ઓફિસમાં મોના કાવ્યાની કેબિનમાં જાય છે. દરવાજો ધીમેથી બંધ કરીને કહે છે,
“કાવ્યા મેમ, આ જે પ્રોજેક્ટની ફાઇલ રેવાએ મને આપી હતી પેન્ડિંગ વર્ક કંપ્લીટ કરવા… હવે એનું શું કરવાનું છે?
કાવ્યા શાંતિથી ખુરશીમાં ટેકો લઈને બેસે છે. એની આંખોમાં અજાણ્યું આત્મવિશ્વાસ દેખાય છે.
“કાંઈ જ નહીં.”
મોના થોડી અચંબામાં પડે છે.
“કાંઈ જ નહીં, મેમ?”
કાવ્યા હળવું સ્મિત કરે છે.
“હા. અને સાંભળ… કાલે તું હોલીડે લઈ લેજે.”
મોના ચોંકી જાય છે.
“હોલીડે ? કેમ મેમ?”
કાવ્યા ધીમેથી આગળ વળે છે.
“કાલે ઓફિસમાં થોડો હંગામો થવાનો છે… અને હું નથી ઇચ્છતી કે તું એની વચ્ચે દેખાય.”
મોનાના ચહેરા પર ધીમે ધીમે સ્મિત ફેલાય છે.
“સમજી ગઈ, મેમ.”
થોડી ક્ષણ મૌન છવાઈ જાય છે. પછી મોના ફરી પૂછે છે,
“મેમ… કાલે તમે શું કરવાના છો?”
કાવ્યા ધીમેથી બોલે છે
“કાલે પ્રોજેક્ટ સબમિટ કરવાનો લાસ્ટ ડે છે. હું અભય સરને સીધું કહી દઈશ કે રેવાએ આ પ્રોજેક્ટ કમ્પલીટ જ નથી કર્યો.”
મોના ધ્યાનથી સાંભળે છે.
કાવ્યા આગળ કહે છે,
“રેવા ચોક્કસ કહેશે કે ફાઇલ તને આપી હતી… પણ તું તો કાલે ઓફિસમાં આવાની જ નથી.”
કાવ્યાના હોઠ પર વિશ્વાસભર્યું, ઠંડું સ્મિત આવી જાય છે.
“તો એ પોતાનું લેપટોપ ખોલશે… અને પ્રોજેક્ટ ઓપન કરવાનો પ્રયત્ન કરશે.”
એ થોડી ક્ષણ રોકાઈને ધીમેથી ઉમેરે છે,
“પણ ડોક્યુમેન્ટ્સ તો તું પહેલાથી ડિલીટ કરી ચૂકી છે.”
બન્ને એકબીજા તરફ જુએ છે.
કાવ્યા ધીમે સ્વરે ઉમેરે છે,
“પછી અભય સર રેવા પર ગુસ્સે થશે અને પ્રોજેક્ટ સબમિટ ન થવાને કારણે કંપનીને નુકસાન થશે. અને એનો આખો દોષ સીધો રેવા પર જશે અને પછી…અભય સર એને આ જોબ માંથી કાઢી મૂકશે.”
થોડી ક્ષણ માટે કેબિનમાં શાંતિ છવાઈ જાય છે.
પછી મોના ધીમેથી હસે છે.કાવ્યા પણ એમાં જોડાય છે.
એ હાસ્યમાં સ્પષ્ટ ક્રૂરતા અને જીતનો અહેસાસ દેખાતો હતો.
"વાહ મેમ… શું પ્લાન બનાવ્યો છે તમે! માની ગઈ તમને.”
એ થોડી આગળ વળી ધીમેથી પૂછે છે,
“આના પછી… મારું પ્રમોશન તો ફાઇનલ ને?”
કાવ્યા સ્મિત સાથે કહે છે
“હા, મોના… તારુ પ્રમોશન અલમોસ્ટ ફાઇનલ જ સમજી લે.”
મોના ખુશી છુપાવવાનો પ્રયત્ન કરે છે,
“થૅન્ક યુ , મેમ.”
કાવ્યા ધીમે અવાજે ઉમેરે છે,
“પણ યાદ રાખ જે … આ વાત આપણા વચ્ચે જ રહેવી જોઈએ.”
મોના ગંભીર થઈ માથું હલાવે છે.
“ડોન્ટ વરી , મેમ.”
બીજા દિવસે સવારે રેવાની તબિયત વધુ ખરાબ થઈ જાય છે.તાવ હજી ઉતર્યો નથી અને શરીરમાં ખુબ નબળાઈ લાગે છે. રેવા થી ઊઠાતું જ નથી.ઓફિસ જવાની તૈયારી કરવાની તો દૂરની વાત… આંખ ખોલવી પણ રેવાને ભારે લાગી રહી હતી.
નેહા એની બાજુમાં આવીને કહે છે,
“દિદી, આજે ઓફિસ નહીં જાઓ.
રેવા ધીમા અને નબળા અવાજમાં કહે છે,
“આજે ફાઇનલ મિટિંગ છે… મારે જવું પડશે.”
પણ તાવ અને નબળાઈને કારણે એને ચક્કર આવે છે. એ ઊભી થવાનો પ્રયત્ન કરે છે,પણ ફરી પથારી માં બેસી જાય છે.
નેહા થોડું કડક બની કહે છે,
“દિદી, આજે ઓફિસ નથી જવાનું. તમે તમારું કામ કરીને ફાઇલ આપી દીધી છે ને? હવે શું ટેન્શન છે?”
એ આગળ ઉમેરે છે,
“જો તમે જશો ને, તો હું હમણાં જ મમ્મીને ફોન કરીને કહી દઈશ કે તમારી તબિયત ખરાબ છે.”
રેવા થોડું મૌન રહી જાય છે.
પછી નબળા સ્મિત સાથે કહે છે,
“હા… ઠીક છે. આજે નથી જતી.”
એ ફરી ધીમે ધીમે આંખો બંધ કરે છે.
આ તરફ અભય ઓફિસમાં આવી ગયો છે.
એ કાવ્યાને પોતાના કેબિનમાં બોલાવે છે.
“મિસ કાવ્યા , કાલે સિંગાપોરના ક્લાઈન્ટ આવવાના છે. અત્યારે પ્રોજેક્ટ નું શું અપડૅટ છે?”
કાવ્યા શાંતિથી જવાબ આપે છે,
“સર , બધા ડીપાર્ટમેન્ટ નું વર્ક કમ્પલીટ થઈ ગયું છે… પણ…”
અભય ગંભીર નજરે કાવ્યાને જુએ છે અને પૂછે છે
“પણ શું, મિસ કાવ્યા ?”
કાવ્યા:“સર , હજી રેવા તરફથી કોઈ ફાઇનલ અપડૅટ નથી. અને એ આજે ઓફિસ પણ આવી નથી.”
આ સાંભળતાં જ અભય ગુસ્સે થઈ જાય છે.
“કાલે ક્લાઈન્ટ સાથે મિટિંગ છે… અને HR ટીમ તરફથી કોઈ અપડૅટ જ નથી? આ શું ચાલે છે?”
એ કડક અવાજમાં પૂછે છે,
“તમે મિસ રેવાને કહ્યું ન હતું કે આજે ફાઇનલ સબમિશન છે?”
કાવ્યા તરત જવાબ આપે છે,
“સર , મેં તો કહ્યું હતું. એણે મને ખાતરી આપી હતી કે ટાઈમ પર સબમિટ કરી દેશે. પણ એ બે દિવસથી ઓફિસ જ આવી નથી.”
અભય ગુસ્સામાં બોલે છે,
“થીસ ઇસ કંપ્લીટલી અનપ્રોફેશનલ બીહેવિયર !”
થોડી ક્ષણ માટે એ વિચારે છે. પછી પૂછે છે,
“મિસ કાવ્યા , આ પ્રોજેક્ટ માં રેવા સાથે મોના પણ હતી ને? એને બોલાવો.”
કાવ્યા જાણે પહેલાથી તૈયાર હોય એમ કહે છે,
“સર … મોના તો આજે લીવ પર છે.”
“WHAT?” અભય અલમોસ્ટ બૂમ પાડી દે છે.
“આજે ફાઇનલ ડે છે, મિટિંગ છે… અને બંને ઓફિસ માં નથી? વન્ડરફુલ !”
કાવ્યા શાંતિથી કહે છે,
“સર , મોના એ તો વન વીક પહેલા જ લીવ માટે એપ્લાય કર્યું હતું. એની કઝિન ના મેરેજ છે. મેન રિસ્પોન્સિબીલિટી તો રેવા પર જ હતી.”
અભયનો ગુસ્સો હવે સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો.
અભય ગુસ્સામાં કહે છે,
“એક કામ કરો… મિસ રેવા ને હમણાં જ કોલ કરો.”
કાવ્યા બહાર જવા ઊભી થાય છે.
અભય કડક અવાજમાં અટકાવે છે,
“મારી સામે જ કોલ કરો.”
કાવ્યા તરત રેવા ને કોલ લગાવે છે.
ફોન વાગે છે… પણ રેવા કોલ ઉપાડતી નથી.
“સર , રેવા ફોન ઉપાડતી નથી.”
અભય તીખા સ્વરે કહે છે,
“ફરીથી લગાવો.”
કાવ્યા ફરી કોલ કરે છે.
આ વખતે રેવા ધીમા, નબળા અવાજમાં કોલ ઉપાડે છે.
“હલો… બોલો મેમ…”
કાવ્યા ઠંડા સ્વરે કહે છે,
“રેવા , આજે ફાઇનલ ઇન્ટરનલ મિટિંગ છે. ફાઇનલ રિપોર્ટ સબમિટ કરવાનો હતો . ઓફિસ ક્યારે આવીશ ?”
રેવા નબળાઈમાં કહે છે,
“મેમ… મેં તો ફાઈલ મોના મેમને આપી દીધી હતી. ફાઇનલ રિપોર્ટ એ જ આપશે.”
કાવ્યા તરત કહે છે,
“મોના તો લીવ પર છે. અને એણે મને કોઈ ફાઇનલ રિપોર્ટ આપી નથી.”
આ સાંભળતા જ રેવા ગભરાઈ જાય છે.
“મેમ, મેં તો બે દિવસ પહેલા જ પ્રોજેક્ટની ફાઇનલ રિપોર્ટ મોના મેમને પર્સનલી હેન્ડઓવર કરી દીધી હતી.”
કાવ્યા કડક અવાજમાં કહે છે,
“રેવા , મોના લીવ પર છે. એટલે હવે તું ઓફિસ આવીને ફાઈલ પર્સનલી સબમિટ કર.”
રેવા મૌન રહે છે. પછી ધીમેથી કહે છે,
“મેમ… મને તાવ છે અને ખૂબ ચક્કર આવે છે. હું આજે આવી નહીં શકું ”
કાવ્યા કોલ હોલ્ડ પર રાખીને અભય તરફ જુએ છે.
“સર , રેવા ઓફિસ આવવાની ના પાડી રહી છે. એ કહે છે એની તબિયત સારી નથી.”
આ સાંભળતાં જ અભય ગુસ્સે ભરાઈ જાય છે.
“મિસ કાવ્યા , એને કહી દો —
જો આજે એ ઓફિસ માં નહીં આવે…
તો પછી એને અહીં આવવાની કોઈ જરૂર નથી.
ટર્મિનેશન લેટર કાલે એના ઘરે પહોંચાડી દેવામાં આવશે.”
કાવ્યા ફરી કોલ પર આવે છે.
“રેવા , અભય સર એ કહ્યું છે જો આજે તું ઓફિસમાં નહીં આવે તો તને જોબમાંથી કાઢી મુકવામાં આવશે.”
આ સાંભળીને રેવા એકદમ ગભરાઈ જાય છે.
એક બાજુ તાવ અને ચક્કર… બીજી બાજુ જોબ ગુમાવવાનો ભય.
એના અવાજમાં રડમસપણું આવી જાય છે.
“ઠીક છે મેમ… હું થોડી વાર માં ઓફિસ આવું છું.”
કાવ્યા કોલ કાપી દે છે અને અભય તરફ જુએ છે.
“સર , રેવા થોડી વારમાં આવી જશે.”
અભય કડક સ્વરે કહે છે,
“આફ્ટર લંચ બોર્ડ મિટિંગ અરેન્જ કરો અને રેવા આવે એટલે એને કહેજો કે જલ્દીથી જલ્દી ફાઈલ સબમિટ કરે.”
“ઓકે , સર .”
કાવ્યા કેબિનમાંથી બહાર નીકળે છે.એના ચહેરા પર સંતોષ છવાયેલો હતો.
એના મનમાં એક જ વિચાર ગૂંજી રહ્યો હતો,
‘“આ ચાલ એના વિચાર્યા મુજબ જ પડી હતી.”
શું ખરેખર બધું કાવ્યાના પ્લાન મુજબ જ જશે…
કે કિસ્મત કંઈક બીજું જ લખી રહી છે?”
જાણવા માટે આગળનો ભાગ વાંચવાનું ભૂલશો નહીં…