પ્રકરણ ૧: આકાશ મંડળમાં વિવાહના નગારા (પ્રજાપતિ ભવનમાં દેવ-વિવાહની પૂર્વસંધ્યા)
બ્રહ્માંડ હજુ શૈશવકાળમાં હતું. સત્યયુગની એ પવિત્ર સવારે, હિમાલયની તળેટીમાં આવેલા પ્રજાપતિ દક્ષના ભવ્ય નગર 'કનખલ' માં આજે એક અલૌકિક ઉત્સવનો સૂર્યોદય થયો હતો. દક્ષ પ્રજાપતિ અને તેમની પત્ની દેવી પ્રસૂતિની ૨૭ લાડકવાઈ પુત્રીઓ—જેઓ આકાશના ૨૭ નક્ષત્રો તરીકે બ્રહ્માંડને તેજ આપવાની હતી—તેમના સામૂહિક વિવાહ સોમ (ચંદ્રદેવ) સાથે નક્કી થયા હતા.
દક્ષ પ્રજાપતિનો મહેલ કોઈ પથ્થરોનો બનેલો નહોતો, પણ રત્નો , સવર્ણ મણિઓ અને સૂર્યકાંત મણિઓથી કંડારેલો હતો.
મહેલના સ્તંભો પરથી ગંગાના પવિત્ર જળના નાના-નાના ઝરણાં વહી રહ્યા હતા, જેનાથી વાતાવરણમાં એક અદભૂત શીતળતા હતી.
સ્વર્ગના નંદનવનમાંથી ખાસ મંગાવેલા પારિજાત, કલ્પવૃક્ષના પુષ્પો અને નીલકમળથી આખા મહેલને સજાવવામાં આવ્યો હતો. હવામાં ચંદન અને ગુગળના ધૂપની સુગંધ એવી રીતે ભળેલી હતી કે શ્વાસ લેતા જ મન આધ્યાત્મિક આનંદથી ભરાઈ જાય.
મહેલની અટારીઓ પર બેસીને ગંધર્વો વીણા અને મૃદંગના મધુર સૂર રેલાવી રહ્યા હતા.
યજ્ઞશાળાની મધ્યમાં દક્ષ પ્રજાપતિ અને માતા પ્રસૂતિ બિરાજમાન હતા.
પ્રજાપતિ દક્ષ બ્રહ્માજીના માનસપુત્ર હોવાને કારણે દક્ષના ચહેરા પર બ્રહ્મતેજ ઝળહળતું હતું. તેમના વિશાળ ખભા, સોનેરી જટા અને મંત્રોચ્ચાર કરતો ગંભીર અવાજ આખા વાતાવરણમાં સત્તા અને શિસ્તનો અહેસાસ કરાવતા હતા.
સૃષ્ટિની પ્રથમ માતાઓમાંની એક એવી દેવી પ્રસૂતિની આભા શાંત અને વાત્સલ્યસભર હતી. તેમના મસ્તક પરથી નીકળતું દિવ્ય તેજ આખા મહેલને એક સુરક્ષા કવચ આપતું હતું. તેઓ રેશમી વસ્ત્રોમાં સજ્જ થઈને દાસીઓને મંગલ કાર્યોની સૂચના આપી રહ્યા હતા.
દક્ષ પ્રજાપતિને ઘણી પુત્રીઓ હતી. ૨૭ નક્ષત્ર કન્યાઓ સિવાયની તેમની બીજી પુત્રીઓ પણ આ લગ્નની શોભા વધારી રહી હતી.
દિવ્ય સતી લગ્નના કોલાહલથી દૂર, મહેલના એકાંત ખૂણામાં બેસીને શિવ-ભક્તિમાં લીન હતા. તેઓ બહેનો માટે મંગલ દોરા તૈયાર કરી રહ્યા હતા અને તેમની આંખોમાં જગતજનની જેવી શાંતિ હતી.
દેવી અનસૂયા અને ખ્યાતિ તેઓ યજ્ઞની સામગ્રી ગોઠવવામાં અને ઋષિ-મુનિઓના સ્વાગતની તૈયારીમાં વ્યસ્ત હતા. આ બધી બહેનો મોટી હોવાથી લગ્નની આખી વ્યવસ્થા સંભાળી રહી હતી.
મહેલના અંતઃપુરમાં (રાણીવાસમાં) ૨૭ વિશાળ અરીસાઓ સામે ૨૭ નક્ષત્ર બહેનો તૈયાર થઈ રહી હતી. દેવોના શિલ્પી વિશ્વકર્માએ દરેક માટે અલગ-અલગ નવરત્નોના આભૂષણો બનાવ્યા હતા.
૧. અશ્વિની:બધી બહેનોમાં પ્રથમ હોવાથી, તે દોડાદોડ કરીને સોનાના કરંડિયામાંથી દાગીના કાઢીને બહેનોને આપી રહી હતી.
૨. ભરણી:ગંભીર મુદ્રામાં બેસીને પોતાના હાથે લાલ રંગની મહેંદી મૂકી રહી હતી.
૩. કૃતિકા:અગ્નિ જેવા તેજસ્વી વસ્ત્રો પહેરીને પોતાના રત્નજડિત કટાર (શસ્ત્ર)ને કમર પર બાંધી રહી હતી.
૪. રોહિણી:૨૭ બહેનોની મધ્યમાં બેસીને અરીસામાં પોતાનું મુખ જોતી હતી. તે પારિજાતના ગજરા પોતાના વાળમાં ગૂંથી રહી હતી અને તેનું હરણ જેવું રૂપ જોઈને ખુદ દાસીઓ પણ સ્તબ્ધ હતી.
૫. મૃગશીર્ષ:ચંચળ આંખોથી બારી બહાર જોઈ રહી હતી કે વરરાજા ચંદ્રદેવની પાલખી દેખાય છે કે નહીં.
૬. આદ્રા:ભાવુક થઈને માતા પ્રસૂતિના ગળે વળગીને રડી રહી હતી કે "મા, અમે બધી એકસાથે સાસરે જતી રહીશું તો તું એકલી પડી જઈશ."
૭. પુનર્વસુ:ખૂબ જ શાંતિથી આદ્રાના આંસુ લૂછીને તેને ધીરજ બંધાવતી હતી.
૮. પુષ્ય:પવિત્ર મંત્રોચ્ચાર સાથે પૂજાની થાળી તૈયાર કરી રહી હતી.
૯. આશ્લેષા:પોતાની જાદુઈ આંખોમાં કાજલ આંજતી હતી અને મનોમન કંઈક વિચારીને હસતી હતી.
૧૦. મઘા:રાણી જેવા રુઆબમાં સિંહાસન પર બેસીને પોતાની દાસીઓને તેના ઘરેણાં સરખા કરવા આદેશ આપતી હતી.
૧૧. પૂર્વા ફાલ્ગુની:અરીસા સામે ઊભા રહીને અલગ-અલગ નૃત્યની મુદ્રાઓ કરી પોતાનો શૃંગાર ચકાસતી હતી.
૧૨. ઉત્તરા ફાલ્ગુની:તેની બાજુમાં ઊભી રહીને તેના વસ્ત્રોની પાટલી સરખી કરી આપતી હતી.
૧૩. હસ્ત:તેના કુશળ હાથોથી બીજી નાની બહેનોના વાળ ઓળતી હતી.
૧૪. ચિત્રા:એક અદ્ભુત હારના હીરા ચમકાવીને જોતી હતી કે તેની કારીગરી બરાબર છે કે નહીં.
૧૫. સ્વાતિ:મહેલની અટારી પર ઊભી રહીને ઠંડા પવનની લહેરો સાથે પોતાના ખુલ્લા વાળ ઉડાડી આનંદ લેતી હતી.
૧૬. વિશાખા:મનોમન ગણતરી કરતી હતી કે કોનો શૃંગાર વધારે સુંદર થયો છે—પોતાનો કે રોહિણીનો?
૧૭. અનુરાધા:ભક્તિભાવપૂર્વક ઈશ્વર સ્મરણ કરતી બેઠી હતી.
૧૮. જ્યેષ્ઠા:સૌથી મોટી હોવાનો રુઆબ બતાવીને બહેનોને શાંત રહેવા અને મર્યાદા જાળવવા ટોકતી હતી.
૧૯. મૂળ:એક ખૂણામાં બેસીને લગ્ન પછીના જીવન વિશે ગૂઢ ચિંતન કરતી હતી.
૨૦. પૂર્વાષાઢા:પાણીના પાત્રમાં પોતાનું પ્રતિબિંબ જોઈને હસતી હતી.
૨૧. ઉત્તરાષાઢા:શાંતિથી ધૈર્ય રાખીને વડીલોના આશીર્વાદ લેવા જવાની રાહ જોતી હતી.
૨૨. શ્રવણ:ગંધર્વોના સંગીતને બહુ ધ્યાનથી સાંભળીને તેમાં ખોવાયેલી હતી.
2૩. ધનિષ્ઠા:મધુર અવાજમાં મંગલ ગીતો ગાવાનું શરૂ કરી ચૂકી હતી.
૨૪. શતભિષા:રહસ્યમય પડદા પાછળ બેસીને પોતાની આસપાસના વૈભવને નિહાળતી હતી.
૨૫. પૂર્વા ભાદ્રપદ:ગંભીર વિચારોમાં મગ્ન થઈને વેદી તરફ જોતી હતી.
૨૬. ઉત્તરા ભાદ્રપદ:ધ્યાન અવસ્થા જેવી શાંત મુદ્રામાં બેઠી હતી.
૨૭. રેવતી:સૌથી નાની બહેન હોવાથી, તે માછલી જેવી ચપળતાથી આખા રાણીવાસમાં કૂદાકૂદ કરતી હતી અને તેના પગના ઘૂંઘરુ આખા મહેલને ગુંજવતા હતા.
જ્યારે આ ૨૭ કન્યાઓ એકસાથે કક્ષની બહાર નીકળી, ત્યારે એવું લાગતું હતું કે જાણે આખું આકાશ પૃથ્વી પર ઉતરી આવ્યું હોય. દેવી પ્રસૂતિની આંખો હર્ષના આંસુઓથી ભરાઈ ગઈ. દક્ષ પ્રજાપતિએ ગર્વથી પુત્રીઓ તરફ જોયું. પણ એ જ ક્ષણે આકાશમાં શંખનાદ થયો. ચંદ્રદેવની દિવ્ય, શ્વેત અને શીતળ પાલખી કનખલ નગરના દ્વારે પહોંચી ચૂકી હતી!
કનખલ નગરીના આકાશમાં એક અદ્ભુત શ્વેત પ્રકાશ રેલાવા લાગ્યો. પૃથ્વીના ઇતિહાસમાં આ પહેલીવાર હતું જ્યારે સાક્ષાત ચંદ્રદેવ પોતાના પૂર્ણ તેજ સાથે પૃથ્વી પર ઉતરી રહ્યા હતા. તેમનું વાહન, જે દસ શ્વેત અને દિવ્ય હરણો દ્વારા ખેંચાતો એક રથ હતો, તે મહેલ ના દ્વાર પર આવી પહોંચ્યા.
ચંદ્રદેવ જ્યારે રથમાંથી નીચે ઉતર્યા, ત્યારે ત્યાં હાજર રહેલા દેવો, ગંધર્વો અને ઋષિઓ પણ તેમના રૂપને જોઈને સ્તબ્ધ થઈ ગયા.તેમનો ચહેરો શરદ પૂનમના ચંદ્ર જેવો શીતળ, શાંત અને મનમોહક હતો. તેમની આંખોમાં અમૃત જેવી કરુણા અને હોઠ પર એક એવું સ્મિત હતું જે બ્રહ્માંડના કોઈપણ હૃદયને જીતી શકે. તેમણે દૂધ જેવા શ્વેત (સફેદ) રંગના રેશમી વસ્ત્રો ધારણ કર્યા હતા, જેના પર સોનેરી અને રૂપેરી તારથી બ્રહ્માંડના નક્ષત્રોની આકૃતિઓ કંડારેલી હતી. તેમના ગળામાં મણીઓ અને મુક્તાહાર (મોતીની માળાઓ) શોભી રહ્યા હતા, જેમાંથી દિવ્ય પ્રકાશની કિરણો ફૂટતી હતી. તેમના મસ્તક પર એક ભવ્ય મુગટ હતો, જેમાં મધ્યમાં એક ચમકતો હીરો આખા આકાશને પ્રકાશિત કરતો હતો. તેમના શરીરમાંથી ચંદન અને કપૂરની શીતળ સુગંધ હવામાં પ્રસરી રહી હતી.
જ્યારે ચંદ્રદેવે લગ્ન મંડપમાં પ્રવેશ કર્યો, ત્યારે ૨૭ નક્ષત્ર બહેનો મંડપની પાછળ રહેલા રેશમી પડદા પાછળ ઊભી હતી.
પડદા પાછળથી ૨૭ બહેનોએ જ્યારે ચંદ્રદેવને જોયા, ત્યારે દરેકના હૃદયના ધબકારા વધી ગયા.
રોહિણી એ જ્યારે તેમની સામે જોયું, ત્યારે તેનું હૃદય જાણે ચંદ્રના ચરણોમાં સમર્પિત થઈ ગયું. તે મનોમન બોલી, "હે વિધાતા, જો આ રૂપ મને ન મળે, તો મારું આ સૌંદર્ય વ્યર્થ છે."
બીજી તરફ, ચિત્રા અને કૃતિકા પણ ચંદ્રના તેજથી અંજાઈ ગઈ હતી. દરેક બહેનને લાગ્યું કે તેમનું જીવન ધન્ય થઈ ગયું.
બ્રહ્માંડના મહાન ઋષિઓ—મહર્ષિ અત્રિ (ચંદ્રદેવના પિતા),ગુરુ બૃહસ્પતિ, કશ્યપ, ભૃગુ ઋષિ, નારદ મુનિ યજ્ઞવેદીની આસપાસ બિરાજમાન હતા. મંડપની મધ્યમાં પવિત્ર અગ્નિ પ્રગટાવવામાં આવી હતી , જેની જ્વાળાઓ એકદમ શાંત અને સુવર્ણ રંગની હતી.
દક્ષ પ્રજાપતિ અને માતા પ્રસૂતિએ ભાવુક હૃદયે પોતાની ૨૭ પુત્રીઓના હાથ વારાફરતી ચંદ્રદેવના હાથમાં સોંપ્યા. જ્યારે દક્ષે રોહિણીનો હાથ ચંદ્રના હાથમાં આપ્યો, ત્યારે ચંદ્રદેવ અને રોહિણીની નજરો એક થઈ. એ એક ક્ષણ માટે ચંદ્રદેવ બાકીનું બધું ભૂલી ગયા. રોહિણીના ગાલ પર શરમના લીધે લાલી છવાઈ ગઈ.
પાણિગ્રહણ (હસ્તમેળાપ) વખતે ૨૭ બહેનોના કોમળ હાથ જ્યારે ચંદ્રના વિશાળ અને શીતળ હાથમાં આવ્યા, ત્યારે બ્રહ્માંડમાં એક અદભૂત ઉર્જાનો સંચાર થયો.
ચંદ્રદેવ અગ્નિની સાક્ષીએ ૨૭ બહેનો સાથે ફેરા ફરવા લાગ્યા. આગળ ચંદ્રદેવ હતા અને તેમની પાછળ એક લયબદ્ધ સાંકળની જેમ ૨૭ બહેનો ચાલી રહી હતી. આ દ્રશ્ય એવું લાગતું હતું જાણે આકાશગંગા પોતે અગ્નિની પ્રદક્ષિણા કરી રહી હોય!
જ્યારે વિધિ પૂર્ણ થઈ, ત્યારે દક્ષ પ્રજાપતિએ ચંદ્રદેવની સામે આવીને ગંભીર અવાજે કહ્યું:
> "સોમ! આ મારી ૨૭ પુત્રીઓ નથી, આ આખી સૃષ્ટિનું તેજ છે. આજે હું તને બ્રહ્માંડની સૌથી મોટી જવાબદારી સોંપું છું. તું આકાશના માર્ગે ભ્રમણ કરીશ અને દરરોજ એક નક્ષત્રના મહેલમાં નિવાસ કરીશ. તારે મારી બધી જ પુત્રીઓને સમાન પ્રેમ આપવો પડશે. આ વચન તૂટવું ન જોઈએ."
ચંદ્રદેવે અગ્નિ અને દેવસભાની સામે માથું નમાવીને કહ્યું: "હું વચન આપું છું, પિતાશ્રી."
લગ્ન વિધિ પૂર્ણ થતાં જ આકાશમાંથી દેવોએ પુષ્પવર્ષા કરી. ગંધર્વોએ 'મંગલમ્ સોમાય મંગલમ્' ના નારા લગાવ્યા. માતા સતીએ આગળ આવીને બધી બહેનો અને જીજાજી ચંદ્રદેવની આરતી ઉતારી અને તેમને આશીર્વાદ આપ્યા.