મોટામાં મોટું દુખ છે. તું તો તારા માથેથી આ બલા મારા માથે નાંખી આબાદ છટકી ગયો અને આ સ્ત્રીએ મારી શું હાલત કરી એની જાણ છે તને? સાલું આવા જીવવા કરતા મરવું સારું એવો વિચાર દિવસમાં એક વાર તો આવી જ જાય છે.”

  “જો જે થઈ ગયું એ થઈ ગયું. એ જૂની વાતને હવે તું ક્યાં સુધી યાદ કર્યા કરીશ.”

  “આખી જિંદગી હું તને એ વાત યાદ કરાવતો રહીશ. આ સ્ત્રી સાથે તારા લગ્ન થવાના હતા. તે મને ફસાવીને આની સાથે જોડ્યો છે. તે મને છેતર્યો છે.”

  “અરે ચૂપ કર યાર. માન્યું કે એની વાત પહેલાં મારા માટે આવી હતી પણ મારે ત્યાં લગ્ન નહોતા કરવા. મેં ત્યારે જ ઘરમાં આ સંબંધ માટે ના કહી હતી અને આટલી સારી વાત હાથમાંથી ચાલી ના જાય એટલે જ કાકાએ પછી મારા બદલે તારું નામ આગળ કરેલું. તે પણ છોકરીને જોઈ હતી ને? તને બધું ગમ્યું, તે લગ્નની હા કહી પછી જ તારા લગ્ન એની સાથે થયેલા, એમા હું વચ્ચે ક્યાંથી આવી ગયો?”

  “તું બધી વાતે વચ્ચે આવ્યો જ છે. એને જોવા માટે આપણે બંને સાથે ગયા હતા. એને જોઈને આવ્યા બાદ પણ હું તને મળ્યો હતો. મેં તારી સલાહ માંગી હતી અને તે જ ત્યારે મને આ જડ જેવી સ્ત્રી સાથે જોડાઈ જવાની સલાહ આપી હતી.”

  મને ખરેખર ખબર નહોતી પડી રહી કે આલોક એના લગ્ન માટે મને કેમ દોષિત માનતો હતો? હા, એ સાચું છે કે એની વાઈફની વાત સૌથી પહેલાં મારા માટે આવી હતી પણ મેં તો પહેલાં જ બધાને કહેલું કે હું જ્યાં મને પ્રેમ ના હોય ત્યાં લગ્ન નહીં કરું. હું પહેલાં પ્રેમ કરીશ ત્યાર બાદ લગ્ન અને એ જ સમયે મારા જીવનમાં અનુજા પ્રવેશી હતી. હું અનુજાને ચાહવા લાગ્યો હતો. હું એને બેપનાહ મુહોબ્બત કરતો હતો. એ વખતે અને સાચું કહું તો હજી આજેય એના સિવાય કોઈ પણ સ્ત્રી સાથે હું ના જોડાઈ શકું. જોડાવાનું તો દૂરની વાત છે એવું વિચારવું પણ મને નથી ગમતું. મેં પલંગ પર જડ થઈ પડેલી આલોકની વહુ તરફ એક નજર કરેલી.

   કોઈ કુશળ શિલ્પીએ એક એક દોરો માપીને ઘાટ ઘડ્યો હોય એટલો પરફેક્ટ ચહેરો. લાંબી બદામ આકારની આંખો જે અત્યારે બંધ હતી તોય એની લાંબી કાળી પાંપણો અને પોપચાના આછા મરુન રંગને લીધે મોહક લાગી રહી હતી. ઉપરનો એમ આકારનો અને નીચેનો ભરાવદાર લંબગોળ હોઠ, એ હોઠને ખૂણેથી ઉપરની તરફ ઊઠતો નાનકડો કટ, આવા હોઠ તો કુશળ ચિત્રકાર કોઈ અદભુત સ્ત્રીનું ચિત્ર બનાવી રહ્યો હોય ત્યારે જ સંભવ હતા. આ બધો રૂપ વૈભવ આલોકની પત્ની પાસે હતો. ગુલાબી માખણ જેવી ચામડી અને હંમેશા એના ચહેરા સાથે કોઈ સુંદર પુષ્પની જેમ ઝૂલતા રહેતા સુંવાળા વાળનો સમૂહ... એ સૂતી હતી તોય એના કપાળ પર ધસી આવેલી લટ, એની છાતી પર પડેલો ચોટલો જોવા ગમે એવા હતાં. ચોટલાની નીચેનો ભરાવદાર ઉર પ્રદેશ, ગાઉનની બહાર ડોકિયા કરી રહેલ બે ઉન્નત ઢોળાવ... કોઈ પણ પુરુષ માટે ત્યાંથી નજર હટાવવી મુશ્કેલ હતી. ભલા આટલી સુંદર સ્ત્રી તમારી પત્ની હોય ત્યારે કયો બેવકૂફ માણસ એને જોઈને કવિતા લખવાનો પ્રયાસ કરવાને બદલે ઝઘડો કરવામાં વખત બગાડે?

  “શું થયું?” મારી સામે ઉભેલા આલોકે મને વિચારમાં પડેલો જોઈ કહેલું.

   “આટલી સુંદર સ્ત્રીને જોઈને કેટકેટલી સ્ફુરણા થઈ આવે, તને એની સાથે લડવાનું મન શેં થાય છે?” મારે આ નહોતું કહેવું જોઈતું છતાં કહેવાઈ જતાં મેં જીભ કચરેલી.

  “તું સાચો છે સાલા, એને જોઈને મનમાં કેટકેટલીય સ્ફુરણા થાય પણ પછી શું?” આટલું કહીને આલોક ગાંડાની જેમ મોટેથી હસી પડ્યો હતો. એ થોડીક વાર હસતો જ રહેલો ને પછી ચહેરો થોડો દુખી કરી મને કહેલું, “તે ક્યારેય કોઈ લાશ સાથે સમાગમ કર્યો છે?”

   મને સમજાતું હતું કે એ શું કહી રહ્યો હતો. મારે આ ચર્ચા જ નહોતી કરવી. નનાભાઈ સાથે એની અંગત પળો વિશે ચર્ચા કરતા મને ક્ષોભ થઈ રહ્યો હતો. માન્યું કે એને આ રૂપવતી મારા લીધે જ વરી હતી પણ એ વાત જ નોખી હતી.

  એ વખતે મને અનુજા સાથે નવો નવો જ લગાવ થયો હતો. હું એને એટલું ચાહવા લાગ્યો હતો કે મારા જીવનમાં એના સિવાય બીજી કોઈ સ્ત્રી માટે જગ્યા જ નહોતી રહી. ત્યારે હું માસ્ટર્સ પૂરું કરી આગળ પી.એચ.ડી. માટે પ્રયત્ન કરી રહ્યો હતો અને સમાજના કેટલાક એવા લોકો જે પોતે લાકડાનો લાડું ખાઈને પસ્તાઈ ચૂક્યા હોય અને હવે બીજાને પણ એજ માર્ગે મોકલી દુખી કરવાની ટેક લઈને બેઠા હોય એ દર અઠવાડિયે મારા માટે માંગા લઈને આવી જતા હતા.

   એ દિવસોમાં તો રવિવાર આવે અને મને અંદરથી મુંજારો થવા લાગતો. ફોનની રિંગ વાગતી અને મનમાં ફડકો પડતો. કે હમણાં બાપાનો ફોન આવશે અને કહેશે કેદાર તારે ફલાણા ગામે છોકરી જવાનું છે! હું કેટલી વાર એમને કહી ચૂક્યો હતો કે મારે કોઈ છોકરી નથી જોવી, મારે લગ્ન જ નથી કરવા પણ એ મારી એક્કે વાત માનતા નહોતા. એમને તો ત્યારે ઊલટાનું મારા પુરુષ હોવા વિશે શંકા જન્મી હતી અને કદાચ એટલે જ એ વધારે ને વધારે કન્યા જોવાનો પ્રોગ્રામ ગોઠવી રહ્યા હતા. આવા જ એક પ્રોગ્રામના ભાગ રૂપે મારે ઝમકુંને જોવા એના ગામ જવાનું હતું.

   મેં ત્યારે મારા બાપાને ચોખ્ખું કહેલું કે આ ઝમકું તો નહીં જ અને તમારી પસંદની બીજી એકેય નહીં. મને ગમતી છોકરી હું મારી જાતે શોધી લઇશ અને પરણીશ તો ફક્ત એને જ પરણીશ. એમને મન મારી આ વાતો જરાય મહત્વની ન હતી. ખબર નહીં એક બાપ તરીકે એ શું વિચારી રહ્યાં હતા અને એમણે હુકમ છોડેલો કે ગમ્મે તે થાય મારે આ છોકરી જોવા જવાનું જ છે અને એની સાથે જ સંબંધ પાક્કો કરવાનો છે. કન્યાના પિતાને એ વચન આપી ચૂક્યા હતા કે એમની દીકરી અમારા ઘરમાં જ આવશે. એ દિવસે મને એટલો તો કાળ ચઢેલો. બાપા ઉપર એટલો ગુસ્સો આવેલો. થતું હતું કે એમને કહી દઉં કે તમને જો એ કન્યા કે કન્યાનો બાપો એટલો ગમી ગયો હોય તો તમે જાતે જ ઘોડીએ ચઢી જાવ. ત્યારે મેં, ‘ગુસ્સેલ બાપને કેમ સમજાવવો, મારે લગ્ન નહીં પ્રેમલગ્ન કરવા છે’ વિષય પર એક ઉત્તમ કવિતા પણ લખી કાઢેલી. મનમાં આવી રહ્યું હતું કે મારા બાપાને એ કવિતા વાંચવા આપું પણ એમનો પિત્તો જશે એમ માનીને પછી એ ભગીરથ કામ રહેવા દીધું હતું.

   એ ડોહાએ મારા માટે એકેય વિકલ્પ નહોતો રાખ્યો. કેટલાય બહાના બનાવ્યા બાદ આખરે એક દિવસે મારે જખ મારીને ઝમકુંને જોવા જવું પડ્યું હતું. હું કયાંય ભાગી ના જાઉં એટલે એમણે મારા કાકાના છોકરા અને મારાથી વરસ નાના એવા આલોકને મારી સાથે છોકરીને ગામ મોકલ્યો હતો. હું, આલોક અને જે આ વાત લઈને આવેલા એ વડીલ એમ અમે ત્રણ જણા છોકરી જોવા માટે ગયા હતા. નાનકડા ગામની ધૂળિયા ગલીઓ વટાવી લીંપણ કરેલા ઘરમાં પ્રવેશવાનું થયેલું ત્યારે જ મેં મનોમન નક્કી કરેલું કે મારે આવી છાણના પોદળા સાથે રમતી ઝમકુંને જોવીય નથી. મારે એક એવી છોકરી જોઈતી હતી જેના હાથમાં કલમ શોભતી હોય, જે કવિતા કદાચ ના લખી શકે પણ મારી કવિતા સમજી જરૂર શકે.

   હું એના ઘરનું મુખ્ય પ્રવેશદ્વાર વટાવી અંદર તો પ્રવેશી ગયેલો પણ છેલ્લી ઘડીએ મન ઢચુંપચું થઈ રહ્યું હતું અને હું ત્યાં જ ઘડીક ઊભો રહી ગયેલો. એમના પ્રવેશદ્વાર પર મોટી બોગનવેલ ઝૂલી રહી હતી. એના ફૂલોના ગુચ્છ જોતા હું વિચારી રહ્યો હતો કે મારી પાછળ આવી રહેલા આલોકને કહી દઉં કે જા તું અંદર જઈને છોકરી જોઈ આવ હું અહીંયા જ ઊભો છું...