આજે સાંજે નોકરીએથી ઘરે પરત ફરતી વખતે ટ્રેનમાં રજા સાહેબ સાથે મુલાકાત થઈ. અમારી સામેની સીટ પર સૈયદ કાકા બેઠા હતા.
રજા સાહેબ આવીને બેઠા કે તરત જ પેશાબ કરવા ઊભા થઈ ગયા. મેં તક ઝડપીને પૂછી લીધું, "સાહેબ, શું તમે સૈયદ કાકાના ગામ રાહતપુરથી આવો છો?"
તેઓ હસીને બોલ્યા, "ના ભાઈ, હું તો સીટીમાંથી આવું છું. સૈયદ કાકા રાહતપુરના, હું ભરૂચ સીટીનો."
ત્યાં તો બે-ત્રણ જણા ખાલી જગ્યા જોઈને બેસવા આવ્યા, પણ સૈયદ કાકાએ હાથ ઊંચો કરીને બધાને રોકી દીધા. બોલ્યા, "ભાઈ અહીં સાહેબ બેઠા છે, જરા જઈને આવ્યા." કોઈને બેસવા ન દીધા. રજા સાહેબ પાછા આવ્યા ત્યારે સીટ સલામત જોઈને હસી પડ્યા.
વાતોનો દોર શરૂ થયો. ખબર પડી કે રજા સાહેબ સુરતના કાપડ ઉદ્યોગ સાથે જોડાયેલા છે. મેં ઉત્સુકતાથી પૂછ્યું, "કાપડ ઉદ્યોગમાં ડાયમંડનું શું કામ?"
ત્યારે તેમણે સમજાવ્યું: "કાપડ ઉપર જે ચમકતા સ્ટોન લગાવાય છે, એ મશીનથી લગાવવાનું કામ અમે કરીએ છીએ." તેઓ ડાયમંડ-સ્ટોન વર્કના સુપરવાઈઝર છે.
તેમણે પોતાની કંપનીનું કાર્ડ બતાવ્યું. 1000થી વધુ લોકો ત્યાં કામ કરે છે, જેમાં 930 બહેનો છે. વાત કરતા કરતા તેમણે મોબાઈલ કાઢ્યો અને રક્ષાબંધનનો વિડિયો બતાવ્યો. આખા યુનિટની બહેનો લાઈનમાં ઊભી રહીને તેમને રાખડી બાંધી રહી હતી. સાહેબ રાખડી બંધાવતા પણ નજર મશીન ઉપર જ હતી. કોઈ બહેન સ્ટોન ખોટી જગ્યાએ લગાવે તો તરત ટોકતા હતા, "દીદી, બે મિલિમીટર ડાબી બાજુ." મેં કહ્યું, "વાહ સાહેબ, કામ અને લાગણી બંને સાચવો છો." તેઓ બોલ્યા, "ભાઈ, આ 930 બહેનોની જવાબદારી છે. એક સ્ટોન આઘોપાછો થાય તો આખો પીસ રિજેક્ટ."
વચ્ચે મેં ફરી સૈયદ કાકા તરફ ઈશારો કરીને પૂછ્યું, "કાકા કેવા માણસ?"
રજા સાહેબ બોલ્યા, "અરે, સૈયદ કાકા તો ખૂબ જ ભોળા અને પ્રામાણિક માણસ છે. કોઈની સાથે અન્યાય થવો તે તેમને સહન થતું નથી. પોતાની પરવા કર્યા વિના મદદ કરવા આગળ આવે છે. કોઈની લાગણી ન દુભાય એ રીતે બીજાનું હિત વિચારે છે. ઘણીવાર સવારે મને અડધા રસ્તેથી સ્ટેશન સુધી મૂકી દે છે, જેથી મારી ટ્રેન ન ચૂકાઈ જાય. ઝડપથી કર્ણાવતી એક્સપ્રેસ પકડાઈ જાય એટલે ટાઈમસર ફેક્ટરીએ પહોંચી જાઉં. અમે ઘણીવાર સાથે કર્ણાવતી એક્સપ્રેસમાં જ આવીએ છીએ. હા, અને એક વાત ખરી, ખાવા-પીવાના બહુ શોખીન છે!" એ સાંભળીને સૈયદ કાકા શરમાઈને હસી પડ્યા.
પછી વાત નીકળી અજમેરા મોલની. રજા સાહેબ બોલ્યા, "સુરતનો સૌથી મોટો ઉદ્યોગ છે. અડધા કલાકમાં ગમે તેટલો મોટો ઓર્ડર ડિલિવર કરી દે. સહારા દરવાજાથી રતન માર્કેટ સુધી વર્ચસ્વ છે. આખા પરિવાર માટે કપડાં મળે."
મેં પૂછ્યું, "આપણા માપના કપડાં મળે?"
"કેમ નહીં, પણ એક બ્રાન્ડેડ પેન્ટ 4500 રૂપિયાની આવશે."
"બજેટ બહાર છે. સસ્તામાં બ્રાન્ડેડ ક્યાં મળે?"
"ચોક બજારમાં Yahoo Collectionમાં જજો. 1500 રૂપિયાથી Low Mine જેવા હેવી બ્રાન્ડ મળી જશે." તેમણે પોતાના 1500 વાળા શર્ટ બતાવ્યા.
અંતે તેમને રીંગટોન સેટ કરવામાં તકલીફ પડતી હતી. મેં મદદ કરી. રજા સાહેબ ખુશ થઈને બોલ્યા, "ક્યારેક સાથે Yahoo Collectionમાં જઈએ."
ટ્રેન અટકી. જતા જતા બોલ્યા, "કામ હોય તો આવજો, સ્ટોન ફિટિંગમાં ડિસ્કાઉન્ટ અપાવી દઈશ."
બારીમાંથી જોયું. સીટીના રજા સાહેબ, 930 બહેનોને રાખડીના તાંતણે બાંધનાર, બે મિલિમીટરનો હિસાબ રાખનાર, અને સૈયદ કાકાની મદદથી કર્ણાવતી એક્સપ્રેસ પકડનાર માણસ, પોતાની રીંગટોન માટે બીજા પર આધાર રાખતા હતા.
સૈયદ કાકા હજી સામે બેઠા હતા. રાહતપુરનું ભોળપણ લઈને બીજાની સીટ સાચવનાર, અડધા રસ્તેથી સ્ટેશન સુધી મૂકી આવનાર માણસ પોતાના માટે કશું માંગતો નથી.
મારું સ્ટેશન આવ્યું. વિચાર આવ્યો - કોઈ સીટ સાચવે છે, કોઈ સ્ટોન સાચવે છે, કોઈ ટ્રેન પકડાવે છે. કોઈ સીટીથી આવે છે, કોઈ રાહતપુરથી. બસ બધા પોતપોતાની રીતે ‘સુપરવાઈઝર’ છે. કોઈ 4500નું સપનું બતાવે છે, તો કોઈ સૈયદ કાકા બનીને 1500માં જ અને કર્ણાવતી એક્સપ્રેસની દોસ્તીમાં જ બધાના દિલ જીતી લે છે કોઈ રાખડીના તાંતણે બંધાઈને 1500માં જ જીવતર જીવી જાય છે.