ભિખારીણી ( ભીખ માંગતી સ્ત્રી )
લેખક : રવીન્દ્રનાથ ટાગોર
અનુવાદ : રૂષિલ ડોડીયા
પ્રથમ પરિચ્છેદ
કાશ્મીરની ક્ષિતિજ સુધી વિસ્તરેલી અને વાદળોને સ્પર્શતી પર્વતમાળાઓની વચ્ચે એક નાનકડું ગામ છે. નાના-નાના ઝૂંપડાઓ ગાઢ ઝાડીઓ વચ્ચે છુપાયેલા છે. અહીં-તહીં હરોળબદ્ધ વૃક્ષોની છાયામાંથી એક-બે પાતળા, ચંચળ અને રમતીયાળ ઝરણાં ગ્રામીણ કુટિરોના ચરણો પલાળતા, નાના કાંકરાઓ પર ઝડપથી વહેતા અને વૃક્ષો પરથી ખરેલા ફૂલો તથા પાંદડાઓને તરંગોમાં ઉથલાવતા નજીકના સરોવરમાં જઈને મળે છે. દૂર સુધી ફેલાયેલું શાંત સરોવર—શરમાળ ઉષાના રતાશ પડતા રંગમાં, સૂર્યના સુવર્ણ કિરણોમાં, સાંજના વાદળોના પ્રતિબિંબમાં અને પૂનમની વહેતી ચાંદનીમાં વિભૂષિત થઈને શૈલલક્ષ્મીના નિર્મળ દર્પણની જેમ આખો દિવસ-રાત હસી રહ્યું છે. ઘટાદાર વૃક્ષોથી ઘેરાયેલું આ અંધારિયું ગામ પર્વતમાળાના નિર્જન ખોળામાં અંધકારનો ઘૂમટો ઓઢીને દુનિયાના કોલાહલથી દૂર એકલું છુપાયેલું છે. દૂર-દૂર લીલાછમ ખેતરોમાં ગાયો ચરી રહી છે, ગ્રામીણ કન્યાઓ સરોવરમાંથી પાણી ભરી રહી છે, અને ગામના અંધારા કુંજમાં બેસીને વનનો ઉદાસ કવિ 'બઉ-કથા-કઉ' (ચકવા-ચકવી જેવું પક્ષી) હૃદયનું કરુણ ગાન ગાઈ રહ્યું છે. આખું ગામ જાણે કોઈ કવિનું સ્વપ્ન હોય તેવું લાગે છે.
આ ગામમાં બે બાળકો વચ્ચે ખૂબ જ પ્રેમ હતો. બંને હાથ પકડીને ગ્રામીણ પ્રકૃતિના ખોળામાં રમતા; બકુલના કુંજમાં ખોળો ભરીને ફૂલો વીણતા; આકાશમાં સવારનો તારો આથમે તે પહેલાં અને ઉષાના વાદળો લાલ થાય તે પહેલાં જ સરોવરના પાણીમાં તરંગો ઉઠાવતા છિન્ન કમળની જેમ આજુબાજુ તરતા હતા. શાંત બપોરે શીતળ વૃક્ષની છાયામાં પર્વતની ટોચ પર બેસીને સોળ વર્ષનો અમરસિંહ ધીમા અને મૃદુ સ્વરે રામાયણ વાંચતો. દુષ્ટ રાવણ દ્વારા સીતાહરણનો પ્રસંગ વાંચીને તે ક્રોધથી ભરાઈ જતો. દસ વર્ષની કમલદેવી તેની સામે સ્થિર હરણ જેવી આંખો ઊંચી કરીને શાંતિથી સાંભળતી, અશોકવાટિકામાં સીતાના વિલાપની કથા સાંભળીને તેની આંખો આંસુથી ભીની થઈ જતી. ધીરે ધીરે આકાશના વિશાળ આંગણમાં તારારૂપી દીવા પ્રગટતા અને સાંજના અંધકારમાં આગિયા ચમકતા, ત્યારે બંને હાથ પકડીને કુટિરે પાછા ફરતા. કમલદેવી ખૂબ જ અભિમાની (સંવેદનશીલ) હતી; જો કોઈ તેને કંઈ કહેતું તો તે અમરસિંહના હૃદયમાં મોઢું છુપાવીને રડતી. અમર તેને સાંત્વના આપતો, તેના આંસુ લૂછતો અને વહાલથી તેના આંસુથી ભીના ગાલ પર ચુંબન કરતો ત્યારે બાળકીની બધી વેદના શમી જતી. દુનિયામાં તેનું કોઈ નહોતું; માત્ર એક વિધવા માતા હતી અને સ્નેહાળ અમરસિંહ હતો, તેઓ જ તે બાળકીના માન-અભિમાન અને રમતનું સ્થાન હતા.
બાલિકાના પિતા ગામના પ્રતિષ્ઠિત વ્યક્તિ હતા. રાજ્યના ઉચ્ચ અધિકારી હોવાને કારણે સૌ તેમને માન આપતા. વૈભવમાં ઉછરેલી અને મોભાના ઉચ્ચ સ્તરે રહેતી કમલ ગામની અન્ય કન્યાઓ સાથે ક્યારેય ભળી નહોતી, તે બાળપણથી જ તેના પ્રિય સાથી અમરસિંહ સાથે રમતી હતી. અમરસિંહ સેનાપતિ અજિતસિંહનો પુત્ર હતો, તેની પાસે ધન નહોતું પણ તે ઉચ્ચ વંશનો હતો—તેથી જ કમલ અને અમરના લગ્ન નક્કી થયા હતા. એકવાર મોહનલાલ નામના ધનિક પુત્ર સાથે કમલના લગ્નનો પ્રસ્તાવ આવ્યો હતો, પણ કમલના પિતાએ તેનું ચરિત્ર સારું નથી તેમ જાણીને તે સ્વીકાર્યો નહોતો.
કમલના પિતાનું મૃત્યુ થયું. ધીરે ધીરે તેમની સંપત્તિ નષ્ટ થઈ ગઈ. સમય જતાં તેમનો પથ્થરનો મહેલ પણ ધીમે ધીમે તૂટી ગયો. પારિવારિક પ્રતિષ્ઠા ક્ષીણ થઈ ગઈ અને અસંખ્ય મિત્રો એક પછી એક સાથ છોડી ગયા. અનાથ વિધવા જર્જરિત મહેલ છોડીને એક નાની કુટિરમાં રહેવા લાગી. સુખના સ્વર્ગમાંથી દરિદ્રતામાં પટકાયેલી વિધવા અત્યંત કષ્ટ ભોગવી રહી છે. માન-મર્યાદા જાળવવાની વાત તો દૂર, જીવન ટકાવવાનો પણ કોઈ આરો નથી—લાડકી દીકરી આ ગરીબીનું દુઃખ કેવી રીતે સહન કરશે? સ્નેહાળ માતાએ ભીખ માંગીને પણ કમલને ગરીબીનો તાપ લાગવા દીધો નથી.
અમર અને કમલના લગ્ન ટૂંક સમયમાં થવાના છે. લગ્નના હવે માત્ર એક-બે અઠવાડિયા જ બાકી છે. અમર ગામના રસ્તે ફરતા ફરતા કમલને તેના ભવિષ્યના સુખની વાતો કહેતો—મોટા થઈને બંને પેલા પહાડની ટોચ પર કેવી રમતો રમશે, સરોવરમાં કેવી રીતે તરશે, બકુલના કુંજમાં ફૂલો વીણશે; તે બધું જ ગંભીરતાથી નક્કી કરતા. બાળકી અમરના મોઢે ભવિષ્યની વાતો સાંભળીને આનંદથી ઉભરાઈ જતી અને અમરના ચહેરા સામે એકીટશે જોઈ રહેતી. જ્યારે આ બંને બાળકો કલ્પનાના સ્વર્ગમાં વિહરતા હતા, ત્યારે રાજધાનીમાંથી સમાચાર આવ્યા કે રાજ્યની સરહદ પર યુદ્ધ ફાટી નીકળ્યું છે. સેનાપતિ અજિતસિંહ યુદ્ધમાં જશે અને યુદ્ધની તાલીમ આપવા માટે તેમના પુત્ર અમરસિંહને પણ સાથે લઈ જશે.
સાંજ પડી છે, પર્વતની ટોચ પર વૃક્ષની છાયામાં અમર અને કમલ ઉભા છે. અમરસિંહ કહે છે, "કમલ, હું તો ચાલ્યો, હવે તને રામાયણ કોણ સંભળાવશે?"
બાલિકા ભીની આંખે તેના ચહેરા સામે જોઈ રહી.
"જો કમલ, આ આથમેલો સૂર્ય કાલે ફરી ઉગશે, પણ હું તારા ઘરના દરવાજે ટકોરા મારવા નહીં આવું. તો કહે, તું કોની સાથે રમીશ?"
કમલ કંઈ બોલી નહીં, બસ મૌન રહીને જોઈ રહી.
અમરે કહ્યું, "સખી, જો તારો અમર યુદ્ધના મેદાનમાં મરી જાય, તો—"
કમલે તેના નાનકડા હાથોથી અમરને ગળે વળગીને રડવા માંડ્યું; કહ્યું, "હું તને પ્રેમ કરું છું અમર, તું શું કામ મરે?"
યુવાન અમરની આંખો પણ ભરાઈ આવી; તેણે જલ્દીથી આંસુ લૂછીને કહ્યું, "કમલ, ચાલ, અંધારું થઈ રહ્યું છે—આજે છેલ્લી વાર તને તારા ઘરે મૂકી જાઉં."
બંને હાથ પકડીને કુટિર તરફ ચાલ્યા. ગામની કન્યાઓ પાણી ભરીને ગીતો ગાતી ગાતી ઘરે જઈ રહી છે, જંગલમાં પક્ષીઓ ગાઈ રહ્યા છે, આકાશ તારાઓથી ભરાઈ ગયું છે. અમર તેને છોડીને કેમ જાય છે, તેવા અભિમાનમાં (રૂસણામાં) કમલ કુટિરમાં જઈને માતાના ખોળામાં મોઢું છુપાવીને રડવા લાગી. અમર આંસુ ભરી આંખે છેલ્લી વિદાય લઈને પાછો ફર્યો.
અમર તેના પિતા સાથે તે રાત્રે જ ગામ છોડીને નીકળી ગયો. ગામના છેવાડે પહાડ પર ચઢીને તેણે એકવાર પાછું વળીને જોયું; જોયું તો—આખું ગામ ચાંદનીમાં સૂઈ રહ્યું છે, ચંચળ ઝરણાં નાચી રહ્યા છે, ગામનો કોલાહલ શાંત છે. અમરે જોયું કે કમલદેવીની વેલાઓથી ઘેરાયેલી નાની કુટિર પણ શાંત છે. તેણે વિચાર્યું કે કદાચ અત્યારે તે દુઃખી બાળકી ઓશીકે મોઢું છુપાવીને મારી રાહ જોતી રડતી હશે. અમરની આંખોમાં આંસુ આવી ગયા.
અજિતસિંહે કહ્યું, "રાજપૂત બાળક! યુદ્ધ પર જતી વખતે રડે છે!"
અમરે આંસુ લૂછી નાખ્યા.
શિયાળો છે. દિવસ પૂરો થવા આવ્યો છે. ગાઢ અંધકારમય વાદળોએ ખીણ, પહાડ, ઝૂંપડા અને સરોવરને ગળી લીધા છે. સતત બરફ પડી રહ્યો છે, આખો પર્વત બરફથી ઢંકાઈ ગયો છે. પાંદડા વગરના વૃક્ષો જાણે સફેદ ટોપી પહેરીને ઊભા હોય તેમ લાગે છે. અતિશય ઠંડીમાં હિમાલય પણ જાણે થાકી ગયો છે. આ ઠંડી સાંજની ઉદાસી વચ્ચે, એક કરમાયેલા ચહેરાવાળી, ફાટેલા કપડાં પહેરેલી ગરીબ છોકરી રડતી આંખે રસ્તા પર ભટકી રહી છે. બરફમાં તેના પગ પથ્થર જેવા જડ થઈ ગયા છે, શરીર ધ્રૂજી રહ્યું છે, મોઢું ઠંડીથી નીલું પડી ગયું છે. બાજુમાંથી પસાર થતા વટેમાર્ગુઓ સામે તે આશાભરી નજરે જુએ છે, કંઈક કહેવા જાય છે પણ બોલી શકતી નથી, અને તેના આંસુ બરફ પર પડતા જાય છે.
કુટિરમાં તેની બીમાર માતા ભૂખી સૂતી છે. આખો દિવસ બાળકીને અન્નનો એક દાણો પણ મળ્યો નથી. સવારથી સાંજ સુધી તે ભટકી રહી છે. પણ ડરની મારી તે કોઈની પાસે ભીખ માંગી શકી નથી—તેણે ક્યારેય ભીખ માંગી નથી, તેને ખબર નથી કે કેવી રીતે મંગાય. તેની તે કરુણ હાલત જોઈને પથ્થરનું હૃદય પણ પીગળી જાય.
ધીરે ધીરે અંધારું વધ્યું. નિરાશ થયેલી બાળકી તૂટેલા હૃદયે ખાલી હાથે ઘર તરફ પાછી ફરી રહી છે—પણ તેના પગ હવે ઉપડતા નથી. ભૂખથી નબળી, થાકેલી અને ઠંડીથી થીજી ગયેલી તે બાળકી રસ્તાના કિનારે બરફ પર ઢળી પડી. તેને સમજાયું કે તે હવે બરફમાં દટાઈને મરી જશે. માતાને યાદ કરીને તે રડી પડી; હાથ જોડીને કહ્યું, "હે મા ભગવતી, મને મારી નાખશો નહીં, મને બચાવો, જો હું મરી જઈશ તો મારી મા રડશે, મારો અમર રડશે."
ધીરે ધીરે તે બેભાન થઈ ગઈ. કમલ વિખરાયેલા વાળ સાથે, કોઈ ખરેલા ફૂલની જેમ રસ્તાના કિનારે પડી રહી. તેના પર બરફ પડતો રહ્યો અને જામતો રહ્યો. આ કાળી રાત્રે કોઈ વટેમાર્ગુ પણ ત્યાંથી પસાર થઈ રહ્યું નથી. વરસાદ પડવા લાગ્યો, રાત વધવા લાગી અને બરફ જામતો રહ્યો. તે બાલિકા એકલી પર્વતના રસ્તે પડી રહી.
દ્વિતીય પરિચ્છેદ
કમલની માતા તે તૂટેલી કુટિરમાં રોગશય્યા પર પડેલી છે. જર્જરિત ઘરની તિરાડોમાંથી ઠંડો પવન તીવ્ર વેગે અંદર આવી રહ્યો છે. વિધવા માતા ઘાસની પથારી પર સૂતા-સૂતા થરથર ધ્રૂજી રહી છે. ઘરમાં અંધકાર છે, દીવો પ્રગટાવનાર પણ કોઈ નથી. કમલ સવારે ભીખ માંગવા નીકળી છે, જે હજુ સુધી પાછી ફરી નથી. વ્યાકુળ થયેલી માતા દરેક પગરવ સાંભળીને 'કમલ આવી' એમ વિચારી ચોંકી ઉઠે છે. કમલને શોધવા માટે વિધવાએ કેટલીય વાર ઉઠવાનો પ્રયત્ન કર્યો, પણ તે ઉઠી શકી નહીં. અનેક આશંકાઓથી ઘેરાયેલી માતા દેવતા પાસે કરુણ રુદન સાથે પ્રાર્થના કરી રહી છે; આંસુ ભરી આંખે તે કેટલીય વાર કહે છે, "હું કમનસીબ છું, મારું મૃત્યુ કેમ ન થયું? જે બાળકી ક્યારેય ભીખ માંગતા જાણતી નથી, તેને પણ આજે અનાથની જેમ કોઈના દ્વારે જઈને ઉભા રહેવું પડ્યું? નાનકડી બાળકી વધારે દૂર ચાલી શકતી નથી—તે આ અંધકારમાં, બરફમાં અને વરસાદમાં કેવી રીતે જીવશે?"
તે ઉઠી શકતી નથી અને કમલ પણ દેખાતી નથી, એટલે વિધવા માતા છાતી પીટીને અધીરા થઈ રડવા લાગી. એક-બે પાડોશીઓ વિધવાની ખબર કાઢવા આવ્યા હતા; વિધવાએ તેમના પગ પકડી લીધા અને ભીની આંખે કાલાવાલા કરવા લાગી, "મારી પથ ભૂલેલી કમલ ક્યાં ભટકી રહી હશે, એકવાર તેને શોધવા તો જાઓ."
તેમણે કહ્યું, "આવા બરફ અને અંધકારમાં અમે ઘરની બહાર નીકળી શકીએ તેમ નથી."
વિધવાએ રડતા રડતા કહ્યું, "એકવાર જાઓ—હું અનાથ છું, ગરીબ છું, મારી પાસે ધન નથી, હું તમને શું આપીશ? નાની બાળકી છે, તે રસ્તો નથી જાણતી, તેણે આજે આખો દિવસ કંઈ ખાધું નથી—તેને તેની માતાના ખોળામાં લાવી આપો—ઈશ્વર તમારું ભલું કરશે."
કોઈએ સાંભળ્યું નહીં. તેવા વીજળીના કડાકા અને વરસાદમાં કોણ બહાર નીકળે? સૌ પોતપોતાના ઘરે પાછા ફર્યા.
ધીરે ધીરે રાત વધવા લાગી. રડી રડીને નબળી પડેલી વિધવા થાકી ગઈ છે અને નિષ્પ્રાણ થઈને પથારીમાં પડી છે, તેવામાં જ બહાર કોઈના પગલાંનો અવાજ સંભળાયો. વિધવાએ આશાભરી નજરે દ્વાર તરફ જોયું અને ક્ષીણ અવાજે પૂછ્યું, "કમલ, બેટા, આવી ગઈ?"
બહારથી કોઈએ કરડા અવાજે પૂછ્યું, "ઘરમાં કોણ છે?"
ઘરની અંદરથી કમલની માતાએ જવાબ આપ્યો. તે વ્યક્તિ 'શાખાદીપ' (પહાડી લોકો ચીડના વૃક્ષની ડાળીઓ સળગાવીને મશાલની જેમ વાપરે છે તે) હાથમાં લઈને ઘરમાં પ્રવેશી. તેણે કમલની માતાને જે કંઈ કહ્યું, તે સાંભળતા જ વિધવા ચીસ પાડીને મૂર્છિત થઈ ગઈ.
ત્રીજો પરિચ્છેદ
બીજી તરફ, બરફમાં થીજી ગયેલી કમલ ધીરે ધીરે હોશમાં આવી અને આંખો ખોલી. તેણે જોયું તો—એક વિશાળ ગુફા છે, જ્યાં ત્યાં મોટા પથ્થરો વિખરાયેલા છે. ગુફા ગાઢ ધુમાડાથી ભરેલી છે અને તે ધુમાડાના અંધકારને ચીરતા મશાલના અજવાળામાં કેટલાંક કઠોર અને દાઢીવાળા ચહેરાઓ કમલ સામે જોઈ રહ્યા છે. દીવાલો પર કુહાડી અને તલવાર જેવા અનેક શસ્ત્રો લટકેલા છે અને ઘરવખરીની કેટલીક ચીજો વેરવિખેર પડી છે. બાળકીએ ડરના માર્યા આંખો મીંચી દીધી.
ફરી આંખો ખોલીને જોયું, તો એક જણે તેને પૂછ્યું, "કોણ છે તું?"
બાળકી ઉત્તર આપી શકી નહીં, એટલે તેણે બાળકીનો હાથ પકડીને જોરથી હલાવીને ફરી પૂછ્યું, "કોણ છે તું?"
કમલે ડરથી ધ્રૂજતા અવાજે કહ્યું, "હું કમલ છું."
તેને લાગ્યું હતું કે આ જવાબથી તેઓ તેની બધી ઓળખ સમજી જશે.
એક જણે પૂછ્યું, "આજે સાંજના આવા તોફાની વાતાવરણમાં તું રસ્તા પર કેમ ભટકી રહી હતી?"
બાળકી હવે રહી શકી નહીં અને રડી પડી. રડમસ અવાજે તેણે કહ્યું, "આજે મારી માતાએ આખો દિવસ કંઈ ખાધું નથી—"
બધા હસી પડ્યા—તેમના નિર્દય અટ્ટહાસ્યથી ગુફા ગુંજી ઉઠી. બાળકીની વાત તેના મોઢામાં જ રહી ગઈ અને કમલે ડરના માર્યા આંખો બંધ કરી દીધી. લૂંટારાઓનું હાસ્ય બાળકીના હૃદયમાં વજ્રના પ્રહાર જેવું લાગ્યું; તે ડરથી રડતા રડતા બોલી, "મને મારી માતા પાસે લઈ જાઓ."
ફરી બધા સાથે મળીને હસી પડ્યા. ધીરે ધીરે તેમણે કમલ પાસેથી તેનું રહેઠાણ, માતા-પિતાના નામ વગેરે જાણી લીધા. અંતે એક જણે કહ્યું, "અમે લૂંટારા છીએ અને તું અમારી કેદી છે. તારી માતાને સંદેશો મોકલીએ છીએ, જો તે નક્કી કરેલા પૈસા ઠરાવેલા સમયમાં નહીં આપે, તો અમે તને મારી નાખીશું."
કમલે રડતા રડતા કહ્યું, "મારી માતા પાસે પૈસા ક્યાંથી હોય? તે તો ખૂબ ગરીબ છે. તેમનું મારા સિવાય કોઈ નથી—મને મારશો નહીં, મને મારશો નહીં, મેં કોઈનું કંઈ બગાડ્યું નથી."
ફરી બધા હસી પડ્યા.
કમલની માતા પાસે એક દૂત મોકલવામાં આવ્યો. તેણે જઈને કહ્યું, "તારી દીકરી કેદ થઈ છે—આજથી ત્રીજા દિવસે હું આવીશ—જો પાંચસો સિક્કા આપી શકીશ તો તેને મુક્ત કરી દઈશ, નહીંતર તારી દીકરી ચોક્કસ માર્યા જશે."
આ સમાચાર સાંભળતા જ કમલની માતા મૂર્છિત થઈ ગઈ હતી.
ગરીબ વિધવાને આટલા પૈસા ક્યાંથી મળે? તેણે એક પછી એક બધી વસ્તુઓ વેચી દીધી. કમલના લગ્ન વખતે આપવા માટે જે ઘરેણાં રાખ્યા હતા, તે પણ વેચી દીધા. તેમ છતાં નક્કી કરેલી રકમના ચોથા ભાગ જેટલા પૈસા પણ ન થયા. હવે તેની પાસે કંઈ જ બચ્યું નહોતું. અંતે તેણે છાતી પરથી વસ્ત્ર હટાવ્યું, ત્યાં તેના મૃત પતિની એક વીંટી રાખી હતી—તેણે વિચાર્યું હતું કે સુખ હોય કે દુઃખ, ગમે તેવી ગરીબી હોય પણ આ વીંટી ક્યારેય ત્યાગશે નહીં, હંમેશા હૃદય પાસે છુપાવી રાખશે. તેણે વિચાર્યું હતું કે આ વીંટી જ તેની અંતિમ ચિતાની સાથી બનશે—પણ ભીની આંખે તેણે તે પણ બહાર કાઢી.
જ્યારે તે વીંટી વેચવા માંગતી હતી, ત્યારે તેને લાગ્યું કે જાણે તે તેના હૃદયનું એક હાડકું તોડી રહી છે, પરંતુ કોઈએ તે ખરીદી નહીં.
અંતે વિધવા દ્વારે-દ્વારે ભીખ માંગવા લાગી. એક દિવસ ગયો, બીજો ગયો અને ત્રીજો દિવસ પણ આવી ગયો, પણ નક્કી કરેલા પૈસાના અડધા પણ ભેગા થયા નહીં. આજે પેલો લૂંટારો આવશે. જો આજે તેના હાથમાં પૈસા નહીં આપે, તો વિધવાના સંસારનું જે એકમાત્ર બંધન બાકી છે તે પણ તૂટી જશે.
પરંતુ પૈસા ન મળ્યા. તેણે ભીખ માંગી, ઘરે-ઘરે જઈને રડી, સુખના સમયમાં જેઓ તેના પતિના સામાન્ય સેવકો હતા તેમની પાસે પણ પાલવ ફેલાવ્યો—છતાં નક્કી કરેલી રકમ ભેગી ન થઈ.
ડરથી ફફડતી કમલ ગુફાની જેલમાં રડી રડીને બેહાલ થઈ ગઈ. તે વિચારી રહી છે કે જો તેનો અમરસિંહ હોત તો આવી કોઈ દુર્ઘટના ન બની હોત. અમરસિંહ ભલે બાળક હતો, પણ તેને વિશ્વાસ હતો કે અમર બધું જ કરી શકે છે. લૂંટારાઓ તેને વચ્ચે-વચ્ચે ડરાવી જતા. લૂંટારાઓને જોતા જ તે ડરના માર્યા મોઢું છુપાવી લેતી.
આ અંધારી જેલમાં, આ ક્રૂર લૂંટારાઓની વચ્ચે એક યુવાન હતો. તે કમલ સાથે એટલો કઠોર વ્યવહાર કરતો નહોતો. તે વ્યાકુળ બાળકીને વહાલથી કેટલીય વાતો પૂછતો, પણ કમલ ડરના કારણે કોઈ જવાબ આપતી નહીં. લૂંટારો પાસે બેસતો ત્યારે તે ડરના માર્યા જડ થઈ જતી. તે યુવાન લૂંટારાના સરદારનો દીકરો હતો. તેણે એકવાર કમલને પૂછ્યું હતું કે લૂંટારા સાથે લગ્ન કરવામાં તેને કોઈ વાંધો છે? તે વચ્ચે-વચ્ચે પ્રલોભન આપતો કે જો કમલ તેની સાથે લગ્ન કરે તો તે તેને મોતમાંથી બચાવી લેશે. પણ ડરપોક કમલ કોઈ વાતનો જવાબ આપતી નહીં. એક-બે દિવસ વીતી ગયા, બાળકીએ ડરતા ડરતા જોયું કે લૂંટારાઓ દારૂ પીને છરીઓને ધાર કાઢી રહ્યા છે.
આ બાજુ વિધવાના ઘરે લૂંટારાનો દૂત પ્રવેશ્યો. તેણે વિધવાને પૂછ્યું કે પૈસા ક્યાં છે? વિધવાએ ભીખ માંગીને જે કંઈ ભેગું કર્યું હતું તે બધું લૂંટારાના પગમાં ધરી દીધું અને કહ્યું, "મારી પાસે હવે કંઈ જ નથી, જે હતું તે બધું આપી દીધું છે, હવે તમારી પાસે ભીખ માંગુ છું કે મારી કમલને મને પાછી લાવી આપો."
લૂંટારાએ તે સિક્કાઓ ગુસ્સામાં ફેંકી દીધા. તેણે કહ્યું, "ખોટું બોલીને બચી શકીશ નહીં, જો નક્કી કરેલી રકમ નહીં આપે તો આજે તારી દીકરી ચોક્કસ માર્યા જશે. હું જાઉં છું—અમારા સરદારને કહી દઈશ કે પૈસા નથી મળ્યા, હવે માણસના લોહીથી મહાકાળીની પૂજા કરો."
વિધવાએ ઘણી વિનંતી કરી, ઘણું રડી, પણ લૂંટારાનું પથ્થર જેવું હૃદય પીગળ્યું નહીં. જ્યારે લૂંટારો જવા લાગ્યો ત્યારે વિધવાએ કહ્યું, "જશો નહીં, થોડીવાર થોભો, હું વધુ એક વાર કોશિશ કરી જોઉં છું."
આમ કહીને તે બહાર નીકળી ગઈ.
ચોથો પરિચ્છેદ
મોહનલાલ સાથે કમલના લગ્નનો પ્રસ્તાવ આવ્યો હતો, પરંતુ તે લગ્ન ન થવાને કારણે મોહન મનોમન ખૂબ ક્રોધિત હતો. કમલની બધી હકીકત મોહનલાલને સવારમાં જ જાણવા મળી ગઈ હતી અને તેણે તરત જ કુળગુરુને બોલાવીને લગ્ન માટે કોઈ નજીકનું ઉત્તમ મુહૂર્ત છે કે નહીં તે પૂછી લીધું.
ગામમાં મોહન જેવો ધનવાન બીજું કોઈ નહોતું; વ્યાકુળ થયેલી વિધવા માતા આખરે તેના ઘરે આવી પહોંચી. મોહને ઉપહાસના સ્વરે હસીને કહ્યું, "આ કેવું અદભૂત કહેવાય! આટલા સમય પછી ગરીબની કુટિરમાં પગલાં પડ્યા?"
વિધવા: "મજાક ન કર. હું ગરીબ છું અને તારી પાસે ભીખ માંગવા આવી છું."
મોહન: "શું થયું છે?"
વિધવાએ આદ્યંત બધી જ ઘટના કહી સંભળાવી.
મોહને પૂછ્યું, "તો, મારે શું કરવાનું છે?"
વિધવા: "કમલના પ્રાણ બચાવવાના છે."
મોહન: "કેમ, અમરસિંહ અહીં નથી?"
વિધવા ઉપહાસ સમજી ગઈ. તેણે કહ્યું, "મોહન, જો રહેવા માટે ઘર ન હોત અને મારે જંગલોમાં ભટકવું પડત, ભૂખના લીધે પાગલ થઈને મરી જવું પડત, તો પણ હું તારી પાસે એક તણખલું પણ ન માંગત. પરંતુ આજે જો તું આ વિધવાની એકમાત્ર ભિક્ષા પૂર્ણ નહીં કરે, તો તારી આ નિષ્ઠુરતા મને કાયમ યાદ રહેશે."
મોહન: "આવ, તો તને એક વાત કહું. કમલ દેખાવમાં ખરાબ નથી, અને એવું પણ નથી કે તે મને પસંદ નથી, તો હવે તેની સાથે મારા લગ્નમાં મને કોઈ વાંધો દેખાતો નથી. તારાથી શું છુપાવવું, વગર કારણે ભીખ આપવી પડે તેવી મારી હાલત નથી."
વિધવા: "પણ અમર સાથે તો તેના લગ્ન પહેલેથી જ નક્કી થઈ ગયા છે."
મોહને કોઈ જવાબ આપ્યા વિના હિસાબનું ચોપડું ખોલીને લખવા માંડ્યું. જાણે ઘરમાં કોઈ જ ન હોય, જાણે કોઈની સાથે વાત જ ન થઈ હોય! બીજી બાજુ સમય વીતતો જતો હતો, લૂંટારો હજુ ઊભો છે કે જતો રહ્યો તેની કશી ખબર નહોતી. વિધવાએ રડતા રડતા કહ્યું, "મોહન, હવે મને વધુ હેરાન ન કર, સમય વીતી રહ્યો છે."
મોહન: "થોભ, કામ પતાવી લઉં."
અંતે જો વિધવા માતા લગ્નના પ્રસ્તાવ માટે સંમત ન થઈ હોત, તો આખું વર્ષ પણ કામ પતત કે નહીં તે શંકાસ્પદ હતું. વિધવાએ મોહનલાલ પાસેથી પૈસા લઈને લૂંટારાને આપ્યા અને તે ચાલ્યો ગયો. તે જ દિવસે, ડર અને આશંકાથી ફફડતી હરણી જેવી વ્યાકુળ બાલિકા માતાના ખોળામાં પાછી ફરી અને તેમના બાહુપાશમાં મોઢું છુપાવીને ઘણીવાર સુધી રડ્યા પછી તેનું મન શાંત થયું.
પરંતુ અનાથ બાલિકા એક લૂંટારાના હાથમાંથી છૂટીને બીજા લૂંટારાના હાથમાં પડી.
કેટલાય વર્ષો વીતી ગયા. યુદ્ધની જ્વાળાઓ શમી ગઈ છે. સૈનિકો દેશમાં પાછા ફર્યા છે અને શસ્ત્રો છોડીને હવે ખેતી કરી રહ્યા છે. વિધવા માતાને સમાચાર મળ્યા કે અજિતસિંહ માર્યા ગયા છે અને અમર કેદ થયો છે. પરંતુ તેમણે દીકરીને આ સમાચાર જણાવ્યા નહીં.
મોહન સાથે તે બાલિકાના લગ્ન થઈ ગયા.
મોહનનો ક્રોધ જરા પણ શાંત થયો નહોતો. તેની પ્રતિશોધની ભાવના લગ્ન કરવાથી સંતોષાઈ નહોતી. તે નિર્દોષ અને અબળા બાળકી પર વગર કારણે અત્યાચાર કરતો. કમલ માતાના ખોળાની શીતળ છાયામાંથી નીકળીને આ ક્રૂર કારાવાસમાં આવીને અત્યંત કષ્ટ ભોગવી રહી છે, કમનસીબ બાળકીને રડવાની પણ છૂટ નથી. આંખમાં આંસુનું એક ટીપું પણ દેખાય તો મોહનની ધમકીના ડરથી તે તરત લૂછી નાખતી.
પાંચમો પરિચ્છેદ
પર્વતની ટોચ પરના પવિત્ર બરફના દર્પણ પર ઉષાના રતાશ પડતા વાદળોના સ્તરો રચાયા. સૂતેલી વિધવા માતા દરવાજે ટકોરા સાંભળીને જાગી ગઈ. દરવાજો ખોલીને જોયું તો સૈનિકના વેશમાં અમરસિંહ ઉભો હતો. વિધવા કંઈ સમજી શકી નહીં અને સ્તબ્ધ થઈને ઉભી રહી.
અમરે ઉતાવળમાં પૂછ્યું, "કમલ, કમલ ક્યાં છે?"
જવાબ મળ્યો—"પતિના ઘરે."
એક ક્ષણ માટે અમર જડ થઈ ગયો. તેણે કેટલીય આશાઓ સેવી હતી—વિચાર્યું હતું કે કેટલા સમય પછી દેશ પાછો ફરી રહ્યો છે, યુદ્ધના ઉન્મત્ત વાવાઝોડામાંથી નીકળીને હવે પ્રેમની શાંત શીતળ છાયામાં પોઢવા જઈ રહ્યો છે. તે જ્યારે અચાનક દરવાજે જઈને ઉભો રહેશે, ત્યારે હર્ષઘેલી કમલ દોડીને તેને વળગી પડશે. બાળપણના તે સુખદ પર્વત પર બેસીને કમલને યુદ્ધના ગૌરવની વાતો સંભળાવશે અને અંતે કમલ સાથે લગ્ન કરીને જીવનભર પ્રેમના ફૂલોની કુંજમાં સુખના સપના જોશે. પણ આવી સુંદર કલ્પનાઓ પર જે વજ્રપાત થયો, તેનાથી તે ભારે આઘાતમાં સરી પડ્યો. પરંતુ તેના મનમાં ગમે તેટલી ઉથલપાથલ થઈ હોય, તેના પ્રશાંત ચહેરા પર એક પણ રેખા દેખાઈ નહીં.
મોહન કમલને તેના પિયરમાં મૂકીને પરદેશ ચાલ્યો ગયો. પંદર વર્ષની ઉંમરે કમલરૂપી પુષ્પકળી ખીલી ઉઠી હતી. આ દરમિયાન કમલ એક દિવસ બકુલના વનમાં માળા ગૂંથવા ગઈ હતી, પણ ગૂંથી શકી નહીં; દૂરથી જ શૂન્ય મન સાથે પાછી ફરી આવી.
બીજા એક દિવસે તેણે બાળપણના રમકડાં બહાર કાઢ્યા—પણ રમી શકી નહીં, નિરાશા સાથે નિસાસો નાખીને તેણે તે પાછા મૂકી દીધા. અબળાએ વિચાર્યું હતું કે જો અમર પાછો આવશે તો ફરી બંને સાથે મળીને માળા ગૂંથશે અને ફરી સાથે રમશે. કેટલાય સમયથી તેણે તેના બાળસખા અમરને જોયો નહોતો, હૃદયની પીડાથી કમલ ક્યારેક વ્યાકુળ થઈ ઉઠતી. રાત્રિના સમયે ક્યારેક કમલ ઘરમાં દેખાતી નહીં, ત્યારે લોકો તેને શોધતા શોધતા પહાડની તે ટોચ પર પહોંચતા—ત્યાં તે મ્લાન મુખવાળી બાલિકા તારાઓથી ભરેલા અનંત આકાશ સામે નજર માંડીને વિખરાયેલા વાળ સાથે સૂતી જોવા મળતી.
કમલ તેની માતા અને અમર માટે રડતી હતી, તેનાથી મોહન ખૂબ ક્રોધિત થયો હતો. તેને પિયર મોકલતી વખતે મોહને વિચાર્યું હતું કે, 'થોડા દિવસ પૈસાના અભાવે કષ્ટ ભોગવશે, પછી જોઈશું કે કોણ કોના માટે રડી શકે છે.'
પિયરમાં કમલ છુપાઈને રડતી. રાત્રિના પવનમાં તેના કેટલાય નિસાસા ભળી ગયા હતા, એકલવાયી પથારીમાં તેણે કેટલાય આંસુ વહાવ્યા હતા, જેની તેની માતાને ક્યારેય ખબર પડી નહીં.
એક દિવસ કમલને અચાનક સમાચાર મળ્યા કે તેનો અમર દેશમાં પાછો ફર્યો છે. તેના મનમાં જુની વાતોનો દરિયો ઉછળવા લાગ્યો. અમરસિંહનો બાળપણનો ચહેરો યાદ આવ્યો. કમલ ઘણી વાર સુધી રડી અને અંતે અમરને મળવા માટે નીકળી પડી.
તે જ પર્વતની ટોચ પર, બકુલના વૃક્ષની છાયામાં હૃદયભંગ થયેલો અમર બેઠો હતો. તેને બાળપણની એક-એક વાત યાદ આવવા લાગી. ચાંદની રાતો, અંધારી સાંજ અને નિર્મળ સવાર—બધું જ સપનાની જેમ તેની નજર સામે તરવા લાગ્યું. તેણે પોતાના બાળપણ સાથે ભવિષ્યના અંધકારમય રણની સરખામણી કરી—હવે કોઈ સાથી નથી, કોઈ સહારો નથી, કોઈ આશરો નથી. કોઈ તેને પ્રેમથી બોલાવશે નહીં, કોઈ તેના દિલનું દુઃખ સાંભળશે નહીં. તે અનંત આકાશમાં માર્ગ ભટકેલા ધૂમકેતુની જેમ અથવા તોફાની સમુદ્રમાં એક તૂટેલી નાની નૌકાની જેમ આ સંસારમાં એકલો ઉદાસ ભટકશે.
ધીરે ધીરે દૂરના ગામડાનો કોલાહલ શાંત થઈ ગયો. રાત્રિના પવનમાં બકુલના પાંદડાઓનો મર્મર ધ્વનિ કોઈ ગંભીર કરુણ ગાન જેવો લાગતો હતો. અમર તે અંધકારમાં પહાડની ટોચ પર એકલો બેસીને ઝરણાનો ધીમો અવાજ અને પવનનો સૂસવાટો સાંભળી રહ્યો હતો. તેને લાગતું હતું કે આખું જગત અંધકારના સમુદ્રમાં ડૂબી ગયું છે, દૂર સ્મશાનમાં એક-બે ચિતાઓ સળગી રહી હતી અને આખું આકાશ કાળા વાદળોથી ઘેરાયેલું હતું.
અચાનક તેણે ઉમળકાભર્યો અવાજ સાંભળ્યો— "ભાઈ અમર!"
આ અમૃતમય અને સ્નેહાળ સ્વર સાંભળીને તેની સ્મૃતિઓનો સાગર હિલોળા લેવા લાગ્યો. પાછળ ફરીને જોયું તો—કમલ! ક્ષણવારમાં જ તેની નજીક આવીને, તેના ગળે વળગીને અને ખભા પર માથું રાખીને તેણે કહ્યું, "ભાઈ અમર!"
અચળ હૃદયના અમરની આંખોમાંથી પણ અંધકારમાં આંસુ વહી ગયા, પણ અચાનક તે ચોંકીને દૂર ખસી ગયો. કમલે અમરને ઘણી વાતો કહી, અમરે માંડ એક-બે જવાબો આપ્યા. બિચારી કમલ જેટલી ખુશી સાથે હસતી હસતી આવી હતી, તેટલી જ ઉદાસ થઈને રડતી રડતી પાછી ગઈ.
કમલે વિચાર્યું હતું કે તે બાળપણનો અમર પાછો આવ્યો છે અને હું તે બાળપણની કમલ કાલથી ફરી તેની સાથે રમવાનું શરૂ કરીશ. અમર અંદરથી ખૂબ ઘાયલ થયો હતો, છતાં તે કમલ પર ક્રોધિત નહોતો. પરંતુ, તેના કારણે આ વિવાહિત સ્ત્રીના કર્તવ્યમાં કોઈ બાધા ન આવે, તે હેતુથી તે બીજા જ દિવસે ક્યાંક ચાલ્યો ગયો જેની કોઈને ખબર ન પડી.
બાળકીના કોમળ હૃદય પર ફરી વજ્રપાત થયો. તે કેટલાય દિવસો સુધી વિચારતી રહી કે હું આટલા સમય પછી મારા બાળપણના સખા અમર પાસે દોડીને ગઈ, તો અમરે મને કેમ તરછોડી? તેને કંઈ સમજાયું નહીં. એક દિવસ તેણે તેની માતાને આ વાત પૂછી, ત્યારે માતાએ તેને સમજાવ્યું કે સેનાપતિ અમરસિંહ રાજસભાના વૈભવમાં રહીને તારા જેવી ગરીબડી છોકરીને ભૂલી જાય તેમાં નવાઈ શું છે. આ વાતથી ગરીબ બાળકીના હૃદયમાં જાણે તીર વાગ્યું. અમરે તેની સાથે આવું વર્તન કર્યું તેનું તેને દુઃખ નહોતું, પણ તે વિચારતી, "હું ગરીબ છું, મારી પાસે કંઈ નથી, મારું કોઈ નથી. હું બુદ્ધિ વગરની નાની છોકરી, તેના ચરણોની રજને પણ લાયક નથી, તો પછી તેને 'ભાઈ' કહેવાનો મને શું અધિકાર છે? તેને પ્રેમ કરવાનો મને શો હક છે? હું ગરીબ કમલ, હું કોણ કે તેનો સ્નેહ માંગુ!"
આખી રાત રડતા રડતા વીતી જતી. સવાર થતાં જ તે પર્વત પર જઈને ઉદાસ મને બેસી રહેતી. તેના હૃદયમાં જે ઘા થયો હતો તે તેણે દુનિયાથી છુપાવી રાખ્યો હતો, પણ તે ઘા ધીરે ધીરે તેને અંદરથી કોરી ખાતો હતો.
બાળકી હવે કોઈની સાથે વાત કરતી નહીં. આખો દિવસ-રાત મૌન રહીને વિચાર્યા કરતી. હસતી નહીં, રડતી નહીં. ક્યારેક સાંજ પડ્યે પણ તે રસ્તાના કિનારે ઝાડ નીચે મોઢું છુપાવીને બેઠેલી જોવા મળતી. તે ધીરે ધીરે ખૂબ જ નબળી પડવા લાગી. હવે તે ઉઠી પણ શકતી નહોતી; બારી પાસે એકલી બેસીને દૂર પર્વત પર પવનમાં ધ્રૂજતા બકુલના પાંદડાં જોયા કરતી.
વિધવા માતાએ ઘણી કોશિશ કરી પણ તે દીકરીના દુઃખનું કારણ કે તેના રોગનો ઈલાજ સમજી શકી નહીં. કમલ પોતે જ સમજી ગઈ હતી કે તે મૃત્યુની નજીક છે. તેની હવે કોઈ ઈચ્છા નહોતી, બસ ભગવાન પાસે એટલી જ પ્રાર્થના કરતી કે "મરતી વખતે એકવાર અમરને જોઈ લઉં."
કમલની હાલત ગંભીર થઈ ગઈ. તેને વારંવાર મૂર્છા આવવા લાગી. પથારી પાસે તેની માતા અને ગામની અન્ય સખીઓ ઉભી હતી. ગરીબ વિધવા પાસે ઈલાજના પૈસા નહોતા. મોહન ગામમાં નહોતો અને જો હોત તો પણ તેની પાસેથી કોઈ આશા નહોતી. માતાએ દિવસ-રાત મહેનત કરી, બધું વેચીને દીકરીની સેવા કરી. તે વૈદ્યોના દ્વારે ભીખ માંગતી ભટકી કે કોઈ એકવાર તેની કમલને જોવા આવે. ઘણી વિનંતીઓ પછી એક વૈદ્ય આજે રાત્રે આવવા તૈયાર થયા હતા.
અંધારી રાતના તારાઓ વાદળોમાં છુપાઈ ગયા હતા, વીજળીના કડાકા અને વરસાદ મુશળધાર પડી રહ્યો હતો. આવું ભયાનક તોફાન પહાડી લોકોએ ક્યારેય જોયું નહોતું. વિધવાની નાની કુટિર ધ્રૂજી રહી હતી, છતમાંથી પાણી ટપકતું હતું અને બાજુમાં એક નાનકડો દીવો ફફડી રહ્યો હતો. વિધવાએ આ તોફાનમાં વૈદ્યના આવવાની આશા છોડી દીધી હતી.
માતા નિરાશ થઈને એકીટશે કમલના ચહેરા સામે જોઈ રહી હતી. અચાનક કમલની મૂર્છા વળી અને તેણે માતા સામે જોયું. કેટલાય સમય પછી કમલની આંખમાં આંસુ આવ્યા—માતા અને સખીઓ પણ રડી પડી.
અચાનક ઘોડાના ડાબલા સંભળાયા. માતાએ ઉતાવળમાં કહ્યું, "વૈદ્યરાજ આવ્યા!" દરવાજો ખુલ્યો અને એક વ્યક્તિ અંદર આવી. તે આખેઆખો વસ્ત્રોથી ઢંકાયેલો હતો અને તેના કપડાંમાંથી પાણી ટપકતું હતું. તે વ્યક્તિ કમલની ઘાસની પથારી પાસે આવીને ઉભી રહી. કમલે તેની નબળી આંખો ઉંચી કરીને જોયું—તો તે કોઈ વૈદ્ય નહોતા, તે તો સૌમ્ય અને ગંભીર મૂર્તિ એવો અમરસિંહ હતો.
કમલ તેની સામે પ્રેમભરી નજરે જોઈ રહી, તેની આંખોમાંથી આંસુ વહી ગયા અને તેના ફીક્કા ચહેરા પર એક પ્રશાંત સ્મિત છવાઈ ગયું.
પરંતુ આ નબળા શરીરમાં આટલો આનંદ સહન ન થયો. ધીરે ધીરે તે ભીની આંખો મીંચાઈ ગઈ, હૃદયના ધબકારા થંભી ગયા અને જીવનનો દીવો બુઝાઈ ગયો. શોકમગ્ન સખીઓએ તેના પર ફૂલો વરસાવ્યા. અમરસિંહ આંસુ વગરની આંખે અને સૂના હૃદયે અંધકારમાં દોડીને બહાર નીકળી ગયા.
તે દિવસથી દુઃખની મારી વિધવા માતા પાગલ થઈ ગઈ અને ભીખ માંગતી ભટકવા લાગી. સાંજ પડતાં જ તે દરરોજ તે તૂટેલી કુટિરમાં એકલી બેસીને રડતી હતી.