પ્રકરણ -90
અનોખી સફર
સોહમે ગામ નજીક આવતા જ એની મર્સીડીઝ કાર દિગુકાકાથી આગળ કરી દીધેલી..એના મનમાં વિચાર આવ્યો કે હું અંદરના નેરિયાવાળા કાચા રસ્તેથી શોર્ટકટમાં ફળિયામાં જલ્દી પહોંચી જઉં અને એ જલ્દી પહોંચવાની ઉતાવળમાં કાચા રસ્તે નેળીયામાં ઘુસ્યો..એના કાર ચલાવવામાં પણ અધીરાઈ પહોંચવાની જણાઈ આવતી હતી..કામિનીની નજર સતત ગામ તરફ જ હતી… શરૂઆતમાં થોડું જંગલ જેવું આવ્યું..બધું ચારેકોર લીલું લીલું..લીલોતરી..મોટા મોટા વૃક્ષો ..ધીમો ઠંડો પવન વાઈ રહેલો..અત્યારે બપોરના સાડાબાર જેવું થયેલું..છતાં ગરમી વર્તાતી ન હોતી..ખુશનુમા વાતાવરણ હતું..કામિનીએ કહ્યું “ સોહમ તારું ગામ હવે સાવ નજીક લાગે છે બરાબરને ?” સોહમે કીધું “ હા તારું અનુમાન સાવ સાચું..મારું ગામ હવે નજીક છે..” કામિનીએ કહ્યું” તારી આ અધીરાઈએ મને ખબર પડી ગઈ..તને વિશ્વાને મળવાનું ખુબ મન છે.. સમજુ છું..સાચું કહું મને પણ…સોહમ અહીં ગામની હવા જ જુદી છે અત્યારે બપોર શરૂ થઇ ગઈ છતાં પવન હળવો પણ કેવો મીઠો ને ઠંડો છે કહેવું પડે..ના શહેર જેવો કોઈ ઘોંઘાટ..ના ભીડ..ના પોલ્યુશન..મસ્ત છે..” સોહમે કીધું “ ગામની વાત જ નિરાળી છે..અહીંની આબોહવા..ધરતી..વનસ્પતિ..પાણી અને નરમ પ્રેમભર્યા..ખુબ વિશ્વાશ કરનારા અને વિશ્વાસપાત્ર છે..અહીં લોકો તમારા પર જે કંઈ કહો તરત ભરોસો મૂકી દે..કોઈ શંકા નહીં કોઈ સામો પ્રશ્ન નહિ..અજબ વ્યવહાર છે અહીંનો બધો..”
કામિનીએ સોહમને શાંતચિત્તે સાંભળ્યા કર્યો..એને એવો એહસાસ થયો જ કે સોહમ સાચું બોલે છે..અહીંની હવા જ જુદી છે..કેટલી બધી સમૃદ્ધ ધરતી અને વાડીઓ છે..શાંતિ કેટલી છે..એ ચાલતી કારમાંથી બધું જોઈ ખુબ આકર્ષિત થઇ રહી હતી..” અને ત્યાં ગામનું બ્રાહ્નણ ફળિયું આવ્યું અને સોહમે કાર એના ઘર પાસે ઉભી રાખી..પણ એની નજર તો સામે ઘર તરફ જ હતી કે હમણાં વિશ્વા..ત્યાં એ ઘરની જાળી ખુલી અને ઘરમાંથી વિશ્વા દોડીને બહાર આવી એ કાર તરફ જોઈને જ આવી રહી હતી..ઘરના દરવાજેથી કાર સુધી પહોંચવા આવી પહેલાં એની નજર કામિની ઉપર પડી અને એ દોડતી એકદમ જ અટકી..એ પડતા રહી ગઈ..એનાં ચહેરાં પર આષ્ચર્ય અને આઘાતના હાવભાવ હતા..એનાં દિલમાં ધ્રાસ્કો પડ્યો કે સોહમ આ કઈ છોકરી સાથે આવ્યો ? અને બીજું કોઈ કેમ સાથે નથી ? એ અટકી હતી ત્યાંથીજ અચાનક પલ્ટી એના ઘર તરફ દોડી..એની આંખમાં આંસુ હતા અને બૂમ પાડી ઉઠી..” માં..માં…”
સોહમને અંદેશો આવી ગયો.. એ ઝડપથી કારમાંથી નીચે ઉતર્યો અને એ પણ બૂમ પાડી ઉઠ્યો “ વિશ્વા..વિશ્વા…વિશુ..” વિશ્વાની પીડાવાળી બૂમ સાંભળીને એની માં વીરબાળાબહેન બહાર દોડી આવ્યા અને વિશ્વા એમને વળગી ગઈ..ત્યાં સુધીમાં કામિની પણ કારમાંથી બહાર નીકળી ગઈ હતી..વીરબાળાબહેન પણ કામિની અને સોહમને સાથે એકલા જોઈ કોઈ વિચારથી થથરી ગયા..સોહમ એમના તરફ આગળ વધ્યો..વિશ્વા દોડીને ઘરમાં ગઈ અંદરથી સોહમ અને કામિનીને જોઈ રહી હતી..સોહમ વીરબાળાબહેનની પાસે જઈ વળીને પગે લાગ્યો અને પૂછ્યું “ કેમ છો માસી ? પણ વિશ્વા આમ અચાનક અંદર કેમ જતી રહી ? “ કામિનીએ જોયું કે સોહમ કોઈ વડીલ બહેનને પગે લાગ્યો જે કદાચ વિશ્વાની મમ્મી જ હશે એટલે એ પણ માંન આપવા વીરબાળાબેનને પગે લાગવા ગઈ..વીરબાળાબહેન થોડા સંકોચ સાથે પાછા ખસી ગયા..વીરબાળાબહેને જયશ્રીકૃષ્ણ કહીને આવકારી..ત્યાં દિગુકાકાની કાર પણ આવી ગઈ..સોહમે કીધું “ માસી આ કામિની મારા પાપાના ખાસ મિત્ર શ્રોફ અંકલની દીકરી છે એ અહીં દર્શન પૂજા કરવા અને ગામ જોવા..ખાસ તો વિશ્વાને મળવા..વળી મારી બહેન તલ્લિકાની ખાસ સખી છે..દિગુકાકાની કાર આવેલી જોઈ કીધું લો આ લોકો પણ આવી ગયા..”
દિગુકાકા કુસુમબેન નલીનીબેન તલ્લીકા બધા કારમાંથી ઉતર્યા..કુસુમબેન ઉતરી પોતાના ઘરમાં જવા ગયાં અને દિગુકાકાએ ટકોર કરી “ કુસુમભાભી વીરબાળા ક્યારની આપણી રાહ જોતા હશે પહેલા મહેમાનની ઓળખાણ આપીયે..મળીયે પછી ઘરમાં જઈએ.” કુસુમબેન ટકોરથી થોડા ઝંખવાયા અને બોલ્યા..” સોરી..હા હા ચલો મળીયે “ બધા સામે ઘેર પહોંચ્યા ત્યારે વિશ્વા અંદરથી નીકળી બહાર એની મમ્મી પાસે ઉભી રહી હતી..કુસુમબેને કીધું “ વીરબાળા આ નલીનીબેન અમારા ફેમિલી ફ્રેન્ડ છે એમના મિસ્ટર નવીનભાઈ આપણી ઓફિસમાં સાથે છે તેઓ સીએ છે. આપણે ખાસ સબંધ છે… એમણે ખાસ સબંધ ઉપર ભાર મુકેલો..આ કામિની એમની દીકરી છે..હું એ લોકોને નવરાત્રીની પૂજા અને ગરબા માટે ગામ લઇ આવી છું..પછી બોલ્યા..વીરબાળા અમે તમને ખુબ તકલીફ આપીએ છીએ..આટલા બધાની રસોઈ તમે એકલા પંડે કરી..” ત્યાં દિગુકાકાએ કહ્યું “ વીરબાળા અને ધર્મેષતો આપણા કુટુંબી જેવાજ છે એમને ત્યાં તો બધો હક્ક જતાવાય એવો સબંધ છે..” ત્યાં પશાકાકાને ધર્મેશભાઈ બંને સામેથી આવ્યા.. ધર્મેશભાઈના ચહેરા પર આનંદ માતો નહોતો બોલ્યા “ આવી ગયા તમે ..? મહેમાન પણ છે ..કામિની અને તલ્લીકાને જોઈ કીધું “મારી વિશ્વાને સહેલીઓ મળી ગઈ..પછી તલ્લીકાને જોઈ બોલ્યા..તું તલ્લુ છેને..તલ્લીકા કેટલી નાની હતી એકવાર આવી હતી..હવે મોટી થઇ ગઈ ઓળખાય પણ નહીં..પણ તારો ચહેરો મમ્મીને મળતો આવે છે એટલે મને ઓળખાઈ ગઈ..પછી નલિનીબેનને જોઈ કીધું આવો આવો બહેન.. બહુ સારું કર્યું તમે આવ્યા..દીગુભાઈએ કીધેલું મને ફોનમાં કે મહેમાન આવવાના છે આ નવરાત્રીમાં..ખુબ મજા આવશે..આવો..”
દીગુભાઈએ કહ્યું “ ધર્મેશ અમે હમણાં જ આવ્યા છીએ બધા ઘરમાં જઈ ફ્રેશ થઈને આવીએ..રમલી આવી છેને વીરબાળા ?” વીરબાળાબહેને કહ્યું “ હા રમલી આવી છે ઘરમાં જ છે કાંઈ કામ કરતી હશે..” કામિની આવી ત્યારથી વિશ્વાને જ જોયા કરતી હતી..વિશ્વા પણ ખુબ સુંદર દેખાતી હતી..એણે સુંદર ઘેરવાળું લાબું સ્કર્ટ અને લાંબી ફુગ્ગા બાંય વાળું શર્ટ..લાંબો ચોટલો ગૂંથેલો એમાં લાંબો મોગરાકળીનો ગજરો..હાથમાં લાલ લીલી કાચની બંગડીઓ , પગમાં ભારે ભરેલા કલાકૃતિવાળા ઝાંઝર , કપાળમાં લાલ ચાંદલો..ગૌર વર્ણન દેહ પર તેજ..એ દોડી હતી એટલે કપાળમાં પ્રસ્વેદબિંદુ ચળકતા હતા..કામિનીએ વિશ્વાને જોયા પછી સોહમ તરફ જોયું..સોહમ વિશ્વાને જ એકધારો જોઈ રહેલો..કામિનીએ વિશ્વાને જોઈને સમજીજ લીધું..વિશ્વા ખુબ સુંદર છે ખુબ..એનામાં આગવું કોઈ તેજ છે..થોડી ચંચળ લાગે છે પણ સોહમ દિલ આપી બેસે એમાં કોઈ નવાઈ નથી..કામિનીએ વિશ્વાને હાય કીધું અને બોલી “ વિશ્વા તું ખુબ સુંદર છે..હું જાણે તને જ મળવા આવી છું. હું ફ્રેશ થઈને આવું પછી શાંતિથી મળીએ..” વિશ્વાએ કહ્યું “ ભલે આવો પછી હું ઘરમાં જ છું આમ પણ જમવાનું અહીં જ છે ..આવો પછી..મને પણ ખુબ ગમશે..” એમ કહી સોહમની સામે જોયું..પછી હસી..સોહમ એને હસતી જોઈ રહેલો..વીરબાળાબહેને કીધું “ બધા ફ્રેશ થઈને આવો..અમે રાહ જોઈએ..”.
ત્યાં રમલી બહાર આવી સામાન કારમાંથી લેવા લાગી..સોહમે કીધું “ બાકીનો સામાન હું લાવું છું તમે એટલું લઇ જાવ રમીલાબેન..” રમલી રમલી સાંભળ્યા કરતી રમલીને આજે સોહમે રમીલાબેન કહી બોલાવી બહુ ગમ્યું એ હસતી હસ્તી બધો સામાન અંદર લઇ જવા લાગી. દીગુભાઈ સાથે બધા અંદર ઘરમાં ગયા.. વીરબાળાબેન પણ અંદર તૈયારી કરવા ગયા..એમણે વિશ્વાને પણ અંદર બોલાવી..પણ વિશ્વાએ કહ્યું “ હું આવું.. માં ..પાંચ મિનિટ બધું તૈયાર તો છે આ લોકોને આવવાતો દે..હું..” સોહમ વિશ્વાની નજીક આવ્યો..એ તકની રાહ જ જોતો હતો..વિશ્વા હસી પડી બોલી “ ચલ પાછળ વાડામાં જઈએ..પછી જમવાનો સમય થશે માં નહીં મળવા દે..”
સોહમે કીધું “ ચલ” અને બંને પાછળ વાડા તરફ દોડી ગયાં …..
વધુ આવતા અંકે…પ્રકરણ-91