જીવન જીવવાની સાચી કળા છે, ક્લેશ વિના જીવન જીવવું! દુર્લભ મનુષ્ય અવતાર મળ્યો, તો જીવન જીવવાનો હેતુ શો છે, એનો વિચાર આવવો જોઈએ. જન્મથી લઈને મૃત્યુ સુધીના જીવનના દરેક તબક્કામાં આપણે ભૌતિક સુખ-સાધનો માટે જે કંઈ કર્યું, મેળવ્યું એ મૃત્યુ વખતે આપણી સાથે નથી આવતું. તમામ ધન, સંપત્તિ ને સંબંધો અહીંના અહીં રહી જાય છે. પણ આખા જીવનમાં જે ક્લેશ, કકળાટ કે રાગ-દ્વેષ થયાં હોય, તે સરવૈયારૂપે આવતા ભવમાં આપણી સાથે આવે છે.
પરંતુ ક્લેશ વિનાનું જીવન જીવવું કઈ રીતે? જેમ કોઈ મશીન બગડી ગયું હોય તો આપણે એને ગાળો ભાંડીએ કે ઠોકીને સરખું કરવા જઈએ, તો મશીન ચાલુ નથી થઈ જતું. એની બદલે તપાસ કરીએ કે મશીનમાં ક્યાં મુશ્કેલી છે? શું અટકે છે? શું ખૂટે છે? અને રિપેર કરીએ પછી મશીન ચાલે છે. તેવી જ રીતે ક્લેશ વિનાનું જીવન જીવવા, લોકો સાથે કયા કારણે ક્લેશ થાય છે તે સમજીને ઉકેલ લાવવાની વ્યવહારિક કળા આવડવી જરૂરી છે.
ઘરમાં મોટેભાગે પતિ-પત્ની, મા-બાપ અને બાળકો વચ્ચે સૌથી વધારે ક્લેશ થતો હોય છે. તેમાંય સૌથી નજીકનો અને નાજુક સંબંધ પતિ-પત્નીનો છે. બંને એકબીજાને સુખ આપવા લગ્ન કરે છે પણ જાણતાં-અજાણતાં એકબીજાને દુઃખ આપી દે છે. લોકોમાં એવી માન્યતા છે કે “વાસણ હોય તો ખખડે” પણ મનુષ્યો વાસણ જેવા નિર્જીવ નથી. ત્યાં તો સામસામે દુઃખના સ્પંદનો ફેંકાય છે અને સંબંધ વણસે છે. પતિ-પત્નીમાં એકબીજા પ્રત્યેની વધુ પડતી અપેક્ષા, મતભેદો, શંકા, દગા ફટકા, પોતાના મતનો આગ્રહ, એકબીજાને સુધારવાના પ્રયત્નો વગેરે ક્લેશનું કારણ બને છે. ક્લેશ વધુ પડતો થયા કરે તો વાત છૂટાછેડા સુધી પહોંચી જાય છે. તેને બદલે જો પતિ-પત્ની એકબીજાના મિત્ર તરીકે રહે, જેમાં અતિશય રાગ-દ્વેષ, અપેક્ષા કે માલિકીભાવ ન હોય તો ઝઘડા ઘટે. પતિ-પત્ની એકબીજાના પૂરક થઈને રહે અને સામાના સુખને માટે પોતે એડજસ્ટમેન્ટ લઈ લે તો દાંપત્યજીવન દીપે. પતિ-પત્નીના પ્રેમમાં એટલી અર્પણતા હોય કે બેઉ એકબીજાથી દૂર હોય છતાં તેમનું ચિત્ત એકબીજામાં જ હોય, તો એ લગની સાચી કહેવાય.
ઘરમાં મા-બાપ અને બાળકો વચ્ચે પણ સતત ક્લેશ થયા કરે છે. કારણ કે મા-બાપને બાળકો માટે અતિશય લાગણી હોય છે. બાળકોને સુધારવા માટે દિવસ-રાત ટોક ટોક કરવું, નેગેટિવ શબ્દો બોલવા, ભૂલ માટે વઢી મૂકવું, તેમના ઉપર હાથ ઉપાડવો વગેરેથી બાળકોના કુમળા માનસ પર અવળી અસર પડે છે. જેમ એક માળી ગુલાબના છોડનું સિંચન કરે, માવજત કરે અને કાંટા દૂર કરી ફૂલને ખીલવે, તેવી જ રીતે મા-બાપે બાળકોની પ્રકૃતિ ઓળખીને કામ લેવું અને તેમના પોઝિટિવ ગુણો ખીલવવા. અતિશય વહાલ આપવાને બદલે, એક આંખમાં પ્રેમ અને બીજી આંખમાં કડકાઈ રાખીને વ્યવહાર કરવો. બાળકો ઉપર હાથ તો ન જ ઉપાડવો. કાચના વાસણની જેમ તેમને સાચવવા, નહીં તો તેઓ અંદરથી ભાંગી પડે છે. બાળકોને પ્રેમથી વશ કરવા. જેથી બાળક મોટું થઈને ઘરની બહાર હૂંફ અને પ્રેમ ન ખોળે. બાળકો સૌથી વધુ માતા-પિતાને જોઈજોઈને શીખે છે. તેથી જો મા-બાપના આચાર, વિચાર અને સંસ્કાર આદર્શ હોય તો બાળકો પર તેમનો પ્રભાવ પડે.
આ ઉપરાંત, કુટુંબમાં સગા ભાઈ-બહેનમાં, સાસુ-વહુમાં, દેરાણી-જેઠાણીમાં તેમજ મિત્રો સાથેના વ્યવહારમાં એમ જીવનના દરેક ક્ષેત્રમાં ક્લેશ વિનાનું જીવન જીવવાનો આપણો ધ્યેય હોવો જોઈએ. એટલું જ નહીં, નોકરી-ધંધામાં પણ ઉપરી અને અન્ડરહેન્ડ વચ્ચે ક્લેશરહિત વ્યવહાર રહે તો કામ કરવામાં આનંદ આવે. ઉપરીએ રોફ ન મારવો, અન્ડરહેન્ડને ઘરના માણસોની જેમ બધી રીતે સાચવવા, તેમની નાનકડી ભૂલ માટે બધાની વચ્ચે ઠપકારવા નહીં. પોતે નોકરના આધારે બૉસ છે એમ સમજવું. જો બધા નોકર જતા રહેશે તો પોતે કોનો બૉસ રહેશે? બીજી બાજુ, અન્ડરહેન્ડ તરીકે આપણે ઉપરી માટે વિનય જાળવવો અને પૂરી નિષ્ઠા સાથે સારી રીતે કામ પૂરું કરવું. ટીમથી સારું કામ થાય તો શ્રેય બધામાં વહેંચી દેવો અને ભૂલ થાય તો ઉપરીએ પોતાને માથે લેવી. સત્તાનો દુરુપયોગ પોતાના અહંકારને સાચવવા કે લોકોને કચડવા ન જ કરવો.
મંદિરમાં જઈને ભગવાનની પૂજા કરવી તેને આપણે ધર્મ કહીએ છીએ. ઘરમાં વડીલ મા-બાપને કે કુટુંબીજનોને તરછોડીને બહાર ધર્મના મોટા કાર્યો કરવા એ ખરો ધર્મ નથી. સાચો માનવધર્મ છે, ક્લેશ વિનાનું જીવન જીવવું અને કોઈને દુઃખ ના આપવું. માટે, દરરોજ સવારે પાંચ વખત દિલથી પ્રાર્થના કરવી કે, “મારા મન-વચન-કાયાથી આ જગતમાં કોઈ પણ જીવને કિંચિત્માત્ર પણ દુઃખ ન હો, ન હો, ન હો!” અને તેમ છતાં કોઈને દુઃખ અપાઈ જાય તો હૃદયપૂર્વક પસ્તાવો કરવો. પછી જીવન ખરેખર ક્લેશરહિત અને શાંતિમય બને છે.