Husband and wife and wife 2 in Gujarati Film Reviews by Rakesh Thakkar books and stories PDF | પતિ પત્ની ઔર વો 2

Featured Books
Categories
Share

પતિ પત્ની ઔર વો 2

પતિ પત્ની ઔર વો 2
-રાકેશ ઠક્કર
 
        આયુષ્માન ખુરાનાની ‘પતિ પત્ની ઔર વો 2’ એ કાર્તિકની સુપરહિટ ‘પતિ પત્ની ઔર વો’ ની આધ્યાત્મિક સિક્વલ છે. વાર્તાની દ્રષ્ટિએ આ નવી ફિલ્મને જૂની સાથે કોઈ સીધો સંબંધ નથી, તેના જૂના કોમેડી ફોર્મેટને આગળ ધપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આયુષ્માનની એક ખાસિયત છે કે પારિવારિક દર્શકો તેની કોમેડી પર ભરોસો મૂકે છે. સમીક્ષકોએ કહ્યું છે કે આયુષ્માને કોમેડી ફિલ્મો ચોક્કસ કરવી જોઈએ પણ આવી વાહિયાત વાર્તા અને કલાકારો સાથે ફરી ક્યારેય કામ ન કરવું જોઈએ.
 
        આયુષ્માનની સૌથી મોટી તાકાત એ છે કે તે બોલિવૂડમાં ‘આઉટ ઓફ ધ બોક્સ’ અને અતરંગી કન્ટેન્ટ લાવવા માટે જાણીતો છે. જ્યારે તે વિકી ડોનર, બધાઈ હો કે ‘ડ્રીમ ગર્લ’ જેવી ફિલ્મો કરે છે ત્યારે તેની પાછળ એક મજબૂત અને નવીન વાર્તા હોય છે. જે દર્શકોને જકડી રાખે છે. પરંતુ ‘પતિ પત્ની ઔર વો 2’ જેવી ફિલ્મોમાં જ્યારે વાર્તા બાલિશ થઈ જાય અને કોમેડી પરાણે ઘુસાડવામાં આવી હોય ત્યારે આયુષ્માન જેવા ઉત્કૃષ્ટ કલાકારની પ્રતિભા પણ વેડફાઈ જતી લાગે છે. વળી જો આસપાસના સહ-કલાકારો નબળી એક્ટિંગ કે નકલી લહેકા સાથે વાર્તાનો પ્રવાહ તોડતા હોય તો મુખ્ય હીરો ગમે તેટલી મહેનત કરે તો પણ ફિલ્મ ડૂબતા બચી શકતી નથી.
 
        આયુષ્માન માટે ખરેખર હવે એ સમય આવી ગયો છે કે આવી ટિપિકલ બોલિવૂડ ફોર્મ્યુલા વાળી સિક્વલ્સની જાળમાં ફસાવાને બદલે અર્થસભર, વાસ્તવિક અને મજબૂત સોશિયલ ડ્રામા તરફ પાછા ફરવું જોઈએ. નિર્દેશકે માત્ર સુંદર ચહેરાઓનો ઉપયોગ કરીને કન્ફ્યુઝન ઊભું કરવાની કોશિશ કરી છે પરંતુ બધી સમસ્યાઓ બહુ બાલિશ લાગે છે. ઈમોશન બિલકુલ અનુભવાતા નથી અને રોમાન્સના નામે માત્ર રડવું આવે છે. સંવાદોમાં જબરદસ્તી કોમેડી નાખવાના ચક્કરમાં બધું બગાડી નાખ્યું છે. જોકે, એવું પણ નથી કે આ દુનિયાની સૌથી ખરાબ ફિલ્મ છે, આયુષ્માને પોતાની ‘કન્ટેન્ટ કિંગ’ વાળી ઈમેજ બચાવવા પૂરા પ્રયત્નો કર્યા છે અને કેટલાક સીન્સ ખરેખર હસાવે તેવા છે. આ ફ્રેન્ચાઈઝીની પાછલી ફિલ્મ પણ આવી જ હોવા છતાં રૂ.100 કરોડ કમાઈ ગઈ હતી એટલે આ ફિલ્મને બહુ બદનામ ન કરી શકાય.
 
        આ એક એવી ફિલ્મ છે જેની એક્સપાયરી ડેટ 10-15 વર્ષ પહેલાં પૂરી થઈ ગઈ છે. જો આ ફિલ્મ પહેલાં આવી હોત તો કદાચ આખો પરિવાર સાથે બેસીને થિયેટરમાં હસતો હોત. ૨૦૨૬ના સમયમાં આ ફોર્મ્યુલા કામ ન કરી શકે. નિર્માતાએ ગોવિંદાની જૂની ફિલ્મોની ફોર્મ્યુલા અપનાવી છે. જેમાં ઘણું બધું કન્ફ્યુઝન ઊભું કરો એટલે કોમેડી આપોઆપ બની જશે. ક્લાઈમેક્સ તરફ જતાં વાર્તાને થોડી વધુ ખેંચવામાં આવી છે અને તે એક કટાક્ષની જેમ ચાલે છે. આ એક એવી ફિલ્મ જે તેની લોજિકલેસ કોમેડીથી બિલકુલ શરમાતી નથી. નિર્દેશક મુદસ્સર અઝીઝની આ પોતાની એક અલગ દુનિયા છે. તેમણે ફિલ્મને ખૂબ જ લાઉડ રાખી છે. એ ફિલ્મની સૌથી મોટી તાકાત અને સૌથી મોટી નબળાઈ બંને છે.
 
        ફિલ્મનું ટ્રેલર જોઈને વાર્તાનો જે અંદાજ લગાવવામાં આવ્યો હતો તેનાથી સાવ અલગ નીકળે છે. ટ્રેલરમાં જે બતાવવામાં આવ્યું હતું તે માત્ર દર્શકોને મુંઝવણમાં મૂકવા માટે જ હતું. ફિલ્મની અસલી વાર્તા અલગ જ દિશામાં આગળ વધે છે, આમ છતાં આયુષ્માન ની હાજરી અને હળવી કોમેડીના કારણે ફિલ્મ ક્યાંક ને ક્યાંક મનોરંજન પૂરું પાડે છે. ગેરસમજો વચ્ચે એકાદ-બે જગ્યાએ જોરદાર હાસ્ય પણ આવી જાય છે. સંગીતની વાત કરીએ તો અનેક સંગીતકારોની હાજરી છતાં ફક્ત 'હમને દિલ વહી લગાયા' અને 'રૂપ દી રાની' જેવા એક-બે ગીતો યાદગાર રહ્યા છે.
 

        સારી વાત એ છે કે ફિલ્મ પૂરા બે કલાકની પણ નથી. તેથી વાર્તા ખૂબ જ ઝડપી ગતિએ આગળ વધે છે. ફિલ્મમાં કોઈ અશ્લીલતા નથી. જેથી મિત્રો અને પરિવાર સાથે જોઈ શકાય એમ છે. જો બહુ મોટી આશા ન રાખવામાં આવે તો તે બોલિવૂડની એક ટિપિકલ કોમેડી ફિલ્મ સાબિત થાય છે. જે કંઈપણ નવું પીરસતી નથી.