અનોખી સફર
પ્રકરણ- 72
દિગુકાકાની બૂમ સંભળાઈ વિશ્વાને …વિશ્વા..વિશ્વા… અને એક ઉતાવળ અને શરમ સંકોચની ગભરામણમાં હાથમાંથી મોબાઈલ નીચે પડી ગયો..પડ્યો એવો બંધ થઇ ગયો..વિશ્વા બોલી ઉઠી..” હાય હાય..અને તરત જ ઉપાડી લીધો અને છાતીએ વળગાવી દીધો..દિગુકાકાએ દૂરથી જ પૂછ્યું “શું થયું બેટા ? મોબાઈલ પડી ગયો ? અરે કશું નહીં થાય એને..સોહમે એને ફ્લેપ વાળું સરસ લેધરનું કવર ચઢાવીને જ મોકલ્યું છે..પછી હસીને બોલ્યા “ એને ખબર તું આખો વખત ભારે કામ જ કરતી હોય..મોબાઈલને નુકશાન ના થાય એવી એણે કાળજી લીધી છે.” અરે વિશુ હું એટલે બોલાવતો હતો કે તને યશોદામાસી યાદ કરતા હતા..એમને પણ ખબર પડી તારે માટે મોબાઈલ લઈને આવ્યો છું..જા એમને પણ બતાવી આવ..હમણાં ધર્મેશ વાડીએથી આવે ત્યારે એને અને વીરબાlળાને સાથે બતાવજે..બધા ખુશ થઇ જશે..”
વિશ્વાને તક મળી ગઈ બોલી “ હાં કાકુ..હું જઉં જ છું..યશોદા માં ખુશ થઇ જશે..વધુ ખુશી એ છે કે હવે જ્યારે સોહુનો સંપર્ક કરવો હોય..વાત કરવી હશે થશે..” દિગુકાકા વિશ્વાને હર્ષથી બોલતા સાંભળી ખુશ થયા પછી વિચાર કરી બોલ્યા “ બેટા વિશ્વા..સાચી વાત છે જ્યારે વાત કરવી હશે તમારે થશેજ..પણ..મુંબઈનાં ઘરનાં બધા સમય યાદ રાખજે જેથી તને કે સોહુને તકલીફ ના પડે..બપોરે તથા સાંજે જમવાના સમયે એકદમ ફોન ના કરીશ પહેલા મેસેજ કરી પૂછી લેવાનું..વાત થાય એમ છે ? આ બે સમયે યજ્ઞેશ ઘરમાં હોય અને શક્ય છે સોહમ એની પાસે બેઠો હોય..કારણ..યજ્ઞેશને ખબર નથી તને મોબાઈલ મેં લઈને આપ્યો છે અને મારા મતે એને જાણ ના થાય એજ સારું છે બેટા..સમજે છે ને તું ? બાકીતો..સોહમ તને બધું કહેશે જ સમજાવશે..જા તું ફોન બતાવ હું અહીં બધું કામ જોઈ લઉ..રમલી આવી લાગે છે..”
વિશ્વા..”ભલે કાકુ” કહી યશોદાબેનને ઘરે ગઈ..એ મનમાં દિગુકાકાએ કીધેલી વાતો મમળાવી રહી હતી..એને પણ આવા બધા ત્યાં મુંબઈના ઘરના વિચાર આવેલા જ કે મોબાઈલ મળી ગયો છે પણ સાચવીને સમય જોઈને ફોન કરવો પડશે મારે સોહમ મને ગમે ત્યારે ફોન કરે ચાલશે મને અહીં કોઈ પ્રોબ્લેમ નથી..એમ વિચારતી વિચારતી યશોદામાસીને ઘરે ગઈ..આજે યશોદામાસી તબિયતથી થોડા નબળા દેખાતા હતાં પરંતુ વિશ્વા માટે દીગુભાઈ મોબાઈલ લઈને આવ્યા છે એવું જાણ્યું છે ત્યારથી એમનો ચહેરો નબળાઈમાં પણ ખીલી ઉઠેલો.. વિશ્વાએ એમના ઘરે પહોચી એમની પાસે ખાટમાં બેસીને ઉત્સાહથી ફોન એમના હાથમાં મુક્યો..યશોદામાસી ખુશ થઇ ગયા બોલ્યા “ દેખાવમાં કેવો સરસ અને જાણે જાદુઈ ચિરાગ હાથમાં હોય એવું જ લાગે છે.”.બોલી વિશ્વા સામે જોઈ હસી પડ્યાં. વિશ્વાએ કહ્યું “ હાં સાચેજ માસી..મારા માટે તો જાદુઈ ચિરાગ બરાબર જ છે..જુઓને તમે…” એમ કહી મોબાઈલ ચાલુ કર્યો..સ્ક્રીન ઉપર બધી એપના સિમ્બોલ ઉપસી આવ્યા.વિશ્વાએ એમાં એપ ચાલુ કરી..યુટ્યૂબની અને એમાં કૃષ્ણ ભજન શોધી ચાલુ કરી સંભળાવ્યું..માસી બોલ્યા “ વાહ કહેવું પડે આમાં ગીત સંગીત ભજન બધું સંભળાય ? ખુબ ગમ્યું..વિશ્વા આ તારો જાદુઈ ચિરાગ તો આશીર્વાદ સમાન છે..આનાં કેટકેટલા ઉપયોગ છે ?..” વિશ્વા કહે “ માસી આ મોબાઈથી ફોન થાય..વિડિઓ ફોન થાય એટલેકે સામ સામે વાત કરનાર એકમેકને જોઈને વાત કરી શકે..વળી જે જોવું..સાંભળવું હોય એ ગીત ભજન પિક્ચર બધું જોવાય.આજે આબોહવા અહીંની કેવી રહેશે જે જાણી શકાય..કેટલો ક્યાં વરસાદ બધું ખબર પડે..એકમેકને મેસેજ થાય. દુનિયાની કોઈપણ માહિતી જાણકારી મેળવી શકાય..બીજું ઘણું છે જ્યારે સોહુ આવશે મને સમજાવશે શીખવશે..હું જે કઈ જાણું છું મેં એટલું જ કીધું..”
માસી તો આંખો વિકાસી આશ્ચર્યથી વિશ્વાને સાંભળી જ રહયા પછી બોલ્યા..” કેવી કેવી શોધ થાય છે? દુનિયા ક્યાંથી ક્યાં પહોંચી ગઈ ? અમે ભણ્યા વગરના અભણ હજી એવા ને એવા જ રહયા.પણ બેટા તને તો બધું જ આવડે..આવડવું જ જોઈએ..હું ખુબ ખુશ છું. ક્યાંય દૂર કોઈ હોય એ સામે ફોનમાં દેખાય સામે આપણે દેખાઈએ વાતો થાય..કહેવું પડે..અમારો જમાનો જુદો હતો અમે આવી ક્યારેય કલ્પનામાં નહોતું આવ્યું કે આવું પણ થાય.. “ વિશ્વાએ કહ્યું “ માસી તમે તમારી જાતને..અભણ ના કહો..તમે અને મારી માં ચાર ચોપડી ભણીને ખુબ ગણેલાં છો..ખુબ હુંશિયાર..સમજમાં વટવ્યવ્હારમાં..લાગણીથી કાળજી લઇ કુટુંબને સાચવી જીવનારા છો જે આ સમયમાં ખુબ ભણેલા પણ નથી કરી શકતા..તમારે ક્યારેય એવું વિચારવાનું..બોલવાનું નહીં..તમે લોકો છો એવા નવા સમાજમાં માણસ શોધવા જવા પડે..માં છો મારી..માસી માં છો..” એમ કહી યશોદાબેનને વળગી પડી.. માસી હું બધું વાંચું છું સમજાય છે બધું દુનિયામાં માણસો બદલાતા જાય છે સંબંધનું મૂલ્ય ઘટતું જાય છે. બધા પોતપોતાના હિતમાં અને સ્વાર્થમાં રચ્યાપચ્યા રહે છે. માસી તમારા જેવા માણસો સમાજ માટે ઉદાહરણ રૂપ છો જણસ છો.યશોદાબેન પણ લાગણીથી ભીંજાઈ ગયા અને વિશ્વાને વાહલથી ચૂમી લીધી..વિશ્વા એમને ક્યાંય સુધી વળગી રહી..ત્યાં એનાં મોબાઈલમાં મેસેજનો ટોન વાગ્યો..એણે આનંદ આશ્ચર્યથી ફોનમાં મેસેજ ઓપન કરી જોયું તો સોહુનો મેસેજ હતો..લખ્યું હતું..એ આજે હમણાં સાંજે વિડિઓ કોલ કરશે..ફોન ચાર્જ કરી રાખજે..આશા રાખું ફોન ગમ્યો હશે..જવાબ લખજે.. વિશ્વાએ મેસેજ વાંચી રિપ્લાયમાં લખ્યું..સોહુ મોબાઈલ મને અને બધાને ખુબ ગમ્યો છે..હું તારા ફોનની રાહ જોઇશ..હમણાં યશોદામાસી પાસે છું..પછી ઘરે જાઉં.લવ યુ સોહુ ..અને શરમાઈ ગઈ.. પછી માસીની સામે જોઈ બોલી “ મેં જવાબ લખી દીધો..એનો સાંજે ફોન આવશે ત્યારે તબિયતની વાત કરીશ..અત્યારે મેં કશું લખ્યું નથી..જો તમે જાગતા હશો તો વાત પણ કરાવીશ.”
યશોદામાસીએ કહ્યું “ ના બેટા સાંજે વાત નહીં થાય તારા કાકા ઘરે હશે..મેં દવા લીધી હશે ઘેન હોય છે મને..મારા વતી તું વાત કરી લેજે..હા તું એની સાથે વીરબાળાની વાત કરાવજે..એ વાત કરશે તો મેં કર્યા બરાબર જ છે..દીકરા ટૂંકમાં તું ખુબ ખુશ તો હું પણ ખુશ..બેટા..મારું એક કામ કરતી જજે… જમવાનું તો તું આપી જાય છે પણ સગડીમાં કોલસા ભરતી જજે..તારા કાકાને ચા પીવી કે શેક કરવો હોયતો સીધો ઉપયોગ કરી શકે..એમને નહિ ફાવે..” વિશ્વાએ કહ્યું “ માસી તમે ચિંતા ના કરો હું હમણાં જ તૈયાર કરી આપું..પછી ઘરે જાઉં..પાપા પણ વાડીએથી આવશે..માં ને રસોઈમાં મદદ કરીશ..જમવાનું તમારું અને કાકાનું હું જ આપી જઈશ હમણાં બને એટલે તરત જ ગરમ..ગરમ..” યશોદામાસી મનમાં ને મનમાં ખુબ ખુશ થયા કે મારી વિશ્વા આનંદમાં છે ખુશ છે એ છોકરીને મારી સાથે સોહમની વાત કરાવવી છે..અને મનેજ નથી ખબર કે હું હવે ક્યારે કોની સાથે વાત કરી શકીશ કે નહીં..ભગવાન જાણે..એ છોકરી મેં કીધું છે એટલે બધું તૈયાર કરીને જશે મને ખબર છે.
વિશ્વાએ સગડીમાં કોલસા પુરી બધું ગોઠવી માસીને કહી એનાં ઘરે આવી ગઈ..એણે માં ને મદદ કરવા સીધી રસોડામાં પહોંચી..
વધુ આવતા અંકે …પ્રકરણ -73 અનોખી સફર..