અનોખી સફર…
પ્રકરણ -82
રીચીઝમાં પ્રવેશતાં જ એક સુંદર સેલ્સગર્લ સોહમ કામિનીને આવકારવા આગળ આવી ગઈ બોલી “ અમારાં શોરૂમમાં બ્યુટીફૂલ..લવલી કપલને વેલકમ કરીએ છીએ.અહીં આપને પસંદીતા બધું જ મળી રહેશે..રેડીમેડ કપડા સારી જવેલરી કોસ્મેટિક્સ બ્યુટી ટિપ્સ પર્ફ્યુમ્સ બધુજ..એમ બોલી મધુર હાસ્ય આપી વેલકમ કરી રહી હતી.બ્યુટીફૂલ લવલી કપલ શબ્દ સાંભળી સોહમ અને કામિનીએ એકબીજા સામે જોયું..સોહમ વિચારમાં પડ્યો પણ કામિની ખુશ થઇ ગઈ એણે પેલી સેલ્સગર્લનું ખડખડાટ હસી થેન્ક્સ કહી અભિવાદન કર્યું..સોહમે આછું સ્મિત આપ્યું અને અંદર પ્રવેશ્યા..પેલી સેલ્સગર્લ કામિની પૂછતી ગઈ એમ બધું બતાવતી ગઈ..કામિની એની પસંદગી પ્રમાણે બધું જોઈ રહી હતી ત્યાં સોહમ બાજુના કાઉન્ટર પર સેલ્સમેન પાસેથી લેડીસ ..છોકરીઓના કપડાં જોઈ રહેલો એમાંથી એણે બે ત્રણ સ્કર્ટ ટોપની જોડી પસંદ કરીને અલગ કાઢી અને કહ્યું આ બાજુમાં રાખો હું બીજા જોઉં છું ત્યાં સુધી..હજી એ સૂચના આપે ત્યાં કામિની ત્યાં આવી અને અલગ કાઢેલા ડ્રેસ જોઈ બોલી ઉઠી “ વાહ..ખુબ સરસ ડ્રેસ અલગ કરાવ્યા છે સોહમ..થેંક્યુ કેટલા સરસ મારા માટે પસંદ કર્યા મને ખુબ ગમ્યા છે..તારી ચોઇઝ સાચેજ ખુબ સરસ છે હું આવા અલગ મારા માટે તારવી જ ના શકું.. સોહમ હજી કશી ચોખવટ કરવા જાય ત્યાં સુધીમાં કામિનીએ સેલ્સમેનને ત્રણમાંથી એક અલગ કરી કહ્યું આ પેક કરી દો મને સૌથી વધુ ગમ્યું છે..”
સોહમે કામિનીએ પેક કરવા કીધું પછી સેલ્સમેનને કહ્યું “આ બીજા બે અને દૂર એક ડિસ્પ્લેમાં મુકેલો ડ્રેસ જોઈ કીધું એ પણ પેક કરી દો.આ ચારેનું બિલ મને આપી દો ..” કામિનીએ આશ્ચર્યથી પૂછ્યું “ અરે વાહ બધાજ કપડાં સરસ પસંદ કર્યા છે મને પણ ગમ્યા છે પણ આ બધા ડ્રેસ કોના માટે લીધા ? તલ્લીકા માટે ? પણ એનો ટેસ્ટ તો બહુ ..” ત્યાં સોહમે હસીને મૌન ધારણ કર્યું કોઈ જવાબ ના આપ્યો અને કામિનીને પૂછ્યું “ બોલ બીજું શું લઈશ ? તને પર્ફ્યૂમનો શોખ છે ? અહીં ખુબ સરસ મળે છે.” એમ કહી વાત બીજે વાળી દીધી..કામિનીનાં જવાબની રાહ જોયા વિના એ પરફ્યુમ કાઉન્ટર પર ગયો અને એણે પોતાની પસંદગીનું પરફ્યુમ પસંદ કર્યું પોતાને માટે અને બીજું પરફ્યુમ પસંદ કર્યું એના બે પેક લીધાં .એણે એ પરફ્યુમ કામિનીને આપીને કહ્યું “ લે આ મારી પસંદગી..મને વિશ્વાશ છે તને પણ ખુબ ગમશે..આ નવી દોસ્તીનું પહેલું નજરાણું..” એમ કહી હસ્યો..કામિનીએ થેન્ક્સ કીધું..પણ આ વખતે બીજું પેક કોના માટે લીધું ના પૂછ્યું પણ ખબર હતી આ પરફ્યુમ ચોક્કસ કોઈ છોકરી માટે છે એ નક્કી જ.એણે એના મનમાં આવેલો વિચાર મનમાં જ રાખ્યો કશું પૂછ્યું નહીં..પણ જાણવું તો પડશે જ આ તલ્લીકા માટે તો નથીજ..સોહમે સેલ્સમેનને બિલ બનાવવા કહ્યું..અને કામિનીને કહ્યું “ બોલ તારે બીજું શું લેવું છે ? કે પછી હવે ઘરે જવા નીકળીએ.. “ કામિનીએ ઉપરથી હસીને કહ્યું “ ના બસ..હવે કઈ નહીં આતો એમજ મૂડ હતો સાચું કહું તો બહાનું હતું તારી સાથે આવવાનું..”
સોહમે કહ્યું “ ઓહ ઓકે ..પણ ગમ્યુંને તને..?” કામિનીએ પોતાને આવેલા વિચાર દબાવીને કહ્યું “ સોહમ ખુબ ગમ્યું..તારી કંપની..તારી ચોઈસ..મને પાપાએ તારા અંગે જે રીવ્યુ આપેલો …એના કરતા ઘણો સારો છે તું..” સોહમે કહ્યું “ કામિની એક વાત સ્પષ્ટ કરું ? તારાં અને મારા પાપાએ આમ આપણી મિટિંગ આવી રીતે કેમ ગોઠવી ? તેંજ મને કીધેલું આપણને શોકેશમાં રાખી મેળવે એના કરતા બહાર મળીએ..તો આનો શું અર્થ ? એલોકોના મનમાં શું પ્લાનિંગ ચાલે છે ? આપણને કેમ સ્પષ્ટ જણાવતા નથી? આતો સારું છે કે તું તલ્લીકાની ફ્રેન્ડ છું એનાથી તારા વિષે હું થોડુંઘણું જાણતો હતો મને કોઈ વાંધો ના આવ્યો ના અજાણ્યું લાગ્યું..” કામિનીએ કહ્યું “ મારા વિષે થોડુંઘણું એટલે ? થોડું કે..ઘણું ? “ એમ કહી ફરી ખડખડાટ હસી પડી..પછી બોલી “ મને મારી મોમ પાપા મુંહફટ કહે છે પણ હું એવી નથી સ્પષ્ટ વક્તા છું મને મનમાં કંઈ અને જીભ પર કંઈ બીજું નથી ફાવતું અને કોઈપણ જાતના દંભ ઉપર સખ્ત નફરત છે. મને પાપાએ સ્પષ્ટ કીધેલું કે તું સોહમને મળ..આ એનો મોબાઈલ નંબર અને તારા વિષે થોડી વાત કરી હતી..મને કીધેલું કે મારી ઈચ્છા છે કે તું અને સોહમ એકબીજાને અનુકૂળ આવો તો તારો સબંધ એની સાથે વિચારી શક્ય..દીકરા તને વિચાર આવતો હશે કે અત્યારથી કેમ આટલું વહેલું ? મેં એ વખતે સાચેજ પૂછેલું પાપાને કે કેમ આટલું વહેલું હજી મારે ભણવાનું..એને ભણવાનું બાકી છે.. ત્યારે પાપાએ કહ્યું કે વહેલું છે સમજુ છું પણ લગ્ન નથી કરવાના માત્ર ઈન્ટ્રો અને પસંદગી..સારા કુટુંબના આવા સારા છોકરા મોટી ઉંમરે મળતા નથી દીકરા..મારું કોઈ જ દબાણ નથી પસંદ આવે તો ધ્યાનમાં રાખવાનું છે દોસ્તી કરવાની છે.. મેં હસીને પાપાને કીધેલું કે ઓહ..પાપા એડવાન્સ બુકીંગ બંને જણાએ કરવાનું છે..પાપા હસી પડેલા બોલેલા એવું સમજે તો કશું ખોટું નથી કીધું તે..સોહમ.. આપણા માંબાપ એમાંય છોકરીના ખાસ આવું વિચારતા હોય છે..અત્યારે સંસ્કારી ભણેલા સમજુ છોકરાઓનો દુકાળ જ છે બધા છીછરા ઉડાઉ અને એક નંબરના વ્યસની અને હીપોક્રેટ હોય છે..” સોહમે પૂછ્યું “ ઓક તો મિસ કામિની મારા માટે શું અભિપ્રાય છે ?” કામિની કહે “ વાહ મોઢે ને મોઢે તારા વખાણ સાંભળવા છે ? બહુ જબરો તું ..” સોહમે કીધું “ મેં ક્યાં એવું કીધું કે વખાણ કર..જે સાચું હોય એજ કહેજે..સહેજે મને સારું લગાડવા ના કહીશ..તારા સ્વભાવ પ્રમાણે સીધો સ્પષ્ટ જવાબ..”
કામિની સોહમના પ્રશ્નનો જવાબ આપવા જાય ત્યાં કામિનીના મોબાઈલની રિંગ વાગી..એની રિંગ સાંભળી સોહમને આશ્ચર્ય થયું હસું આવ્યું. કામિનીએ ફોન ઉંચકતા જ બોલી “ પાપા હું સોહમની સાથે જ છું. અમે લોકો સાથે શોપિંગ માટે આવ્યા છીએ..હવે સીધા સોહમનાં ઘરે જ પહોંચીશું આપણે ત્યાં જ મળીએ..ઓકે..બાય પાપા..” કામિની કહે મારા મોબાઈલની રિંગ વાગી તું હસ્યો કેમ ? સોહમે કીધું અરે એ રિંગ મને કોઈ યાદ અપાવી ગઈ..હું બીજી દુનિયામાં જ ખોવાઈ ગયો..એ મોરની ટેહુંક કેવો મીઠો અવાજ..એટલે હસું આવ્યું કે સિટીની છોકરીને આવા નેચરના મીઠા ટહુકારા ગમે છે ? “ કામિની કહે “ સાચા મોર તો નથી જોવા મળતા પણ મોબાઈલ કંપની આવા મીઠા પક્ષીઓના અસલ અવાજ કોલર ટ્યુનમાં આપે છે..મને ખુબ ગમેલો બસ પસંદ કરી લીધો..”
સોહમે કીધું અમારે ગામ અમારી કેરીની વાડીમાં તો આવા અવાજ રોજ સંભળાય..મોર..પોપટ કોયલ..બુલબુલ.ફ્લ્યુટ બર્ડ બધા મને સાંભળવા મળે મેં તો નેચરના આવા અવાજ મારી સામે સાંભળ્યા છે..વાડીમાં મોરની કળા ..કોયલની કુહૂ બહુ સાંભળી છે .”
કામિની ખુશીથી ઉછળી પડી..”અરે વાહ કેટલી મજા આવે..પણ અમારે તો નથી.. ગામ.. નથી વાડી ક્યાંથી સાંભળું માત્ર ઝૂમાં જ જોયા છે બધા..બંધન અવસ્થામાં..તને તો કેટલી મજા આવતી હશે..મને બહુ મન છે વાડ઼ી જોવાની નેચર માણવાની..મને લઇ જઈશ ? “ સોહમે એક પણ સેકન્ડ વિચાર્યા વિના કીધું “ હું મોમ અને તલ્લીકા સાથે કાલે જ જવાનો છું..કાલથી નવરાત્રી શરૂ થાય છે ત્યાં અમારું પૂર્વજોનું મંદિર છે ત્યાં પૂજા કરી દીવા કરવાના છે.તારે આવવું હોય તો ચલ ઘરે જઈએ ત્યાં વાત થાય તો તારા પેરેન્ટ્સને પૂછી લે..મને કોઈ પ્રોબ્લેમ નથી..ત્યાં ખુબ મજા આવશે ત્યાંના લોકો પણ ખુબ ભોળા પ્રેમાળ અને સરળ છે..” કામિની ખુશ થઇ ગઈ..બોલી “ હું પૂછી લઈશ પણ હું આવીશ..નવરાત્રી છે એમ પણ ખુબ ગમશે..”.. સોહમ કોઈ ઊંડા વિચારમાં પડી ગયો એના હોઠ પર સ્મિત આવી ગયું..
વધુ આવતે અંકે પ્રકરણ-83 અનોખી સફર…